- ReadGujarati.com - http://www.readgujarati.com -

સાહિત્યસર્જન કલા – ડૉ. અમૃત કાંજિયા

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘હાસ્યામૃત’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી અમૃતભાઈએ આમ તો ‘વાલ્મીકિ રામાયણમાં ભવિષ્યકથન-એક વિવેચનાત્મક અભ્યાસ’ વિષય પર પી.એચ.ડી કર્યું છે પરંતુ તે સાથે સાહિત્ય-સાધનાના ક્ષેત્રમાં તેમના કુલ ત્રણ હાસ્યલેખોના પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યાં છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ ડૉ. અમૃતભાઈનો (મોરબી) આ નંબર પર +91 9879879900 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

સવારમાં છાપા પર નજર ફેરવીને હું ઊભો થવા જતો હતો. ત્યાં જ એક યુવક પધાર્યો. દેખાવમાં સહેજ ઊંચો, સફેદ લેંઘા-ઝભ્ભામાં સજ્જ, ટૂંકા વાળ અને આછા બ્લ્યુ ચશ્મામાં તે પહેલી નજરે જ ખાસ્સું ભણેલો જણાતો હતો. આ અજાણ્યા આગંતુકને સામેની ખુરશીમાં બેસવાનું કહી, ચા-પાણીથી તેનો આદર-સત્કાર કર્યો.

હું કંઈ પૂછું તે પહેલાં જ તેણે પોતાનો પરિચય અને આવવાનું કારણ જણાવતા કહ્યું, ‘હું જીવન મહેતા…. અકબરની ગંજી પાસે બે વર્ષથી પ્રાઈવેટ સ્કૂલ ચલાવું છું. સાહિત્યસર્જન માટે તમારું માર્ગદર્શન લેવા આવ્યો છું.’
‘મારું માર્ગદર્શન…? હું જરા ચમક્યો, કેમ કે અત્યાર સુધીમાં મારી સલાહ લેવા આવનારાઓમાં ખાસ કરીને આ લત્તામાં ભાડે મકાન શોધનારા, પોતાના દીકરા માટે સારી છોકરી ગોતનારા, જૂનું મોટરસાઈકલ કે ટી.વી. ખરીદવા ઈચ્છનારા અને ક્યારેક ઘરગથ્થું દેશી દવા વિશે પૂછનારા લોકોમાંથી જ કોઈક હોય છે. એટલે મને ‘સાહિત્યસર્જન માટે માર્ગદર્શન’ આવું સાંભળીને આશ્ચર્ય થયું આથી મેં પૂછ્યું.
‘તમને મારું નામ કોણે સૂચવ્યું…..?’
‘લો…! સામાયિકોમાં તમારા લેખો હું વાંચું છું. વળી આ શહેરમાં જ રહું છું એટલે થયું કે રૂબરૂ મળી આવું…’

તેની જિજ્ઞાસા સારી અને સાચી હતી. કાવ્યના હેતુ વિશે મને મમ્મ્ટની વ્યાખ્યા યાદ આવી. સાહિત્યસર્જન માટે તેણે મૂળમાં સંસ્કારરૂપ શક્તિ, સાહિત્ય અને જીવનનો વિશદ અભ્યાસ તેમજ સાહિત્યસર્જકો પાસેથી શિક્ષણ – આ ત્રણ શરતો જણાવી છે. પ્રથમ તો મારે તેના સંસ્કાર જાણવા જોઈએ. એટલે વિશેષ પ્રશ્નોત્તરી કરી.
‘તમે આજ સુધી કંઈ લખ્યું છે ખરું….?’
‘હા. નોકરી મેળવવાની અરજીઓ, ટપાલો અને કવચિત લગ્ન ને બાળમોવાળાના કંકોતરાં…. આ સિવાય કશું લખવાની જરૂર જ નથી પડી.’
‘તમને સાહિત્યમાં રસ છે તો આ સ્કૂલ ખોલવાનો ધંધો કેમ ગમ્યો ?’
‘આમ તો હું નવમા ધોરણમાં નાપાસ પડી પડીને વર્ગમાં શરમ થાય એવડો થઈ ગયેલો. એટલે પપ્પાએ મને અભ્યાસ છોડાવીને સુરત હીરા ઘસવા મોકલી દીધેલો….’
‘તો પછી આ સ્કૂલ…..’ મારી અધીરાઈ વધી ગઈ.
‘…. હું ત્યાં ગયો ને પ્લૅગ આવ્યો. પ્લૅગ જતો રહે પછી પાછા આવશું એવો વિચાર કરી પાછો ઘેર આવ્યો. ઘેર બેસી રહે એથી શાળાએ શું ખોટો ? એવી ગણતરીથી પપ્પાએ મને પાછો શાળાએ કાઢ્યો. કુદરતને કરવું ને પછી હું પાસ થતો થતો છેક એમ.કોમ થઈ ગયો ને બી.એડ. પણ કરી લીધું, પરંતુ નોકરી ન મળી તે ન જ મળી. પછી સ્કૂલ શરૂ કરી અને હવે બીજાને નોકરીએ રાખું છું…..’ તેણે જણાવ્યું.

