મૂળજીભાઈના મૂળા – જોરાવરસિંહ જાદવ

[ લોકજીવનમાં સામાન્યપણે રોજેરોજ બોલાતી કહેવતો પાછળ કોઈને કોઈ રસપ્રદ કથાઓ સચવાયેલી હોય છે. આ કથાઓમાં રમૂજ, વ્યંગ, હાસ્ય અને જીવનબોધ સમાયેલો હોય છે. આવી સુંદર કહેવતકથાઓના પુસ્તક ‘લોકજીવનની કહેવતકથાઓ ભાગ-2’ માંથી આજે માણીએ એક કહેવતકથા. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

જામનગર જિલ્લાના હાલાર પંથકમાં મોડાસર નામનું એક ગામ. ઈ ગામની માલીપા મૂળજી કરીને એક સથવારો ખેડુ રહે. એક દિવસની વાત છે. કરણ મહારાજનો પહોર છે. સૂરજદેવ ઊગું ઊગું થઈ રહ્યા છે. મૂળજી ગામ ઢૂંકડી આવેલી પોતાની મૂળાની વાડીમાં કોસ હાંકે છે ને દુહાની ઝપટ દેતો જાય છે :

‘હસે ઈ માણહ ને,
…….. નો હસે ઈ ઘૂડો (ઘુવડ);
માણહની જાતમાં,
………. હસનારો રૂડો.’

ત્યાં વાડીના ખોડીબારામાંથી હાથમાં લોટી લઈને ગવરીશંકર ગોર દાખલ થયા, ને ‘દયા પ્રભુની’ કહેતાકને પાણીના ધોરિયા માથે ધોતિયાભેર ખંખોળિયું ખાવા બેઠા : ‘ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સીંધુ, સરસ્વતી’ એમ યાદ આવી એટલી નદીયુંનું આહવાહ્મન કર્યું. ત્યાં ઢાંઢાના પૂંછડાં આમળતા મૂળજીએ મહર કર્યો :
‘મૂળજી ! આજ બાપડી નદીયુંના ભાગ્ય ઊઘડી જીયા લાગે છે. નદીયુંનું કલ્યાણ થઈ ગિયું.’
‘બાપજી, તમને ખેડુની ભોથાવરણને બામણનું શાસ્ત્ર નંઈ સમજાય. નદીયુંનું નામ દઈને સ્નાન કરવાથી નદીયુંનું કલ્યાણ નો થાય પણ ઈ બધી પવિત્ર નદીયુંમાં નાહ્યાનું પુણ્ય આપણને થાય.’

કોસના વરત ઉપર બેસીને પૂંછડું ઝાલીને મૂળો ટટકારતો મૂળજી બોલ્યો : ‘ગોરબાપા ! પુણ્ય ને બુણ્ય. અમને ઈમાં કંઈ ગતાગમ નો પડે. આંય તો કાળી મજૂરી કરવી, કોહ હાંકવી, મૂળા પકવવી ને મલક જમે ઈ અમારું પુણ્ય. જતી વેળાએ તમેય છોકરાવ માટે પાંસહાત મૂળા હાથમાં ઝાલતા જાજો.’
ત્યારે જમાનાનો ખાધેલો ગવરીશંકર કહે : ‘મૂળા લૂખા થોડા ખવાય છે ? મૂળા ખાવાથી મોં બગડે. ઈ તામસી ચીજ છે. ગરમ પડે. તને હરખનો હિલોળો આવતો હોય તો ભગરી ભેંસના ઘીના ચૂરમાના લચપચતા લાડુ ખવરાવ્ય ને ! તારી સાત પેઢીમાં કોઈ દી’ કોઈએ બ્રાહ્મણ જમાડ્યો છે ખરો ? બ્રાહ્મણને નકરા મૂળા જ ખવરાવ્ય ખવરાવ્ય કરશો ? હવે જ્યાં સુધી ધરાઈને તારા લાડવા નો ખાઉં ત્યાં સુધી તારી વાડીના મૂળાને હાથ અડાડવો હરામ છે. તું તારે મૂળાના પાંદડે લીલાલહેર કર્ય.’ મૂળજી સથવારો ગોરની વાત સાંભળીને ઘડીભર તો વિચાર કરતો થઈ ગયો : એક તો મફતનો માલ ઠપકારવો છે ને અકરમી પાછો લાડ કરે છે ? આંય ઘરમાં છોકરાં બાપડાં બંટીના રોટલા ખાય છે ને આને લસપસતા ઘીના લાડવા દાબડવા છે. ઈનેય છઠ્ઠીનું ધાવણ ઓકાવી નો નાખું તો મારો બાપ સવજી સથવારો નંઈ.’

