વૈજ્ઞાનિકોને… – જશીબેન નાયક

[‘ઘરશાળા’ સામાયિકમાંથી સાભાર.]

માનનીયશ્રી વૈજ્ઞાનિકો,

ફેબ્રુઆરી મહિનામાં વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવાય છે અને તેથી આપણા દેશમાં અને દુનિયાના બીજા દેશોમાં ‘સાયન્સ ડે’ ઊજવાય છે. આ દિવસ એટલા માટે ઊજવાતો હોવો જોઈએ કે આપ તમે સર્વે જે શોધો કરી છે એ બધી જ શોધોનું માન આખરે તો આપ સર્વેને જ જાય ને ? તેથી ‘સાયન્સ ડે’ને દિવસે અમે સૌ તમને યાદ કરીને આનંદ અનુભવીએ છીએ. પરંતુ ક્યારેક ક્યારેક તો થોડુંક દુઃખ પણ અનુભવીએ છીએ.

આ પૃથ્વી ઉપર રહેનારા બધાં પ્રાણીઓમાં સૌથી વધારે બુદ્ધિશાળી પ્રાણી માણસ છે અને તેથી એ બોલી શકે છે. જ્ઞાન મેળવી શકે છે અને દિન-પ્રતિદિન શોધખોળ કરીને આગળ પ્રગતિ કરી રહ્યો છે. માનવીઓએ પોતાની વિચારશક્તિને બહુ જ સુંદર રીતે શોધખોળ કરવામાં વાપરી અને જેમ જેમ એ શોધ કરતો ગયો તેમ તેમ વધારે ને વધારે કાંઈક નવું શોધી કાઢવાની ઈચ્છા તીવ્ર બનતી ગઈ. એણે અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરવો એ શોધી કાઢ્યું. અને ફાનસ વાપરતો માનવી એક દિવસ એકાએક સ્વીચ ઑન કરીને ઘરમાં પ્રકાશ ફેલાવી શક્યો. પછી તો ઘરમાં, ઑફિસોમાં, જગા-જગાએ રેડિયો આવ્યો અને દૂર-દૂરના સમાચાર મળવા લાગ્યા. પછી ફ્રીજ આવ્યું એ તો માણસને ખૂબ ઉપયોગી થયું. પછી ટ્રેનો મળી. તો એ જ માનવી પગે ચાલીને જવાને બદલે ઝડપથી પહોંચીને મિત્રોને અને કુટુંબીજનોને મળતો થયો. એ જ ટ્રેન કોલસાથી કેવી રીતે ચલાવી શકાય એ સમજીને એ રીતે કરવા લાગ્યો અને માણસજાત ખૂબ ખુશ થઈ. આમ, શોધો તો ખૂબ થઈ અને આજે તો આપણે કમ્પ્યૂટરના જમાના સુધી પહોંચી ગયા છીએ. તેનું માન આપ સર્વેને મળે છે. ઉપરાંત માનવજાતની તંદુરસ્તી અને સુખ-શાંતિ માટે દવાઓની શોધ તમે જ કરી. અસાધ્ય રોગોને સાધ્ય કર્યા. આમ, આપ સૌની શોધે દુનિયાને ઘણું બધું આપ્યું.

શોધો ચાલુ જ રહી…. ચાલુ જ રહી…. અને ચાલુ જ રહી. એક દેશે બીજા દેશના સંહાર (વિનાશ) માટે એવા શસ્ત્રો શોધી કાઢ્યાં કે એક નાનકડો બોમ્બ પણ દુશ્મનનો વિનાશ કરી શકે અને એ શોધોનો એક મોટામાં મોટો દાખલો હિરોશીમા નાગાસાકીનો વિનાશ. કેટલાય માનવીઓ જીવનનો આનંદ માણી રહ્યા હતા તેઓ બધા એકાએક ઘરમાં બેઠા મૃત્યુના શરણે પહોંચી ગયા. ઉદ્યોગો શોધાયા. એ ઉદ્યોગોને સફળ બનાવવા જગતને પ્રદૂષણ મળ્યું. મોટરો, એરોપ્લેનો વગેરે વૈજ્ઞાનિક સાધનનો ઉપયોગ વધતો જ ગયો અને લોકોને ચોખ્ખી હવાને બદલે પ્રદૂષણ મળતું ગયું. એટલી બધી હદ સુધી એ પ્રદૂષણ વધ્યું છે કે માણસને શ્વાસ લેવામાં પણ પ્રદૂષણ આજે આડું આવે છે. દવાઓની શોધો થઈ હોવા છતાં જુદા જુદા રોગોની યાદી વધતી જ જાય છે. દુનિયાની લગભગ બધી જ હોસ્પિટલો ભરાયેલી રહે છે. નાનકડી ભૂલથી વીજળીને અડી જવાય તો માનવી ત્યાં જ ઢળી પડે છે.

