પાનેતર – નીલમ દોશી

[ ટૂંકીવાર્તાના પુસ્તક ‘પાનેતર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી નીલમબેન દોશીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

[1] તરલ અને હીર

વરસો પછી તરલ અને હીર બંને બહેનપણીઓ સાવ જ આકસ્મિક રીતે મોલમાં મળી ગઈ. અને વચ્ચેનાં વરસો ખરી પડ્યાં. બંને એક જ સ્કૂલ અને એક જ કૉલેજમાં ભણ્યાં હતાં. તરલનાં લગ્ન પહેલાં થઈ ગયાં હતાં. ત્યારથી બંને અલગ પડ્યાં હતાં. તે છેક આજે….

તરલ ખેંચીને હીરને પોતાની સાથે ઘેર ઉપાડી આવી હતી. હીરની ગાડીમાં જ બંને તરલને ઘેર આવ્યાં હતાં.
‘હીર, પછી તેં લગ્ન કર્યાં કે નહીં ?’ હીરનાં લગ્ન ન કરવાના વિચારથી પરિચિત તરલે પ્રશ્ન કર્યો.
‘ના, હું મારા વિચારોમાં પહેલેથી કેટલી મક્કમ છું એની તને ક્યાં ખબર નથી ?’
‘તો શું કરે છે ? અંકલ, આંટી મજામાં ?’
‘તરલ, એ બંને હવે આ દુનિયામાં નથી રહ્યાં.’
‘ઓહ સૉરી હીર, તું એકલી થઈ ગઈ ! શું કરે છે આખો દિવસ ?’
‘અરે, અહીં સમય જ ક્યાં છે મારી પાસે ? એક અમેરિકન બેઈઝડ કંપનીની સી.ઈ.ઓ. છું. દુનિયાભરમાં ઊડ્યા કરું છું. તેં લગ્ન કરી લીધાં અને મેં યુ.એસ. જઈને સોફટવેરના કેટલાયે કોર્સ કર્યા. અને આજે આ જગ્યાએ પહોંચી છું. And what about you ?’

તરલે હસીને જવાબ આપ્યો : ‘હું અને મારો વર મારો આકાશ અમે બે અને અમારાં બે. નાની અસિમા અને મોટો અસીમ. બંને ભાઈ-બહેન મને ઊભે પગે રાખે છે. અને તે બેથી પણ જાય એવો ત્રીજો મારો પતિ.’
‘અરે, બસ બસ મારું ઘર આવી ગયું.’
આગળ નાનકડો બગીચો ને પોતાના જેટલો વિશાળ બંગલો તો નહીં પરંતુ સરસ મજાનું ઘર. બંને અંદર ગયાં ત્યાં જ નાનકડી અસિમા દોડીને મમ્મીને વળગી પડી. પણ સાથે કોઈને જોતાં સ્થિર બની ગઈ.
‘બેટા, આંટી છે, હીર આંટી. હેલ્લો કરો.’
અસિમા હીર સામે જોઈને હસી રહી. આમ પણ તેને કોઈ પાસે અજાણ્યું લાગતું નહોતું. હીરે આ મીઠડી છોકરીને ઉંચકી લીધી. અસિમાને આ જીન્સ પહેરેલ આંટી બહુ ગમી ગયાં. ત્યાં અસીમ પણ આવી ગયો.
‘હીર, તું પાંચ મિનિટ છોકરાઓ સાથે વાત કર. ત્યાં હું આ લોકોનું દૂધ અને આપણી પહેલાની સ્ટાઈલની સરસ મજાની કૉફી બનાવી આવું. ભાવશે ને ? કે પછી હવે તારા ટેસ્ટ બદલાઈ ગયા છે ?’
‘હા, બદલાયું તો ઘણું છે. પરંતુ આજે તો તારી સાથે ફરીથી એ જ દિવસોમાં શ્વાસ ભરવા છે. ઘણા સમય પછી આજે એ દિવસોની યાદ માણીશું.’

તરલ હસી પડી. સાથે સાથે હાથમાં પહેરેલી તેની બંગડીઓ રણકી રહી. હીર તરલ સામે જોઈ રહી. નેવી બ્લ્યુ રંગની સરસ મજાની સાડી, એવી જ બંગડીઓ, મેચીંગ બિન્દી, સેંથામાં જરાક અમથો સિન્દૂર, ગળામાં ઝગમગતું કાળું મંગળસૂત્ર – કુલ મળીને તરલ કેવી સરસ લાગતી હતી ! થોડી વારે તરલ કૉફી બનાવી આવી. ત્યાં સુધીમાં બાળકોને હીર આંટી સાથે દોસ્તી થઈ ગઈ હતી. અને ત્રણે ખિલખિલાટ હસી રહ્યાં હતાં. બાળકોને દૂધ આપી બંને બહેનપણીઓ નિરાંતે કૉફી પીવા બેઠી. હીરના એક હાથમાં રોલેક્ષની મોંઘી ઘડિયાળ, બીજા હાથમાં હીરાનું ડેલીકેટ બ્રેસલેટ ઝળહળતું હતું. પેન્ટ અને સ્લીવલેસ ટી શર્ટ તરલ જોઈ રહી. હીર તો જાણે આજે પણ કૉલેજમાં જતી છોકરી જ લાગી રહી હતી. થોડી વાર આડાંઅવળાં ગપ્પાં મારતાં જૂની વાતો યાદ કરી બંને હસી રહ્યાં.
‘હીર, આજે જમીને જ જવાનું છે. કોઈ બહાનું નહીં ચાલે. આજે આમ પણ આકાશનો બર્થ ડે છે. અને અમારો બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે.’
‘ઓહ રીયલી ? ઓકે તો ના નહીં પાડું. આજે તો પૂરા હક્કથી કબાબમાં હડ્ડી બનીશ જ. પણ હું તો સાવ જ ખાલી હાથે આજે આવી ચડી છું. ગીફટ વિના પાર્ટી મળશે ને ?’
‘ડોન્ટ વરી, ગીફટ ઉધાર રાખવામાં આવશે.’
અને બંને ખડખડાટ હસતી રહી.

