વાર્તા-સ્પર્ધા : 2011 પરિણામ અને મંતવ્ય – તંત્રી

રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધાનું ચાલુ વર્ષનું પરિણામ અત્રે પ્રસ્તુત છે. કુલ 41 કૃતિઓમાંથી વિજેતા બનેલી ત્રણ કૃતિઓમાં પ્રથમ નંબરે કોડીનારના 25 વર્ષીય યુવા સર્જક શ્રી યજ્ઞેશકુમાર રાજપુતની વાર્તા ‘મિ. વાર્ધક્ય’ છે. જાહેર સ્પર્ધાઓમાં ભાગ લેવાનો આ તેમનો પ્રથમ પ્રયાસ છે. પોતાના ગામમાં તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. આ સ્પર્ધામાં બીજો નંબર મેળવનાર ‘ચહેરા’ કૃતિના સર્જક શ્રી અનિરુદ્ધભાઈ આર. પટેલ હિંમતનગરના નિવાસી છે. વ્યવસાયે જુનિયર વકીલ હોવાની સાથે તેઓ લેખનનો શોખ ધરાવે છે. તેમણે અખબારોમાં ઘણા ચર્ચાપત્રો લખ્યા છે તેમજ તેમની કેટલીક કૃતિઓ ‘અખંડ આનંદ’ જેવા સામાયિકોમાં પ્રકાશિત થઈ છે. ત્રીજા નંબરે છે પોરબંદરના રહેવાસી શ્રીમતી મીતાબેન થાનકીની કૃતિ ‘બારી’. તેઓ બી.એડ. કૉલેજમાં વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. વિજ્ઞાન વિષયક તેમના ઘણા લેખો પ્રકાશિત થયા છે, પરંતુ વાર્તાલેખન ક્ષેત્રે તેઓ નવી શરૂઆત કરી રહ્યાં છે.

સૌ વિજેતાઓને રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તેઓનું સર્જનકાર્ય સતત વિકસતું રહે તેવી શુભેચ્છાઓ. આ સાથે ભાગ લેનાર તમામ સ્પર્ધકો પણ લેખનક્ષેત્રે આગળ વધતા રહે તેવી શુભકામનાઓ. વિજેતાઓને ટૂંક સમયમાં જ પુરસ્કારની રકમ મનીઑર્ડરથી મોકલવામાં આવશે. આ ઉપરાંત, જે વાચકમિત્રો કે પ્રકાશકો વિજેતાઓને ભેટ-પુસ્તક મોકલવા ઈચ્છતા હોય તેઓ સ્પર્ધાના પરિણામની વિગતોમાંથી તેમનું સરનામું મેળવીને ભેટ-પુસ્તક મોકલી શકે છે. વિજેતા બનેલી કૃતિઓનું પ્રકાશન રીડગુજરાતી પર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્પર્ધકોની વાર્તાઓમાંથી ચૂંટેલી કેટલીક વાર્તાઓ વર્ષ દરમિયાન પ્રકાશિત થતી રહેશે.

રીડગુજરાતી વાર્તા-સ્પર્ધાની વિશેષતા એ છે કે તેમાં ફક્ત નવોદિતોની વાર્તાઓનો જ સમાવેશ કરવામાં આવે છે. આથી સ્વાભાવિક રીતે આ વાર્તાઓ લેખનકાર્ય શરૂ કરવા ઈચ્છનાર સ્પર્ધકનો પ્રથમ પ્રયાસ હોય છે. તેમના આ પ્રયાસને યોગ્ય દિશા મળે તે હેતુથી નિર્ણાયકો સ્પર્ધાના પરિણામ સાથે યોગ્ય સૂચનો પણ આપતાં રહે છે. ચાલુ વર્ષે ત્રણેય નિર્ણાયકોએ આ વાર્તાઓ અંગેના મંતવ્ય અને સૂચનોની ટૂંકી નોંધ વિશેષરૂપે મોકલી છે, જે નવોદિતોને ખૂબ ઉપયોગી થઈ રહેશે. વાર્તાઓની સમીક્ષા માટે નિર્ણાયકોએ પોતાનો કિંમતી સમય ફાળવ્યો તે માટે તમામ નિર્ણાયકો – શ્રી મણિલાલભાઈ હ. પટેલ, હિમાંશીબેન શેલત તેમજ શ્રીમતી તારિણીબહેન દેસાઈનો ખૂબ ખૂબ આભાર.

