દાળની તપેલી – કૌશાલી પટેલ

[ રીડગુજરાતીને આ સત્યઘટના પર આધારિત કૃતિ મોકલવા માટે કૌશાલીબેનનો (શાર્લોટ, નોર્થ કેરોલીના) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kaushalpatel.usa@gmail.com સંપર્ક કરી શકો છો.]

જીવનમાં ઘણીવાર નાની નાની ઘટનાઓ એવી હોય છે કે જેનું આપણે આપમેળે મૂલ્ય સમજી શકતાં નથી. આવી ઘટનાઓની કિંમત આપણને ત્યારે સમજાય છે જ્યારે અન્ય કોઈ વ્યક્તિ તે બતાવે છે. મારા મમ્મીની દાળની હાંડીની બાબતમાં પણ કંઈક આવી જ વાત છે. હજુ આજે પણ ઘેરા કેસરી રંગની, નીચેથી કાળા ધબ્બાવાળી હાંડીમાં સ્ટવ પર ઉકળતી દાળમાંથી આવતી સુગંધ હું કલ્પી શકું છું. મમ્મી જ્યારે આ હાંડીમાં કડછો ફેરવતી હોય ત્યારે ઉકળતી દાળની ચોતરફ ફેલાતી સુગંધ એ મારા માટે ફક્ત એક મીઠી યાદ જ નહીં પરંતુ મારા બાળપણના ઘર અને મમ્મીના પ્રેમ-હૂંફનું શાશ્વત સંભારણું છે. એ દાળની કોઈ ચોક્કસ રીત નહોતી. મમ્મી તેમાં સમય પ્રમાણે ફેરફાર કર્યા કરતી. પરંતુ હા, એ હાંડી તો એ જ રહેતી. એ હાંડી તેના દાદીનો વારસો હતી. કદાચ એના દાદીએ જ એને સૌપ્રથમ દાળ બનાવતા શીખવી હતી.

સિત્તેરના દાયકામાં મારા મોટાકાકાની મદદથી અમે ત્રણ ભાઈ-બહેન, મમ્મી-પપ્પા સૌ જીવનમાં પહેલીવાર ભારતથી અમેરિકા અન્ય લોકોની જેમ અનેક આશાઓ અને સપનાંઓના પોટલાં બાંધીને આવી પહોંચ્યા. એ વખતે મારી ઉંમર કદાચ બારેક વર્ષની હશે. એકાદ વર્ષ મોટાકાકાની દુકાનમાં નોકરી કર્યા બાદ મારા પિતાજીએ પોતાનો નાનો ધંધો શરૂ કર્યો હતો. એ જ વરસે અમે મોટાકાકાના ઘરમાંથી અલગ થઈને નાનકડા પણ હવાઉજાસવાળા નવા ઘરમાં રહેવા આવ્યા હતા. પપ્પાના શરૂઆતના ધંધાને કારણે ઘણીવાર પૈસાની ખેંચ રહેતી હતી. પરંતુ મમ્મીની કાળજી અને તેમાંય ખાસ તો પેલી દાળ – અમને ભાઈ-બહેનને ખાતરી કરાવતા કે મમ્મી અમને ભૂખ્યાં તો નહિ જ રાખે. અમને ત્રણેય ભાઈ-બહેનોને દાળની હાલત પરથી ઘરની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવી જતો. મંદીના સમયમાં પાતળી દાળ સાથે રોટલી બનતી, તો સારા સમયમાં જાડી શીંગદાણાવાળી દાળ સાથે ભાત અને રોટલી-શાક બનતાં.

જો કે એક સમયે આ જ દાળ અને હાંડી મારા માટે શરમનો વિષય બન્યાં હતાં. આ દાળ-હાંડીને કારણે મને એમ લાગતું હતું કે મારે મારી નવી બનેલી પ્રથમ અંગ્રેજી મિત્રને ગુમાવવી પડશે. લ્યોને આપને માંડીને વાત કરું…..! મારી એ અંગ્રેજી અમેરિકન મિત્રનું નામ ‘ઍના’ હતું. એના મારી સાથે સ્કૂલમાં ભણતી હતી. મોટે ભાગે વિજ્ઞાનના વિષયમાં તે મારી સહધ્યાયી હતી. તે ખૂબ પાતળી, સુંદર આંખોવાળી અને સોનેરીવાળ ધરાવતી મારી અમેરિકન મિત્ર હતી. મારા અને મારા ભાઈ-બહેન માટે આ મિત્રતા કંઈક ખાસ અને વિચિત્ર હતી. કારણ કે ઍના તો શ્રીમંત ઈટાલિયન પરિવારનું ફરજંદ અને તેમાંય તેના માતા-પિતા બંને ડૉક્ટર. તેનું ઘર પણ ખૂબ સારા અને મોંઘા વિસ્તારમાં આવેલું હતું. પરંતુ હું તો એ વખતે ટીનઍજના ભ્રામક વિચારોની શિકાર હતી એટલે મારી મિત્ર અમેરિકન હોય એ મારા માટે ખૂબ ગર્વની વાત હતી.

