- ReadGujarati.com - http://www.readgujarati.com -

હોડી તેજતરાપે તરે – દર્શના ધોળકિયા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘પરિચયપર્વ’ એ કેટલાક પરિચયોનો ગુલદસ્તો છે. લેખિકાના જીવનમાં આવેલા મહાનુભાવો તેમજ સ્વજનો, મિત્રોના જીવનને બારીકાઈથી નિહાળતાં તેમાંથી જે કંઈ પ્રાપ્ત થયું, તેનું ટૂંકા ચરિત્રોરૂપે અહીં આલેખન કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

તેમની સાથેના સંબંધનું નામ પાડીને કહું તો તેઓ મારાં મોટાં બહેન. એમનું નામ કુંજલતાબેન અંજારિયા. મારાં એક માત્ર ફોઈની એક માત્ર પુત્રી. મારી સાતેક વર્ષની ઉંમરે, બહેનના પિતા મૃત્યુ પામ્યા ત્યારે, પહેલવહેલી વાર મને ખબર પડેલી કે અમારા બંનેના પિતા જુદા હતા. એ વાત ત્યારે કેટલી તો આઘાતજનક લાગેલી !

નાની બહેન સાથેની આટલી નિકટતાનું કારણ બહેનનું બાળપણ મારાં દાદી ને એમનાં નાની પાસે, અમારા ઘરમાં વીત્યું એ હતું. માત્ર અઢી વર્ષની વયે બહેને માતા ગુમાવી. મામા અને વિધવા નાનીની નિશ્રામાં બહેનનું બાળપણ આરંભાયું. વિધુર થયેલા પિતાનો મૂક પ્રેમ પશ્ચાદભૂમાં ઝરણાની જેમ વહેતો રહ્યો. માંડ નવની ઉંમર સુધી આ કહેવાતું સુખ ટક્યું ને નાની પર મૃત્યુનો પંજો ફરી વળ્યો. બહેનનું બીજું વૃક્ષ તૂટ્યું ને ફરી નવા આશ્રયે રહેવાનું થયું – કાકાને ઘેર.

મારા પિતાનું લગ્ન એ સમયે જ થયેલું. મારી માતાએ બહેનની ‘મામી’ની ભૂમિકામાં પગ મૂકેલો. લોકસાહિત્યમાં ને સમાજજીવનમાં બહુ જ ચવાયેલા-ગવાયેલા-વગોવાયેલા મામી-ભાણેજના સંબંધો કરતાં અહીં કંઈક જુદું જ ઘટ્યું. માતાની પિતા સાથે ગંઠાયેલી ગાંઠ પિતાની આ પ્રિય વ્યક્તિ સુધી આમરણ મજબૂત બનીને ગંઠાતી રહી. આજથી સાઠેક વર્ષ પહેલાંનો એ સમય. બાળલગ્નનું પુરજોશમાં પ્રચલન. બહેન તો પાછાં આધાર વિનાનાં. કુટુંબીજનોએ લગ્ન લેવાનું વિચાર્યું ને માત્ર ચૌદ વર્ષની કાચી વયે નામ ને સ્થાનમાં મોટા કુટુંબના પુત્ર સાથે બહેનનું જીવન જોડાયું. જીવનમાં જાણે રોશની ઝળહળી, જેનાં કિરણોનો પ્રકાશ જામિયા મિલિયા ઈન્ટિટ્યૂટમાં ભણતા પતિના થોકબંધ પત્રોની બહેન પાસે બંધ પડેલી પોટલીમાં સચવાયેલાં સ્મરણો રૂપે સ્થિર થઈને સચવાયેલો દૂરથી જોયો છે. એ પત્રોની અંદર ડોકિયું કરવાની તો હિંમત જ ક્યાંથી ચાલે ? તેર જ વર્ષનું તંતોતંત પ્રસન્ન દામ્પત્ય, એનાં સુફળ જેવાં બે વિરલ સંતાનોમાં વિસ્તર્યું ને બનેવીને થયેલા કૅન્સરે કરીને શેતરંજીની જેમ વીંટાયું જેની ગડીમાં બહેનની 14થી 27 વર્ષની જિંદગી સંકેલાઈ.

