હળવે હૈયે – સંકલિત

[હળવી શૈલીમાં લખાયેલી આ બંને કૃતિઓ થોડામાં ઘણું કહી જાય છે. આજની સાંપ્રત પરિસ્થિતિનો તે ચિતાર આપે છે. પ્રસ્તુત બંને કૃતિઓ ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર લેવામાં આવી છે.]

[1] ‘ફક્ત ગૃહિણી ?’ – અપૂર્વ દવે

‘હું ફક્ત ગૃહિણી છું’ એવું કહેતી મહિલાના શબ્દોમાં રહેલી કરુણતા તમે માપી છે ? માપ કાઢવા પ્રયાસ કરતા નહીં, કારણ કે તેમાં ડૂબી જવાય એટલું ઊંડાણ હોય છે. તેમનું કામ જેટલું નક્કર હોય છે તેટલું જ નક્કર તેમનું આ નિવેદન પણ હોય છે. તેમાંનો સૌથી મહત્વનો શબ્દ છે ‘ફક્ત’. તેમની વાત ખરી છે. તેઓ ‘ફક્ત ગૃહિણી’ જ હોય છે. એ શબ્દની અંદર સ્ત્રીશક્તિનાં વિવિધ સ્વરૂપ રહેલાં હોવા છતાં તેઓ ‘ફક્ત ગૃહિણી’ જ હોય છે. તેમની આ વાતને સમર્થન આપવું જ રહ્યું. તેઓ ખરેખર બીજું કંઈ કરતાં નથી, ફકત ગૃહિણી થઈને બેસી રહે છે. તેઓ પોતાનું કામ કર્યે રાખે છે તેને કારણે બીજા ઘણા લોકો પોતાનાં કામ કરી શકતાં નથી અથવા તો તેમને કામ કરવાનો પૂરતો મોકો મળતો નથી.

‘ફક્ત ગૃહિણી’ઓને કારણે બાળકો પર સારી રીતે ધ્યાન રહી શકે છે અને બાળકોને કોઈપણ તકલીફ હોય તો તેઓ માતાનો સહારો લઈ શકે છે. તેમના સારા ઉછેરને કારણે જ બાળકો ઘણી બધી સમસ્યાઓથી બચી જાય છે. તેઓ આડા માર્ગે જતાં બચી જાય છે અને સમાજના સારા નાગરિક બની શકે છે. તેઓ બાળકોની દરેક શિક્ષણેતર પ્રવૃત્તિઓ માટે પણ ખાસ કાળજી લે છે અને તેને કારણે બાળકોના વ્યક્તિત્વનો સારો વિકાસ થાય છે. શાળામાં કોઈપણ તકલીફ હોય તો તેઓ ઘરમાં જ હોવાથી પહોંચી જાય છે અને બાળકોની મૂંઝવણ દૂર થાય છે. આ કારણસર બાળકોના વર્તનની સમસ્યાઓનો ઈલાજ કરનાર ડોક્ટરો પાસે જોઈએ એટલા ગ્રાહકો પહોંચતા નથી.

