ગઝલ – રશીદ મીર

[‘અધખૂલાં દ્વાર’ પુસ્તકમાંથી સાભાર.]

ગમે ત્યારે એ અનરાધાર વરસે,
ગમે ત્યારે એ મારી જાય તરસે.

બહુ શરમાળ છે બોલે છે ઓછું,
તમે બોલાવશો તો વાત કરશે.

બને તો સાંજના રોકાઈ જજો,
ઘણાં વરસે સદનનું ભાગ્ય ફરશે.

દુવા દરવેશની શેરીમાં ગૂંજી,
ભલું કરનારની આંતરડી ઠરશે.

હઠીલી આ હવાને વારવી શી ?
ભલે બે-ચાર સૂક્કાં પર્ણ ખરશે.

ઉદાસી સાંજની બોલી રહી છે,
ઠરે જો રાત તો દીવાઓ ઠરશે.

ચલો, આ શૂન્યને હમણાં ભરી દઉં,
અમારી પૂર્વવતતા કોણ ભરશે ?

સરળ છે વાળવી મુઠ્ઠી પરંતુ,
એ મુઠ્ઠીમાંથી પાછી રેત સરશે.

પચાવે ‘મીર’ છો બીજું બધું પણ,
ગઝલના ઝેરથી એ ખાસ મરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ગઝલ – રશીદ મીર”

Copy Protected by Chetan's WP-Copyprotect.