ફરી શરૂ થઈ એકલયાત્રા. જેમાં સાથીદારી હતી મહર્ષિ અરવિંદના અધ્યાપનકાળમાં તેમના શિષ્ય રહી ચૂકેલા ધીર પિતાની, ખડતલ મામા, સ્નેહાળ મામીની ને બે પ્રેમાળ મોટા ભાઈઓની. આટલી નૌકાઓ બાદ કરતાં સંસારસાગરના ખારા જળમાં બાથોડિયાં ભરવાનાં હતાં. પિસ્તાળીસેક વર્ષ પહેલાંના એ સમયની વિધવા પર શું ન વીતતું ? એક વર્ષનો ખૂણો, જાણે અંધારપટ ! જીવન વિશે હાથ જ ધોઈ નાખવાના. મનમાં ઘોળાતી એકલતાને મનમાં જ ઘૂંટવાની. ઘુમ્મટની આડશમાંનાં ધ્રુસકાંથી ફરફરતું વસ્ત્ર જોઈ શકનાર જ એના દુઃખને અનુમાની શકે. આ તો અંગત વ્યથા. બાકીના કોઈની એમાં કોઈ ભાગીદારી નહીં. આઠ વર્ષના પુત્ર ને ત્રણ વર્ષની પુત્રીની આંખોમાં વંચાતા અનુત્તર પ્રશ્નોના ઉત્તર શોધવાના ને અનેક પ્રશ્નોમાં મુકાવાનું !

પણ જીવનમાં ફૂંકાયેલા આ ઝંઝાવાતની વચ્ચે આંતરસંવિદના જોરે બહેનનું જીવનપુષ્પ વિકસતું રહ્યું ને એના પરિમલને વિસ્તારતું રહ્યું. કોઈ વાદના ઓઠા વિના જ આધુનિક પિતાએ બહેનનાં શિક્ષણને આગળ વધાર્યું એ સમયે બી.ટી. તરીકે ઓળખાતો ટ્રેનિંગ કોર્સ કરાવીને પુત્રીને પગભર કરી. એ માટે પુત્રીને જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં ત્યાં પિતા સાથે રહ્યા. એ સમયના મધ્યમવર્ગીય નાગર પરિવારના આ વૃદ્ધ પાસે આર્થિક સગવડો તો શું હોય ? હતું એમનું આછું-પાતળું પેન્શન. પોતાની એ એકમાત્ર આવક પિતાએ પુત્રને અર્પણ કરી. બંને મોટા પુત્રોની એમાં પૂરી સંમતિ. પુત્રોનું પોતાનું મોટું કુટુંબ તે છતાંય સંતાનો સાથેની બહેન એમાં ક્યાંય સમાઈ ગઈ ! ભાઈ-બહેનના સંતાનોના કિલ્લોલથી વૅકેશનમાં ભાઈઓનું ઘર ગાજી ઊઠતું ને કોણ કોનું બાળક-ના ભેદભાવ વીસરાઈ જતા. વર્ષો પછી આર્થિક રીતે સંપન્ન થયેલાં બહેને પિતાના પેન્શનની પોતે વાપરેલી પાઈએ પાઈનો હિસાબ કરીને એ સમયના છ હજાર રૂપિયાનો ચેક મોટાભાઈને મોકલેલો ત્યારે પણ મધ્યમવર્ગીય સંયોગોમાં જીવતા વિશાળ દિલના ભાઈ માટે આ ચેકનો સ્વીકાર કરવાનું કપરું થઈ પડેલું ! સામાન્ય સ્થિતિના શિક્ષક પિતાના અસામાન્ય સંસ્કારોએ આપેલી આ મીઠી મૂંઝવણો ને કપરી કસોટીઓ હતી ! પગભર થતાંવેંત દોઢ રૂમની ઓરડીમાં બહેને સ્વતંત્ર જીવન આરંભ્યું. આછી-પાતળી આવક, બંને બાળકોનો અભ્યાસ, છ કલાકની નોકરી. પ્રેમાળ સાસુ, હર્યુંભર્યું ફળિયું ને વર્ષોથી ઘરકામ કરતાં પ્રેમાળ વૃદ્ધાની હૂંફથી આ સંયોગો પસાર થઈ શક્યા. ઉજ્જવળ કારકિર્દી ધરાવતાં બાળકોને પોતાના વિકટ સંયોગોથી બહેને હંમેશાં દૂર રાખીને તેમનો માર્ગ નિષ્કંટક બનાવવામાં અપાર આંતરિક ને બાહ્ય લડાઈઓ લડી. પિતા પાસેથી વારસામાં મળેલી અનાસક્તિએ કરીને આગવાં બાળકોની માતા હોવા છતાં બાળકો પ્રત્યેના વ્યામોહથી બહેનને હંમેશાં છેટાં રહેલાં જોયાં છે. જે શાળામાં બહેનની શિક્ષિકા તરીકેની નોકરી હતી તે જ શાળામાં તેજસ્વી પુત્રીનું શિક્ષણ ચાલેલું. પુત્રીની પ્રશંસા કરતા સ્ટાફને છેક છેલ્લે ખબર પડી કે સૌની પ્રિય વિદ્યાર્થીની એમના સિનિયર કલીગની જ પુત્રી હતી !

