- ReadGujarati.com - http://www.readgujarati.com -

આપણી સામાજિક નિસ્બત – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.]

[1] બુદ્ધિ કોના બાપની ? – ડૉ. પ્રજ્ઞા પૈ

‘મમ્મી, આમ તો અમે લંડનમાં સેટલ થઈ ગયાં છીએ. પણ એક વિચિત્ર મુશ્કેલી છે. રસોઈ કરતી વખતે કંઈ શેકીએ કે તળીયે તો રસોડાનાં એલાર્મની સીટી વાગવા માંડે, કેમ જાણે કોઈ ગુનો કર્યો હોય…’ નવી નવી લંડનમાં આવેલી સીમાએ રજનીને ફોન પર કહ્યું.
‘આપણા ઘરમાં આપણે ગમે તે રસોઈ કરીએ એમાં સીટી શા માટે થવી જોઈએ ?’ રજનીએ પૂછ્યું.
જવાબમાં સીમાએ ખુલાસો કર્યો : ‘અહીં બધાંને આગ લાગવાની બીક રહે છે, કારણ કે ઘરની બાંધણીમાં લાકડું બહુ વપરાય છે. ઘરમાં જરા જેટલો ધુમાડો થાય કે સ્મોક ડિટેકટર સીટીઓ વગાડવા માંડે. તળવાનું તો ઠીક પણ કોઈ વાર વઘાર બળી જાય, ધૂપ કે અગરબત્તી કર્યા હોય તોપણ એલાર્મ વાગે. પહેલાં મેં કહ્યું કે બધી બારી ખોલી નાખીએ એટલે ધુમાડો બહાર નીકળી જાય, પણ એવું કરીએ તો પડોશીને વાસ આવે, છીંક અને ઉધરસ આવે એટલે એ ફરિયાદ કરે. આમ પણ ઠંડીની ઋતુમાં તો બારી ખોલવાનો સવાલ જ નથી. ઠંડીમાં તો બંધ બારીએ પણ ઠરી જવાય છે.’

થોડા દિવસ પછી સીમાએ રાજી થઈને રજનીને ફોન કર્યો : ‘યૂ નો સમથિંગ ? ખૂબ વિચાર કર્યા પછી સુબોધે એ સ્મૉક ડિટેક્ટરનું એલાર્મ જ બંધ કરી દીધું. એ એન્જિનિયર છે ને એટલે એને આવાં રોડાં કરતાં આવડે. હવે ઘરમાં ગમે તેટલો ધુમાડો થશે તોપણ સીટી નહીં વાગે. બહાર કોને ખબર પડવાની હતી….?’ આનું નામ બ્રેઈન ડ્રેઈન !!
****

ભારત સરકારે જ્યારે પાંચ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો ત્યારે કોઈકે ભેજું લડાવીને એ જ સિક્કાના કદના આઠ આનાના – પચાસ પૈસાના બે સિક્કા ચોંટાડી બેધ્યાન હોય કે ઉતાવળમાં હોય તેવી વ્યક્તિને પાંચ રૂપિયાના સિક્કા તરીકે પધરાવવાનું શરૂ કર્યું. આમતેમ ફેરવીને જોઈએ નહીં તો એ પાંચ રૂપિયાનો સિક્કો નથી એવો ખ્યાલ પણ ન આવે. ટંકશાળાએ પાંચ રૂપિયાના સિક્કાનું ઉત્પાદન શરૂ કર્યું તેના થોડા જ દિવસો પછી પાંચના સિક્કાની અછત નિર્માણ થઈ. નાની નાની કોથળીઓ ભરી આ સિક્કાઓની ઈંગ્લેન્ડમાં ગેરકાયદે નિકાસ થવા માંડી. કારણ ? આ સિક્કો એક પાઉન્ડના સિક્કા જેટલું જ કદ અને વજન ધરાવતો હોવાથી ત્યાંના વેન્ડિંગ મશીનમાં (સિક્કો નાખતાં કબાટમાંથી આપમેળે ચીજ બહાર આવે તેવા મશીન) આપણા ભારતીયોએ પાંચિયું નાખીને એક પાઉન્ડ… તે સમયે લગભગ પંચોતેર રૂપિયાની કિંમતની ચોકલેટ, બિસ્કિટ વગેરે ચીજો ઝપાટાબંધ ખરીદવાનું શરૂ કર્યું. આ છેતરપિંડીની જાણ થઈ કે તરત ભારત સરકારને પાંચ રૂપિયાના સિક્કાનો અવતાર બદલવાની તાકીદ થઈ. ઈંગ્લૅન્ડના દુકાનદારો પાઉન્ડના સિક્કાને બદલે પાંચ રૂપિયાનો સિક્કો પધરાવી દેવા જેટલા સ્માર્ટ નહોતા !!
*****

