ક્યાંથી, ક્યાંથી…. આ સરવાણી ? – મહેશ દવે

[‘સંબંધના સરોવર’માંથી સાભાર.]

દરેકના મનમાં પોતાના વિશે એક છાપ હોય છે. મારા મનમાં પણ છે. હું માનું છું કે હું ખાસ ઊર્મિલ નથી. હું વધારેપડતો વિચારપ્રધાન (rational) છું. હું ક્યારેય વધુપડતો લાગણીશીલ બની બેસતો નથી. લાગણીઓનું પ્રદર્શન ન કરું અને લાગણીઓથી દોરવાઈ ન જાઉં. પરિસ્થિતિનાં પાસાં સમગ્રતયા તપાસું, તેનાં લેખાં-જોખાં મૂકું. બરાબર વિચારું ને પછી મારું મંતવ્ય પ્રગટ કરું તથા આચરણ કરું. આ તો થઈ મારી પોતાની છાપ, કદાચ સાચી ન પણ હોય. કમ સે કમ આજથી થોડાંક વર્ષ પહેલાં, છપ્પન વર્ષની વયે મને પોતાને મારી આ છાપ વિશે શંકા થઈ.

પ્રસંગ કાંઈક આમ બન્યો : થોડા વર્ષ પહેલાં, ચોક્કસ તારીખ જણાવું તો 20-07-1988ના દિવસે મારા મોટાં પુત્ર-પુત્રવધૂ અમિત-ગોપીને ત્યાં પુત્રી પ્રિયંકાનો જન્મ થયો. (અલબત્ત, પ્રિયંકા નામ તો પાછળથી પડેલું – તે વખતે તો ‘બેબી’) પહેલી વાર ‘દાદો’ બન્યો એટલે નર્સિંગહૉમમાં પૌત્રીને જોવા તો જવું પડે, એટલે ગયો; બાકી તરતના જન્મેલાં કે બે-પાંચ દિવસની વયનાં બાળકો જોવાં મને બહુ ગમતાં નથી. તરતનું જન્મેલું શિશુ એટલે – આંખની જગ્યાએ કાણાં હોય તેવી ચૂંચી આંખો, સરીસૃપ-લીંદરડા જેવા હાથ-પગ, પાતળા બિડાયેલા હોઠ, ઠેકાણા વગરના વાળ કે ટાલ, રુવાંટીભરેલું અંગ, લાલચોળ લોંદા-લોચાનું બાચકું – આવું લાગ્યું છે હંમેશાં મને, તરતના જન્મેલા કે એક-બે દિવસના બાળકનું શરીર ! વસ્ત્રના કોકડામાં વીંટળાયેલું આવું બાચકું લઈ ‘હુ….લુ….લુ….લુ…..’ કરી કે કાલી કાલી વાણીમાં આવડાક બાળક સાથે રમવા-રમાડવાની ચેષ્ટા કરનારા મને કદી સમજાતા નહોતા.

…પણ આજે એક દિવસની વયની ‘પ્રિયંકા’ને જોઈ મને કંઈક જુદું જ લાગ્યું. એણે સહેજ આંખ ઉઘાડી ને મને ‘ચમક’ દેખાઈ, સ્મિત જેવી ભાવચેષ્ટામાં તેના હોઠ સહેજ વંકાયા ને હાસ્યથી મારું મોં પહોળું થઈ ગયું, આંખો વિસ્ફારિત થઈ ગઈ. મારી જાતને ‘મેટર ઑફ ફેક્ટ-મૅન’ માનનારો હું એકાએક ભાવુક થઈ ગયો. સફેદ વસ્ત્રમાં લપેટાયેલી મારા હાથમાંની ઢીંગલી (પ્રિયંકા)નું મોં નજીક લઈને ચૂમવાનું મને મન થઈ આવ્યું, પણ મેં મારી જાતને રોકી. લાગણીનું પ્રદર્શન કરવું મને વરવું લાગ્યું, પણ મનોમન હૃદયનો ભાવોદગાર સંભળાયો : ‘ક્યાંથી…ક્યાંથી… સરવાણી આનંદ તણી?’ શું એ પોતાના લોહી તરફનું મમત્વ હશે ?

