- ReadGujarati.com - http://www.readgujarati.com -

નામકરણનું રાજકારણ – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક ઓગસ્ટ-2011માંથી સાભાર.]

પત્નીનાં અવસાન પછી શેઠ દીનાનાથ સાવ એકલવાયા થઈ ગયા. પત્ની હતી ત્યાં સુધી બેઉને એકમેકનો આધાર હતો. આમ તો બબ્બે દીકરા હતા, પણ એક સ્થાયી થઈ ગયો હતો અમેરિકામાં અને બીજો ઓસ્ટ્રેલિયામાં. દીનાનાથજી હવે ઘણી વાર વિચારતા કે, જો વર્ષો જૂનો વિશ્વાસુ બુધિયો ન હોત તો પોતે શું કરત ?
‘બુધિયા, તું છે તો હું ટકી રહ્યો છું. નહીંતર હું ય તારી શેઠાણીની પાછળ જ ચાલી નીકળ્યો હોત !’
‘એવું હું બોલો છો હેઠ ! અમે તો તમારા રોટલા ખાઈને જ જીવતા છે.’ બુધિયો બે હાથ જોડીને ભક્તિભાવથી શેઠને કહેતો.

એવામાં એક દિવસ ગામમાંથી સમાજસેવી સંસ્થાના કાર્યકરો શેઠ પાસે પહોંચ્યા : ‘શેઠ, જમાનો કેવો આવ્યો છે ! જે મા-બાપે મોંમાંથી કોળિયો કાઢીને ખવડાવ્યો એમને છોડીને જતાં આજ-કાલના જુવાનિયાઓ ઘડીભર માટે ય વિચારતા નથી.’ પહેલાં તો શેઠને લાગ્યું કે, એ લોકો પોતાની જ વાત કરી રહ્યા છે. પણ હકીકતમાં તેઓ એક વૃદ્ધાશ્રમની દરખાસ્ત લઈને આવ્યા હતા. આમેય તે શેઠ દીકરાઓના વર્તનથી દુભાયેલા તો હતા જ ! મા જેવી મા મૃત્યુ પામી તો યે બેમાંથી એક્કેને ઘરે આવવાની ફુરસદ નહોતી મળી. એમાં વળી કાર્યકર્તાઓની રજૂઆત સાંભળીને શેઠનું હૈયું મીણની જેમ પીગળવા લાગ્યું. એમને થયું કે, મારા જેવા બીજા કેટલાય હશે જેમને ઢળતી ઉંમરે કોઈ સહારાની જરૂર હશે. આ સત્કાર્યમાં સાથ આપીશ તો એવા કેટલાય વયોવૃદ્ધ લોકોના આશીર્વાદ મળશે. ફૂલની પાંખડીની અપેક્ષાએ આવેલા કાર્યકરોના હાથમાં એમણે ફૂલોનો આખો ગુચ્છો જ મૂકી દીધો.

‘ઠીક ચાલો, મારા ફાર્મ હાઉસની પચાસ લાખની જમીન હું વૃદ્ધાશ્રમ બનાવવા માટે દાનમાં આપું છું.’ શેઠનો જયજયકાર થઈ ગયો. મંત્રીશ્રીને બોલાવીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભવ્ય કાર્યક્રમ યોજાયો અને ખાલી જમીન પર મોટું બોર્ડ લગાવી દેવામાં આવ્યું : ‘શેઠ દીનાનાથ વૃદ્ધાશ્રમ માટેની જમીન.’ શેઠના નામનું બોર્ડ બિચારું મહિનાઓ સુધી કે કદાચ એકાદ વર્ષ સુધી ત્યાં ને ત્યાં ખોડાઈ રહ્યું. ફક્ત જમીન મળવાથી શું થાય ? મકાન બનાવવા માટે ફંડ-ફાળા ઉઘરાવવાની કાર્યકર્તાઓ મહેનત તો કરતા હતા પણ બે પાંચ હજારના ટીપે ટીપે સરોવર ભરાય એમાં વાર તો લાગે ને ! નાનાં-નાનાં દાન તો ઘણાં મળતાં હતાં, પણ જો કોઈ મોટી રકમ આપનાર દાનેશ્વરી મળી જાય તો કામ ઝડપથી આગળ વધે. ત્યાં તો એક દિવસ –
‘સાંભળ્યું તમે ? ગઈકાલે રાત્રે ઊંઘમાં જ દીનાનાથ શેઠનું અવસાન થઈ ગયું !’
‘અરેરે, આપણી સંસ્થાને તો મોટી ખોટ પડી ગઈ. આપણા એક જ બોલ પર એમણે આટલી બધી જમીન આપી દીધેલી.’ હજી તો શેઠના ગયાનો અફસોસ પૂરો વ્યકત થાય ન થાય ત્યાં તો ખુશીના સમાચાર આવ્યા.
‘વૃદ્ધાશ્રમ માટે કનૈયાલાલ શેઠ 25 લાખ આપવા તૈયાર છે પણ એમનું નામ બોર્ડ પર લખાય તો જ.’
‘આમેય જે જૂનું બોર્ડ કેટલા વખતથી પડી ગયું છે એની કોઈને ખબરેય નથી. આટલા રૂપિયા મળતા હોય તો નવા બોર્ડ પર લખી દઈએ એમનું નામ. એમાં શું ?’