એમ વિચાર કરીને મોં પર હાસ્યની લહેરખી ફરકાવતો મૂળજી બોલ્યો : ‘ગૉરબાપા, આમેય મારા બાપાની પાછળ બારમું-તેરમું કે કાંઈ કારજકિરિયા કરી નથી એટલે મનેય ઘણા વખતથી મનમાં થાય છે કે એકાદ દિવસ બ્રાહ્મણોની ચોરાશી કરું.’
‘ઈના જેવું રૂડું એકેય નંઈ. બ્રાહ્મણો લાડુ જમી તારા આંગણે એંઠા હાથ કરીને ઓડકાર ખાશે તો તારા બાપાને સ્વર્ગમાં બેઠા બેઠા તૃપ્તિના અમી ઓડકાર આવશે. પિતૃઓ તારા ખોરડા પર આશીર્વાદ વરસાવશે. તારી વાડી લીલીછમ રહેશે. પિતૃઓને રાજી કરવા જેવું મોટું પુણ્ય આ મલકની માલીપા બીજું એકેય નથી. વાહ મૂળજી ! વાહ મૂળજી ! પૂનમનો દિવસ પરમ કલ્યાણકારી મનાય છે. ઈ દા’ડે લાડવા હાર્યે રાણીછાપના રૂપિયા જેવા તારા મૂળાનાં પતીકાંય ખાશું. મૂંઝાઈશ મા.’

આટલી વાતચીત કરીને ગવરીશંકર ગૉર હરખાતાં હરખાતાં ઘેર આવ્યા. ચૌદશનો રૂડો દિવસ આવ્યો. મૂળજી સથવારો ગામના સઘળા ભૂદેવોને પોતાને ત્યાં જમવાના ધુમાડાબંધ નોતરાં દઈ ગવરીશંકર ગૉરના ઘેર આવ્યો. ગોરબાપા ગામમાં લોટ માગવા ને ‘પુણ્ય પરબડી’ કરવા ગયેલા. મૂળજી, ગોરાણી પાસે જઈને બે હાથ જોડીને બોલ્યો :
‘ગૉરાણી મા ! હું આવતી કાલે બ્રાહ્મણોને જમાડું છું. તમને સાગમટે જમવાનું નોતરું દઈ જાઉં છું.’
‘મૂળજી ! તમને ખબર્ય છે કે હું ક્યાંય જમવા જાતી નથી. તારા ભાઈ જરૂર આવશે. આમેય ઈમને લાડુ બહુ વા’લા છે.’
‘ગૉરાણીમા ! ગરીબ સતવારાનું નોતરું પાછું નો ઠેલો. માવડી એકવાર મારા આંગણે પગલાં કરી જાવ તો મારા જીવને શાંતિ થાય.’
‘દીકરા, હું જરૂર આવત પણ મારો જુવાનજોધ માનો જણ્યો ભાઈ ગુજરી ગયો તી પછી ક્યાંય બહાર એંઠું મોં કરવા જતી નથી.’ આ વાત સાંભળીને જાણે પોતાનો સગો ભાઈ ગુજરી ગયો હોય એવું ઢીલું મોઢું કરીને મૂળજી બોલ્યો : ‘તો માડી તમને તાણ્ય નંઈ કરું. ગૉરબાપા આવે છે એટલે હાથીના પગલામાં હંધાય પગલાં આવી ગ્યાં ગણાય. તમને તો ખબર્ય છે. અમારું કહળું કુટુંબ છે. બધાને પાઘડીબંધ જમવાનાં નોતરાં દીધાં છે. અમ ગરીબના ખોરડે ઝાઝા ઠામ ક્યાંથી હોય ! સઉને જમાડવા તમારાં વાસણો લઈ જવાં પડશે.’
‘અરે મારા વીરા, ઈ શું બોલ્યો ! આ તારું જ ઘર છે ને ! સામી માંડ્યેથી જોવી એટલાં વાસણો તારા સગા હાથે જ ઉતારી લે ને ! કામ પતે તી કેડ્યે ખટકો રાખીને પાછાં પોગાડી જાજે. તારા ભાઈના સ્વભાવની તો તને ખબર્ય છે ને ! હું ઈમનેય વાત નથી કરતી. જાણશે તો મારી ઓખાત બગાડી નાખશે.’
‘ગોરાણીમા ! તમે ધરપત રાખજો. વાસણની વાતમાં મૂળજી મોળો નંઈ ઊતરે.’

