વિધાતા સાથે એકરાર – અનુ. મોહન દાંડીકર

[ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી આખો દેશ કરી રહ્યો હોય ત્યારે આ ઉજવણી સાથે કેટલીક કરુણ યાદો પણ જોડાયેલી છે. કેટલાય પરિવારો માટે આ યાદ ન કરવા જેવો દિવસ છે. પ્રસ્તુત પંજાબી કથામાં આ વાત રજૂ કરવામાં આવી છે. આ વાર્તાના મૂળ લેખિકા સુરજિત સરના છે, જેનો અનુવાદ શ્રી મોહનભાઈ દાંડીકરે કર્યો છે. આ વાર્તા ‘અખંડ આનંદ’ ઓગસ્ટ-2011માંથી સાભાર લેવામાં આવી છે.]

તે દિવસે સવારથી જ મમ્મી-પપ્પા ખૂબ જ બેચેન હતાં. પપ્પા ક્યારેક અંદર જતા હતા ક્યારેક બહાર આવતા હતા ! પછી પલંગ પર આવીને સૂઈ જતા હતા. પછી બે મિનિટમાં જ પાછા બાલ્કનીમાં દેખાતા. બેચેન થવાય તેવું જ હતું. મેં જ પપ્પાને છાપામાં પપ્પાને નામે આવેલા સંદેશ વિશે બતાવ્યું હતું. છાપામાં ‘અંગત’ કૉલમમાં કોઈનો સંદેશો હતો…. ‘જો લાયલપુરના હરીન્દ્રસિંહ કોહલી અથવા તો વિજયસિંહ કોહલી આ સંદેશો વાંચે તો તેઓ તરત જ મારો સંપર્ક કરે. મારી પાસે એમના કોઈક સંબંધીના સમાચાર છે….’ અને પછી પ્રીતમસિંહ આનંદનો ફોનનંબર છપાયો હતો. આવી કૉલમો હું ખાસ વાંચતી. વાંચ્યા પછી એ વિશે અનુમાનો કર્યા કરતી. પણ આજના સમાચાર તો પપ્પા માટે જ હતા. દાદાજી તો હવે હતા નહીં.

મેં પપ્પાને આ સમાચાર બતાવ્યા. એટલે પહેલાં તો તેઓ ગભરાઈ ગયા…. ‘મારે માટે સંદેશો ? કોનો હશે ? જાતે ફોન નહોતા કરી શકતા ? તમને કોણે મોકલ્યા ? તમે શું આખેઆખું છાપું વાંચો છો ?’ બધાં જ મૂંઝવણમાં હતાં. હું પણ ! પછી મમ્મીએ કહ્યું :
‘કદાચ વિદેશમાં રહેતા કોઈ સગાનો હશે.’
‘વિદેશમાં કોણ હોય આપણું ?’

તો શું આ ચીન્નીફોઈબા વિશેના કોઈ સમાચાર હશે ! કદાચ….કદાચ એટલે જ રાતે ફરી પાછી પેલી જૂની વાતો નીકળી હતી. પેલી વાતો, પાકિસ્તાન જ્યારે બન્યું નહોતું ત્યારે આપણે સૌ કેવી રીતે રહેતાં હતાં, કેટલા સારા દિવસો હતા, કેટલી નિશ્ચિંતતા હતી ? સ્ત્રીઓ શેર શેર જેટલાં સોનાનાં ઘરેણાં પહેરીને નીકળતી તો પણ કોઈની મજાલ નહોતી કે એમની તરફ આંખ ઊંચી કરીને પણ જુએ, પણ પછી ખરાબ દિવસો આવ્યા. પાકિસ્તાન બની ગયું. આવી વાતો પહેલાં પણ અમારા ઘરે ઘણી વાર થતી. પપ્પા કહેતા કે લાશોથી ગાડીઓ ભરેલી હતી. લાશો રસ્તા પર રઝળતી હતી. એને અવલમંજિલે પહોંચાડવા માટે પણ માણસો મળતા નહોતા. લોહીની નદીઓ પાર કરીને તેઓ ‘આઝાદ’ હિન્દુસ્તાન પહોંચ્યા હતા. ધીમે ધીમે એ બધું ભૂલવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈક રીતે એ જમાનાની બધી વાતો સ્મૃતિશેષ થઈ ગઈ હતી. પણ આજે એક જ ઝાટકે સમયના લગાવેલા ટાંકાને ઉખેડી નાખ્યા હતા. ચન્નીફઈબાની યાદ ફરી પાછી બધાને રડાવી રહી હતી. રાતે પણ તેઓ ઊંઘી નહોતા શકતાં. ઑગસ્ટની એ રાત એ લોકોને કેટલી બધી ભયાનક લાગી હશે, જ્યારે પાકિસ્તાન બનવાની જાહેરાત થઈ હશે ત્યારે !

