બારી – મીતા થાનકી

[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2011’માં તૃતિય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલી આ વાર્તાના લેખિકા શ્રીમતી મીતાબહેન થાનકી પોરબંદરના નિવાસી છે. તેઓ બી.એડ. કૉલેજમાં વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. વિજ્ઞાન વિષયક તેમના ઘણા લેખો પ્રકાશિત થયા છે, પરંતુ વાર્તાલેખન ક્ષેત્રે તેઓ નવી શરૂઆત કરી રહ્યાં છે. તેમની આ વિજેતા વાર્તા ‘બારી’ માનવીય મનોવૃત્તિઓનું સૂક્ષ્મ આલેખન કરે છે. અનેક સંકેતો દ્વારા એમણે આ બાબતનું પ્રસ્તુત વાર્તામાં નિરૂપણ કર્યું છે. રીડગુજરાતી તરફથી મીતાબહેનને ખૂબ ખૂબ અભિનંદન અને તેઓ લેખનક્ષેત્રે પ્રગતિ કરતાં રહે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ નંબર પર +91 9879931212 સંપર્ક કરી શકો છો.]

સુલભાએ ઊભા થઈ અને બારી બંધ કરી એટલે બહાર છેલ્લી અડધી કલાકથી ફૂંકાઈ રહેલા વંટોળિયા સાથે ઘણખૂંટની માફક ઓરડામાં ધસી આવતી વરસાદી વાછટ બંધ થઈ. હવા-ઉજાસના મુખ્ય સ્ત્રોત સમી એ બારી બંધ થવાથી રૂમમાં થોડું અંધારુ છવાયું.

એ બારી સુલભા માટે અંગત સખી જેવી હતી. એક રૂમ, રસોડું ઓસરી ધરાવતાં એ જૂનવાણી ઢબના મકાનમાં એ બારી જ સુલભાને બહારના જગત સાથે જોડી રાખતી. સરકારી શાળાની નોકરી પૂરી કરી સાંજે સાડા પાંચ વાગે ઘરમાં પ્રવેશતી સુલભા ઘરનું તાળું ખોલી અને સૌથી પહેલાં એ બારી પાસે જઈ તેને ખોલી નાખતી. એ પછી કપડાં બદલાવી, ફ્રેશ થઈ અને પોતાના માટે એક કપ ચા બનાવતી. અને પછી એ બારી પાસે ખુરશી ગોઠવી ચાની નાની-નાની ચૂસકીઓ ભરતાં બારીમાંથી સામે દેખાતા રસ્તા તરફ તાકી રહેતી. હાથમાં રહેલા કપ માંહેની ચા ખૂટવા આવે તે પહેલાં તો સામેના રસ્તા પર એક ચિરપરિચિત ચહેરો દેખાતો. નવનીતલાલને આવતાં જોઈ તેના ચહેરા પર આનંદના ચાસ પડતા.