પ્રિયંકાના પ્રથમ દર્શને સ્નેહની ભીનાશથી જાણે હૃદય ગદગદ થઈ ગયું. લાગણીની બાદબાકી કરી હું બુદ્ધિથી ચાલું છું એવો મારો અભિગ્રહ જમીનદોસ્ત થતો લાગ્યો. ‘પોતાના લોહીના આકર્ષણની થિયરી’ ગળે ઊતરી નહીં. માતા-પિતા અને પુત્રો સાથે તો સીધો એ જ પેઢીનો લોહીનો સંબંધ છે, તેમને માટે આદર-પ્રેમ ખરો, પણ ‘પ્રિયંકા’ને નિહાળતાં જે અગમ્ય લાગણી થઈ તેવી લાગણી માતા-પિતા-પુત્રોથી અનુભવી નથી. અગમ્યનું રહસ્ય અગમ્યમાં શોધવું પડે. મને જુદો જ વિચાર આવ્યો. એવું ન બનતું હોય કે કોઈ-કોઈ વ્યક્તિ સાથે ઈશ્વરે ‘ફાઈન-ટ્યુનિંગ’ રચ્યું હોય અને તેવી વ્યક્તિના મિલનથી ભીતરમાં પડેલી કોઈ સુષુપ્ત સૃષ્ટિ જાગી ઊઠતી હોય ? એવું બન્યું હોય કે મારામાં જે ગર્ભિત રીતે પડેલું તે આ નાની ઢીંગલીને નિહાળતા આવિષ્કાર પામી સાકાર થયું ? મોડે મોડે છપ્પન વર્ષની વયે મારામાં ઊર્મિલતા પ્રગટી તેનું આવું કોઈ કારણ હોઈ શકે ?…. જવા દો એવા બધા અગમ-નિગમના રહસ્યમય તરંગો; મારે તો કરવી છે નાનકડી અમથી પ્રિયંકા સાથેના સંબંધોના તાણાવાણાની વાતો.

પ્રિયંકા ઘરે આવી. ચારપાંચ મહિનાની હશે, પણ રાત્રે એને ઊંઘાડવી એ ભારે કપરું કામ. અગિયાર-બાર વાગ્યા સુધી બધાંને જગાડે. જોકે તેને કારમાં ફરવા લઈ જાવ તો તરત ઊંઘવા માંડે, પણ રોજ રાતે કાંઈ કારમાં ફરવા લઈ જવાય નહીં. વળી, કારમાંથી એને બહાર લાવીએ, સુવાડવાની ગાદી સુધી તેને લઈ જઈએ, એ સખળ-ડખળ અથવા કાર કે ઘરનાં બારણાંનાં અવાજથી એ જાગી જાય તો બધી જહેમત પાણીમાં. એટલે મેં એક નુસખો અજમાવ્યો. બંગલાના બગીચામાં હીંચકા પર એક પગનો ખોળો બનાવી હું બેસું, ખોળામાં પ્રિયંકાને સુવાડું, બીજા પગથી ઠેસ મારી હીંચકો ચલાવતો જાઉં, કારમાં બેઠા હોઈએ એવું લાગે. ખુલ્લા, ભૂરા, વિશાળ આકાશમાં ઝબૂકતા તારલા ને ચાંદામામા પર પ્રિયંકાની આંખ મંડાઈ હોય, હીંચકાના ઠેકા સાથે હું ધીમા સ્વરે બાલમુકુન્દ દવેના ‘અજાણી લાલ’ના ગીતના ઢાળમાં ગાતો જાઉં :
તારા ધીમાધીમા આવો
તારા ટમટમ કરતા આવો
મારા પિન્કલાની આંખમાં સમાઓ, ઓ જી ચાંદાજી….
તારા ધીમાધીમા આવો….