‘પપ્પા શું કરે છે ?’ પરિવાર વિશે થોડો પરિચય મેળવવા મેં પૂછ્યું.
‘હાલ તો કંઈ કરતા નથી. બૅંકમાં હતા. વી.આર.એસ. સ્વીકારી લીધું….’
‘હંઅઅઅ… બરાબર, એમાંથી મળેલ રકમમાંથી સ્કૂલ શરૂ કરી એમ જ ને….?’ મેં કહ્યું.
‘સ્કૂલ માટે તો બહુ થોડાં પૈસા બચ્યાં…. મોટી રકમ તો તેણે મમ્મીને છૂટાછેડા લેવા માટે ચૂકવી.’ તેણે કહ્યું. હવે તેના સંસારવિષયક ઈતિહાસમાં ઊતરવાથી મજકુર જે માટે આવેલ હતો તે કામ છૂટી જશે એવા ડરથી મુખ્ય વાત તરફ આવતા મેં પૂછ્યું :
‘તો હવે તમારું ઘરકામ, રસોઈ વગેરે કોણ કરે છે ?’
‘છે ને મારી પત્ની !’ તેણે કહ્યું.
‘તો તમે પરણેલા પણ છો…. બરાબર ને….?’
‘હા….ત્રણેક વર્ષ થયા….’ તે બોલ્યો.
‘તો એ સાથે જ તમારી કવિ બનવાની શક્યતા સમાપ્ત થઈ ગઈ છે સમજ્યા….!’
‘હેં….કેમ….?’ તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘જુઓ…. માણસની કવિ બનવાની ઉંમર તમે વટાવી ચૂક્યા છો. ખાસ કરીને તે તરુણાવસ્થામાં કવિ તરીકે આકાર લેવાનું શરૂ કરી દે છે. શરૂઆતમાં તે પોતાના દિલના દર્દની ઉદ્દીપક એવી કુમારિકાને કેન્દ્રમાં રાખી પોતાની ઊર્મિઓ વહેતી મૂકે છે ! આ સમયે તેને પ્રકૃતિના સર્વ તત્વો – પહાડો, વૃક્ષો, વનરાજી, નદી-ઝરણાં, ઉષા-સંધ્યા, ચંદ્ર, તારા, પશુ-પક્ષી સર્વ કંઈ ભર્યું ભર્યું અને પોતાના પ્રેમથી પરિપ્લાવિત ભાસે છે… તેને જ્યાં કંઈ સારું દેખાય છે, ગમે છે તે જાણે પોતાના પ્રિય પાત્રનું દિવ્ય સ્મરણ કરાવનારું જણાય છે…. આથી તે પ્રકૃતિને પણ પ્રેમ કરતો થઈ જાય છે….. તે પોતાની દિવાનગી શબ્દદેહે સ્પંદિત કરે છે….’
‘એવું કહેવાય છે ને કે કવિ જન્મે છે, બનતો નથી….!’ મારું વર્ણન અધવચ્ચે અટકાવી તેણે ચશ્મા ઉતારી રૂમાલ વડે કાચ લૂછતા સંશય વ્યક્ત કર્યો.
‘હા, એવી માન્યતા છે ખરી કે, કવિઓ જન્મે છે, પણ એવું કોણે કીધું છે કે, કવિ માના પેટેથી જન્મે….? તેમને જન્માવનારી છે માશૂકા….’ તેના સંશયનું સમાધાન પણ કરવું જોઈએ એવા આશયથી મેં આગળ કહ્યું, ‘અરે ! કવિ કુલગુરુ કાલિદાસ માશૂકાને રીઝવવા તેના સવાલ – ‘અસ્તિ કશ્ચિત વાગ્વિશેષઃ ?’નો જવાબ મેળવવા કવિ થઈ ગયા હતા એ તો જાણો છો ને….?’