નવનીતલાલ ઘરમાં દાખલ થતાં એટલે સુલભા ખુરશી પરથી ઊભી થઈ રૂમની વચ્ચોવચ્ચ ટાંગેલા હિંચકા પર બેસતી. નવનીતલાલ એ ખુરશી પર ગોઠવાતા. બન્ને વચ્ચે ક્યારેક પુષ્કળ વાતો થતી તો કદીક મૌન લપાતું. બરાબર સાડા સાત વાગ્યે એ શેરીના નાકે આવેલા શિવ મંદિરમાં આરતીનો ઘંટારવ શરૂ થાય એટલે નવનીતલાલ ઊભા થતા અને આવતી વખતે મુખ્ય દરવાજા પાસે ઊતારેલા ચપ્પલ પગમાં પહેરી ચાલતા થઈ જતા. એ જાય ત્યાર પછી સુલભા દરવાજો બંધ કરી અને રસોડામાં જઈ પોતાના માટે રસોઈ શરૂ કરતી. અઠવાડિયામાં છ દિવસ આ નિત્યક્ર્મ જળવાતો. હા, રવિવારે નવનીતલાલ ન આવતા. શા માટે ન આવતાં એ કદી સુલભાએ પૂછ્યું નહોતું. નવનીતલાલના રોજના આગમનને કારણે પાસપડોશમાં થતી રહેતી ઘૂસપૂસને સુલભા હંમેશા નજરઅંદાજ કરતી. શરૂશરૂમાં નવનીતલાલને રોજ સાંજે અહીં એકલી રહેતી સુલભાને ત્યાં આવતાં જોઈ આડોશપાડોશની સુગાળવી સ્ત્રીઓ મોઢું મચકોડતી પરંતુ સુલભાને એની જરાય નહોતી પડી. પાંત્રીસેક વરસની વયની સુલભાને ત્યાં આમ રોજ આવતા નવનીતલાલની ઊંમર લગભગ પંચાવન વરસની હતી. બંને વચ્ચે સાફ દેખાતો આ ઉંમરનો તફાવત, નવનીતલાલનું આ ચોક્કસ સમય સિવાય ક્યારેય પણ ન આવવું, એ આવે ત્યારે હંમેશા ખુલ્લો રહેતો ઘરનો દરવાજો, સામેના રસ્તા પરથી પસાર થતો દરેક રાહદારી બંનેને દૂર-દૂર બેઠેલા જોઈ શકે એ રીતે ખુલ્લી બારી સમક્ષ બંનેનું બેસવું, સુલભાના ઘર સિવાય બંને જણાનું બહાર ક્યાંય સાથે ન દેખાવું, આ બધી બાબતોનો સરવાળો લોકોને તેમના સંબંધ વિશે હંમેશા થાપ ખવડાવતો. કોઈ કહેતું કે નવનીતલાલ સુલભાના વરસો પહેલા મૃત્યુ પામેલા પિતાના મિત્ર છે, તો કોઈ કહેતું કે એ સુલભાના કૌટુંબિક વડીલ છે. પરંતુ સુલભા….!

સુલભાએ ઘડિયાળમાં જોયું. છ થવા આવ્યા હતા. હમણાં જ આવવા જોઈએ. બહારના આ વરસાદી વાતાવરણને કારણે મોડાં થયા હશે ! એકાએક પવનની જોરદાર થપાટને કારણે તૂટી ગયેલી આંકડીવાળી એ બારી ધડાકાભેર ખૂલી ગઈ. સુલભાએ ફરીથી તેને જોરથી ભીડી દઈ અને તેના પર એક મુક્કો માર્યો. હાશ ! હવે બરાબર બંધ થઈ ગઈ. હજુ તો ગઈકાલે સવારે જ શાળાએ જતી વેળા ટાવર ચોક પાસે આવેલી બાબુ સુથારની દુકાને ઊભા રહી બાબુના છોકરા મનિયાને આ બારી રિપેર કરવા તથા તેને નવી આંકડી અને સ્ટોપર લગાવવા સાંજે ઘરે આવવા કહ્યું હતું પરંતુ એ આજ સવાર સુધી દેખાયો નહોતો. અત્યારે તો વળી આ તોફાનમાં એ ક્યાંથી આવે….? બારી બરાબર બંધ થઈ ગઈ છે તેની ખાતરી થઈ જતાં એ હિંચકે જઈને બેઠી. શરીરની સાથે સાથે મન પણ હિંચકવા લાગ્યું.