ગૉરાણીની રજા મળતાં ઉંદરને જાણે કંદોઈની દુકાન જડી ગઈ. મૂળજીએ તપેલાં, તપેલિયું, છાલિયાં, તાંસળિયું, ગંગાજમની લોટા, થાળી, વાટકા અને પવાલાનો કોથળો ભર્યો ને પછી માથે મૂકી ઘરભણી ખેંતાળી મૂક્યા, ત્યાં કરમની કઠણી તે ગૉરબાપા જ સામા ભટકાઈ ગ્યા :
‘મૂળજી ! આ શું ?’
‘બાપા, બ્રહ્મભોજનની તિયારી. કાલ્ય મારે ન્યાં જમવા આવવાનું છે. સોખામું રહોડું પણ તમારે જ કરવાનું છે. ગૉરાણીમાને નોતરું દઈને જ વ’યો આવું છું.’
‘વાહ મૂળજી વાહ ! ધન્ય છે તારી શ્રદ્ધાને. સતવારા જ્ઞાતિમાં તારું ખોરડું ખરે જ ધાર્મિક છે. તારાં ધર્મપત્ની તો ભાવનાથી ભરેલાં સાક્ષાત જગદંબાનો અવતાર છે. ધર્મ હોય ન્યાં લક્ષ્મીનો વાસ થાય છે. ગામમાં સતવારાના ખોરડાંનો ક્યાં ટૂટો છે ? પણ બ્રાહ્મણોની એંઠ કદી એમનાં આંગણે પડી ભાળી છે ? ભૂદેવો જેના આંગણે જમીને તૃપ્તિનો અમી ઓડકાર ખાય ઈની સાત પેઢી તરી જાય. ધન્ય હો….ધન્ય હો.’
મૂળજીને મળીને ગવરીશંકર ઘેર આવ્યા. ફળિયામાં પગ મૂકતાં જ બોલ્યા : ‘એ ય હાંભળે છે કે ?’
‘કેમ ?’
‘કેમ શું ? આજ મારે જમવું નથી.’
‘પણ મૂળજીભાઈ તો કાલ્યનું નોતરું દઈ ગ્યા છે.’
‘એટલે તો આજથી પેટ ખાલી રાખવું છે. ઈ લુખોટાટ આજ માંડ ઘાએ ચડ્યો છે. ઈના મૂળા ય ખાવા છે ને લાડવા ય ટટકારવા છે. કાગડો ક્યારેક જ કુંરાટમાં આવે !’
‘ભટ્ટજી ! પછેડી પરમાણે સોડ્ય તાણવી સારી. તમને મરડાની મુસીબત તો છે ને પાછા ખાવામાં ખટકો રાખતા નથી, પછી ઉપાધિ તો મારે જ કરવાનીને !’
‘તને ઉપાધિ સિવાય બીજું આવડે છે ય શું ? જો હું અટાણથી કઈ રાખું છું કે આવતી કાલે બપોરે જમીને આવું ઈ મોર્ય ઓરડામાં ઢોરણી ઢાળી રાખજો. હું સૂઈ જાઉં પછી મને જગાડીશ મા ! લાડવાનો મીણો ચડે ઈ પછી મારી મૉજ બગાડીશ મા !’