તેના મુખ પર મૂક સંમતિ વ્યક્ત થતી હતી.
‘પોતાની પ્રિયાથી આઘાત પામેલા મહારાજા ભર્તૃહરિ આખરે શતક કાવ્યોનું સર્જન કરી કવિ તરીકે અમર થઈ ગયા ! ક્યારેક કલાપી કે શેખાદમ પણ એવો એકરાર કરી નાખે છે…..’ આ સિવાય અન્ય ભાષાના કવિઓ વિશે જેમ જાણશો તેમ જ્ઞાન થતું જશે. ઘણી વખત તો સારો પ્રેમી જ સારો કવિ બની શકે છે. પછી તેના કાવ્યો તેની પ્રેયસીને ગમે છે કે નહિ તે જુદી જ વાત છે ! લાગણીનું ઝરણું વહેતું રાખવા મોટા કવિઓ અને ગીતકારો નાની તરુણીઓના દિલમાં આશ્રય લે છે !’ કવિઓના આવા પ્રસંગોને યાદ કરતો હોય તેમ તે મને ચકિત બનીને સાંભળતો રહ્યો.
‘લગ્ન પછીના અમુક વરસમાં લાગણીઓ બુઠ્ઠી થઈ જાય છે. તેને ધારદાર કરવા પાછું કોઈ સુંદરીને શરણે જવું એ આપણા જેવા સજ્જન માણસનું કામ નહીં. એથી સારું એ છે કે, કાવ્ય કરતાં ગદ્ય તરફ આગળ વધવું….’
‘હા, ગદ્યના વાચકો કાવ્ય રસિકો કરતા તો વધારે જ જોવા મળે છે.’ તેણે ઉત્સાહથી કહ્યું. તે એક પગ પર બીજો પગ ચડાવી આગળની ચર્ચા માટે સાવધ થયો.

‘લેખક થઈને તમારે શું મેળવવું છે ? આ સ્પષ્ટતા પહેલાં કરી લઈએ….’ મેં આગળ પૂછ્યું.
‘નામ.’
‘હા, નામ મળે. બાકી દામ માટે આ ક્ષેત્રમાં પ્રવેશવા ઈચ્છતા હો તો ભીંત ભૂલો છો….’ મેં કહ્યું.
‘ના…ના…. એ માટે તો મારે સ્કૂલ છે જ ને !’ તે પણ ધ્યેયમાં સ્પષ્ટ જણાયો.
‘હા, બરાબર… ગદ્યમાં અનેક પ્રકારો છે. તમને શામાં રુચિ છે….?’
‘ખાસ કરીને મને હાસ્ય સાહિત્યનું વાચન વધારે ગમે છે…’ તેણે પોતાની પસંદગીની નજીક આવતાં કહ્યું.
‘હાસ્ય સાહિત્ય તો વિશાળ સમંદર જેટલો વ્યાપ ધરાવે છે. સાહિત્ય માત્રમાંથી તમે બોધપ્રદ સાહિત્ય જુદું કરી નાખો પછી જે વધે છે એ તમામ સાહિત્યને હાસ્ય સાહિત્ય સમજવું. અલબત્ત, આ સાહિત્યને હસી કાઢવા જેટલી સ્વસ્થતા અને નિખાલસતા સર્વ કોઈમાં નથી હોતી એટલે તેને એ પ્રમાણે માણી શકતા નથી !’
‘હું કંઈ સમજ્યો નહીં….’ તેણે કહ્યું.
‘તમે નહીં, કહેવાતા મોટા સાહિત્યકારોનેય આ સમજવામાં જિંદગી નીકળી જાય છે… એમાં તમારોય શો દોષ….?’
‘તોયે મને સમજાવવાનો પ્રયત્ન ન કરો ?’
તેની જિજ્ઞાસા જોઈ મેં થોડો ફોડ પાડ્યો, ‘જે સાહિત્ય વાચકના જીવનમાં કંઈ જ ક્રાંતિ કે શાંતિ ન કરે તેવું સઘળું સાહિત્ય હસી કાઢવા જેવું ખરું કે નહીં…..?’ તેને હવે થોડું સમજાયું હશે તેવું તેના વદન પરની રેખાઓ પરથી જણાયું.

