પરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની ? – ડૉ. અશોક પટેલ

[‘કેળવણીની કેડીએ….’ પુસ્તકમાંથી સાભાર.]

ધો.10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી થાય છે. આ બાબતથી વિદ્યાર્થી ને વાલી સારી રીતે પરિચિત હોવાથી તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. આમ તો કોઈ પણ વિદ્યાર્થીની પરીક્ષાને તેના વાલી દરેક વખતે ગંભીરતાથી જ લેતા હોય છે. જે બાબત એક રીતે જોવા જઈએ તો સારી બાબત છે. કારણ કે તેનો અર્થ એવો ઘટાવી શકાય કે વાલીમાં જાગૃતિ આવી છે.

પણ વાલી અને તેમાં પણ મમ્મીઓ દરેક પરીક્ષાને વધારે પડતી ગંભીરતાથી લે છે. ત્યારે એવું લાગે છે કે પરીક્ષા વાલીની છે કે વિદ્યાર્થીની ! 1 થી 4 ધોરણમાં અભ્યાસ કરતાં બાળકના પાઠ્યપુસ્તકની વિગત બાળકને આવડે છે તેના કરતાં તેની મમ્મીને વધારે આવડતી હોય છે. બાળકને પરીક્ષાની સ્કીમની જેટલી ખબર હોય છે તેના કરતાં તેની મમ્મીને વધારે ખબર હોય છે. પરીક્ષા સમયે મમ્મીનું રૌદ્ર સ્વરૂપ અને પપ્પાનું બિચારાપણું જોવા મળે છે. પણ બોર્ડની પરીક્ષામાં તો મમ્મી અને પપ્પા બંનેનું રૌદ્ર સ્વરૂપ ને વિદ્યાર્થીનું બિચારાપણું જોવા મળે છે.

પરીક્ષા પૂર્વે શું ખાવું, ક્યારે ખાવું અને કેટલું ખાવું તે મમ્મી, પપ્પા અને તેમના મિત્રો નક્કી કરે છે. જેનો સતત ચોકીપહેરો પણ રહેતો હોય છે. 15 કે 17 વર્ષના વિદ્યાર્થીએ ક્યારે આરામ કરવો, કેટલો આરામ કરવો તે પણ આ મમ્મી-પપ્પા જ નક્કી કરતાં હોય છે. તે સમયે તેમના મોઢામાંથી નીકળતા એક એક શબ્દની નકારાત્મક અસર વિદ્યાર્થી પર જે પડે છે તેની તેમણે ક્યારેય કલ્પના કરી નથી. વળી પાછા એ જ મમ્મી-પપ્પા કહે છે પણ ખરાં કે, ‘અમે તો તેની પાસે કોઈ અપેક્ષા રાખતાં નથી, તેને જેટલું વાંચવું હોય તેટલું તેની રીતે વાંચે છે. પરીક્ષાનું જે પરિણામ આવે તે અમને મંજૂર છે.’ વગેરે. પણ મમ્મી-પપ્પાના શબ્દો જુદા અને વર્તન જુદું હોય છે. સોસાયટીના અન્ય સભ્ય સાથે સારા દેખાવા માટેના શબ્દો અને વર્તન હોય છે.

પરીક્ષાના દિવસો જેમ જેમ નજીક આવતાં જાય તેમ તેમ મમ્મી-પપ્પાનું ટેન્શન વધતું જાય છે. જે જોઈને પેલો વિદ્યાર્થી પણ બાપડો-બિચારો બનીને ટેન્શનમાં આવી જાય છે. ધો.12 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ધો. 10 નાપાસ તેની મમ્મી કે પડોશી સલાહ આપતા હોય છે ! આધુનિક જમાનાની આધુનિક શુભેચ્છાઓ તો વળી ખરી જ. પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે વિદ્યાર્થીના સગાંસ્નેહીજનો પેન કે બુકે લઈને બેસતાં વર્ષની જેમ શુભેચ્છા વ્યક્ત કરવા નીકળી પડે છે ત્યારે મમ્મી-પપ્પા બોલે છે કે, ‘આ મળવા આવનાર સગાંઓથી તો અમારો દીકરો ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. તેનું ભણવાનું બગડે છે. આ લોકોએ સમજીને જ ન આવવું જોઈએ.’ પણ જો કોઈ નજીકનાં સગાં મળવા ન આવે અને દૂરનાં સગાં મળવા આવે તો વળી આ મમ્મી-પપ્પા કહે છે કે, ‘જોયું ફલાણા ભાઈ મળવા પણ ના આવ્યા !’