તેને ગઈકાલે નવનીતલાલે કરેલી વાત યાદ આવી ગઈ. કહેતાં હતા કે રમેશ માટે તેઓ ઘણા વખતથી કન્યા શોધતા હતા તેમાં ગયા અઠવાડિયે જોયેલી એક છોકરી તેમને પસંદ આવી હતી. લગભગ પલ્લવી કે એવું કશુંક નામ બોલ્યાં હતાં નવનીતલાલ. એ કૉલેજના છેલ્લા વરસમાં ભણતી હતી. કોણ જાણે કેમ પણ એ વાત સાંભળી સુલભાને પેટમાં ભાર જેવું લાગવા માંડ્યું હતું. ખાલી પેટનો ભાર. જિતેશ સાથેના પોતાના બે વરસના લગ્નજીવન પછી એણે જ્યારે છૂટાછેડા લીધા ત્યારે એ વાતની ધરપત હતી કે તેના પેટે એકેય સંતાન નહોતું. એ પિયર પાછી આવી ત્યારે વિધવા મા એ એ જ દિવસે ઝીણી આંખ કરીને પૂછી પણ લીધું હતું કે…. પણ ક્યાંથી હોય ? છેલ્લા છ મહિનાથી તો તેણે જિતેશને ક્યાં….! આજે છૂટાછેડા લીધાના પાંચ વરસ પછી તેને લાગ્યું હતું કે એકાદ સંતાન હોત તો સારું થાત ! પતિ વગરની સ્ત્રીની એકલતા કરતાં સંતાન વગરની સ્ત્રીની એકલતા જરાક વધુ ઘટ્ટ હોય છે. એને જિતેશ યાદ આવી ગયો. વિધવા મા એ પોતાની યુવાનીનો ભોગ આપી જેને ઉછેરી હતી એવી એકની એક દીકરી સુલભા માટે માએ જ્યારે જિતેશને પસંદ કર્યો ત્યારે….
‘મા, મારે લગ્ન નથી કરવા, હજુ તો હમણાં જ નોકરી મળી છે.’
‘તું તારે સાસરે જઈને નોકરી ચાલુ રાખજે ને ! હું જિતેશને વાત કરીશ. એ તને લગ્ન પછી પણ નોકરી કરવા દેશે બસ….!’
‘પણ….’
‘હવે પણ અને બણ છોડીને જલ્દી પૈણ એટલે મારી જવાબદારી પૂરી થાય.’ સુલભાએ માના અવાજમાં પહેલી વખત એક અજાણી અકળામણ ભાળી. ખબર નહીં માએ જિતેશ સાથે વાત કરી કે નહીં. એ પછીના ત્રીજા અઠવાડિયે તો આર્યસમાજની વિધિથી લગ્ન થઈ ગયાં.

લગ્નના બીજા જ દિવસથી દાંપત્ય જીવનના કાંગરાઓ ખરવા શરૂ થઈ ગયા. જિતેશના વેપારી માનસ સાથે તેના કલા અને સાહિત્ય પ્રત્યે અભિરુચિ ધરાવતા માનસનો મેળ ન બેઠો. તેને જિતેશની ભાષા તોછડી લાગતી. લગ્નના બીજા મહિને જ્યારે જિતેશે તેને નોકરી છોડી દેવાનું કહ્યું ત્યારે તેને મનોમન ખાતરી થઈ ગઈ કે તેનું લગ્નજીવન લાંબુ નહીં ચાલે. છૂટાછેડા લેવાનો નિર્ણય લેવામાં દોઢેક વરસ વીતી ગયું. એક દિવસ વાતવાતમાં જિતેશે ગુસ્સે થઈ તેના પર હાથ ઊપાડી લીધો અને… એ જ સાંજે તેણે એ ઘર છોડ્યું. એ પોતાના કપડાં બેગમાં ભરી મમ્મીના ઘરે પહોંચી ત્યારે…. હા, ત્યારે આવો જ તોફાની વરસાદ ચાલુ હતો.