અમેરિકા જવા ઈચ્છનાર ડૉક્ટરોએ ત્યાં જતાં પહેલાં એક પરીક્ષા પાસ કરવી પડે છે. પાંત્રીસેક વર્ષો પહેલાં ઈ.સી.એફ.એમ.જી. (હાલની યુ.એસ.એમ.એલ.ઈ.) પરીક્ષા બીજા દેશોમાંની જેમ ભારતમાં પણ લેવાતી. અમેરિકા જવા ઉત્સુક તાજા પાસ થયેલા ડૉક્ટરોનો આ પરીક્ષામાં બેસવા ધસારો થતો હતો. ત્રણ-ચાર વર્ષમાં જ ભારતમાં આ પરીક્ષા લેવાનું બંધ કરવામાં આવ્યું અને પરીક્ષા આપવા ઈચ્છનાર ડૉક્ટરોને સિંગાપોર કે બીજા દેશમાં જવાની ફરજ પડી. ભારતમાં પરીક્ષા લેવાનું બંધ થવાનું કારણ આપણા અતિ ડાહ્યા ભારતીયો જ હતા. મુંબઈ અને દિલ્હીમાં પરીક્ષા લેવાતી હોવા છતાં અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સિંગાપોર પહોંચી જતા. પરીક્ષાના હોલમાં દસેક મિનિટ ગાળી, કંઈ આવડતું નથી તેવું જણાવી કોરું પેપર મૂકી, છાપેલું પ્રશ્નપત્ર લઈ બહાર આવી જતાં. ત્યારબાદ ફેક્સની મદદથી આ પ્રશ્નપત્ર ભારત મોકલતા. સિંગાપોરનો સમય ભારત કરતાં અઢી કલાક આગળ હોવાથી દસ વાગે શરૂ થનારી પરીક્ષાનું પ્રશ્નપત્ર સવારે સાડા સાતે મળી જતું : અલબત્ત ભારે કિંમત ચૂકવનારને સિંગાપોર જનાર ડૉક્ટરને અમેરિકા જવા કરતાં પૈસા કમાઈ લેવામાં વધુ રસ હતો. આ કૌભાંડ બહાર આવતાં જ ભારતમાં લેવાતી ઈ.સી.એમ.એફ.જી. પરીક્ષા બંધ થઈ ગઈ અને વિદ્યાર્થીઓને સિંગાપોર, સિલોન વગેરે સ્થળે જવાની ફરજ પડી. આવાં ફળદ્રુપ ભેજાં જ તુલસીના ક્યારામાં અફીણ વાવી શકે !!

.

[2] નિષ્ફળતાના સામાજિક પડઘા

આજકાલ પરિણામોની મોસમ ચાલી રહી છે. વિશેષ ગુણાંક મેળવનારાઓના છાપામાં ફોટાઓ ને ટીવી પર ઈન્ટરવ્યૂ આવી રહ્યા છે. જે કોઈને ધાર્યા કરતાં ઓછા ટકા આવ્યા છે અથવા તો નાપાસ થયા છે એ જરૂર નિરાશ થયા હશે. અમુક વિદ્યાર્થીઓ ડરને લીધે આત્મહત્યા પણ કરતા હોય છે. સૌ કોઈને નિષ્ફળતાનો ડર સતાવતો હોય છે. આપણું સામાજિક માળખું જ એવું છે કે સફળતાના ગુણ ગવાય છે ને નિષ્ફળતાને ઉપેક્ષા સાંપડે છે. લડાઈના મોરચે ખપી જનાર શૂરવીર કે દેશ માટે જાન ન્યોછાવર કરનાર દેશભક્ત તરીકે પ્રસ્થાપિત થાય છે તેને નિષ્ફળ ગણવામાં આવતો નથી પણ પરીક્ષામાં નિષ્ફળ જનારને આવો કોઈ દરજ્જો મળતો નથી.