નહેરુએ તો કહ્યું હતું એ રાતે : ‘ઘણાં વર્ષો પૂર્વે આપણે વિધાતા સાથે એક મિલનસંકેત યોજ્યો હતો. એકરાર કર્યો હતો. હવે એ પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. ભારત હવે નવજીવન અને સ્વાતંત્ર્યની સાથે જાગશે….’ આવું જ થવાનું હતું જેની સાથે આપણે એકરાર કર્યો હતો ? મને તો એવું લાગે છે કે આ કોઈ અસંભવની સાથે કોઈ અશુભ ચોઘડિયે કરેલો એકરાર હતો. જીવન માટે નહિ, મોતને માટે….. ભારત દેશ જાગ્યો…. ભારતના હૃદયની વચ્ચે એવો ધારદાર છરો ભોંકી દેવામાં આવ્યો કે પંજાબ લોહીલોહાણ થઈ ગયું. ઘરમાં બેઠેલા લોકો રાતોરાત વિદેશી બની ગયા. તેમની કતલ કરી નાખવામાં આવી. તેમને તેમનાં ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. ભારે યાતનાઓ સહન કરી કરીને તેઓ અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ફંગોળાયા. હું પૂછતી હતી :
‘પપ્પા, આ તે કેવી આઝાદી ?’
‘કંઈ જ ન પૂછ, બેટા !’ તેઓ બોલી નહોતા શકતા… ‘આપણે તો બધાં એકદમ બરબાદ થઈ ગયાં. આપણે ક્યાં આવી આઝાદી માગી હતી ?’
ચીન્નીફઈબા એ વખતે ઘણાં નાનાં હતાં. તેઓ પોતાની નાનીને ત્યાં ગયાં હતાં. પછીથી એટલા જ સમાચાર આવ્યા હતા કે હુમલાખોરોએ રાત્રે હુમલો કર્યો હતો. નાની-નાના બંને ત્યાં ને ત્યાં જ માર્યા ગયાં હતાં. ચન્નીફઈબા ક્યાં ગયાં તેની કોઈને કશી ખબર ન પડી. અમારા દાદાજીથી જેટલો પ્રયત્ન થાય તેટલો તેઓ કરી ચૂક્યા હતા. પણ કોઈ કંઈ કહેવાના હોશમાં નહોતું. એ બાજુ જવું પણ ઘણું જોખમભરેલું હતું. તેમ છતાં થાય તેટલા પ્રયત્નો કરી જોયા, ચન્નીફઈબાનો ક્યાંય પત્તો ન હતો.

ઘંટડી વાગી એટલે હું તરત દોડી પણ પપ્પા મારા કરતાં પહેલાં પહોંચી ગયા હતા. અને દરવાજો ખોલ્યો હતો. સામે તેઓ ઊભા હતા.
‘હું આનંદ. સત શ્રી અકાલ !’
પપ્પા એમને અંદર લઈ આવ્યા. બધાં જ બેઠાં. કોઈ કશું ન બોલ્યું. હું પાણી લઈ આવી. પપ્પા પૂછતા હતા :
‘તમે દિલ્હી રહો છો ?’
‘ના, હું જલંધર રહું છું. તમને ફોન પર કહ્યું હતું ને ?’
‘હા, હા, ફોન તો મેં જ કર્યો હતો ને જલંધરથી તમને. તમને ઘણી તકલીફ આપી….’ આ વાતનો એમણે કશો જ જવાબ ન આપ્યો. એમના ચહેરા પર અનેક પ્રકારના ભાવો તરવરતા હતા. અતિ સુંદર વ્યક્તિત્વ હતું. દેખાવે પણ પ્રેમાળ લાગતા હતા. કેટલાક લોકો હોય છે જ એવા જેમની સાથે વાતો કરવાનું મન થયા કરે. તેઓ પણ એવા જ હતા.
‘હું અમારા કાફલા સાથે અત્યારે પાકિસ્તાન ગયો હતો. પંજાસાહેબ આ પહેલાં પણ એક-બે વાર જઈ આવ્યો છું.’ એમ કહીને એમણે વાતની શરૂઆત કરી, ‘આ વખતે એક ગજબની વસ્તુ બની….’
‘હું સાંભળું છું.’ પપ્પાએ કહ્યું.
‘બેઠક પૂરી થઈ તે પછી મેં જોયું તો એક બહેન બાવરી બનીને ક્યારેક અંદર તો ક્યારેક બહાર આવજા કરી રહી હતી. પછી એક બાજુ માથું ઢાળીને વિચારોમાં ખોવાઈ જતી હતી. એણે કાફલાની સ્ત્રીઓ સાથે વાતચીત પણ કરી હતી, એમની એ હતાશા હું સહન ન કરી શક્યો, મારાથી રહેવાયું નહિ…..’
‘પછી ?’ પપ્પાએ પૂછ્યું.
‘મેં મનથી થોડો વિચાર કરીને એની પાસે જઈને કહ્યું : ‘માફ કરજો બહેન, હું કંઈ સેવા કરી શકું તમારી ? તમે કશીક મૂંઝવણમાં હો એવું લાગે છે.’

