ગુજરાતના શહીદો – સ્વામી સચ્ચિદાનંદ

[ સ્વતંત્રતાની ચળવળ હિંસક અને અહિંસક એમ બે પ્રકારની હતી. અહિંસક ચળવળમાં સત્યાગ્રહને માર્ગે ચાલનારા સ્વાતંત્ર્યસેનાનીઓને તો આપણે જાણીએ છીએ પરંતુ જેઓ હિંસાના માર્ગે અર્થાત જોરદાર સામનો કરીને અંગ્રેજ સરકાર સામેની લડતમાં શહીદ થયા હતાં તેમનું આજના સ્વાતંત્ર્યદિને સ્મરણ કરીએ. સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્યદિનની શુભકામનાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.-તંત્રી.]

આઝાદીની લડતમાં ફાંસીએ ચઢનારા સૌથી વધુ બંગાળ-પંજાબ અને મહારાષ્ટ્રના યુવાનો રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ.પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. દિલ્લી-હરિયાણા અને ઉ.પ્ર.ના પણ થોડાક શહીદ રહ્યા છે. વાચકને પ્રશ્ન થાય કે ગુજરાતના કેટલા જાનકુરબાન કરનારા શહીદો થયા છે તેનો જવાબ આપવો કઠિન છે. ગુજરાત મુખ્યત્વે ગાંધીજીના માર્ગે ચાલ્યું હતું. ગાંધીમાર્ગે કોઈને ફાંસી થઈ હોય તેવું જાણ્યું નથી. કારણ કે ગાંધીવાદીઓ, હત્યા-ખૂન-લૂંટ-ધાડ જેવી પ્રવૃત્તિ કરતા નહિ. તેથી કાયદાને માનનારા અંગ્રેજો બહુ બહુ તો તેમને જેલમાં પૂરી દેતા, કાયદેસર કેસ ચાલતો અને સજા થતી. કેટલીક વાર તો સજા માફ પણ થતી. ખરાં બલિદાનો તો ક્રાન્તિકારી યોદ્ધાઓએ આપ્યાં હતાં. કારણ કે તે અહિંસાવાદી ન હતા. તેમ છતાં પણ જે લોકો અંગ્રેજી સત્તાનો વિરોધ કરવા સભા-સરઘસ કાઢતા અને પોલીસની ગોળીએ વીંધાઈ જતા તેમાંથી થોડાક નમૂના સંક્ષિપ્તમાં અહીં આપ્યા છે. આ બધા ગુજરાતી શહીદો છે. વંદનીય છે. તેમણે રાષ્ટ્રની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આવો તેમને યાદ કરીએ.

[1] શંકરભાઈ ધોબી

ગુજરાતના ખેડા નગરના ડાહ્યાભાઈ ધોબીનો પુત્ર હતો. 14 વર્ષની ઉંમરમાં હાઈસ્કૂલમાં ભણતાં ભણતાં તે 1942ના આઝાદીના આંદોલનમાં કૂદી પડ્યો હતો. અંગ્રેજ સરકાર વિરોધી સરઘસમાં રાષ્ટ્રીય ઝંડો તેણે લીધો હતો. તે સૌની આગળ આગળ વંદે માતરમનો નારો લગાવતો ચાલતો હતો. પોલીસે ગોળીબાર કર્યો અને શંકર ઢળી પડ્યો. તેણે માતૃભૂમિ ઉપર પ્રાણ ન્યોછાવર કરી દીધા. ખબર નહિ ખેડાવાળા ભાઈઓને શંકર યાદ છે કે નહિ ?

[2] રસિકલાલ જાની

અમદાવાદમાં 1926માં જન્મેલો રસિકલાલ જાની હાઈસ્કૂલનું અધ્યયન પૂરું કરીને કૉલેજમાં દાખલ થયો. તે બહુ પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. આ તરવરિયો યુવાન સૌને ગમતો હતો. 1942માં જ્યારે રાષ્ટ્રિય આંદોલન છેડાઈ ગયું ત્યારે તેણે પોતાના વિદ્યાર્થીઓનું એક મોટું સરઘસ અંગ્રેજી સરકારના વિરોધમાં કાઢ્યું. સરઘસ વધતું જ ગયું. ‘વન્દેમાતરમ’ના નારા ગુંજવતું જતું હતું ત્યાં પોલીસ સાથે રકઝક થઈ ગઈ. પોલીસે ગોળી ચલાવી દીધી અને સૌથી પહેલાં રસિકલાલ જાની શહીદ થઈ ગયો. તેના પિતાનું નામ ઠાકોરલાલ હતું.