બહાર ફળિયા તરફ પડતા દરવાજા પાસે ખખડાટ થતાં સુલભા વર્તમાન ક્ષણમાં પાછી ફરી. નવનીતલાલ આવી ગયા હતા. હાથમાં રહેલી છત્રી બંધ કરી બારસાખ પાસે ટાંગી, ભીના ચપ્પલ ઉબર પાસે કાઢી એ અંદર પ્રવેશ્યા. મોઢા પર પડેલા વરસાદી પાણીને હાથેથી લૂછવાની શરૂઆત કરી ત્યાં તો….
‘લ્યો આ ટુવાલ… આજે તો આખ્ખા પલળી ગયા, નહીં ! આવા વરસાદમાં ન આવ્યા હોત તો ?’
જવાબમાં નવનીતલાલ ચૂપ રહ્યા. હાથમાંના ટુવાલથી ચહેરો અને માથું લૂછતાં તેણે સુલભા સામે જોયું.
‘વરસાદમાં પલળવાથી માંદા પડશો પાછા ! જુઓ તો ખરા, આખા શરીરમાંથી પાણી ટપકે છે. છત્રી તો હતી ને પાસે ?’ સુલભાએ પૂછ્યું.
‘આટલા બધા પવન સાથેના વરસાદમાં છત્રી બિચારી કેટલીક ઝીંક ઝીલી શકે ! રસ્તામાં કાગડો થઈ ગઈ ! મહામહેનતે ઠીક કરી પરંતુ…..’ નવનીતલાલ નાના બાળકની માફક બચાવ કરી રહ્યા.
‘ખમીસ કાઢી નાખો અને શરીર લૂછી લો. શરદી લાગી જશે તો પછી….’
નવનીતલાલ અસમંજસમાં પડ્યા. આવું પહેલી વખત જ બની રહ્યું હતું. સુલભા સમક્ષ શર્ટ ઉતારવું કે નહીં એ વિચારમાં હાથમાં ટુવાલ લઈને ઊભા રહ્યા. સુલભા તેનો સંકોચ સમજી ગઈ.
‘હું તમારા માટે ગરમ ચ્હા બનાવી લાવું.’ કહી તે રસોડા તરફ ચાલી.
અંતે નવનીતલાલે ખમીસ કાઢી છાતીના સફેદ-કાળા વાળમાં ઘૂસી ગયેલું પાણી લૂછ્યું. ભીના ખમીશને સામેની ખુરશી પર સુકવ્યું અને ટુવાલ છાતીએ વિંટાળીને બેઠા. સુલભા ચ્હાનો પ્યાલો લઈને આવી. નવનીતલાલ ફરી સંકોચાયા. સુલભા સામે અડઘા ઊઘાડા ડિલે પહેલી જ વખત….
‘લ્યો… ચ્હા પી લો. ઠંડી થઈ જશે.’ સુલભાના ચહેરા પર સંકોચ ન નિહાળી થોડી હળવાશ અનુભવી નવનીતલાલે.

ચ્હાનો કપ મોઢે માંડ્યો.
‘આ…. આ બારી તો આજે ખુલ્લી નહીં રાખી શકાય ને ?’ સુલભા સાથે બંધ બારી બારણાવાળા રૂમમાં ઊઘાડા ડિલે બેસવાનો પહેલો અનુભવ નવનીતલાલને જાણે કે અકળાવી રહ્યો હતો.
‘બારી ખુલ્લી રાખીશું તો વરસાદ સીધો ઘરમાં જ આવશે. આખો રૂમ પાણી પાણી થઈ જશે.’ થોડીવાર બંને વચ્ચે મૌન પથરાયું. બંધ બારીની તિરાડમાંથી આકાશમાં થયેલી વીજળીનો તેજ લિસોટો દેખાયો. એક જોરદાર વાદળોની ગર્જના અને બત્તી ગુલ….! સુલભાએ અંધારામાં મીણબત્તી શોધી અને સળગાવી.
‘રમેશની સગાઈનું ક્યારે નક્કી કરો છો ?’
મીણબત્તીની વાટ પેટાવતી સુલભાને એકીટશે જોઈ રહેલા નવનીતલાલ ચોંક્યા : ‘કોની સગાઈ ?’
સુલભા થોડું હસી, ‘ક્યાં ધ્યાન છે તમારું ? હું તો આપણાં રમેશની…!’ સ્હેજ અટકીને આગળ બોલી, ‘તમારા પુત્ર રમેશની વાત કરું છું.’ ‘આપણો રમેશ’ શબ્દ સાંભળવો ગમ્યો નવનીતલાલને.
‘આવતા મહિનાની ચોથી તારીખે ગોળધાણાનું મુહૂર્ત આવ્યું છે.’