વાર્તા-સ્પર્ધાનું સંપૂર્ણ પરિણામ આપ અહીં (Click Here) ક્લિક કરીને વાંચી શકો છો, તેમજ નિર્ણાયકોનું મંતવ્ય અને સૂચનો નીચે પ્રમાણે છે :

[1] પ્રગતિની સીડી – તારિણીબહેન દેસાઈ

સર્જન શક્તિ હોવી એ તો ઈશ્વરની દેન છે કારણ કે ઈશ્વર દરેકનામાં એ શક્તિનો સંચાર નથી કરતો. કોઈ વ્યક્તિ એ ગમે તેટલો અભ્યાસ કર્યો હોય કે પછી ગમે તેટલી વિદ્વતા હાંસલ કરી હોય તો પણ તે વ્યક્તિ સર્જન કરી શકતી નથી.

આ સ્પર્ધામાં આવેલી વાર્તાઓ વાંચી મને આનંદ થયો છે કારણ કે સ્પર્ધા એ તો પ્રગતિની સીડીનું પહેલું સોપાન છે. ઈનામ મળે કે ન મળે તો પણ તે સ્પર્ધકે તેમાં ભાગ લઈને એક ડગલું આગળ તો ભરી જ દીધું છે. એમ કરતાં કરતાં એ ધારશે તો આગળ વારાફરતી ડગલા ભર્યા જ કરશે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ એક એક ડગલુ આગળ ચાલવાથી છેવટે પોતાની મંઝીલે પણ પહોંચી જશે જ. આમાં આવેલી 41 વાર્તાઓ મેં ધ્યાનપૂર્વક વાંચી છે. આમ તો તે નવોદિતોએ લખેલી છે, છતાં કેટલીક વાર્તાઓ મને ઘણી ગમી છે. ઈશ્વરે ચોક્કસ જ એ વ્યક્તિમાં સર્જનશક્તિ ભારોભાર ભરી છે. પણ… એ શક્તિને ખિલવવાની તાતી જરૂર છે – એને નવોદિત લેખકમાંથી સિદ્ધહસ્ત લેખક બનવા માટે. આમ તો ઈશ્વરે એને પ્રેફરન્સ તો આપી જ દીધો છે.

જો કે દરેક કામમાં આગળ વધવા માટે કે તેને સારી રીતે કરવા માટે પ્રેક્ટિસની જરૂર હોય છે. સંગીતના સંદર્ભમાં વાત કરીએ તો સંગીતનો સતત રિયાઝ કરવાથી જ શાસ્ત્રીય સંગીતના ગાયક શ્રી ભીમસેન જોષી તેમજ કોકિલકંઠી શ્રીમતી લતા મંગેશકર ભારત રત્ન બન્યા અને સૂર ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેવી જ રીતે વિચારોને વ્યવસ્થિત કરવા અને કલમને મજબૂત બનાવવા માટે સારા વાંચનનાં રિયાઝની જરૂર છે. બાકી તો વરસાદમાં થતી જીવાતની જેમ રોજેરોજ પુસ્તકોનો ખડકલો તો થતો જ હોય છે. એ બધા પુસ્તકો જો વાંચવા માંડીએ તો સમય તો મઝાનો પસાર થઈ જાય પણ મગજ એક મોટો સ્ટોરરૂમ કે પછી પુસ્તકોની વખાર જેવું થઈ જાય. તેથી વાંચન કરવામાં સૂઝ અને સંયમ કેળવવાની જરૂર હોય છે. એ સૂઝ વળી કેવી રીતે ડેવલપ થાય ? એને માટે એક જ રસ્તો છે. તે છે – મોટા મોટા માણસોએ જેમને મોટા સાહિત્યકારો તરીકે ગણાવ્યા હોય એટલે કે નીવડેલા લેખકો કહ્યા હોય – તેમનાં પુસ્તકોનાં પરિચયમાં સતત રહેવું જોઈએ. વળી, સાથે સાથે લખતી વખતે એ વિચારવાનું છે કે ‘મારા લખાણમાં કંઈક નવું છે ખરું ? અત્યાર સુધીમાં લેખકોએ કહી છે એવી જ વાતો છે કે કશુંક જુદું છે ?’ તો તે માટે પરદેશના સાહિત્યને પણ વાંચવું જોઈએ. તેમજ ભારતની બીજી ભાષાઓની કૃતિઓનો પણ પરિચય રાખવો જોઈએ. નહીં તો પછી કૂવામાંના દેડકા જેવું મગજ થઈ જશે ! કારણ કે એક જ ભાષાનો પરિચય હોવાને લીધે, એકનું એક વાંચવું અને એકનું એક લખવું !!

