આદિબદ્રી – ભાણદેવ

[‘હિમગિરિ-વિહરણ’ પુસ્તકમાંથી ‘આદિબદ્રી’ પ્રકરણનો કેટલોક ભાગ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

હિમાલયનું પ્રધાન તીર્થ શ્રી બદ્રીનાથ છે. બદ્રીનાથ તીર્થને બદ્રીનારાયણ, બદ્રિકાશ્રમ કે બદ્રીવિશાલ પણ કહેવામાં આવે છે. સામાન્ય માન્યતા એવી છે કે હિમાલયમાં બદ્રીનાથનું એક જ મંદિર છે, પરંતુ વસ્તુતઃ હિમાલયમાં બદ્રીનાથનાં સાત મંદિરો છે, જેમને સપ્તબદ્રી કહેવામાં આવે છે : 1. આદિબદ્રી 2. ધ્યાનબદ્રી 3. વૃદ્ધબદ્રી 4. નૃસિંહબદ્રી 5. ભવિષ્યબદ્રી 6. યોગબદ્રી 7. બદ્રીવિશાલ. આ ઉપરાંત અલમોડા, ટિહરી આદિ સ્થાનોમાં પણ બદ્રીનાથનાં મંદિરો બન્યાં છે.

બદ્રીવિશાલમાં ભગવાન બદ્રીનારાયણનાં દર્શન-પૂજન કરીને હવે અમે પાછા આવી રહ્યા છીએ. હવે અમે આદિબદ્રી જઈ રહ્યા છીએ. બદ્રીનાથથી હરિદ્વાર-હૃષિકેશ જતાં રસ્તા પર કર્ણપ્રયાગ નામનું સ્થાન આવે છે. હિમાલયના પંચપ્રયાગમાંનું આ કર્ણપ્રયાગ પણ એક પ્રયાગ છે. અહીં અલકનંદા અને પિંડારગંગાનો સંગમ થાય છે. કર્ણપ્રયાગ કુંતીપુત્ર મહારથી કર્ણની તપશ્ચર્યા સ્થલી મનાય છે. કર્ણપ્રયાગથી એક રસ્તો કુમાઉં તરફ જાય છે. આ રસ્તા દ્વારા કુમાઉં ગઢવાલ સાથે જોડાય છે. કર્ણપ્રયાગથી કુમાઉં તરફ જતા આ રસ્તાના સિમલી પાસે બે ફાંટા પડે છે. એક રસ્તો ગ્વાલદમ થઈને બાગેશ્વર તરફ જાય છે અને બીજો રસ્તો રાનીખેત તરફ જાય છે. કર્ણપ્રયાગથી સિમલી થઈને રાનીખેત તરફ જતા રસ્તા પર આદિબદ્રી અવસ્થિત છે. કર્ણપ્રયાગથી આદિબદ્રી 19 કિ.મી. દૂર છે.

કર્ણપ્રયાગમાં ઉમાદેવી-મંદિર અને કર્ણ-તપશ્ચર્યા-સ્થલી છે. અમે બંને સ્થાનનાં દર્શન માટે થોડો સમય રોકાયા. નદીકિનારે, સંગમસ્થાન પાસે એક નાનો આશ્રમ છે. અમે થોડા સમય માટે ત્યાં પણ ગયા. સાંજ થવા આવી છે. અમે થોડા મોડા તો છીએ, પરંતુ આદિબદ્રી હવે બહુ દૂર નથી અને આદિબદ્રી રસ્તા પર જ છે, તેથી અમે મોડા પડ્યા હોવા છતાં રાત્રિનિવાસ આદિબદ્રીમાં થાય તો સારું, એમ વિચારીને કર્ણપ્રયાગથી નીકળ્યા.