મૅટ્રિક પછી પુત્ર અભ્યાસ અર્થે બહાર ગયો ત્યારેય આર્થિક ભીંસ તો હતી જ. પણ તેના વિદ્વાન પ્રાધ્યાપકોએ તેનું હીર પારખીને તેને હાથમાં લીધો. સ્વજનોને ઘેર રહીને ભણતા પુત્ર ઉપર એ ઘરોના કામકાજની જવાબદારીય રહેતી. એનાથી થાકીને એક વાર પુત્રે માતાને પત્રમાં કાંઈક ફરિયાદ લખેલી. એ અંગે બહેનનો પુત્રને પ્રત્યુત્તર મળેલો જેમાં જીવનની આવી ફરિયાદોને લક્ષમાં ન લેવાની સલાહ હતી તેમજ ફરીથી આવો પત્ર ન લખવાની કડક ચેતવણીય હતી ! માત્ર સોળ વર્ષની ઉંમરે પહેલી જ વાર ઘર ને એકલી માતાને છોડીને ભણવા જતી પુત્રીની આંખોમાં બસ ઊપડવાની ક્ષણે ભીનું તોરણ બંધાયેલું જોઈને સ્વસ્થતાથી એનો સામાન ચઢાવતાં બહેનને કહેતાં સાંભળેલાં : ‘ભણવા જવું ને ઢીલા પડવું એ વળી શું ? એમ કરવું હોય તો ઊતરો હેઠાં !’ અકાળે આવી ચઢેલું વૈધવ્ય, આર્થિક સંકડામણ ને સમાજજીવનની ઘોર વિષમતાઓની વચ્ચે અટવાયેલા રહેવા છતાં બહેનની પ્રસન્નતાને ક્યારેય અળપાયેલી જોયાનું સ્મરણ નથી. એક શિક્ષક તરીકે તેમનો પ્રેમાળ વ્યવહાર તમામ વિદ્યાર્થીનીઓને સમાન રીતે આકર્ષતો. સ્ટાફના કોમન રૂમમાં બહેનની ઉપસ્થિતિ સૌ ઈચ્છતાં. સહકાર્યકરોના જીવનની ગૂંચો ઉકેલવામાં બહેને કરેલી મદદને આજેય સૌ કૃતજ્ઞતાપૂર્વક સ્મરે છે. પોતાના વિષાદને વટાવીને બહેનનું થયેલું વિસ્તરણ સૌમાં વિસ્મય પ્રેરતું. પોતાના પડોશમાંય બહેન છવાઈ ગયેલાં. મારી પાંચ વર્ષની વયે મારા પિતાનું નિધન થયેલું ત્યારે મારી એકલતાને બહેન જ સમજી શકેલાં. રોજ રાત્રે તેઓ મને પોતાને ઘેર લઈ જાય. ત્યાં નાનાંમોટાં બાળકોનું ટોળું મને ઘેરી વળે. બહેનનાં સાસુ અમને ભાવતું રાંધીને ખવડાવે. રાત્રે શિવમહિમ્ન ગવાય. બધાંની ઠઠ્ઠા-મશ્કરી થાય, ઓટલાદાવ-થપ્પો રમાય ને હું સભર થઈ જાઉં. આ બધાંના મૂળમાં બહેને સૌ સાથે બાંધેલો પ્રીતનો માળો. એ માળામાં સૌને આશ્રય મળે. આશ્રય વિનાની વ્યક્તિએ આપેલો આશ્રય !

