પંખી – ડૉ. સિલાસ પટેલિયા

પલળી ગયેલી પાંખે
આ ધોધમાર વરસાદમાં
હવે પંખીને ઊડવું નથી
પાણીમાં બૂડવું ય નથી
માળામાં ય ક્યાં પવન ટકવા દે છે ?
વંટોળ તાણી લાવે છે જળ
જળ અનરાધાર ઝીંકાય છે વૃક્ષ પર
દબાઈ દબાઈ લપાઈ લપાઈ
પંખી આ ઝીંક ઝીલે તો કેટલી ઝીલે ?

મગના દાણા જેવી આંખ ઊંચી કરી
પંખીએ આકાશ ભણી માંડી
તેજ નથી છે ભેજ !
વરસાદને વાળવા આંખ કઈ રીતે મથે ?

પંખીએ પાંખ ખંખેરી, માથું ધુણાવ્યું
ને ધોધમાર વરસાદમાં ઊડવા માંડ્યું-
હવે વરસાદ તો નથી
છે વરસાદથી ભરેલું આકાશ !

પહાડ વટાવવાનો છે
વન વીંધવાનું છે
દરિયા પર થઈ પછી આગળ….

પહાડ વન ને દરિયાને પાંખમાં ભરી
પંખી જાય….એ જાય…. દૂર દૂર…..

અહીં ધોધમાર વરસાદમાં
જળ વચ્ચે ફસાયેલો હું યે
પંખીની જેમ હામ ભીડું છું….

એક નાનકડું પંખી જેવું પંખી
મને આટલી બધી હામ આપશે
એવું મેં કદી ધારેલું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “પંખી – ડૉ. સિલાસ પટેલિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.