પ્રેમ અને આસ્થાનું ઘર – અવંતિકા ગુણવંત

[‘સહજીવનનું પ્રથમ પગથિયું’ પુસ્તકમાંથી સાભાર.]

જો આપણે સંવાદિતાભર્યા પ્રેમથી હર્યાભર્યા ઘરમાં પગ મૂકીશું તો તરત આપણાં હૃદયમનને કોઈ અજબ શાંતિનો અનુભવ થશે. આપણે તાજગી અનુભવીશું. એ કુટુંબ અલ્પશિક્ષિત હોય કે સાવ અભણ હોય, આર્થિક રીતે બહુ સાધનસંપન્ન ન હોય છતાં ત્યાં બેસવામાં આપણને નિરાંતનો અનુભવ થશે. એ શાંતિ, એ તાજગી એ નિરાંત આપણને મળે છે ત્યાં રહેનાર પાસેથી.

એ ઘરમાં ભલે સુશોભન કે મોંઘાદાટ ફર્નિચર ન હોય પણ ત્યાં રહેનારનાં હૈયાં સ્નેહથી છલોછલ હોય છે, તેથી આપણને ત્યાંની ભૌતિક અધૂરપ ખટકતી નથી. એથી ઊલ્ટું, કોઈ સાધનસંપન્ન વૈભવશાળી ઘર હોય, ઉચ્ચ શિક્ષણ મેળવેલું કુટુંબ હોય પણ ત્યાં જો વિખવાદ અને વિસંવાદ હશે તો ત્યાંની હવા દઝાડનારી લાગશે. ધનદોલત કે મોંઘા ફર્નિચરથી ઘર નથી બનતું, ઘર બને છે ત્યાં રહેનારથી. પતિ-પત્નીનો હસ્તમેળાપ થાય છે એને અનુલક્ષીને કહેવાયું છે :

‘બે હથેળીઓ મળીને ઘર
થયું.
તે પછી જે થયું તે સુંદર
થયું.’

ઘર હસતું-ગાતું, જીવંત હોવું જોઈએ. પતિ-પત્ની એમના ઘરને ધારે તો સ્નેહ અને સુખનું ધામ બનાવે છે. પણ એ પોતે જ જો અસંતોષ અને તૃષ્ણાની આગમાં જલતાં હોય તો શું થાય ? છેલ્લાં થોડા વરસોથી માણસ ભૌતિકવાદના ભરડામાં ભીંસાતો જ જાય છે. એ યંત્રવત મહેનત કરીને એનું ઘર ચીજવસ્તુઓથી ભરતો જાય છે. ખરીદીનું એને એવું વ્યસન પડી ગયું છે કે એ તૂટતો જાય છે, તનાવ અને સ્ટ્રેસમાં પિસાતો જાય છે, એ તીવ્ર હતાશા તરફ ઘસડાઈ રહ્યો છે, બચવા એ તરફડિયાં મારી રહ્યો છે. એણે જો બચવું હોય તો જીવન પ્રત્યેની દષ્ટિ બદલવી પડશે, સ્વભાવમાં પરિવર્તન લાવવું પડશે. ચાલો, આપણે એનો સ્વભાવ તપાસવા થોડા પ્રશ્નો પૂછીએ :

[1] ગુસ્સો આવ્યો હોય તો કાબૂ રાખી શકો છો ? સંયમથી વર્તી શકો છો ?

[2] તમે તનાવ કે ચિંતામાં હો તો ગુમસુમ બેસી રહો છો કે જીવનસાથીને વિગતે વાત કરીને તમારા મનોવ્યાપારમાં સહભાગી બનાવો છો ?

[3] ક્યારેક તમારો મૂડ બરાબર ન હોય તો વાણી રુક્ષ અને તોછડી બને છે ?

[4] તમે તનાવમાં ખેંચાયે જ જાઓ છો ? ટેન્શન તમારા પર છવાઈ જાય પછી તમે તમે નથી રહેતા ?

[5] નિખાલસતા અને આત્મીયતાથી તમારી સમસ્યા કહેવાના બદલે, બોલ બોલ ન કર, તને શું ખબર પડે ? એવું કહીને એની વાત કાપી નાખો છો ?

[6] સાથીની વાત સાંભળવા તમારી પાસે પૂરતો સમય છે ?

[7] આપણી વાણી દ્વારા આપણું મન વ્યક્ત થાય છે. ઘણી વાર ખોટા ઉકળાટમાં ન બોલવાનું બોલી કાઢીએ છીએ. ખોટા ટેન્શનમાં મનમાં ન હોય એટલી કડવાશ ઓકી કાઢીએ છીએ. બિનજરૂરી નિસાસા નાખીએ છીએ ને ફરિયાદો કરીએ છીએ ને વાતનું વતેસર થઈ જાય છે. શબ્દ ખંજર કરતાંય કાતિલ હોય છે. કહેવાય છે જે માણસ જીભને વારી શકે છે એ જિંદગીને ઉગારી શકે છે.

પતિ-પત્નીએ પરસ્પરને પારકી અનામત માનીને પરસ્પરને સાચવતાં શીખવું જોઈએ. બધાંને પોતાની કારકિર્દીમાં ટોચ પર પહોંચવું છે. સંબંધો વિકસાવવા છે. આના કારણે અંગત જીવન અને બાહ્ય જીવન વચ્ચે ઘર્ષણ થયા કરે છે. સમતુલા સાચવવા સમાધાન કરવું પડે છે. ઘણાં લોકો સુખી નથી હોતાં છતાં સુખી હોવાનો દેખાડો કરે છે. સુખી થવું એ બીજા કોઈના પર નહીં, તમારા પર આધાર રાખે છે. માણસને સહજીવન જીવતાં આવડવું જોઈએ. લગ્ન મૈત્રીનું શ્રેષ્ઠ સ્વરૂપ છે અને દામ્પત્યસુખ એ જીવનનું સૌથી મોટું સુખ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પ્રેમ અને આસ્થાનું ઘર – અવંતિકા ગુણવંત”

Copy Protected by Chetan's WP-Copyprotect.