આ નિષ્ફળતાના સામાજિક પડઘાને ભેદીને એ લોકોને મળવાની જરૂર છે અને ફરીથી પ્રોત્સાહિત કરવાની જરૂર છે. એના મા-બાપ વડીલોને મળીને એ વિદ્યાર્થીને ફરીથી ઊભો કરવાની જરૂર છે. નિષ્ફળતા, અભ્યાસની હોય કે ધંધાની, સામાજિક પડઘા હંમેશાં નકારાત્મક રહ્યા છે. ‘લોકો આપણાં વિશે શું કહેશે ?’ એ ડર જ આપણને ખતમ કરી નાખે છે. આ નિંદાથી બચવા રુઝવેલ્ટે કહ્યું છે કે કશું જ કરવું નહીં. નિષ્ક્રિય થઈને પડ્યા રહેવું અથવા તો તમારા દિલને જે સાચું લાગે તે કરો. લોકો તો નિંદા કરવાના જ છે. તમે કરો તોપણ અને ન કરો તોપણ. સફળતાની એટલી બધી બોલબાલા થઈ ગઈ છે કે માત્ર લોકો તે જ જુએ છે. તેઓ ક્યા રસ્તે ત્યાં પહોંચ્યા છે તે કોઈ જોવા તૈયાર નથી. સરેરાશ દરેક સફળ વ્યક્તિ નિષ્ફળ વ્યક્તિ કરતાં વધુ વખત નિષ્ફળ ગઈ હોય છે, કારણ કે તેણે ત્યાં પહોંચવામાં વધુ વખત પ્રયત્ન કર્યો હોય છે. કોઈ નિષ્ફળ જાય છે ત્યારે ઘણું બધું થાય છે. મિત્રો, વડીલો, સગાંસંબંધીઓ, મા-બાપ સૌ કોઈ નકારાત્મક વિચારસરણી ધરાવતા થઈ જાય છે.

આવા વખતે જરૂર છે નિષ્ફળતાનાં કારણો શોધવાની. વિશ્લેષણ કરીને ક્યાં ખોટું થયું છે, કઈ ગણતરી ખોટી પડી છે, ક્યા સંજોગોમાં આમ થયું છે તે શોધવાની. ભૂલ સ્વીકારવામાં કશું ખોટું નથી. ભૂલ કોણ નથી કરતું ? બીજાને, સંજોગોને કે ભગવાનને દોષ દેવાથી કશું થવાનું નથી. જે કંઈ કરવાનું છે આપણે ખુદ કરવાનું છે. યોગ્ય વ્યક્તિઓને કે અનુભવી વ્યક્તિએ મળી સલાહ લઈને ફરીથી ઊભા થવાનું છે. જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરવી જોઈએ નહીં. આ ભૂલો જ કેડીનું કામ કરશે ને એ કેડીઓ જ સફળતાની સડક પર પહોંચાડશે. ખલીલ ધનતેજવીની પંક્તિ યાદ આવે છે :

‘વધારે હોય પૈસો યાર તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવા મંદિર નવા આવાસ રહેવા દે.’

.

[3] તમારું શું માનવું છે ? – રાજનભાઈ પ્રતાપ

મોટે ભાગે દરેક કુટુંબમાં જેમ-જેમ દીકરી મોટી થતી જાય તેમ-તેમ માતા તેને રસોડામાં દૈનંદિન રસોઈ અને અન્ય વાનગીઓ શીખવાડતી જાય છે. હવે રસોઈ બનાવવા ને અન્ય વાનગીઓ પ્રત્યે એનો કેટલો શોખ અને રુચિ છે એ દરેક દીકરીના સ્વભાવ અને મૂડ પર અવલંબે છે. ઘણી દીકરીઓ માતાને દરરોજ રસોઈમાં મદદ કરે છે યા તો પ્રસંગ પ્રમાણે આખું રસોડું પણ સંભાળી શકે છે. શાળા-કૉલેજ ને કલાસીસનું ટેન્શન હોય તો શક્ય છે કે રસોઈમાં ધ્યાન ન આપી શકે, વળી મિત્રોના જન્મદિવસ ને અન્ય પાર્ટીઓ વગેરેને કારણે પણ ઘરમાં રસોઈ બનાવવામાં દિલ ના રહે. વળી આજકાલ જે ફેન્સી-ઈટાલિયન, મેક્સિકન અને ચાઈનીઝ ખાવાનો જુવાળ ફાટ્યો છે એને લીધે છોકરીઓને એ વસ્તુઓ ઘરે બનાવીને સૌને ખવડાવવાના અભરખા જાગે છે. જોકે આ શોખ ખૂબ જ ખર્ચાળ અને સમય માગી લે છે. માતા ઘરમાં ગોળપાપડી, ગળ્યા-તીખા શક્કરપારા, ગોબાપુરી, મગસ, ચકલી ને બીજી અનેક વાનગીઓ ખૂબ પ્રેમથી બનાવે તોપણ દીકરીઓને એકવાર બહાર ખાવાનો ચટાકો લાગે તે પછી ઘરમાં માતા સાદું, સ્વચ્છ અને સાત્વિક ભોજન બનાવે તેમાં દીકરીઓને (અપવાદ ખરાં) રસ નથી હોતો.