બાળકોને તેઓ જાતે જ ટ્યુશન કરાવે છે અને હોમવર્ક કરવામાં મદદ કરે છે. તેઓ બાળકોને ભણાવવા સિવાય બીજું કંઈ કરતાં નથી. તેઓ બાળકોને ભણાવે છે તેથી ટ્યુશન કલાસીસ ખોલીને બેઠેલાઓની પાસે ઓછા વિદ્યાર્થીઓ જાય છે. તેઓ બધું જ ઘરકામ કરી લેતાં હોઈ ભારતમાં હજી સુધી ઘરકામ કરનારાઓને જોઈએ એટલો સ્કોપ મળ્યો નથી. યાંત્રિક સફાઈનાં સાધનો પણ વધારે પ્રમાણમાં વેચાતાં નથી. તેઓ ઘરના વડીલોને સાચવે છે તેથી હજી સુધી ભારત સરકારને વરિષ્ઠો માટે સોશિયલ સિક્યોરિટી સ્કીમ શરૂ કરવાની જરૂર પડી નથી. વળી, આ જ કારણસર હૉસ્પિટલોમાં જીરિયાટ્રિક્સ વોર્ડ અર્થાત ઘરડા લોકોના ઈલાજનો વિભાગ વિકાસ પામેલો હોતો નથી. તેઓ જાતે જ રસોઈ બનાવી લેતાં હોવાથી વ્યવસાયી ધોરણે રસોઈકામ કરનારી બીજી મહિલાઓને ઓછા પ્રમાણમાં રોજગાર મળે છે. બજારમાં હાલ જે પ્રમાણમાં તૈયાર ખોરાક મળે છે તેનાથી અનેક ગણો વિકાસ કરવાની સંભાવના છે, પરંતુ ‘ફક્ત ગૃહિણી’ને કારણે તે શક્ય બન્યું નથી. પ્રેમ વગર બનેલા એ ખોરાકને કારણે પરિવારજનોને અપચો થાય ત્યારે સારવાર કરવાની તક ડૉક્ટરોને મળી શકે છે, પરંતુ ઘરનો પ્રેમપૂર્વક રાંધેલો ખોરાક હજી સુધી ઘણા મોટા પ્રમાણમાં મળી રહ્યો હોવાથી પેટની તકલીફોના ડૉક્ટરની પ્રેક્ટિસ ચાલવી જોઈએ તેના કરતાં ઓછી ચાલે છે.

‘ફક્ત ગૃહિણી’ઓનાં શરીર ઘરકામને કારણે કસાયેલાં રહે છે અને તેથી તેમને ડાયાબિટીસ, હાર્ટ એટેક, ઓસ્ટિયોપોરોસિસ વગેરે જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે. એટલું જ નહીં, તેઓ પોતાના પતિને ટિફિન બનાવી આપીને અને ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લઈને તેમને એસિડિટીની તકલીફથી બચાવે છે. તેમને કારણે દેશનો આર્થિક વૃદ્ધિદર ઘણો નીચો રહે છે. તેમનું કોઈ કામ દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સ્થાન પામતું નથી. અર્થશાસ્ત્રીઓ તેમના ‘ફક્ત ગૃહિણી’ તરીકેના કાર્યને દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં સામેલ કરી શકતા નથી, કારણ કે તે ‘અમૂલ્ય’ છે.
.

[2] ખાડાખ્યાન – સ્નેહલ ન. મુઝુમદાર

સુંદરીના ગાલ અને નગરીના રાહ પર પડતા ખાડા એ ખોડ કે શાન ? આ પ્રશ્ન ઘણાં વખતથી મારા મનને દાંતરડું બની ખોતરે છે. પાંચેક વર્ષો પહેલાં મુંબઈ હાઈકોર્ટે બધા ખાડા પૂરી દેવાનો આદેશ આપેલો ત્યારે મારું કુમળું હૃદય દ્રવી ઊઠ્યું હતું અને મારગના ખાડા મારગ આપે તો એમાં ખાડો બનીને સમાઈ જાઉં એમ થઈ ગયું હતું.

ખાડા રસ્તાના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ કરે છે કે નહીં તેનો આધાર જોનારની સૌંદર્યદષ્ટિ પર છે, પરંતુ સલામતીની દષ્ટિએ તો ખાડા જેવો કોઈ વીમો નથી. ભલભલા બેફામ હાંકેડુઓ ખાડા જોતા કે અનુભવતા ગરીબડી ગાય જેવા બની જાય છે અને એ રીતે મોટા અકસ્માતો થતા અટકે છે. ખાડા માટે અંગ્રેજીમાં pit અને pothole એ બે શબ્દો વપરાય છે. pitમાં કર્તરિભાવ છે, potholeમાં કર્મણિભાવ છે. ખાડો ખોદે તે પડે છે અને ન ખોદનાર પણ પડે છે, પરંતુ જોવાની ખૂબી એ છે કે ખાડો પોતે પડે છે. જેમ બરફનો ભૂતકાળ અને ભવિષ્યકાળ બન્ને પાણી છે તેમ રસ્તાનો ભૂતકાળ અને ભવિષ્યકાળ બન્ને ખાડા છે.