થોડી વારે આકાશ આવ્યો. સ્માર્ટ, ઊંચો અને હસમુખો. તરલે હીરને ઓળખાણ કરાવી. આકાશ ખુશ થયો. થોડી વારે તૈયાર થઈને પાંચે બહાર નીકળ્યાં. તરલ મરુન કલરની ગોલ્ડન બોર્ડરવાળી સાડીમાં શોભી ઊઠી હતી. અસિમા તો જાણે નાનકડી પરી જ. આખે રસ્તે હીર સાથે મસ્તી કરતી રહી. બાળકોના કિલકિલાટથી હીર ખુશખુશાલ. કદાચ ઘણા સમય બાદ આમ મોકળા મને હસવા મળ્યું હતું. જમીને મોડી રાત્રે બધાં છૂટાં પડ્યાં. આજનો દિવસ ખૂબ સરસ રહ્યાના અહેસાસ સાથે હીરે બધાંને પોતાને ઘેર આવવાનું પ્રેમભર્યું નિમંત્રણ આપ્યું.

ઘેર પહોંચી હીરે રોજની જેમ જ તાળું ખોલ્યું. બધું એ જ હતું છતાં કદી નહીં અને આજે કશુંક ખૂટતું કેમ લાગ્યું ? નજર સામે સાડીમાં શોભતી તરલ, તેનાં મીઠડાં બાળકો અને આકાશ કેમ દેખાતા હતા ? તેનો હાથ અનાયાસે પોતાના કોરા સેંથામાં ફરી રહ્યો. નજર ગળામાં લટકતી પાતળી ચેઈન પર ગઈ. કશુંક ખૂટતું હોવાનો અહેસાસ થયો કે શું ? આજે આટલો આનંદ માણ્યા પછી પણ આ ઉદાસી કેમ ?
તે રાત્રે સૂતાં સૂતાં તરલ….
‘પોતે સાવ જ મણિબેન જેવી દેશી લાગે છે. હીર કેવી શોભતી હતી જીન્સમાં ? કાલે પોતે જીન્સ જરૂર લાવશે. પણ આકાશને ગમશે ? હીરને થોડો કોઈનો વિચાર કરવાનો છે ?

બીજે દિવસે વાયદા મુજબ તરલ હીરને બંગલે તેને મળવા આવી. બેલ મારી દરવાજો ખૂલ્યો તો સામે હીર ઊભી હતી. તરલ તેની સામે જોઈ જ રહી. હીરે સુંદર મજાની આછા ગુલાબી રંગની સાડી પહેરી હતી. હાથમાં મેંચીંગ બંગડીઓ….
હીર પણ સ્તબ્ધ.
તરલ સ્લીવલેસ ટીશર્ટ, જીન્સનું પેન્ટ અને ગોગલ્સ ચડાવીને સામે ઊભી હતી. બંને બહેનપણીઓ થોડી પળો એકબીજા સામે જોઈ રહી અને પછી એકબીજાને ભેટીને ખડખડાટ હસી ઊઠી.
.

[2] કેળાની મોજ….

મસમોટા બંગલાઓની સામે એથીયે મોટી ઝૂંપડપટ્ટી ઊભી હતી. ઊડીને આંખે વળગે એવો સાક્ષાત વિરોધાભાસ દશ્યમાન થતો હતો. જોકે એ જોઈને કોઈના પેટનું પાણી હલે તેમ નહોતું. આ બધાં દશ્યો તો આપણા સૌ માટે રોજનાં કહેવાય….. સાવ સામાન્ય થઈ ગયાં છે. આમાં કશું નવું ક્યાં છે ?