મોટર-માર્ગ સિમલી સુધી પિંડારગંગાને કિનારે-કિનારે અને સિમલીથી નારાયણગંગાને કિનારે છે. આદિબદ્રી આ મંદિરનું નામ છે, અર્થાત આ તીર્થસ્થાનનું નામ છે, પરંતુ આ વિસ્તારને પણ આદિબદ્રી-ક્ષેત્ર ગણવામાં આવે છે. નારાયણી ગંગાને કિનારે-કિનારે અમે આગળ વધીએ છીએ. બંને બાજુ વનરાજિથી લીલાછમ બનેલા પહાડો છે. ભગવાન સવિતાનારાયણ હવે અસ્તાચલ તરફ જઈ રહ્યા છે. સંધ્યાદેવીના આગમનને હવે વાર નથી. સમગ્ર વાતાવરણ શાંત અને આહલાદક જણાય છે. અમે પ્રાકૃતિક સૌંદર્યને માણતાં-માણતાં ભગવાન આદિબદ્રીના સ્થાન તરફ ગતિ કરી રહ્યા છીએ. અચાનક અમારી મોટર અટકી. ડ્રાઈવર ઝડપથી નીચે ઊતર્યો. અમને નવાઈ લાગી. આ શ્રીમાન કાંઈ બોલ્યા વિના નીચે કેમ ઊતર્યા ? મોટરમાં કાંઈક ખામી જણાઈ કે શું ? પણ એ તો મોટરને બદલે સામેના પહાડ તરફ આગળ વધ્યો. મૂંગોમંતર કાંઈ બોલતો પણ નથી. થોડી વારમાં પાછો આવ્યો. મોટરમાંથી એક લોખંડનો સળિયો હાથમાં લઈને ફરીથી તે જ તરફ જવા લાગ્યો. મેં પૂછ્યું :
‘મનીષભૈયા, શું વાત છે ?’
‘કાંઈ નથી, સ્વામીજી, એક જડીબુટ્ટી નજરે ચડી છે.’
અમે બધા મોટરમાંથી નીચે ઊતર્યા. અમારો આ ડ્રાઈવર મનીષ લોખંડના સળિયાથી એક છોડને મૂળ સહિત ઉખેડી લેવામાં મશગૂલ હતો. આખરે તેણે મૂળ સહિત તે છોડને ઉપાડી લીધો. અમારા સૌના મનમાં આ જડીબુટ્ટી અને તેના ઉપયોગ વિશે કુતૂહલ વધ્યું. એક હાથમાં આ જડીબુટ્ટી અને બીજા હાથમાં લોખંડનો સળિયો લઈને ધીમે પગલે મોટર તરફ ગતિ કરતાં તે જ બોલ્યો : ‘સ્વામીજી, આ એક જડીબુટ્ટી છે. આનું નામ મુમરા છે. આ જડીબુટ્ટીમાંથી આંખ માટે એક બહુ કિંમતી દવા તૈયાર થાય છે. હરિદ્વારમાં એક વૈદ્યરાજ રહે છે. તેઓ જડીબુટ્ટીઓના સારા જાણકાર છે અને તેમાંથી ઔષધિઓ પણ તૈયાર કરે છે. તેમણે મને આ મુમરા લાવવાનું કહ્યું છે. આ વિસ્તારમાં આ મુમરા થાય છે, તે હું તેમના જ કહેવાથી જાણું છું. મારી આંખ ક્યારની આ મુમરાને શોધતી હતી. મળી ગઈ. કામ થઈ ગયું.’

અમે સૌ મોટરમાં બેઠા. યાત્રા આગળ ચાલી. અમે સૌ આદિબદ્રી પહોંચ્યા. સૂર્યાસ્ત થઈ ચૂક્યો છે. અંધકાર ધીમે પગલે પ્રવેશી રહ્યો છે અને ધીમેધીમે પોતાનું રાજ્ય જમાવી રહ્યો છે. નીચે ખીણમાં ભગવતી નારાયણી ગંગા કલકલ નિનાદ સાથે વહી રહ્યાં છે. હિમાલયમાં એવું કોઈ તીર્થ મળે ખરું જ્યાં કોઈ ને કોઈ નદીનો નાદ સાંભળવા ન મળે ? રસ્તાની એક બાજુએ આ નારાયણી ગંગા છે અને બીજી બાજુએ ભગવાન આદિબદ્રીનાથનું મંદિર છે. અહીં પ્રધાન મંદિર આદિબદ્રીનાથનું, ભગવાન નારાયણનું છે, પરંતુ તે જ પરિસરમાં બીજા મંદિરો પણ ઘણાં છે. વસ્તુતઃ આ એક મંદિર-સંકુલ છે. બંને બાજુ ઊંચા પહાડો છે. પહાડોમાં ક્યાંક-ક્યાંક દીવાઓ દેખાય છે. આ દીવાઓ ત્યાં રહેલી માનવ વસાહતોની સાખ પૂરે છે. અમે સૌ ઝડપથી મંદિર-સંકુલમાં ગયા. આ પહેલા બાર વર્ષ અગાઉ એક વાર આ તીર્થની યાત્રા કરી છે, એટલે પ્રધાન મંદિરમાં ગયા. મંદિરોમાં હવે દીવાઓ પેટાવવામાં આવી રહ્યા છે. એક મંદિરમાં ઝાલરઘંટાનો નાદ થઈ રહ્યો છે. પૂજારી જુદાંજુદાં મંદિરોમાં જઈને સાયં-આરતી કરી રહ્યા છે. અમે ભગવાન આદિબદ્રીનાથના મંદિરમાં પ્રવેશ્યા. એક નાનો દીવો પ્રજ્વલિત છે. તેના ઝાંખા-ઝાંખા પ્રકાશમાં ભગવાન નારાયણનાં અલપઝલપ દર્શન થયાં. દર્શન, પૂજન અને પરિચય સવારે થશે, એમ માનીને અમે આવાં અલપઝલપ દર્શનથી જ અત્યારે સંતોષ માન્યો.