[3] ભવાનભાઈ પટેલ

ભવાનભાઈ ઉર્ફે છોટાભાઈના પિતાનું નામ હાથીભાઈ હતું. તેઓ નડિયાદના વતની હતા. 15-8-1942ના રોજ અંગ્રેજી સત્તા વિરોધી જે આંદોલન ચાલ્યું તેમાં ભવાનભાઈએ ભાગ લીધો. સરઘસ ધસમસતું નારા લગાવતું જઈ રહ્યું હતું. પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પણ ન અટક્યું. અંતે ગોળીબાર થયો. પોલીસની ગોળીથી ભવાનભાઈ શહીદ થઈ ગયા.

[4] બચુભાઈ નાયક

બચુભાઈ નાયક અનાવિલ બ્રાહ્મણ હતા. ‘ભારત છોડો’ આંદોલનમાં તેમણે પૂરેપૂરો ભાગ લીધો. તેઓને પકડીને જેલમાં પૂરી દેવાયા. જેલના અત્યાચારોથી અને ગંભીર બીમારીથી તા. 23-1-1942ના રોજ જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું.

[5] રમણલાલ મોદી

રમણલાલ મોદીએ સુરતના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો. તેમણે ઘણી તોડફોડ પણ કરી. તેમને ગિરફતાર કરી લેવામાં આવ્યા. જેલમાં જ તેઓ શહીદ થઈ ગયા.

[6] ધીરજલાલ મણિશંકર

ધીરજલાલ ખેડાના બ્રાહ્મણ હતા. ‘ભારત છોડો’ આંદોલનમાં તેમણે ખૂબ સક્રિય ભાગ લીધો હતો. સરઘસમાં જ્યારે તેઓ રાષ્ટ્રિય ધ્વજ લહેરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા. ખબર નહિ ખેડાવાળાને ખબર છે કે નહિ ?

[7] નરહરિભાઈ રાવલ

નરહરિભાઈનો જન્મ 1914માં અમદાવાદમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 30-10-1942ના રોજ ‘ભારત છોડો’ આંદોલનમાં આ યુવાન કૂદી પડ્યો હતો, પોલીસે તેમને ગિરફતાર કરીને જેલમાં બંધ કરી દીધા. અત્યાચારથી જેલમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. તેમના પાર્થિવ શરીરને લેવા માટે અમદાવાદના લોકો જેલના દરવાજે ઊમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં ‘વન્દેમાતરમ’ના નારા સાથે તેમની સ્મશાનયાત્રા અમદાવાદની સડકો ઉપર ફરેલી. તેમના પિતાશ્રીનું નામ માણેકલાલ રાવલ હતું. શહીદને વંદન.

[8] કુમારી જયવતી સંઘવી

કુ. જયવતી સંઘવીનો જન્મ 1924માં અમદાવાદમાં વણિક પરિવારમાં થયો હતો. ત્યારે દેશ રાષ્ટ્રની આઝાદીના ગરમાવામાં ગરમ થઈ ગયો હતો. તા. 5-4-1943ના રોજ ‘ભારત છોડો’ આંદોલનમાં જયવતીએ મહત્વનો ભાગ લીધો હતો. સૌથી આગળ ચાલનારી 19 વર્ષની આ યુવતીએ પોલીસનો ગેસનો શેલ પોતાની છાતી ઉપર ઝીલી લીધો અને તે સરઘસમાં જ શહીદ થઈ ગઈ. ધન્ય છે જયવતીને.

[9] ગુણવંત શાહ

ગુણવંત શાહનો જન્મ અમદાવાદમાં સન 1924માં વણિક પરિવારમાં થયો હતો. બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં જે એક ભારે સરઘસ તા. 9-12-1942ના રોજ નીકળ્યું હતું તે આખા શહેરમાં ફરીને કલેકટરની ઑફિસે જવાનું હતું. રસ્તામાં પોલીસના રોકવા છતાં સરઘસ ન અટક્યું, પોલીસે ગોળી ચલાવી અને ગુણવંત માણેકલાલ શાહ શહીદ થઈ ગયા.