‘હવે લેખનની શરૂઆત વિશે કંઈક કહો ને….!’ તેણે ઈચ્છા વ્યક્ત કરી.
‘હવે તો લેખન અભિવ્યક્તિ માટે બહુ જ સરળતા થઈ ગઈ છે. શરૂઆતના લેખન માટે આપણે વર્તમાનપત્રો દ્વારા અપાતી તક ઝડપી લેવી જોઈએ….’
‘એટલે….?’
‘એટલે કે અખબારોમાં ‘મંતવ્યો’, ‘અમારા પ્રશ્નો’, ‘વાચકો લખે છે’, ‘તંત્રીની ટપાલપેટી’, ‘અમારી સમસ્યાઓ’ વગેરે જેવી કોલમો છપાય છે તે આપણી મદદે આવે છે.’ મેં વિગતથી જણાવ્યું.
તેણે આગળ પૂછ્યું : ‘એમાં લખવાનું શું ?’
‘જુઓ…. આપણે આસપાસ નજર ફેરવીએ તો ખૂટે નહિ એટલી સામગ્રી મળી રહે. શેરીઓ અને સોસાયટીઓમાં કેટલી ગંદકી છે ? ઠેર ઠેર ડુક્કરોના અભ્યારણ્ય જેવા પાણીના ખાબોચિયાં છે…. તેમાંથી મચ્છરોનો ઉપદ્રવ થાય છે વગેરે બાબતો વિશે આપણે તંત્રીશ્રીના માધ્યમથી મ્યુનિસિપાલિટી કે સરકારનું ધ્યાન દોરી શકીએ….’
‘એ પાણીના ખાબોચિયા કે ગંદકી માટે આપણી શેરી કે સોસાયટીના લોકો જ જવાબદાર હોય છે. પાણીના નિકાલની જગ્યા બંધ કરી કરીને ત્યાં એપાર્ટમેન્ટ કે કૉમ્પલેક્ષ બાંધ્યા કરે છે. તે પછી એમ જ થાય ને ? એમાં સરકાર શું કરે ?’ તે બોલ્યો.
‘હા, એ તો ખરું જ, પરંતુ આપણે કોઈને પાણી ઓછું ઢોળવા, ગંદકી નહીં કરવા કે પાણીના નિકાલનો માર્ગ છોડી બાંધકામ કરવાનું કહેવા જઈએ ત્યારે આપણા ગાલ અને પીઠ સક્ષમ હોવા જોઈએ. જે ઘણુંખરું નથી હોતા… એટલે સલામત રસ્તો પેલો જ છે….’