મારી વાત સાંભળીને પહેલાં તો તેઓ ચૂપ થઈ ગયાં. દેખાવ ઉપરથી તો તેઓ કોઈ ઘણા મોટા ખાનદાન કુટુંબનાં હોય એવું લાગતું હતું. કપડાં, ઘરેણાં અતિ ઉત્તમ પ્રકારનાં હતાં.’ આનંદસાહેબે પોતાની વાત ચાલુ રાખી : ‘પહેલાં તો એમણે કંઈ કહ્યું નહીં પણ પછી કહેવા લાગ્યાં : ‘ભાઈ, એક બાજુ બેસીને વાતો કરીએ.’ અમે બાજુમાં એક ખૂણામાં જઈને બેઠાં.’
‘શું કહ્યું એમણે ?’ મમ્મીએ પૂછ્યું.
‘એમણે કહ્યું : ‘ભાઈ, તમે હિંદુસ્તાનથી આવ્યા છો એટલે તમે પણ મારા ભાઈ જ છો. હું તમારી બહેન છું. તમારામાંની જ એક છું….’
‘શું કહો છો બહેનજી ?’
‘હા, તમારે મારું એક કામ કરવાનું છે. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. હું ઘણા વખતથી પ્રયત્નો કર્યા કરતી હતી પણ હવે મારામાં ધીરજ નથી રહી. આ પહેલાં પણ હું ઘણી વાર અહીં આવી ચૂકી છું. કદાચ મારો કોઈ ભાઈ કે કોઈ બહેન અહીં મળી જાય પણ એવું મારું સદભાગ્ય ક્યાંથી ?’ એમ કહીને દુપટ્ટામાં મોં સંતાડીને રડવા લાગ્યાં. મેં અમને આશ્વાસન આપતાં કહ્યું, ‘બહેન, તમે જલદી જલદી તમારું કામ છું છે તે કહો. સમય ઘણો ઓછો છે.’
‘કામ ઘણું મુશ્કેલ છે ભાઈ ! આવડો મોટો દેશ હિંદુસ્તાન ! તમે ક્યાં ક્યાં શોધશો એમને ?’
‘તમે એમનું ઠામઠેકાણું તો આપો, હું મારાથી બનતો પ્રયત્ન કરીશ.’