એક દિવસ તેણે મને તેના ઘરે જમવા માટે આમંત્રિત કરી. ખૂબ સંકોચ સાથે હું તેના ઘરે ગઈ. ઍનાનું ઘર જોઈને હું આભી બની ગઈ ! ક્યાં એનું સફેદ માર્બલવાળું અને સફેદ ગણવેશવાળા રસોઈયા સહિતનું રસોડું અને ક્યાં મારા નાના ફલૅટનું મસાલાની તીવ્ર વાસવાળું નાનકડું રસોડું ! ખેર, તેના માતાપિતા મને ખૂબ સજ્જન લાગ્યા. ઍનાએ આગળથી જણાવી રાખેલું કે હું શાકાહારી છું, તેથી તેના રસોઈયાઓએ ઘણી શાકાહારી ઈટાલિયન વાનગીઓ બનાવી હતી. જમવાનું ટેબલ સુંદર લાકડાની કારીગીરીવાળું હતું. ચકચકિત વાસણોમાં રસોઈયાઓએ ભોજન પીરસ્યું હતું. આટલું બધું સુંદર હોવા છતાં, ખબર નહિ કેમ, પરંતુ મને એ ભોજન ફિક્કું લાગ્યું. ફક્ત વાનગીમાં જ નહિ પરંતુ આજુબાજુ પણ કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. તેના માતાપિતા વિવેકી હતા પરંતુ તે છતાં તેમના ઘરના વાતાવરણમાં મને પ્રેમ અને લાગણીને બદલે ઔપચારિકતા વધારે લાગી. મારા ઘરના સાદા લાકડાના ટેબલ પર અમારા ભાઈબહેનોના કોલાહલ વચ્ચે મમ્મીની કાળા ધાબાવાળી હાંડીમાં ઉકળતી દાળ ક્યાં અને ક્યાં આ ગંભીર અને ઔપચારિક રીતે લેવાતું ઍનાના ઘરનું ભોજન ! તે વખતે મને કંઈક વિચિત્ર લાગણી થઈ રહી હતી. એક બાજુ એમ થતું હતું કે આના કરતાં તો મારું નાનકડું ઘર સારું, જ્યારે બીજી બાજુ એમ પણ થતું હતું કે જો ઍના જેવું ઘર હોય તો વટ પડે. અમારા ઘરમાં તો અમારા ભાઈ-બહેન વચ્ચે ધીંગામસ્તી સામાન્ય વાત હતી. જો હું કોઈક દિવસ શાંત હોઉં તો બધા આવીને પૂછે કે ‘કેમ શું છે ? તબિયત નથી સારી ?’ પરંતુ એ દિવસોમાં મારા પર કૈંક વિચિત્ર ધૂન સવાર થઈ ગયેલી. ઍનાની ઘરે ગયા પછી મને મારા ઘરનું વાતાવરણ કૈંક અશિસ્ત જેવું લાગતું હતું.

ખેર, મને ખાતરી હતી કે જો હું ઍનાને મારા ઘરે ભોજન માટે બોલાવું તો એ જરૂર આવશે. પરંતુ મને મારા ઘરના અશિસ્ત વાતાવરણ અને ભારતીય ભોજન તથા ભારતીય ઢબના વાસણોની શરમ આવતી હતી. હું એને કેવી રીતે બોલાવું ? પણ બન્યું એવું કે એક દિવસ ઍનાએ સામેથી જ મને મારા ઘરે આવવા આગ્રહ કર્યો અને હું ના પાડી શકી નહિ. મેં તેને એક રવિવારે ઘરે ભોજન માટે આવવાનું આમંત્રણ આપ્યું. ઍના તો ખુશ થઈને જતી રહી પરંતુ હું ચિંતામાં પડી ગઈ. મને મનમાં થયું કે ઍના એકવાર જો મારા ઘરે આવશે અને મારા ઘરનું વાતાવરણ જોશે તો પછી ક્યારેય તે મારી સાથે બોલશે નહિ. ઘરે આવીને મેં મમ્મીને કહ્યું કે આવતા રવિવારે મારી અમેરિકન મિત્ર અહીં જમવા આવશે. એ પછી કૈંક શરમ અને સંકોચ સાથે મેં મમ્મીને વિનંતી કરી કે તેના માટે થઈને શું તે રવિવારે ભારતીય ભોજનને બદલે પાસ્તા કે પછી બીજી કોઈ અમેરિકન વાનગી ન બનાવી શકે ? મમ્મીએ થોડીવાર મારી સામે જોઈને પછી વિચારીને પ્રેમથી કહ્યું, ‘મારું નામ નયના છે, નેન્સી નથી !! એકવાર જો ઍના દાળનો સ્વાદ ચાખશે તો જિંદગીભર નહીં ભૂલે.’ મને એ વખતે કંઈ સમજાતું નહોતું. ઊલ્ટાનો મને મમ્મી પર ગુસ્સો આવ્યો.