આગળની એક વધારાની શોધની દોડમાં હવે આખા વિશ્વમાં શાંતિથી ફરી રહેલા તારાઓ અને ચંદ્ર ઉપર પહોંચવાની દોટ શરૂ થઈ છે. ભલે એ દોટ મહાન હોય પણ અમારા મનમાં એક એવો પ્રશ્ન થાય છે કે આવું સુંદર મજાનું વિશ્વ અમને સૌને બહુ વહાલું લાગે છે. રાત્રિના અંધકારમાં તારાઓનું સૌંદર્ય માનવીના મનને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. એક વખત માનવી ચંદ્ર ઉપર જઈ શક્યો ને ત્યાંથી પથ્થર લઈ આવ્યો તે દિવસે ઘણા લાગણીપ્રધાન કવિઓને દુઃખ પહોંચ્યું. ઘણી માતાનાં ગીતો – ‘ચંદ્રને ચાંદામામા’ કહીને બાળકોને માતા ઓળખાણ આપતી. એ ‘મામા’ની કલ્પના અદશ્ય થઈ ગઈ. રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘કાબૂલીવાલા’માં આવતો સુંદર ચંદ્ર એક ધૂળ પથરા જેવો બની ગયો છે. ચંદ્રની પોતાની આંખમાં આંસુ આવી જાય છે અને જાણે માનવજાતને એ કહી રહ્યો છે કે મારા ઉપર શોધખોળના પ્રયોગો ક્યાં સુધી કરશો ? મારા અંગને ક્યાં સુધી કોચ્યા કરશો ? હું તો મારા ઉપર આવતાં સૂર્યના ધખધખતા કિરણોની જ્વાળાઓને ઝીલી લઈને પૃથ્વી ઉપર શીતળ કિરણો મોકલું છું. શીતળ અને રૂપેરી પ્રકાશ મોકલું છું. આવી ચાંદની રાતે લોકોના અંતરની ભાવનાઓ બગીચામાં, બગીચાના છોડવા ઉપર આવેલી બંધ કડીઓને ફૂલો બનાવે તેમ માનવીની સંવેદનાને શબ્દો દ્વારા બહાર લાવીને એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરતાં શીખવે છે. એવે વખતે તમે મારા એક ભાગને રાક્ષસી ધક્કો માર્યો ? માત્ર એટલું જ જોવા કે મારા અંદરના પડમાં શું છે ?

સાહેબો, મહેરબાની કરીને આ વિશ્વનાં વાતાવરણમાં હું પૃથ્વીની આસપાસ શાંતિપૂર્વક ફર્યા કરું છું. એ મારા કાર્યને ચાલુ રહેવા દો ને ! એવા જ મારા દોસ્તો તારાઓનાં મંડળને પણ રાજીખુશીથી શાંતિપૂર્વક ફરવા દો ને ! પણ અમારી પાસે વાચા નથી એટલે અમારી આ લાગણીઓને કેટલાક શોધ કરનારાઓને કેવી રીતે સમજાવીએ ?…. એકાએક મોટો અવાજ આવ્યો અને એક ઊંચા ટેકરા ઉપર હું બેઠી હતી તે ધ્રૂજી ગઈ. મેં તંદ્રામાંથી બહાર આવી ને જોયું તો શાંતિથી જીવતા નાગરિકો, ફૂલો જેવા બાળકો સૌ આનંદ માણી રહ્યાં હતાં ત્યારે એના ઉપર કોઈ છેલ્લામાં છેલ્લી જાતનાં શસ્ત્રો વાપરીને ત્રાસ ગુજારી રહ્યાં હતાં. ટેકરા ઉપર બેઠાં બેઠાં જ મનમાં ને મનમાં મેં વૈજ્ઞાનિકોને પૂછ્યું : ‘આ તમારી શોધખોળને આશીર્વાદ ગણવી કે શાપરૂપ ?’ પણ મારો આ પ્રશ્ન મનમાં જ રહ્યો.

આ વાત કરતી વખતે બાળપણમાં રમેલું એક રમકડું યાદ આવે છે. એક નાની ડબ્બીમાં એક બાજુ રામ અને બીજી બાજું રાવણ મૂકવામાં આવેલા અને બહાર સીતાની મૂર્તિ. સીતા તરફ રામની છબી આવે ત્યારે સીતા સ્થિર હોય અને રાવણની છબી આવે ત્યારે સીતાની છબી ફરી જતી હોય, પાછળ જતી રહેતી હોય. કોણ જાણે કેમ, એ રમકડું આજે બહુ યાદ આવે છે. પ્રદૂષણ, ઋતુઓમાંની અનિયમિતતાઓ, સ્વચ્છ હવાની અછત, ખાતાં-પીતાં રમતાં થતાં હુમલાઓ, આવા બીજા અનેક દાખલાઓ, જેમાં માનવી દુઃખી થયા કરે ત્યારે મનમાં પ્રશ્ન થાય છે, ‘માનવ કલ્યાણ માટે થયેલી શોધોનો માનવી કેટલોક ઉપયોગ લઈ શકશે ? આ પ્રશ્નનો કોણ જવાબ આપે ? પરિસ્થિતિને અનુભવતા માનવજીવન શું એવી જ રીતે ચાલુ રહેશે ? ‘વિજ્ઞાન દિવસ’ની ઉજવણી વખતે આવા સારા-નરસા વિચારો આવ્યા કરે છે. શું આધુનિક રીતે જીવતા માણસ માટે યંત્રો જ વધુ મહત્વનાં બનશે ? અને શું સાચો માનવી અદશ્ય થઈ જશે ? માનવી હોશિયાર હશે પણ શું એનું સત્ય ગુમાવી બેસશે ? આવા આળા અનેક વિચારો સાથે આપ સૌ વૈજ્ઞાનિકોને નમસ્કાર. ખોટું ન લગાડશો, અમે તો માત્ર અમારી લાગણીઓ જ વ્યક્ત કરીએ છીએ અને તમારા સૌની કુશળતા ઈચ્છીએ છીએ. આજે એક કવિતાની પંક્તિઓ યાદ આવે છે : ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે….!’

આ વિશ્વ પોતાનું સૌંદર્ય પણ સાચવી રાખજો એવી પ્રાર્થના સાથે વિરમું છું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “વૈજ્ઞાનિકોને… – જશીબેન નાયક”

Copy Protected by Chetan's WP-Copyprotect.