પાંચસાત મિનિટ હીંચકો ને ગુંજન ચાલ્યાં નથી ને પ્રિયંકાબહેન સપનલોકમાં પહોંચ્યાં નથી. હીંચકા પરથી ઘરમાં ગાદીએ લઈ જવાનું પણ સહેલું પડતું. કોઈને થશે આ ‘પિન્કલા’ વળી ક્યાંથી આવ્યા. આપણી વહાલી વ્યક્તિનાં આપણે અનેક નામ પાડીએ છીએ, તેને કેટલાંય નામે બોલાવીએ છીએ. (મારા એક મિત્ર હાલતા ને ચાલતા ભગવાનને અનેક નામે બોલાવે છે, ‘એ મારા વહાલા, મારા લટુડા, પટુડા, નટુડા, ગટુડા, બટુડા….’ વગેરે. હરિનાં હજાર નામ આ રીતે જ પડ્યાં હશે કે ?) પ્રિયંકાને પણ હું અનેક નામે બોલાવું છું…. ‘પિન્કલ….પિન્કલા…..પિનુડી….. પી. પી. પન્હું…બચ્ચા’, વગેરે. હીંચકા પર સુવાડવાનો શિરસ્તો પ્રિયંકા એક-સવા વર્ષની થઈ ત્યાં સુધી ચાલ્યો. બેસતાં અને ચાલતાં પ્રિયંકા જરા મોડી શીખી. એની મમ્મીને એ નબળી લાગતી, મને એ નાજુક લાગતી. ઑફિસ સમય સિવાય પ્રિયંકા ને મારો અતૂટ સહવાસ. બેસતાં શીખી તે પછી મારી સાથે પૂજામાં બેસતી. હું પાંચ-દસ મિનિટ દીવો, અગરબત્તી, ફૂલ, પ્રસાદ, પૂજા કરું છું, ત્યારે હું ગાયત્રીમંત્ર બોલું. પ્રિયંકા બેસતાં-ચાલતાં મોડી શીખી, પણ પટ પટ બોલતાં વહેલી શીખી. હું મોટેથી ગાયત્રીમંત્ર બોલતો, એ સાંભળી એ પણ ગાયત્રીમંત્ર બોલતી થઈ. સ્પષ્ટ બોલે ને ઉચ્ચારો શુદ્ધ. પછી તો બીજા શ્લોક પણ બોલતી થઈ. અમે મંદિરમાં ગયાં હોઈએ ત્યારે દોઢ-બે વર્ષની પ્રિયંકાને શુદ્ધ સ્વરે મંત્ર ને શ્લોક બોલતી સાંભળી બીજા દર્શનાર્થીઓ આશ્ચર્યમુગ્ધ થઈ જતા. પ્રિયંકા બે-અઢી વર્ષની સમજણી થઈ પછી તેણે ભારે મુશ્કેલી ઊભી કરી. કોર્ટ વૅકેશન પછી (હું ન્યાયાધીશના હોદ્દા પર હતો) હું સાડાદસ-પોણા અગિયારે કોર્ટે જવા નીકળ્યો ને એણે કજિયો માંડ્યો…. ‘દાદુ ન જાવ, ન જાવ.’ મારી એ એટલી બધી હેવાઈ થઈ ગયેલી કે મને છોડે જ નહીં. તેને રડાવી મારે જવું પડ્યું…. પછી તો રોજ કોર્ટે જવાના સમયે તેને આઘી-પાછી મોકલી પછી જ હું જતો.

દર વૅકેશને ન્યાયાધીશોને ભારતમાં ગમે તે સ્થળે પ્રવાસ અને હરવા-ફરવાની સુવિધા મળેલી. તે રીતે હું ને જ્યોત્સના (મારાં પત્ની) વૅકેશનમાં પ્રવાસે ઊપડતાં ત્યારે ખરી કસોટી થતી. તૈયારીઓથી પ્રિયંકાને ખબર પડી જાય કે અમે જવાનાં ને એનો કજિયો શરૂ થઈ જતો, ‘દાદુ ન જાવ, ન જાવ.’ હું એને લાલચો આપતો, ‘તારા માટે આ લાવીશ, તારા માટે તે લાવીશ’, પણ રડતી-રડતી એ કહેતી, ‘મારે કશું નથી જોઈતું… બસ તમે ન જાવ દાદુ, તમે ન જાવ !’ એની મમ્મી પ્રિયંકાને ખેંચીને લઈ જતી અને મારા મનમાં ટાગોરના જાણીતા કાવ્ય ‘યે તે નાહિ દિબ’ (‘નહીં જવા દઉં’)ના પડઘા પડતા. તે કાવ્યમાં રજાઓમાં પોતાના વતન આવેલો નોકરિયાત પાછો નોકરીએ જોતરાવા તૈયાર થાય છે. ચાર વર્ષની તેની દીકરી એકલી બેઠી બેઠી પિતાના જવાની ધમાલ નિહાળે છે. હૃદય વિષાદથી ભરાઈ ગયું છે. મુખ મ્લાન થઈ ગયું છે. પિતાનો મારગ રોકી તે કહી ઊઠે છે, ‘નહીં જવા દઉં તમને’ લાચાર પિતાએ જવું તો પડે છે, પણ તેનું પિતૃહૃદય રડે છે : ‘અરે મારી ગર્વિલી દીકરી ! બારણાં પાસે બેસી, કેવળ સ્નેહના જોરે તું કોની સાથે લડી શકશે ?’