પરિસ્થિતિ પરિવર્તન પામતી ગઈ ને બહેનનો પુરુષાર્થ પાંગરતો ગયો – ફળતો ગયો ને જીવનની વિષમતાઓ આનંદના રૂપમાં ફેરવાતી ગઈ. સફળતાનાં શિખરો સર કરતા પુત્ર સાથે બહેનના દેશ-વિદેશના પ્રવાસો થતા રહ્યા. જીવનનું કહેવાતું સુખ સાંપડતું રહ્યું. પુત્ર, પુત્રી, પુત્રવધૂનું શ્રવણત્વ મહોરતું ગયું ને એમની કાવડમાં બહેન ઊંચકાતાં રહ્યાં પણ એ કાવડમાં બહેને પલાંઠીની મુદ્રા ધારણ કરવાને બદલે પોતાના પગ ધરતી પર જ રાખ્યા – પેલી અનાસક્તિની સહાયથી. આજે છ્યાશી વર્ષની યાત્રા પસાર કર્યા પછી ટટ્ટાર ઊભેલી મારી આ બહેનને જોતાં પ્રશ્ન થાય છે, ક્યાંથી મળી આ જીવનાભિમુખતા ? કયા રસથી પોષાઈ આ વૃક્ષની ભૂમિ ? મોતીના દાણા જેવા અક્ષરોથી પત્રો લખતાં, સૌના જન્મદિને પ્રથમ યાદ કરતાં, રાતોની રાતો ખૂટે નહીં તેવી ને તેટલી વાતો કરતાં બહેન પાસેથી તેમણે ગાળેલી એકાંત રાત્રિઓ, હાંફી જવાય એવા દિવસોનું એક પણ સ્મરણ સાંભળ્યાનું યાદ નથી.

તાજેતરમાં એક મોટા ઑપરેશનમાંથી તથા છેલ્લાં પાંચ વર્ષથી પીડાકારી બીમારીમાં પસાર થતાં રહેલાં બહેનના ચહેરા પરની પીડા પર હંમેશની પ્રસન્નતા વિજયી થઈને ગોઠવાયેલી જોતાં તેમને પૂછી બેસું છું : ‘આવી દરેક પીડાઓ તમારાથી કેમ વેઠી શકાઈ ?’ કંઈક ભૂતકાળમાં ખોવાઈને તેઓ જણાવે છે : ‘આજે મને સંતોષ છે. મારાં નાની (એટલે કે મારાં દાદી) નાનપણમાં મને કહેતાં : ‘મારી બબી બધું જ સહી શકે તેવી છે. તે કદી દુઃખી નહીં થાય.’ મને લાગે છે કે તેમની શ્રદ્ધા ઈશ્વરકૃપાથી હું સાચી પાડી શકી છું. મને ક્યારેય ગમોય નથી આવ્યો ને અણગમોય. જે સંયોગો સાંપડે છે તેમાંથી કેવી રીતે શાંતિ મળે તેની તારવણી હું તરત કરી લઉં છું.’

અમારા જીવનમાં વિભિન્ન ભૂમિકાઓ બહેને નભાવી છે : સંતાનોનાં માતા, ભાભીઓનાં નણંદ, મારાં બહેન, વિદ્યાર્થીઓનાં પ્રેમાળ શિક્ષક, કોઈનાં મકાનમાલિક, કોઈનાં પડોશી – આ સૌ ભૂમિકા એકસરખી રીતે સર્વાશ્લેષી બનીને ભજવાઈ છે. આજે આગળનો સંદર્ભ પકડીને કોઈ મને પૂછે છે : ‘કુંજલતાબહેન તમારાં બહેન થાય ?’ હું ‘હા’ પાડું છું ને સામેના ચહેરા પર મને કુદરત તરફથી કશુંક વધારે મળ્યાનો ભાવ લીંપાતો જોઈને મારા જીવનનો આ પરિચય મને પર્વ સમો ભાસે છે.

[કુલ પાન : 197. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]