અમે મંદિરના એક કર્મચારીને પૂછ્યું કે મંદિરમાં યાત્રીઓના નિવાસ-ભોજનની વ્યવસ્થા થઈ શકે તેમ છે કે નહિ. તેમણે કાંઈક સંકોચ સાથે કહ્યું કે યાત્રીનિવાસ માટે મંદિર-પરિસરમાં એક મોટો ઓરડો છે, પરંતુ અત્યારે તેમાં બીજો સામાન ભરેલો છે, તેથી યાત્રીઓના નિવાસ માટે હમણાં તો મંદિર-પરિસરમાં કોઈ વ્યવસ્થા થઈ શકે તેમ નથી. પરંતુ તેમણે સામેથી જ અમને નિવાસ-ભોજન માટે વિકલ્પ બતાવ્યો. રસ્તાની સામેની બાજુ, ગંગાજીના કિનારા તરફ એક સજ્જનનું મોટું મકાન છે. તેઓ યાત્રીઓ માટે નિવાસ-ભોજનની વ્યવસ્થા કરે છે. અમે મંદિર-પરિસરમાંથી બહાર આવ્યા. રસ્તાની પાસે જ તે મોટું મકાન જોયું. અમે તેમને મળ્યા. અમારા નિવાસ-ભોજનની વ્યવસ્થા થઈ ગઈ.

અમારું નિવાસસ્થાન નારાયણી ગંગાના કિનારા પર છે, પરંતુ નદીના પ્રવાહથી ઘણું ઊંચું છે. નદી પ્રમાણમાં નાની છે, એટલે તેનો નાદ પણ તેના કદને અનુરૂપ સાવ નાનો છે. નાદ નાનો છે એટલે મધુર પણ છે. હિમાલયની મોટી નદીઓના નાદમાં જે પ્રચંડતા, જે તીવ્રતા અને કવચિત ભયંકરતા સંભળાય છે, તે અહીં આ નારાયણી ગંગાના નાદમાં નથી. વળી નદી અહીં લગભગ સપાટ ભૂમિમાંથી વહે છે, એટલે પણ તેના સ્વરૂપને અનુરૂપ તેનો નાદ પણ સૌમ્ય છે. અમે જે અતિથિગૃહમાં ઉતારો કર્યો છે તેની અને નદીની વચ્ચે થોડી ઢાળવાળી જમીન છે. આ ઢાળને કાપીને આ મકાનમાલિકે નાનાં-નાનાં સુંદર ખેતરો બનાવ્યાં છે. આ ખેતરો પગથિયાં-આકારનાં છે. ખેતરોમાં સર્વત્ર ફળછોડ અને વચ્ચેવચ્ચે ફૂલછોડ પણ વાવેલા છે.

હવે અંધારું થઈ ગયું છે, એટલે અમારા નિવાસસ્થાનની બારીઓમાંથી અમે નદીનો પ્રવાહ જોઈ શકતા નથી, પણ તેના મધુર નિનાદને સાંભળી શકીએ છીએ. નારાયણી ગંગાના આ મધુર નાદને સાંભળતાં-સાંભળતાં અમે નિદ્રાદેવીને આધીન થઈ ગયા.

[‘આદિબદ્રી’ પ્રકરણનો કેટલોક અંશ ‘હિમગિરિ-વિહરણ’માંથી સાભાર.]

[કુલ પાન : 288. કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન: +91 281 2232460.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “આદિબદ્રી – ભાણદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.