સુલભા નવનીતલાલના નિર્દોષ દેખાતા ચહેરા સામે જોઈ રહી, ક્યા સંબંધને નાતે એ રમેશને આપણો રમેશ કહી બેઠી હતી ! શું સગપણ હતું બંને વચ્ચે… ? મમ્મીએ પત્ર લખીને આપ્યો હતો અને તેમને મળવાનું કહ્યું હતું, જ્યારે એને અહીંની સરકારી શાળામાં નોકરી મળી હતી. તેણે ગામમાં પગ મૂક્યો ત્યારથી નવનીતલાલે તેને બધી જ મદદ કરી હતી. મકાન શોધવામાં, ઠરીને ઠામ થવામાં અને એ પછી આટલા વરસો….
‘રમેશ તો ઉતાવળ કરવાની ના કહે છે પરંતુ રમેશની મા કહે છે કે….’ સુલભાને વિચારમાં ખોવાયેલી જોઈને આગળ બોલતા નવનીતલાલ અટકી ગયા. રમેશની મા…. સુલભાના કાને શબ્દો પડ્યા. હા, એ સ્ત્રી રમેશની મા હતી. નવનીતલાલની પત્ની રમેશની મા હતી. પોતે ક્યાં કોઈની મા હતી. અરે કોઈની પત્ની પણ નહોતી ને ! ગળામાં કશુંક અટવાતું હોય તેવું લાગ્યું. દરેક સ્ત્રીને એક બાળક તો હોવું જ જોઈએ જેથી તેનું નામ ન લેવું હોય તો તેને રમેશની મા કહી શકાય.
‘પલ્લવીનું ભણવાનું પૂરું થશે એટલે આવતે વરસે લગ્ન કરીશું.’ નવનીતલાલે વાત ફરીથી શરૂ કરી.