પ્રિયંકા નાની ત્રણ-ચાર વર્ષની હતી ત્યાં સુધી આસપાસ અમારી સોસાયટીમાં તેની ઉંમરનું કોઈ બાળક નહીં. આમે તે એકલસૂરી હતી. કોઈ સાથે ભળે નહીં. બહાર નીકળીએ કે સામાજિક પ્રસંગમાં જઈએ તો એની મમ્મી કે મને જ વળગેલી રહે. એના પપ્પા સાથે બહુ સારું, પણ એ તો એની ઑફિસ ને કામમાં જ વ્યસ્ત હોય, સાથે હોય જ નહીં. તેનાં જેવડાં બાળકો સાથે તેને હળતી-મળતી તો કરવી જોઈએ, નહીં તો એકાદ વર્ષ પછી શાળામાં જાય ત્યારે કોઈ સાથે ભળે જ નહીં ને ! અમારી સોસાયટીની પાછળ વંડી ઠેકીએ તો બીજી સોસાયટી છે – આર્થિક રીતે થોડા નીચા વર્ગની. ત્યાં એક રબારી કુટુંબ રહે. તેના ઘરમાં પ્રિયંકાની ઉંમરનાં ચારપાંચ છોકરાં ! મેં પ્રયોગ કર્યો. એ છોકરાંવને વંડી ઠેકાવી અમારા બંગલાના બગીચામાં લાવતો. પ્રિયંકાનાં ઢગલો રમકડાં ધરી દેતો. છોકરાં બધાં રમતાં. ઘરના કેટલાકને રબારીની ભાષા ને સંસ્કાર પ્રિયંકા પર પડે તે ગમતી વાત નહોતી, પણ પ્રયોગ સફળ થયો. પ્રિયંકા છોકરાંઓ સાથે ભળી, થોડી ‘સોશિયલ’ થઈ.

પ્રિયંકાને નિશાળનો બહુ શોખ હતો. સરસ મજાનું દફતર, કંપાસ-બૉક્સ, પેન્સિલો, પાટી – બધું ચાવથી તૈયાર કરેલું. એને નિશાળે મૂકવા હું અને તેની મમ્મી ગયાં, પણ નિશાળમાં દાખલ થયા ને કેટલાંય છોકરાં-છોકરીઓ ભેંકડો તાણતાં હતાં. તે ‘કૉરસ’થી પ્રિયંકાનું સ્વાગત થયું ને પ્રિયંકા પણ તે ‘કૉરસ’માં જોડાઈ ગઈ ! નિશાળનો શોખ ઊડી ગયો ને નિશાળ રડાવે તેવી જગા છે તે (અભિસંધાન) મનમાં પાકું થયું. પછી તો નિશાળે જવા તૈયાર કરીએ ત્યારથી રડવાનું ચાલુ થતું. મને કરસનદાસ માણેકનું ગીત યાદ આવતું, ‘તે દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં.’ સદભાગ્યે નજીકમાં બીજી સારી નિશાળમાં પ્રિયંકાને બદલી. તેનાં ‘હેડમાસ્ટર’ સરોજબહેન બહુ મજાના માણસ. એમણે પ્રિયંકાને પલોટી ને આજે પ્રિયંકા તેના વર્ગની સૌથી હોશિયાર બેત્રણ વિદ્યાર્થીઓમાંની એક છે. પ્રિયંકાને વાંચવાનો શોખ, તેની ભાષા બહુ સારી. અંગ્રેજી માધ્યમને કારણે ગુજરાતી બહુ ઓછું વાંચી શકે છે, પણ અંગ્રેજી સારું વાંચે છે ને અંગ્રેજી બોલે છે તો એવું કે મને પણ ક્યારેક શરમાવે.