પરીક્ષાના દિવસે પેપર કેવી રીતે લખવું, શું લખવું વગેરેની સલાહ આપતાં વાલી ક્યારેક તો ઉશ્કેરાટમાં એવું પણ સંભળાવી દે છે કે, ‘કોઈ ખાલી જગ્યા જેવું ન આવડે તો બાજુવાળાને પૂછી લેજે. એ ચોરી ના કહેવાય.’ જે શાળામાં વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા હોય તે શાળાના શિક્ષકોને આગલા દિવસે વાલી દ્વારા મળવા જવું અને ક્યારેક દબાણ લાવવા તે બાબતો જ વિદ્યાર્થીને વધારે દબાણમાં લાવી દે છે. પરીક્ષાની આગલી રાત્રે અગત્યના પ્રશ્નો માટે અન્ય વાલી કે શિક્ષકોનો સંપર્ક કરવો તે કોઈપણ રીતે યોગ્ય ન હોવા છતાં વાલી તે બાબત ચૂકતાં નથી.

પેપર આપીને બહાર નીકળતાં વિદ્યાર્થીને પહેલો પ્રશ્ન એ હોય છે કે કેવું પેપર ગયું ? જો પેપર ખરાબ ગયું હોય અને વિદ્યાર્થી સાચો જવાબ આપે કે પપ્પા થોડું ખરાબ ગયું છે તો કેટલાક વાલી ગુસ્સે થઈને બિચારા વિદ્યાર્થીને ખખડાવી નાખે છે. અમે કહેતા હતાં કે ભાઈ વાંચ. પણ અમારું કોણ સાંભળે છે. હવે લોઢા ટીપવા જજે. વગેરે… આવા સમયે વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવાની જરૂર હોય છે. ભલે એક પેપર ખરાબ ગયું, બાકીનાં સારાં જશે. જે થયું તે થઈ ગયું તેનો વિચાર કરવાના બદલે બાકીનાં પેપર વિશેની ચર્ચા કરવી વધારે યોગ્ય ગણાશે. કોઈ પેપર ધાર્યા કરતા કઠિન નીકળે તો તેમાં વાલીઓની એક જ ચર્ચા કે આખું વર્ષ વાંચ્યું નહીં, પછી પેપર અઘરું જ લાગે ને ! અથવા તો શિક્ષક પર તૂટી પડશે કે આવું તો પેપર કઢાતું હશે. વર્ગમાં ભણાવતાં જ નથી વગેરે.

પરીક્ષા અગાઉના કેટલાક દિવસ વાલી ઑફિસમાંથી રજા લઈને વિદ્યાર્થીની સામે સતત હાજર રહે છે. વિદ્યાર્થી કરતાં તેના વાલી વધારે ઉજાગરા કરે છે. આ બધી બાબતની અસર વિદ્યાર્થી પર પડ્યા વિના રહેતી નથી. જેથી અપરિપકવ ગણાતો વિદ્યાર્થી ઝડપથી દબાણ અનુભવવા લાગે છે. ત્યારે જ તેના મનમાં થાય છે કે મમ્મી-પપ્પાની ઈચ્છા મુજબનું પરિણામ આવશે કે કેમ ? આ દબાણ દિવસે દિવસે વધતું જાય છે. જે પરીક્ષાની આગલી રાત્રે વિશેષ જોવા મળે છે. આ વખતે વાલી પાછા વિદ્યાર્થીને સલાહ આપે છે કે ગભરાવવાનું નહીં. હિંમત રાખ વગેરે. અરે ભાઈ ! તમારામાં હિંમત હતી ? જો તમે જ હિંમત હારી ગયા છો તો પછી તમારું બાળક પણ હિંમત હારી જવાનું જ છે. શાળાના દરવાજા સુધી મૂકવા જનારા અને પરીક્ષા પૂરી થઈ ગયા પછી બહાર નીકળતાં વિદ્યાર્થીને શરબતની બોટલ ધરનાર વાલીના આ વર્તનો જ વિદ્યાર્થીને દબાણયુક્ત બનાવે છે.

ટૂંકમાં, આજનો વાલી પરીક્ષાર્થી બની ગયો છે. તેમનું બાળક ગમે તે ભોગે અશક્યને પણ શક્ય બનાવીને પરીક્ષામાં ઊંચું પરિણામ મેળવે તે જ તેમનો હેતુ હોય છે. જે વિદ્યાર્થીને ડિપ્રેશન કે ટેન્શનમાં લાવી મૂકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “પરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની ? – ડૉ. અશોક પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.