એ રવિવારે હું સવારથી લઘુતાગ્રંથીથી પીડાતી હતી. સાંજે જ્યારે ઍના મારી ઘરે આવી ત્યારે મારા ભાઈ-બહેન તો એને તરત ઘેરી વળ્યા. કેટલાય સવાલો સાથે એને ધીંગામસ્તીમાં ક્યારે સામેલ કરી દીધી એનું મનેય ભાન ના રહ્યું. જમવાના સમયે મમ્મી સ્ટીલની મોટી તપેલીમાં દાળ, કાચના વાટકામાં શાક અને ભાત પીરસીને ગરમાગરમ રોટલી બનાવવા લાગી. ઍના દાળની સુગંધથી ખુશ થઈને બોલી :
‘મિસિસ પટેલ, સૂપની સરસ સુગંધ આવે છે.’
મમ્મીએ પ્રેમથી તેની સામે હસીને કહ્યું : ‘ઍના, આને સૂપ નહીં, દાળ કહેવાય. આ દાળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે. વળી પચવામાં પણ સરળ છે. શરદી થઈ હોય અને આ ગરમ આદુવાળી દાળ પીઓ તો શરદી પણ મટી જાય.’ મને તો આ બધી વાતો સાંભળીને શરમના માર્યા સંતાઈ જવાનું મન થતું હતું પરંતુ ઍના તો પ્રેમથી મારા ભાઈ-બહેન સાથે દાળ પીવાની શરત લગાવીને ચાર વાટકા દાળ ગટાગટ પી ગઈ !! છેવટે રાત્રે ઘરે પાછા જતી વખતે તેણે મારા ખભે હાથ મૂકીને કહ્યું, ‘કૌશાલી, તું યાર કેવી નસીબદાર છે ! તારી મમ્મી કેવું સરસ ભોજન બનાવે છે. તારા ભાઈ-બહેન પણ કેવા સારા છે. કાશ મારે પણ આવા ભાઈ-બહેન હોત અને મારી મમ્મી પણ આવું સરસ ભોજન બનાવી શકતી હોત.’ ઍનાની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. હું અને નસીબદાર ? ખરેખર ? ઍનાના આ વાક્યે મને વિચાર કરતા કરી મૂકી.

આજે તો મમ્મીને ગુજરી ગયે પણ પાંચ વરસ થઈ ગયા. મારી અને ઍનાની દોસ્તી એ સમયે હાઈસ્કૂલ સુધી રહી. એ પછી અમે કૉલેજમાં છૂટા પડી ગયા. હમણાં ઘણાં વર્ષે અચાનક એક કામસર અમે ભેગાં થઈ ગયાં. હું ડરહમમાં એક કંપનીના કામ માટે ગઈ હતી. ઍના પણ એ જ જગ્યાએ નોકરી કરતી હતી. ઘણાં વર્ષે મળ્યાં હોઈને ઍનાએ શાંતિથી જૂની યાદો વાગોળવા મને તેની ઘરે આવવાનું કહ્યું અને સાથે ભારપૂર્વક ઉમેર્યું કે તેના પતિ અને બાળકોને પણ તેને મળવામાં આનંદ આવશે. મને વર્ષો પહેલાંનું ઍનાના માતાપિતાનું આલીશાન પણ બોઝિલ વાતાવરણવાળું ઘર યાદ આવી ગયું, પરંતુ મેં તેને સાંજે આવવાની હા પાડી. હું સાંજે જ્યારે તેના ઘરે ગઈ ત્યારે મારી નવાઈનો પાર ન રહ્યો ! ઍનાનું ઘર આજે પણ વિશાળ હતું પરંતુ વાતાવરણ એકદમ સજીવ હતું. ઍનાના બંને બાળકો ખૂબ સુંદર અને મસ્તીખોર હતાં. જમવાના સમયે તેણે એક સુંદર પરંતુ ઘણો વપરાયેલો સૂપથી ભરેલો બાઉલ અન્ય વાનગીઓ સાથે મૂક્યો અને મને પૂછ્યું : ‘ખબર છે કે આ શું છે ?’ મેં સહજતાથી કહ્યું : ‘સૂપ…’ એણે તરત ડોકું ધુણાવી ને ના પાડી અને કહ્યું કે આ સૂપ નથી, આ છે મીનીસ્ત્રોની. વિટામીનથી ભરપૂર. પચવામાં સરળ અને શરદીમાં ગુણકારી…. ઍનાની વાત સાંભળીને હું અને ઍના એકબીજા સામે જોઈને ખડખડાટ હસી પડ્યા.

મને એ વાતનો ખૂબ આનંદ થયો કે મમ્મીની હાંડીમાં બનેલી એ દાળે એવી તો કમાલ કરી દીધી હતી કે એક આખો પરિવાર સજીવન થઈ ઊઠ્યો હતો !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

37 thoughts on “દાળની તપેલી – કૌશાલી પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.