વળી જીવનમાં જે રસ્તો આપણે લઈએ – ભલે આપણે ગાયક બન્યા કે પછી લેખક બન્યા કે પછી ચિત્રકાર બન્યા – તો એમાં પણ પોતાનાં રસ્તાને અતિક્રમી આગળ જવાની ઈચ્છા સેવવી જોઈએ. આપણે બીજા કોઈને હરાવવાની જરૂર નથી. આપણે આપણી જાતને હરાવવાની છે – હંમેશ એકથી એક ચઢિયાતું સર્જન કરીને. જોકે અત્યારની એકવીસમી સદીનાં જેટયુગમાં આપણો જીવનનિર્વાહ કરવાની તાતી જરૂર રહે છે. કારણ કે એમાં જ ઘણો સમય જતો રહે છે. પરંતુ એ પછી કોઈ પણ કલામાં રસ લેવો જરૂરી છે કારણ કે કલા જીવનને હર્યુંભર્યું રાખે છે. સંસ્કૃતમાં તો કહ્યું છે કે :

‘સાહિત્ય, સંગીત, કલા વિહીન:
સાક્ષાત પશુ: પૂચ્છવિશાણહીનઃ ॥’

એટલે માણસ તરીકે જન્મ મળવાથી કલા પ્રત્યે અભિરૂચિ કેળવવી જ જોઈએ. અંતમાં, બધી વાર્તાઓ વાંચ્યા પછી મને એમાં ભવિષ્યનાં સારા લેખકનાં એંધાણ વર્તાય છે. બધા સ્પર્ધકોને મારી શુભેચ્છા છે કે હજી વધારે સારું વાંચો અને હજી વધારે સારું લખો. ફક્ત યાદ એટલું જ રાખવાનું છે કે દરેકને ઈનામ મળતું નથી. સંસ્કૃતમાં પણ કહ્યું છે ને કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.’ એટલે કે ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે જવું કારણ કે કર્મનું ફળ તો ક્યારેક ને ક્યારેક મળવાનું જ છે. એવા આત્મવિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા સાથે જીવન-ખેલ ખેલતા રહેવું. અસ્તુ !

[2] પ્રતિભાવ – મણિલાલ હ. પટેલ

ગુજરાતી ભાષા/સાહિત્યને ચાહનારો વર્ગ દેશમાં તો છે જ પણ દેશ બહાર પણ છે. છેક યુ.એસ.એ-ઈજિપ્તથી વાર્તા મોકલનારાં છે. સૌને અભિનંદન. સૌએ ઉત્સાહથી લખ્યું છે. જાણ્યું-જીવ્યાં-લાગ્યું તેવું ઉમળકાથી લખ્યું છે. જીવનની વાતો રસિક રીતે થઈ છે. વિષય વૈવિધ્ય છે. દામ્પત્યના પ્રશ્નો વધુ છે. બધાંએ ‘વાતો’ લખી છે. ‘વાર્તા’ બનાવવાની મથામણ થોડાંએ કરી છે. વાર્તાકલાની જાણકારી પણ ઘણાંને નથી. સૌએ વધુ ને વધુ ગુજરાતી વાર્તાઓ વાંચવી જોઈએ, તો આપોઆપ વાર્તાલેખન ઊઘડી આવશે. પ્રયત્નો અભિનંદનીય છે ને સ્પર્ધકોનો ઉત્સાહ આશા જન્માવે છે.

[3] થોડાં નિરીક્ષણો – હિમાંશી શેલત

(3.1) વાર્તા સ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ વાર્તાલેખન માટે અનિવાર્ય છે. જે કાચી સામગ્રી વાર્તા લખનારે પસંદ કરી છે તેને અનુરૂપ રજૂઆત માટેની ભાષાકીય સજ્જતા રાતોરાત નથી આવતી. પોતાની ભાષાની અને અન્ય ભાષાઓની ઉત્તમ વાર્તાઓના સેવન વગર વાર્તાની સમજ ભાગ્યે જ કેળવાય. વાર્તા લખનારે પોતાના વાર્તા વિષયક અભ્યાસ વિશે જાતને જ પ્રશ્નો પૂછી ઉત્તર મેળવવા રહે.