[10] ગોરધનદાસ રામી, પુષ્પવદન મહેતા, વસંતલાલ રાવલ

ગોરધનદાસ છગનલાલ રામીનો જન્મ અમદાવાદ પાસેના બાવળા ગામમાં થયો હતો. તે પણ બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા સરઘસમાં જોડાયા હતા. અને પોલીસના ગોળીબારમાં શહીદ થયા હતા. આવી જ રીતે પુષ્પવદન ટીકારામ મહેતા પણ આ જ સરઘસમાં પોલીસના ગોળીબારથી શહીદ થઈ ગયા હતા. અને વસંતલાલ મોહનલાલ રાવલ પણ આ જ સરઘસમાં પોલીસની ગોળીથી શહીદ થઈ ગયા હતા. તે કૉલેજના વિદ્યાર્થી હતા અને તેમના પિતાનું નામ મોહનલાલ હતું. અમદાવાદના વતની હતા.

[11] છિબાભાઈ પટેલ

છિબાભાઈ સુરત જિલ્લાના પિંજારત ગામના વતની હતા. બ્રિટિશ સરકારની વિરુદ્ધમાં ચાલતા આંદોલનમાં તે જેલમાં ગયા અને જેલમાં ઘણા અત્યાચારો થવાથી જેલમાં જ શહીદ થઈ ગયા.

[12] છોટાભાઈ

ડાકોરના વતની છોટાભાઈ એક સરઘસનું નેતૃત્વ કરતા હતા. સરઘસ ક્રુદ્ધ થઈ ગયું. તે પોલીસ ઉપર તૂટી પડ્યું. પોલીસનાં હથિયાર છીનવી લીધાં. અને પોલીસને માર મારવા લાગ્યું. અફરાતફરી થઈ ગઈ. છોટાભાઈ વચ્ચે પડ્યા. જેમતેમ કરીને લોકોને સમજાવ્યા. પોલીસનાં હથિયારો પાછાં આપ્યાં. જેથી શાંતિ થઈ. એવામાં તો પોલીસની નવી કુમક પહોંચી ગઈ. પોલીસે સર્વપ્રથમ છોટાભાઈ ઉપર જ ગોળી છોડી અને છોટાભાઈ શહીદ થઈ ગયા.

[13] નાનાલાલ શાહ

અમદાવાદ જિલ્લાના રામપુરનો આ નાનો વિદ્યાર્થી ધસમસતા સરઘસની મોખરે રાષ્ટ્રિય ધ્વજ લઈને પોલીસથાણા ઉપર લહેરાવવા જઈ રહ્યો હતો. પોલીસે ગોળી ચલાવી પણ નાનાલાલ ચૂપચાપ છુપાઈને પોલીસથાણા ઉપર પહોંચી ગયો. તે થાણા ઉપર ચઢીને ધ્વજ ફરકાવતો જ હતો ત્યાં પોલીસની ગોળીએ તેને વીંધી નાખ્યો. ફૂલ જેવો નાનાલાલ ઢળી પડ્યો. ત્યાં તો બીજા વિદ્યાર્થીઓ પહોંચી ગયા. ધ્વજ લઈને થાણા ઉપર ફરકાવી દીધો. નાનાલાલે આંખ ઉઘાડીને ફરકતો ધ્વજ જોયો. તે હસ્યો અને આંખ મીંચી દીધી. હા, કાયમ માટે.

[14] ઉમાકાન્ત કડિયા

તા. 9-8-1942ના રોજ અમદાવાદનું ખાડિયા ઉશ્કેરાઈ ગયું. પોળના નાકે 400-500 એકત્ર થઈ ગયા. ‘વન્દે માતરમ’ના નારા સાથે આકાશ ગાજતું થઈ ગયું. પોલીસ દોડી આવી. ટોળું વીખરાતું ન હતું. પોલીસે ગોળીબાર કર્યો. એક ગોળી ઉમાકાન્તને કપાળમાં વાગી અને તે ઢળી પડ્યો. આજે પણ તે જગ્યાને ‘ઉમાકાન્ત ચોક’ નામ અપાયું છે.

[15] નાનજીભાઈ પટેલ

નાનજીભાઈ આર્યસમાજી હતા. સ્વામી શ્રદ્ધાનંદજીના ચુસ્ત શિષ્ય હતા. ઉત્તર ગુજરાતના કરજીસણ ગામના વતની આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા. એક બૉમ્બ લઈને પોલીસ થાણા ઉપર ફેંકવા માટે જઈ રહ્યા હતા. પણ રસ્તામાં ઠેસ વાગવાથી પડ્યા અને બૉમ્બ ફૂટી ગયો. નાનજીભાઈ પોતાના જ બૉમ્બથી શહીદ થઈ ગયા હતા. તે રિવૉલ્વર પણ રાખતા હતા. તે ઈચ્છતા હતા કે લોકો શસ્ત્રધારી બને અને અન્યાય કરનાર ગુલામીનો જોરદાર સશસ્ત્ર વિરોધ કરે.

રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર ગુજરાત અને ભારતભરના સૌ શહીદોને કોટી કોટી વંદન.

(‘ગુજરાતના શહીદો’ પ્રકરણમાંથી ટૂંકાવીને સાભાર.)

[કુલ પાન : 248. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શોખીન બિલાડી – પુષ્પા અંતાણી
આપણી સામાજિક નિસ્બત – સંકલિત Next »   

11 પ્રતિભાવો : ગુજરાતના શહીદો – સ્વામી સચ્ચિદાનંદ

 1. Hiral says:

  વાંચીને આંખ ભીની થઇ ગઈ. લગભગ બધા ઘણી નાની ઉંમરે દેશ માટે શહીદ થયા.
  કેટલાક તો વિદ્યાર્થીકાળમાં જ. ૪૨, ૪૩ ની સાલમાં આપણે કેટલા બધા ભારતના સપુતોને ખોયા?
  આ બધા શહીદોનો આભાર માનીએ તેટલો ઓછો. એમની હિંમત અને દેશભક્તિના કાર્યોને લીધે જ આપણે આઝાદ છીએ.
  આઝાદી પછીનું સપનું છે, ‘ભારત વિકસિત દેશ બને’., આપણે ક્યારે એ સપનું પૂરું કરી શકીશું?

  —-
  બધા ભારતીય ભાઈ બહેનો ને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ.
  જયહિન્દ.

  • sailesh g patel says:

   ગુજરાત ના તથા ભારત ના તમામ જાનિતા અને અજાન્યા સહિદો ને કોતિ કોતિ પ્રનામ

 2. very few person dies in freedom yudhspecially gujarati yuva are very few in number we selute them dr sudhakar hathi

 3. એક બાજુ, દેશ માટે જાન કુર્બાન કરનારા આવા કેટ કેટ્લા દેશ્ભક્તોની થતિ સતત અવગણના અને…
  બિજિ બાજુ આજ્ના કહેવાતા બે શરમી, આડે હાથ લુટ ચલાવતા સેવક્ર રામો સસ્તી ખ્યાતી મેળવવા
  કેવા કેવા ધમપછાડા કરતા જોવા મળે ઍ, આજ્ની ભયાનક્ ક્રરુણતા..

 4. Veena Dave. USA says:

  વંદે માતરમ .

 5. Jay Shah says:

  શત શત પ્રણામ આવા દેશ ભક્તો ને…. વંદેમાતરમ….

 6. Jay Shah says:

  મરા તમામ Read Gujarati.com પરીવાર ને, ૧૫ ઓગસ્ટ – આઝાદી નો સુહાનો દીવસ મુબારક….અંગ્રેજો ની ગુલામી માં થી તો આઝાદ થઈ ગયા …. ચાલો હવે ફરી એક વાર – આ ભ્રસ્ટાચાર અને આડંભરો થી ભરેલા રાજ નેતાઓ – સામાજ ના દુશ્મનો થી આઝાદ થઈ જઈએ. અમેરીક લેખક Mark Twain said “Why build the cities glorious, when man unbuilded goes, in wain we build the world unless, the builder also grows – ચાલો એક નવું હિદુસ્તાન બનાવીએ કે કોઈ જ્યાં ભુખ્યુ ના હોય… બધા પાસે કામ હોય… બધા પ્રેમ અને અમનથી રહે… એ હીન્દુ હોય કે મુસ્લમાન એ શિખ હોય કે ઈસાઇ – બધા હળી મળી ને રહે…. ત્યારે આપણે જે આઝાદી ઉજવશું એ આ આઝાદ દેશ ના સ્વપ્ન હશે જે આ શહીદો એ જોયા હતા… મારી ભગવાન ને પ્રાર્થાના કે આપણું આ સ્વપ્ન પુરું થાય….

 7. This story is very intresting .I like it;

 8. Never knew about these young bravos… thanks for sharing.

  Ashish Dave

 9. manoj gamara says:

  સરસ મજા આવિ

 10. K.B.Bhachech says:

  ઊપર જનાવેલા સન્માનેીય શહેીદોનેી સાથે અમદાવાદનેી ગુજરાત કોલેજના તરુન વયનેી

  ઉમરના વિનોદ કિનારેીવાલાને પન આદર સાથે યાદ કરેીયે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.