બીજા દિવસનું સવાર થયું. ગવરીશંકર અબોટિયું પહેરી, હાથમાં ઝારો ને મોગરી ઝાલતાંકને મૂળજી સતવારના ઘેર ગયા. અડાયા છાણાંનો ભઠ્ઠો કરી ઘઉંના ખાખરા શેકી, ખાંડણીમાં ખાંડી, ચારણીમાં ચાળી એમાં ઘી ગોળ ભેળવી ચાલતા ચૂરમાના લચપચતા લાડવા વાળતા વાળતા ગૉર વદ્યા :
‘મૂળજી ! ઘીના પાટિયામાં આંગળિયું નાખતાં નખમાં ફાહું વાગે છે. ઘરની ભગરી ભેંસનું ઘી લાગે છે. ઈની સોડમ જ કઈ આલે છે.’
‘બાપુ ! ઈ સંધુય આપનું જ છે. મારું કંઈ નથી.’
‘અને આ ગોળ વહતા પટેલની વાડીનો લાગે છે, સાકરરોખો મીઠો છે.’
‘મહારાજ ! ઈય આપનો જ છે, ને આપને જ જમવાનું છે. હું તો નિમિત્તરૂપ છું.’ રસોઈ તૈયાર થઈ જતાં ગોરમહારાજે ભાણું માંડ્યું. થાળી ફરતી પાણીની ધારેવાળી દઈને મહારાજ હરિહર કરવા બેઠા. થાળીમાં પાંચસાત લાડવા મૂક્યા છે. ત્યાં મૂળજીએ આવીને ગૉરબાપા કને મૂળાનો ભારો મૂક્યો. એમાંથી પીંછડાંસોતો મૂળો હાથમાં લઈને આરોગતા આરોગતા ગૉર શું કહે છે ?
‘વાહ મૂળજી તારા મૂળા ! કાઠિયાવાડના ઈતિહાસમાં અમર અક્ષરે લખાઈ જાય એવા કીર્તિવંત છે. લાખ રૂપિયાનો એક મૂળો છે. આ તે મૂળા છે કે ઈન્દ્રલોકની વનસ્પતિનો અવતાર છે ?’ એમ બોલતા બોલતા ગવરીશંકર લાડવા ને મૂળા બેય ધરવાસટ ઝાપટીને ઊભા થયા ને કહેવા લાગ્યા : ‘મૂળજી ! ધન્ય છે તને ! બ્રહ્મભોજન કરાવી ધર્મની ધજા ફરકતી રાખી. જય હો…જય હો. હવે ગૉરબાપાને દક્ષિણા દેવી હોય ઈ દઈ દે એટલે હું વે’તો પડું.’ મૂળજી સથવારો ગૉરના હાથમાં રોકડો રૂપિયો દક્ષિણાનો મૂકીને બે હાથ જોડીને બોલ્યો :
‘ભટ્ટબાપા ! આ હંધુય આપનું જ છે. આમાં મારું કાંઈ જ નથી.’
‘એ તો તારો વિવેક છે મૂળજી ! તારી નમ્રતા પ્રશંસાને પાત્ર છે. લ્યો હવે હું જાઉં. તમે સૌ કુટુંબીઓ પ્રેમથી જમી લ્યો.’ એમ કહીને ગૉર ઘેર ગયા. જેમ ભાર્યે પંડ્યવાળી ભેંસ કાદવના માંદણામાં ખાબકે એમ ગોર ખાટલામાં જઈને ખાબક્યા.