(3.2) વાર્તા એટલે અમુકતમુક પાત્રના જીવનમાં શું શું બન્યું તેનો અહેવાલ નહીં, ઘટનાઓના ખડકલા એટલે વાર્તા નહીં. વાર્તામાં ભાવકની કલ્પના પર શું છોડી દેવું, કઈ વિગતો આપવી, કઈ ટાળવી, વર્ણન ક્યાં જરૂરી છે, ક્યાં નથી, સંવાદની ભાષા કેવી રાખવી, ક્યા શબ્દો વાપરવા, ક્યાં માત્ર સૂચનથી અટકી જવું વગેરે કસબ વારંવારના વાર્તાલેખન પછી આવે. એ માટે પરિશ્રમ અને મથામણ કરવાં પડે.

(3.3) સ્પર્ધા માટે લખાયેલી નવેક વાર્તાઓમાં જ લખનારની નિષ્ઠા અને જહેમત દેખાય છે, બાકી તો ભાષા બાબતે જે કચાશ જણાય છે તે ભાષાપ્રેમને બદલે ભાષા પરત્વેની બેદરકારી પ્રગટ કરે છે. જોડણી અને ભાષાના ઉપયોગની સભાનતા લેખનકાર્યની પૂર્વશરત છે, પછી એ વાર્તા હોય કે નિબંધ. જ્યાં શંકા લાગે ત્યાં જોડણીકોશમાં જોઈ લેવાનો સામાન્ય શ્રમ લીધા વગર વાર્તા તો શી રીતે લખાય ?

(3.4) પોતાની કાચીપાકી સમજને આધારે લખાય તો બધુંયે, પણ એ સાહિત્યકૃતિ ન બને. લખવાની શરૂઆત કરતાંની સાથે તરત સંતોષકારક કૃતિ ન મળે એ સ્વાભાવિક છે, પણ સર્જનાત્મક સાહિત્યનાં નિશ્ચિત ધોરણો અંગે પૂરી જાણકારી હોવી આવશ્યક છે. લખવા ઈચ્છતાં મારાં મિત્રોને હું આ અંગે પૂરી સજાગતા કેળવવાનો અનુરોધ કરીશ. ટી.વી સીરિયલ, ફિલ્મ કે છાપાં-સામાયિકોમાં હપ્તાવાર છપાતી નવલકથામાંથી વાર્તા લખવાની પ્રેરણા ન લેવાય એ વાર્તાના હિતમાં છે. સર્જકતાના ચમકારા વિનાના બોદા શબ્દ શણગાર વાર્તામાં ટાળવા જરૂરી છે. બધી વિગતો વાર્તામાં વાપરી લેવાનો લોભ છોડવો આવશ્યક છે. વાર્તા લખાયા પછી પૂરી ચીવટથી એને ઓછામાં ઓછી ત્રણ વખત વાંચી જવી, અને જ્યાં કોઈ નાની-મોટી ક્ષતિ દેખાય ત્યાં તરત ફેરફાર કરવાની આદત લખનાર માટે લાભદાયી છે.

(3.5) આ ટિપ્પણીનો ઉદ્દેશ કોઈ લખતાં અટકી જાય એવો નથી, જાત સાથે કડક બનવાની જરૂર છે. વાર્તાનો પ્રથમ વિવેચક લખનાર પોતે છે. આ શિસ્ત વાસ્તવમાં લેખન માટેની પાયાની જરૂરિયાત છે. ભવિષ્યના લેખન માટે શુભેચ્છાઓ, પણ સહુ એ વાર્તા જ લખવી એવું નથી. સંગીતની તાલીમ જેમ શ્રમની અપેક્ષા રાખે, અન્ય કલાઓ માટે પણ શિસ્તબદ્ધ પ્રયાસો જરૂરી બને, એવું જ વાર્તાલેખનનું છે. માતૃભાષા બોલીએ, અને લખીએ, એટલાથી વાર્તાલેખનની જરૂરિયાત સંતોષાતી નથી એ યાદ રાખવું ઘટે. સ્પર્ધાની કેટલીયે વાર્તાઓ પર ફિલ્મની પટકથાનો, વાંચેલી અન્ય વાર્તાઓનો, અખબારી સમાચારોનો સીધો પ્રભાવ વરતાય છે. પરિમિત સામગ્રી હોય તો પણ રૂપાંતર તો પોતીકું હોવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

32 thoughts on “વાર્તા-સ્પર્ધા : 2011 પરિણામ અને મંતવ્ય – તંત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.