લગ્ન… હાસ્તો વળી… એમાં નવું શું છે ? રોજના હજારો લોકો પરણે છે…. રમેશ અને પલ્લવી પણ પરણશે અને પછી…. છી….છી…. ! આજે કેમ આવા વિચારો આવી રહ્યાં છે ? અચાનક બારી ખખડી ઊઠી. બહારનો પવન પૂરી તાકાતથી બારીને ધક્કો મારી રહ્યો હતો. સુલભા ઊભી થઈ, બારી પાસે ગઈ. બારીના ખખડવાથી ખુલવા મથી રહેલી આંકડીને એણે જોરથી દબાવી પરંતુ પવનનું જોર… ક્યાંક આ ગાંડોતૂર પવન આ બારીને તોડી પાડશે કે શું ?
‘એકા’દી ખીલી હશે ઘરમાં…? આંકડીની કડીમાં ખીલીને સાથે ભરાવીશ તો જ એ નહીં ખૂલે. બાકી તો….’ કહેતાં કહેતાં નવનીતલાલ ઊભા થયા અને બારી પાસે જઈ સુલભાને આંકડી રિપેર કરવા મદદ કરવા લાગ્યા. આમ કરવા જતાં નવનીતલાલની ઊઘાડી છાતીનો સુલભાને સ્પર્શ થયો. એમની છાતીના વાળ સુલભાના ખભાને ઘસાયા. સુલભાએ નવનીતલાલના ચહેરા તરફ જોયું. નવનીતલાલનું ધ્યાન આંકડી પર હતું. સુલભાને લાગ્યું કે તેના શ્વાસોશ્વાસની ગતિ વધી રહી હતી.
‘ખીલી…. મેં કહ્યું કે ખીલી હોય તો લાવો.’ સુલભાને લાગ્યું કે નવનીતલાલનો અવાજ કોઈ દૂર બોગદામાંથી આવી રહ્યો હતો. પોતાના અસ્તવ્યસ્ત થઈ રહેલા શ્વાસોશ્વાસ પર કાબૂ મેળવી સુલભા પાછળ ફરી. તેનો ચહેરો નવનીતલાલની સામે આવ્યો. અવશપણે તેના બંને હાથ નવનીતલાલના ઊઘાડી છાતી ફરતે વિંટળાયા. રૂમના સામેના ખૂણે ટિપોઈ પર સળગતી રહેલી મીણબત્તી હવે ઓગળી જવા આવી હતી. છેવાડાનું થોડુંક થીજેલું મીણ માંડમાંડ વાટને પકડી રાખવા મથી રહ્યું હતું. રૂમમાં પ્રકાશ ઝડપથી ઘટી રહ્યો હતો. એવામાં… એકાએક પવનની તેજ ઝાપટથી બારી આંકડીની મર્યાદા વટાવી અને મોટા અવાજ સાથે ખુલી ગઈ. અને તેના ખુલતાંની સાથે બહાર વરસી રહેલો મૂશળધાર વરસાદની વાછંટ બંનેના શરીરને ભીંજવી ગઈ. સુલભાએ તરત પોતાની જાત પર કાબૂ મેળવી લીધો અને નવનીતલાલને પોતાના બાહુપાશમાંથી મુક્ત કર્યા.

‘મને લાગે છે કે તોફાન વધી રહ્યું છે. મારે હવે જવું જોઈએ. મોડું થશે તો ઘરે પણ બધા ચિંતા કરશે.’
‘કોણ ચિંતા કરશે ? રમેશની મા….?’ સુલભાને લાગ્યું કે તે મોટા ચકડોળ વચ્ચે ઊભી છે. ચકડોળ ગોળ ગોળ ફરી રહ્યું છે. તેના લાકડાના ઘોડાઓ અને ઊંટો પર રમેશ, રમેશની મા, પલ્લવી એ બધા બેઠા છે. પોતે એકદમ સ્થિર… વચ્ચોવચ્ચ… ગુમસુમ. નવનીતલાલે શરીર પરથી ટુવાલ દૂર કરી ભીનું ખમીશ પાછું શરીરે ચઢાવ્યું. સુલભા ચૂપચાપ તેમને જતાં જોઈ રહી.

બીજે દિવસે સવારે સ્કૂલે જતી વેળા સુલભા બાબુ સુથારની દુકાન પાસે જઈ અને ઊભી રહી.
‘માફ કરજો હો બહેન, બે દિવસ પહેલાં તમને તમારા રૂમની બારી રિપેર કરવા હા કહી હતી પણ આવી નો’તો શક્યો. આજે સાંજે ચોક્કસ આવી જઈશ હોં….’
‘ના….ના…, હવે એ બારી રિપેર કરવાની જરૂર નથી. એ તો ગઈકાલે જરા તોફાન જેવું હતું. બાકી રોજ રોજ ક્યાં એવા વાવાઝોડાં આવીને તૂટી પડે છે ! હવે તું ધક્કો ન ખાઈશ ભાઈ….’ કહી સુલભાએ જવા માટે ડગલાં માંડ્યાં ત્યારે મનિયો જાણે કે કશું જ ન સમજ્યો હોય તેમ સુલભાની પીઠ પાછળ તાકી રહ્યો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

36 thoughts on “બારી – મીતા થાનકી”

Copy Protected by Chetan's WP-Copyprotect.