બપોરનો ધોમધખતો તાપ હતો. સામેના બંગલામાંથી આયાની નજર ચૂકવીને મનન બહાર નીકળી ગયો હતો. આયાને ઝોકું આવી ગયું હતું તેનો લાભ બાળકે લઈ લીધો. નીચે ઊતરતાં જ તેની નજર સામેની ફૂટપાથ પર પડી. સામે તેના જેવડો જ એક છોકરો….. કિશનાના હાથમાં લાકડાનો રંગીન ભમરડો લઈ ફેરવતો હતો. તાપની કોઈ અસર તેના ચહેરા પર નહોતી. જન્મથી ટેવાઈ ગયેલાને આવી નાની નાની વાતોની કોઈ અસર નથી થતી. તેની મસ્તી ન તો સૂરજદાદા એમ સહેલાઈથી છિનવી શકતા કે ન વરસતાં વાદળો એને ખલેલ પહોંચાડી શકતાં. મસ્તીથી તે ભમરડો ફેરવતો રહ્યો… બહુ તાપ લાગે તો ફાટેલા શર્ટથી પરસેવો લૂછતો રહેતો… બસ…. એટલું જ…..

મનન લલચામણી નજરે ક્યારનો ભમરડા તરફ જોઈ રહ્યો હતો. તેને પોતાની તરફ જોતો જોઈ કિશનાએ તેને બોલાવ્યો. મનન તેની પાસે ગયો.
‘રમવું છે ?’
‘મારી પાસે આવું કશું નથી.’
ભમરડા તરફ લાલચભરી નજરે જોતાં મનન બોલ્યો.
‘કંઈ વાંધો નહીં. લે, આ ફેરવ….’
ભમરડો કેમ ફેરવાય તેની મનનને ક્યાંથી ખબર હોય ?
‘નથી આવડતો ?’
‘ના…’
‘જો આમ….’ કહી કિશનાએ ભમરડાને દોરી કેમ વીંટાય અને કેવા ઘા કરીને ફેરવાય એ બતાવ્યું. ભમરડાને ફરતો જોઈ મનન ખુશ. કિશનાએ શીખવેલ રીતે તેણે દોરી વીંટી. બે પાંચ પ્રયત્નો પછી તેને આવડી ગયું. બીજી દસ મિનિટ પછી તો તે પણ ભમરડો ફેરવતો થઈ ગયો. બંને થોડી વારમાં તો પાક્કા ભાઈબંધ બની ગયા. કિશના પાસે તો રમતોનો વણખૂટ્યો ખજાનો હતો. એકથી થાકે… કંટાળે એટલે કિશના પાસે કંઈક નવું તૈયાર જ હોય. ક્યારેક બંને મિત્રો નકામા ટાયરો દોડાવતા હોય….. ક્યારેક ફાટેલી પતંગોને દોરો બાંધી ઊંચે ઉડાડવાની કોશિશ કરતા હોય. પતંગ ભલે ને ન ઊડે…. પણ આનંદ તો ઓછો ન જ થાય. રંગીન લખોટીઓથી રમવાની કેવી મજા આવી જતી. જોકે આદત ન હોવાને લીધે તડકાને લીધે મનન આખો લાલઘૂમ થઈ જાય. પણ એની પરવા કર્યા વિના મનન કિશના સાથે રમ્યે જાય. આવી મજા તેને જિંદગીમાં પહેલી વાર માણવા મળતી હતી. રૂમમાં બેસીને રંગીન બ્લોક ગોઠવીને કે આડીઅવળી જાતજાતની પઝલો ગોઠવવામાંથી જાણે માંડ છૂટ્યો હતો. આવી મુક્ત મસ્તીનો આનંદ તેને ક્યારેય મળ્યો નહોતો.

એક વખત મનન આવ્યો ત્યારે કિશનાના હાથમાં એક કેળું હતું. કેળું ખાવાનો આવો વૈભવ ક્યારેક જ કિશનાના ભાગે આવતો. કિશનાએ કેળાની છાલ ઉતારી. પણ સામે મિત્ર ઊભો હતો. એકલા તો કેમ ખવાય ? મનમાં એકાદ ક્ષણ થયું કે મનન થોડો મોડો આવ્યો હોત તો ? કેળું ખવાઈ ગયા પછી આવ્યો હોત તો ? માંડ આજે કેટલા સમય પછી કેળું મળ્યું છે. અને ભૂખ પણ કેવી લાગી છે ! આ કેળું તો પેલા લારીવાળા પાસેથી પડી ગયું હતું ને કિશનાના હાથમાં અનાયાસે આવી ગયું હતું. બીજી જ મિનિટે તેણે વિચાર ફગાવી દીધો અને ઉદારતાથી મનનને પૂછ્યું :
‘લે દોસ્ત, કેળું ખાઈશ ?’
મનને હા પાડી. અને કિશનાએ આપેલ અડધું કેળું કિશના જેવી જ મોજથી ખાવા માંડ્યું. તેને યાદ પણ નહોતું કે થોડી વાર પહેલાં જ કેળું કે કોઈ પણ ફ્રુટ ન ખાવાની જીદને લીધે તેને માર પડ્યો હતો.

[કુલ પાન : 222. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન્સ. 30, ત્રીજે માળ, કૃષ્ણ કૉમ્પલેક્સ, જૂનું મોડલ સીનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22167200. ઈ-મેઈલ : divinebooks@mail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

28 thoughts on “પાનેતર – નીલમ દોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.