મારું તો સ્પષ્ટ માનવું છે કે જો આપણે ઘરનું સાદું, સ્વચ્છ, સાત્વિક ભોજન જ આરોગીએ તો આયુષ્યની જીવાદોરી તો જરૂર લંબાય ને ફેન્સી ખાવાને લીધે થતાં અનેક રોગથી મુક્તિ મળે. શક્ય તેટલું ઘરનું સાદું, સ્વચ્છ ને સાત્વિક ભોજન આરોગવાને લીધે હું આજે 72મે વર્ષે ને પત્ની મીનાક્ષી 69મા વર્ષે નોર્મલ તંદુરસ્તી ભોગવીએ છીએ.

.

[4] સમોસાંથી લાદ્યું બ્રહ્મજ્ઞાન – કલ્પના એન. વકીલ

વર્ષમાં એકાદ વાર ઘરમાં હોમ-હવન કરાવવા, બ્રહ્મભોજન કરાવી તેમને દાન-દક્ષિણા આપવી એવી પરંપરા નાનપણથી જોયેલી, જે મેં આજ સુધી ચાલુ રાખી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ મેં અમારા વર્ષોજૂના પૂજારીને ગાયત્રી હવન કરવા આમંત્ર્યા. મારા પૂજારી માટે મને બહુ આદર, કારણ કે તેઓ પોતાના ઘરે સવારે હવન કર્યા વગર ઘરની બહાર પગ પણ ન મૂકે. આપણા સંસારીઓ માટે પૂજારી એટલે ભગવાનના દૂત. ભગવાન એમના થકી જ આપણા પર રીઝે અને આપણને આશીર્વાદ આપે. પૂજારીઓ આપણા કરતાં પવિત્ર અને પ્રભુની વધુ નજીક રહેલા ઊંચાત્મા.

હવન સરસ રીતે પૂરો થયો. ત્યાર બાદ પૂજારી અને તેમનાં પત્નીને જમવા બેસાડ્યાં. રસ-પૂરી-સમોસાં વગેરે ખૂબ ભાવપૂર્વક પીરસ્યું. પૂજારી અને તેમનાં પત્નીએ સમોસા ખૂબ વખાણ્યાં અને વધુ માગ્યાં. રસોડામાંથી ગરમગરમ સમોસાં લઈ આવતી હતી અને અચાનક મારા પગ થંભી ગયા ! મેં જોયું, પૂજારી મેં પીરસેલાં સમોસાં પોતાની થેલીમાં છુપાવી રહ્યા હતા ! તે સમયે તો હું મૌન રહી. તેમના ગયા બાદ મેં ધ્યાનથી તપાસ્યું તો બીજી બે-ચાર ચીજવસ્તુઓ પણ ગાયબ હતી. મારું મન ખિન્ન થઈ ગયું. હું વિચારતી રહી, આખો દિવસ પૂજા-પાઠ કરનાર વ્યક્તિ આવી નિમ્ન વૃત્તિવાળી હોઈ શકે ? થોડાં સમોસાંની લાલચ ન રોકી શકે ? તેમને ‘ચોરી કરી રહ્યો છું’ તેવું વિવેકભાન ન રહે તે માની ન શકાય. મારા ઘરે ભૂખ્યા પેટે કામ કરનાર ગરીબ બાઈએ ક્યારેય ચોરી કરી નથી. મારા મતે તો તેની કક્ષા વધુ ઉચ્ચ કહેવાય.

આપણે સામાન્યજન ધર્મના વાઘા પહેરી આવનારને સાચા, શુદ્ધ, પવિત્ર સમજી લેવાની અંધશ્રદ્ધા રાખીએ છીએ અને તેથી જ ધર્મગુરુઓ બેફામ રીતે વર્તે છે અને આપણા ધર્મને ખોખલો કરી મૂકે છે. પૂજારીના આવા નિમ્ન કૃત્યથી મને બ્રહ્મજ્ઞાન લાદ્યું કે આંતરજાગૃતિ અને શુદ્ધભાવ વગર કરેલી પૂજા એ પોપટના રામરામ કરવા જેવું છે. આવી પૂજાઓ કોઈ પણ વૃત્તિની શુદ્ધિ કરવા અસમર્થ છે. મેં સંકલ્પ કર્યો આજ પછી જાતે જ હવન-પૂજા કરવાં અને અયોગ્ય વ્યક્તિને દક્ષિણા આપવાને બદલે જરૂરિયાતમંદને મદદ કરીશ. આમ, નાનાં, સ્વાદિષ્ટ, સૌનાં વહાલાં સમોસાંએ મારી આંખ ખોલી અને મને સત્ય સમજાયું.