મેં જોયું પપ્પા સાવ ઢીલા થઈ ગયા હતા. મમ્મીએ એમના ખભા પર હાથ મૂકીને ખભા દબાવ્યા. તેઓ બંને ચૂપચાપ એકબીજા તરફ જોઈ રહ્યાં હતાં. આનંદસાહેબ પણ એકાએક ચૂપ થઈ ગયા હતા. ગૂંગળામણ ઓછી કરવા માટે મેં કહ્યું : ‘હું ચા લઈ આવું છું.’ પાણી ઉકળતું જ હતું. હું ઝટપટ ચા બનાવીને લઈ આવી.
‘લો અંકલ. આ પણ લો ને.’ એમણે કાજુનો એક ટુકડો લીધો.
ચાનો એક ઘૂંટડો પીધો, પછી કહ્યું : ‘એમણે મને કહ્યું કે તેઓ પોતાના પિતાને અને ભાઈને મળવા ઈચ્છે છે.’
‘એટલે ?’
‘જ્યારે પાકિસ્તાન બન્યું ત્યારે તેઓ પોતાના કુટુંબથી વિખૂટાં પડી ગયાં હતાં. તેઓ પોતાને મોસાળ ગયાં હતાં. કોહલીજી ! આટલાં બધાં વરસ થઈ ગયાં પછીથી તેઓ પોતાના કુટુંબને કેવી રીતે ઓળખી શકે ? અને એમને પણ કોણ ઓળખે ? એ વાત મેં એમને સમજાવવા પ્રયત્ન કર્યો. હું એવું નહોતો ઈચ્છતો કે એમને ફરી પાછું નિરાશ થવું પડે.’
‘કેટલી ઉંમર હશે એમની ?’ પપ્પાએ પૂછ્યું.
‘બસ, મારા જેટલી હશે કે બેચાર વરસ મોટી હશે. કદાચ સાઠેકની.’ આનંદસાહેબ પણ એટલી જ ઉંમરના લાગતા હતા.
‘તમે પણ પાકિસ્તાનના જ છો ને ?’
‘હા, અમે પણ રાવળપિંડીથી એકદમ બરબાદ થઈને આવ્યા હતા !’
‘આપણે માટે તો પાકિસ્તાન એક જીવતા નરક જેવું બન્યું, આનંદસાહેબ ! અમે તો એ ખૂનામરકી જાતે સહન કરી છે. એ વખતે મારી ઉંમર 18 વરસની હતી. બી.એ. થઈ ગયો હતો. થોડા દિવસ પહેલાં જ મારી નાની બહેન મારી નાનીને ત્યાં ગઈ હતી તે દિવસે હું એને લેવા માટે જ જતો હતો. રસ્તામાં હુમલાખોરોનું ટોળું જોયું. મોટા મોટા છરા લઈને ઊભા હતા. હું માંડ માંડ બચીને પાછો ઘરે આવ્યો. પણ પછી રાતોરાત અમારે ત્યાંથી ભાગવું પડ્યું. થોડા દિવસ અમે છાવણીમાં રહ્યાં, ત્યારથી જ અમે તેમની તપાસ કરીએ છીએ. એવા સમાચાર મળ્યા કે નાના-નાનીની કતલ કરી નાખવામાં આવી છે. પણ ચન્નીનો કંઈ પત્તો નહોતો. અમે રડી રડીને ચૂપ થઈ ગયાં.’
‘એ જ ચન્નીબહેન ત્યાં છે, કોહલી સાહેબ ! એ તમને શોધે છે. મેં પણ ખૂબ વિચાર કરીને છાપામાં આ સંદેશો આપ્યો. એ તમને વરસોથી શોધી રહ્યાં છે. કેટલાયે લોકો મારફતે સંદેશો મોકલી ચૂક્યાં છે. એમણે મને કહ્યું હતું કે જો તમે ક્યારેક મને મળો તો મારે તમને કહેવાનું કે એમના પતિ પણ ઘણા સજ્જન છે. એયે આખી જિંદગી તમને શોધવામાં વ્યસ્ત હતા. એમણે આ પણ કહ્યું હતું…..’
‘શું કહ્યું હતું ?’ મેં પૂછ્યું.
‘હું મરી ન શકી મને માફ કરજો……’ એ રડતાં રડતાં કહેતાં હતાં. હું એમને આશ્વાસન આપતો હતો. જેમતેમ કરીને શાંત પાડ્યાં. હું એમને કહીને આવ્યો છું કે ગમેતેમ કરીને તમારું કામ પાર પાડીશ.’

પપ્પા અને મમ્મી બંને રડતાં હતાં.
પપ્પાએ રડતાં રડતાં કહ્યું : ‘ઓહ ચન્ની ! આજે તમારા વાવડ મળ્યા ! આપણા પપ્પા સડકો પર તમારી શોધાશોધ કરતા રહ્યા. તમારું નામ દઈ દઈને રડતા રહ્યા. પણ ક્યાંયથી તમારા કંઈ સમાચાર ન મળ્યા…’
‘ધીરજ રાખો ભાઈસાહેબ ! આપણા હાથની વાત નહોતી. શું કરીએ ?’ આનંદસાહેબે એકાએક લાગણીનો એક તંતુ બાંધતાં કહ્યું.
‘હું જઈશ એમને મળવા.’
‘હા, હા, હું પણ આવીશ તમારી સાથે !’ એમણે પપ્પાને બથ ભરી લેતાં કહ્યું.

આ વરસે ફરી પાછો સ્વતંત્રતાની વરસગાંઠનો ઉત્સવ મનાવવામાં આવશે. મનાવાઈ રહ્યો છે. આવા ઉત્સવો ઊજવવાનું હવે બંધ કરો. અમારા જખમોને ફરી તાજા ન કરો. અમે કોઈ વિધાતાની સાથે એકરાર નથી કર્યો. અમને હવે જીવવા દો. પંજાબ અને પંજાબીઓએ પોતાના ખૂનની સાથે આ સ્વતંત્રતાની ઘણી મોટી કિંમત પહેલેથી જ ચૂકવી દીધી છે. હવે દુઃખ ભરેલી એ વ્યથાકથાઓને ફરી તાજી ન કરો. દયા કરો અમારી ઉપર…. – એ જ વિચારતી હતી હું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “વિધાતા સાથે એકરાર – અનુ. મોહન દાંડીકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.