આ વાતને માથે થઈને બે-ચાર દિવસ દડવડ કરતા વહી ગયા, પણ વાસણો પાછાં આવ્યાં નહીં એટલે ગૉરાણીએ ગૉરને વાત કરી. ગવરીશંકરને આ વાત જાણીને મનમાં ધ્રાસકો પડ્યો. એ તો દોડતા દોડતા મૂળજી સથવારાની વાડીએ પહોંચ્યા. મૂળજી તો મૉજથી કોસ હાંકતો હતો. ગવરીશંકરને આવેલા જોઈને મૂળજી મોં મલકાવીને બોલ્યો :
‘ગૉરબાપા ! પાય લાગીએ.’
‘અલ્યા મૂળજી ! મારાં વાસણો ક્યાં ?’
‘કિયાં વાસણો ?’
‘તું મારા ઘર્યેથી કોથળો ભરીને લઈ ગયો’તો ને ?’
‘ગૉરબાપા ! ઈના તો આપણે બધાએ લાડવા નો ખાધા ?’
‘લાડવામાં વાસણો ચાં આવ્યાં ?’
‘ઈ તો હું વનેચંદ વાણિયાને ત્યાં ગીરો મૂકી આવ્યો છું. તમને ઘણા દિ’થી લાડુ ખાવાનો ભાવ હતો ને રોજ કે’ કે’ કરતા’તા તે મેં તમારી ઈચ્છા પૂરી કરી. તમારી ભેળા અમને ય લાડવા ખાવા મળ્યા.’ આ સાંભળતાં જ મહારાજનો મિજાજ ગયો.
‘કમબખત આવું કરવાનું ? ગામની માલીપા બીજો કોઈ નો જડ્યો તે મારા ગરીબ બ્રાહ્મણનાં વાસણો વેસી ખાધાં ? નકટા, બ્રાહ્મણનું નંઈ પચે. રગતકોઢ થાશે. રૂવે રૂવે રગતકોઢ ફૂટી નીકળશે. ભલો થઈને મારાં વાસણો લાવી આલ.’
‘હવે હું ક્યાંથી લાવું ?’
‘જ્યાં મૂક્યાં હોય ન્યાંથી લાવ.’
‘ઈ ડોહો પાછાં આલતો હશે ?’
‘હાય મારાં વાસણો ! હાય મારાં વાસણો….. તારું નખ્ખોદિયું જાય. મૂળિયા હું જ તારા હાથમાં આવ્યો ?’
‘ગૉરબાપા ! તમારે મૂળા ભેળા લાડવા ખાવા હતા ઈમાં મારો શું વાંકગનો ?’

આ સાંભળતાં જ ગૉરનો પિત્તો ગયો. એ તો ત્રાગા ઉપર આવી ગયા. પાણીના ધોરિયા પાસે પડેલી પથ્થરની છીપર લઈને છાતી કૂટતા કૂટતા મૂળજીનાં છાજિયાં લેવા મંડાણા :
‘હાય મૂળિયા હાય !
હાય મૂળિયા હાય !
મૂળિયાના મૂળા હાય હાય.’
ગવરીશંકર ગૉરને મૂળજીની વાડીમાં છાતી કૂટતા સાંભળીને સૌ દોડી આવ્યા. જોનારને થયું કે આ બ્રાહ્મણ નાહકનો મરી જશે એટલે કારણ પૂછવા મંડાણા. ત્યારે ગૉરે કહ્યું : ‘મૂળજીએ મારાં વાસણો લાવીને વેચી ખાધાં છે. ઈ પાછાં નંઈ મળે ન્યાં લગી મારી છાતી કૂટીશ ને આંય લોઈ રેડીશ. હું બ્રાહ્મણ છું. પરશુરામનો અવતાર છું.’ એમ કહેતાં ગવરીશંકર બમણા જોરથી છાતી કૂટવા મંડાણા. અહીં બ્રહ્મહત્યા થાશે ને જોનાર સૌના માથે પાતક બેસશે એ બીકે સૌ પટેલિયાઓએ ભેગા મળી ખરડો કરી વાણિયાના હાટેથી ગૉરનાં વાસણો છોડાવવાની કબૂલાત આપી. બીજે દિવસે બધાએ ભેગા મળી ગૉરના વાસણોનો કોથળો છોડાવી લાવ્યા.

પણ તે દિવસથી ગવરીશંકર ગૉર જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે ટીખળી છોકરાઓ ‘મૂળજીભાઈના મૂળા’ કહીને એમને ચીડવતાં. આ વાતને માથે થઈને વરસોનાં વહાણાં વાઈ ગયાં. આજે નથી મૂળજી સથવારો કે નથી ગવરીશંકર ગૉર. પણ આ ઘટના ‘મૂળજીભાઈના મૂળા’ની કહેવત મૂકતી ગઈ છે.

[કુલ પાન : 152. (પાકું પૂઠું). કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a Reply to Preeti Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

18 thoughts on “મૂળજીભાઈના મૂળા – જોરાવરસિંહ જાદવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.