કારોબારીના સભ્યોની સંમતિથી નવા ચીતરાવેલા બોર્ડ પર લખવામાં આવ્યું, ‘શેઠ દીનાનાથ તથા શેઠ કનૈયાલાલ વૃદ્ધાશ્રમ.’ હવે મકાનનું કામ જોરશોરથી ચાલવા લાગ્યું. રહેવાસીઓ માટેના ઓરડા, રસોઈ ઘર, ભોજનખંડ, ટી.વી. અને લાઈબ્રેરી રૂમ, એક નાનકડું મંદિર – આ બધું જેમ જેમ બનતું ગયું તેમ તેમ વધુ ને વધુ નાણાંની જરૂર ઊભી થવા લાગી. વળી પાછા કાર્યકરો ખભે થેલો લટકાવી નીકળી પડ્યા. આ વેળા તો રાધેબાબૂને પકડવા જ પડશે.
‘આટલા મોટા વેપારી થઈને સાવ મુઠ્ઠી વાળી દો એ થોડું ચાલે ?’
રાધેબાબૂએ કંઈ વધુ રકઝક ન કરી, ‘દસ લાખ આપું તો ખરો, પણ મારું નામ ક્યાં ને કેવી રીતે મૂકશો ?’
‘અરે સાહેબ, મુલાકાતીઓ માટેના ખંડના દરવાજા પર આરસની તક્તી લગાવીશું. એમાં મોટા, સુવર્ણ અક્ષરે લખાશે – ‘સૌજન્ય : રાધેબાબૂ પરિવાર.’ રાધેબાબૂ ખુશ થઈ ગયા. ચાલો, બે નંબરનો પૈસો સારા કામમાં વપરાશે. વળી મોટો ફાયદો એ કે, મારું નામ અમર થઈ જશે. બધું લગભગ પૂર્ણતાને આરે પહોંચ્યું હતું. માત્ર કલાત્મક, ભવ્ય પ્રવેશદ્વારના પાંચ લાખ જ ઊભા કરવાના હતા. જિલ્લાના સાંસદશ્રી માટે એ કંઈ મોટી વાત નહોતી. એમને માટે તો આ ડાબા હાથનો ખેલ (કે મેલ ?) કહેવાય. એમ તો તેઓ ઉદાર હૃદયના હતા. એમણે કહ્યું :
‘સાંસદ નિધિમાંથી આ રકમ ફાળવવા હું તૈયાર છું. પણ એ માટે મારી બે શરતો છે. એક તો એ કે, ઉદ્દઘાટન મારા શુભ હસ્તે જ થવું જોઈએ અને બીજું, મુખ્ય પ્રવેશદ્વાર પર મારું નામ આવવું જોઈએ.’
‘એ તો એમ જ હોયને કિશનસિંહજી ! આપે કહેવાની જરૂર જ ન હોય. ઉદ્દઘાટન આપના કર-કમળથી થાય એમાં જ સૌની શોભા કહેવાય.’ કાર્યકર્તાઓએ લળી લળીને સાંસદશ્રીની ખુશામત કરી.

પ્રવેશદ્વાર તો સુંદર બન્યું જ હતું પણ એની પર ચમકતા, રૂપેરી અક્ષરોથી લખાયેલું, ‘માનનીય સાંસદ શ્રી કિશનસિંહજી.’ બહુ ધ્યાનાકર્ષક લાગતું હતું. નીચે સાવ ઝીણા અક્ષરે લખેલું હતું ‘પ્રવેશદ્વાર-સાંસદનિધિ દ્વારા’. પણ એ અક્ષરો એટલા ઝીણા અને ઝાંખા હતા કે, એ તરફ કોઈનું ધ્યાન જાય એમ નહોતું. એની નીચે એક કમાન બનાવીને એની પર લખવામાં આવ્યું હતું : ‘કનૈયાલાલ દીના વૃદ્ધાશ્રમ.’ કનૈયાલાલનું નામ આગળ લખવું જ પડે કેમકે, તેઓ હયાત હતા ને દીનાનાથનું ‘દીના’ થઈ જાય એનો વાંધો નહીં, એ તો હવે ‘નાથ’ પાસે પહોંચી ગયા હતા.

આ બધું નામનું કમઠાણ જે હોય તે પણ લોકો તો એને કિશનસિંહજી આશ્રમના નામથી જ જાણે છે. આ આખી વાત સાંભળ્યા પછી ય શું તમે કહી શકો કે, ‘વોટ ઈઝ ધેર ઈન એ નેમ ?’

(ડૉ. શશિ ગોયલની હિંદી લઘુકથાને આધારે.)