તે થોડું હસ્યો અને આગળ સાંભળવા તત્પર જણાયો, ‘તમે લખવાનું શરૂ કરશો પછી તો અસંખ્ય વિષયો મળવા લાગશે. દા.ત, ‘રસ્તા પર ઢોરનો ત્રાસ’, ‘માર્ગ પરથી મરેલા કૂતરાં કે ભૂંડ હટાવવા વિશે’, ‘બિસ્માર રોડ રિપેર કરવા બાબતે’ કે ‘વીજળીના જૂના તાર બદલવા કે નમી ગયેલા થાંભલા સીધા કરવા’ વિશે લખી શકાય. પછી આપણું કાર્યક્ષેત્ર થોડું વિસ્તારી દેવું. જેમ કે ‘પેટ્રોલ-ડિઝલના અસહ્ય ભાવ’, ‘પ્રજા પર જુલમોનો નવો નુસખો – ટૉલટેક્ષ’, ‘નવલખી-મુંદ્રા બંદર વચ્ચે પૅસેન્જર શીપ ચાલુ કરો’, ‘હળવદ-વેરાવળ રેલવે લાઈન ક્યારે થશે’….. તો વળી કવચિત ‘પાકિસ્તાનને સબક શીખવવાની તાતી જરૂર’ કે ‘અમેરિકાને ચોખ્ખું સુણાવી દેવાનો સમય પાકી ગયો છે’ વગેરે વિષયો પર લખી શકાય. એમાંયે વળી જ્યારે લેખન પર પકડ આવશે ત્યારે સાહિત્યિક ભાષા આપોઆપ વપરાવા લાગશે જેમ કે – ‘આ એસ.ટી. છે કે હરતો-ફરતો ઊકરડો ?’ કે પછી ‘ઢોરના નગરમાં ઘૂસી ગયેલા માણસો….’ જેવા ચોટદાર વાક્યપ્રયોગો મળવા માંડશે….’
‘પછી….?’
‘પછી શું…..? એક મોટો લેખક પણ બે-ચાર પાનાં જેટલું લખીને છેલ્લે પોતાનું નામ જ લખવાનો ને….?’
‘હા, એ તો ખરું.’
‘આમાં પણ તમારું નામ જ આવવાનું કે બીજું કંઈ ?’
તેને મારી વાત બરાબર સમજાઈ ગઈ. પછી તેણે રજા લીધી.

લગભગ છ-એક માસ પછી તે બગલમાં ફાઈલ મારીને પુનઃપધાર્યો. આ દરમિયાન મેં પણ લગભગ અખબારોમાં તેના અનેક લખાણો વાંચ્યાં હતાં ને મનોમન ગૌરવ અનુભવ્યું હતું. હવે તો તેણે માનવેતર એવું ‘ગમાર’ તખલ્લુસ પણ ધારણ કરી લીધું હતું. તેની સાથે અમાર ગામના નામને પણ સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હતી. મારા આવકાર પછી બાજુની ખુરશી પર તે બેઠો. પછી તેણે ફાઈલ ખોલી પોતાના પ્રસિદ્ધ થયેલ લખાણોના કટીંગ્ઝ ઉત્સાહપૂર્વક રજૂ કર્યાં. મને પણ નહોતા સૂઝતા એવા અનેક વિષયો તેમાં કલાત્મક ઢબે નિરૂપાયેલા હતા. ફાઈલ પર નજર ફેરવી મેં પૂછ્યું :
‘હવે તમે કેવા ગદ્યમાં પગપેસારો કરવા માંગો છો….?’
હસતા હસતા તે બોલ્યો : ‘મને આમાં જ સંતોષ છે….. મારું નામ અને ગામ હવે ગૂંજતું થઈ ગયું છે. અખબાર જેટલી પ્રસિદ્ધિ સામાયિકોમાં થોડી મળવાની છે ?’

લેખન પાછળનો તેનો ઉમદા આશય સફળ થઈ રહ્યો હતો. તો બીજી બાજુ વાલીઓ પોતાના બાળકોને ‘ગમાર’ની સ્કૂલમાંથી પાછા લઈ જઈને બીજી સ્કૂલોમાં દાખલ કરવા લાગ્યા હતા. કમ સે કમ આ સ્કૂલમાંથી વારંવાર ચોરાઈ જતાં બૂટ-ચંપલની ચિંતામાંથી તો મુક્તિ મળે….!!

[કુલ પાન : 108. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : કોન્ટેક એડ્સ. ચં.દી. બિલ્ડીંગ, 7/11, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ. ફોન : +91 281 2461142. ઈ-મેઈલ : dineshtilva@gmail.com]