ખાડા સનાતન છે, ખાડા શાશ્વત છે, ખાડા સ્વયંભૂ છે, ખાડા શણગાર છે, ખાડા સુરક્ષાકવચ છે, ખાડા એ જ સત્ય છે. રસ્તો તો ક્યારેક થોડા સમય માટે ખાડાની આજુબાજુ લીલની જેમ ઊગી નીકળે છે અને અવધિ પૂરી થતાં વિખરાઈ જાય છે, જ્યારે ખાડા એ સાતત્યનું સ્થૂળ સ્વરૂપ છે. ખાડા નિત્ય છે, રસ્તો અનિત્ય છે; ખાડા નિશ્ચલ છે, રસ્તો ચંચલ છે. મારું માનવું છે કે આપણે રસ્તાને નહીં, પરંતુ ખાડાઓને નામ આપવા જોઈએ. દેશના અને સ્થાનિક નેતાઓનાં નામ પ્રત્યેક ખાડાને, એનાં કદ, આકાર અને ઊંડાણ પ્રમાણે આપી શકાય. રસ્તાનો તો શો ભરોસો ? આજ આવ્યા ને કાલ જાશે. ખાડા અમર છે.

શાણો માણસ ખાડાને વગોવવાને બદલે ખાડામાંથી માર્ગ કાઢતો હોય છે. ખાડાવાળા રસ્તા પર મોટર ચલાવવાથી માનવીમાં ધૈર્યશક્તિ, એકાગ્રતા, નમ્રતા અને સહનશીલતાના ગુણો કેળવાય છે. અખાડા શારીરિક કસરત આપતા હશે, ખાડા માનસિક કસરત આપે છે. અખાડા બાહ્ય તાકાત બક્ષે છે, ખાડા આંતરિક શક્તિ બક્ષે છે. ગમે તે મુશ્કેલીમાંથી માર્ગ કેમ કાઢવો એ અમૂલ્ય પાઠ ખાડાવાળા રસ્તા પર મોટર ચલાવવાથી મળી રહે છે. આ પાઠ શીખીને ભારતીયજનો વિદેશ જાય છે ત્યારે એમને ધંધામાં જ્વલંત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આજે વિશ્વની કેટલીક શ્રેષ્ઠ બહુરાષ્ટ્રીય કંપનીના ટોચના અધિકારીઓ ભારતીયજનો છે એનું રહસ્ય એમનો યુવાનીમાં અહીંના ખાડાવાળા રસ્તા પર મોટર ચલાવવાનો અનુભવ છે. 2008ના વૈશ્વિક આર્થિક ધબડકામાં ભારત અને જે વિદેશી બૅન્કો/કંપનીઓમાં ભારતીયજનોનું સંચાલન હતું એ સૌ ઊગરી ગયા અને જેઓને ખાડાનો અનુભવ ન હતો એ સૌ ખાડામાં ગયા, એ હવે સમજાય છે. આપણી જિંદગી પણ ક્યાં લીસી અને સપાટ છે ? ખાડા તો જીવનનો નિચોડ વદે છે કે :

(શાર્દૂલવિક્રીડિત)
ખાડા શોભત ગાલ
રાહ ઉભયે, વૃદ્ધિ કરે રૂપની ખાડાથી જ સલામતી
વહનની છે બ્રેક એ સ્પીડની
ખાડા જીવનનો નિચોડ વદતા, લીસી નથી જિંદગી
ખાડાહીન કદી નથી મલકતી, સિદ્ધિ તણી સુંદરી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “હળવે હૈયે – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.