પ્રિયંકા આઠેક વર્ષની હતી ત્યારે મારે બે વાર પરદેશ જવાનું બનેલું. ત્યાંથી તેને પિકચર-કાર્ડ્સ ને પત્રો મોકલતો. એ બધાં એ સાચવી રાખતી. બાળપણની મુગ્ધતા કેવી હોય છે ! તેને મૂકીને મેં ‘ડિઝની આઈલેન્ડ’ જોયું ત્યારે બહુ વસવસો થયેલો, પણ તેને આનંદમાં રાખવા ને આનંદ આપવા લૉસ એન્જેલસથી તેને ને ચાર વર્ષના પૌત્ર અમલને પત્ર લખેલો ને આખાય ‘ડિઝનીલૅન્ડ’નું સવિસ્તાર રોચક વર્ણન કરેલું. (એ પત્ર પછીથી પ્રવાસલેખ તરીકે ‘અખંડ આનંદ’માં છપાયેલો.) તેની શરૂઆત આમ હતી :

ડિઝની લૅન્ડ સે સબકો સલામ
દાદુ કા ખત અમલ-પિન્કા કે નામ
પ્રિય પિ….પિ….પિ…. પિન્કા ને
પ્રિય… ઢ….ઢ….ઢ…. ઢમલી (અમલને પત્ર પ્રિયંકા વાંચી સંભળાવે)
તમારે આવવું જોઈતું હતું ત્યાં હું આવી ગયો છું. બચ્ચાંઓને બદલે બુઢ્ઢો.
આવી ગયો ! આવ્યો તો ભલે આવ્યો, તેણે બચ્ચાંઓ તરફની ફરજ બજાવવી
જોઈએ. એણે આંખેથી જે જોયું, નજર સામે અનુભવ્યું અને માણ્યું, તે તેણે
શબ્દોથી બચ્ચાંઓને અપાવું જોઈએ. તેથી ડિઝનીલૅન્ડ વિશેનો કાગળ લખું છું.

પ્રિયંકાનો બાંધો ઘણાં વર્ષો સુધી નાજુક ને ઊંચાઈ ઓછી રહી. તેની મમ્મી બહુ ફિકર કરતી. મેં કહેલું છોકરાઓમાં કુમારાવસ્થા (adolescence) માં એકાએક નવા – સારા ફેરફાર થાય છે, ચિંતા ન કરીશ. હું સાચો પડ્યો છું. પ્રિયંકા આજે ઠીક ઠીક ઊંચી છે. ગૉટપીટ બોલે છે, મિમિક્રી કરે છે, તેની શાળામાં બોલવાનું હોય ત્યારે તેને ઊભી કરાય છે. જોકે શરીર તો એકવડું જ, પ્રમાણમાં એકલસૂરી ખરી, પણ she is in the world, of the world…. and of the present-day modern world. એની વાતો મને ગમે છે. મને ‘દાદુ, દાદુડી, દાદુઈ’ એવાં જાતજાતનાં નામથી બોલાવે છે. મને સલાહ આપે છે, ‘દાદુ મારા માટે બહુ ખર્ચ ના કરો. મારી પાસે બધું છે.’ જોતજોતામાં મારી નાની ઢીંગલી પંદર વર્ષની થઈ દસમા ધોરણમાં આવી ગઈ છે. સવારે હું ફૂલ વીણવા જાઉં છું ત્યારે જ્યાં આજે કળી હોય છે ત્યાં બીજે દિવસે વિકસેલું પ્રફુલ્લ ફૂલ નિહાળું છું ને મને વિસ્મય થાય છે. એવું જ વિસ્મય આજની વિકસેલી પ્રિયંકાને જોઈને થાય છે. કેટલી નાની હતી, કેવડી મોટી થઈ ગઈ !

વિશ્વ આનંદોથી ભરપૂર છે. તેમાં દુઃખો પણ એટલાં જ છે. ઘણી વાર થાય છે કે ઈશ્વરે દુઃખો વિનાનું જગત કેમ નહીં સર્જ્યું હોય ! મારી એને વિનંતી છે કે ઓછામાં ઓછું મારી પ્રિયંકાનું વિશ્વ સદા સુખી રાખે, દુઃખની છાયા પણ તેના પર ન પડે એવું કરજે. એ માટે હું સદા પ્રાર્થના કરતો રહીશ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ક્યાંથી, ક્યાંથી…. આ સરવાણી ? – મહેશ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.