- ReadGujarati.com - http://www.readgujarati.com -

સંબોધન એટલે અસ્તિત્વની નોંધ – જિતુ ત્રિવેદી

[ સંબોધનનું વિશ્વ વિશાળ છે. જુદા જુદા પ્રસંગે, જુદી જુદી વ્યક્તિ માટે અલગ-અલગ પ્રકારના સંબોધનો વપરાય છે. કેટલાક સંબોધન માન પ્રદર્શિત કરે છે તો કેટલાક પ્રેમને વાચા આપે છે. સંબોધનોની દુનિયામાં સફર કરાવતો આ લેખ ‘ઉદ્દેશ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર લેવામાં આવ્યો છે.]

ઘરમાં, બહાર, ઓફિસમાં, મંચ પરથી જાહેરમાં – બે પક્ષ વચ્ચે સંવાદનો આરંભ સામાન્ય રીતે સંબોધનથી થતો હોય છે. એ વગર, ‘ચાલુ ગાડીએ ચડી જઈ’ વાત શરૂ કરી દેવી એ અવિવેક ગણાય છે. કહેવાની વાત બોર જેવડી હોય કે તરબૂચ જેવડી, સંબોધન સ્વાદિષ્ટ હોવું જોઈએ. સુંદર-સચોટ સંબોધન દ્વારા, કહેવા ધારતી વ્યક્તિ તેના શ્રોતાના કાન પર અર્ધો કબજો તો એમ જ જમાવી લે છે. ‘ભાઈ’ એક સરળ સંબોધન છે. વિશેષ પ્રેમ દર્શાવતું ‘મારા ભાઈ’ અથવા સમજાવટભરી હળવી દલીલ કરતી વખતે ઊલટાવીને ‘ભાઈ મારા !’ જેવું સંબોધન ખરી અસર ઉપજાવે છે. સાંભળનાર ભલો ન હોય તો પણ, એ ઉલ્લુ જેવો જ હોય તો પણ, એને ‘ભલા માણસ’ રૂપી સંબોધન સાંભળવું ગમતું હોય છે. ઘણા આયોજકો, સંચાલકો, મુખ્ય વક્તાઓ પોતાના વક્તવ્યના આરંભે ‘સુજ્ઞ શ્રોતાઓ’ જેવું સંબોધન કરતા હોય છે. સુજ્ઞ, વહાલા, પ્રિય, આદરણીય, જેન્ટલમેન જેવાં સંબોધનો ખરેખર તો મંચ પરથી સમાજ દ્વારા એક સેવાતી અપેક્ષા માત્ર હોઈ શકે.

આપણે, ઘરમાં થતી વાતચીતમાં, અરસપરસ સંબોધન કરતી વખતે, અલગ-અલગ લહેકાઓ, ભાવને અનુરૂપ કરતા હોઈએ છીએ. પ્રેમ, સ્વાર્થ, કચવાટ, ગુસ્સો વગેરે જુદી જુદી ભાવ અવસ્થાના સમયે આપણાં સંબોધનો જરા જેટલાં બદલાઈ જતાં હોય છે. જેને ઉદ્દેશીને સંબોધન થઈ રહ્યું હોય તેનું બેધ્યાનપણું આપણી ભાવ અભિવ્યક્તિ પર અસર કરે અને સંબોધન બદલાય, આ રીતે – મોટાભાઈ ! એલા એઈ મોટા ! નનકુ ! એઈ નનકુ ! નનકુડા ! એલા એઈ…! બા, બા ! એ બા ! બા…! મારી મા…..! એઈ માડી….!…

હું મારી જનેતાને ‘બા’ કહું છું. મારો લંગોટિયો દોસ્ત પ્રેમજી એની જનેતાને ક્યારેક ‘બા’ડી’ કહી બોલાવતો. હું પણ એની પાસેથી એવું શીખી ગયેલો. બા અને બહેનો કહેતાં : ‘બાડી ન કહેવાય, સારું ન લાગે. બા જ કે’વાય.’ લાડના ‘ડ’ માં શુભેચ્છાસૂચક દીર્ધ ‘ઈ’ ઉમેરીને ‘માડી’ અથવા ‘મા’ડી’ કહેવાય એવો જ આ ‘બા’ડી’ શબ્દ લાલિત્યપૂર્ણ લાગવો એ કેવળ અંગત બાબત છે. બહેનપણી લતાને ‘લત્તુ’, ‘લતુડી’ કે ‘લતૂડી’ કહેવાથી સંબંધો વધુ ગાઢ હોવાનું જણાઈ આવે. પોતાની મસ્તીમાં તિતલી જેમ ઊડતી ગીતા નામની દીકરીને જમીન પર લાવવા મા જરા ઊંચે સાદે બોલાવશે : ‘એઈ ગીતલી !’ કોઈ અંગત કામ કઢાવવું હશે તો વળી ‘ગીતુ…!’ અથવા ‘ગિતૂ….’નો લહેકો કામ કરી જાશે.

માતે, માતા, માતુશ્રી, માતાજી, મા, બા, મમ્મી, મોમ; પિતાશ્રી, પિતાજી, બાપુજી, બાપાજી, બાપુ, બાપા, પપ્પા, ડૅડી, ડૅડ વગેરે શબ્દો સમય બદલાતાં, ક્રમે ક્રમે લગભગ બદલાયા હશે. થતું સંબોધન હૃદયના ખરા ઊંડાણમાંથી જન્મે તે ખરું મહત્વનું છે. મૂંગું બાળક મહાપ્રયત્ને પણ, મા કે બા શબ્દ ન બોલી શકે તોપણ તેના લાંબા ઘાંટામાં ઉચ્ચારાતા એકમાત્ર ‘આ…..’માં માતાને સમજાઈ જાય છે કે મારું બાળક મને જ બોલાવી રહ્યું છે. ઘરમાં નાનાં-મોટાં સહુ અને અન્ય સગાંઓ કોઈને જે સંબોધન કરે તે બાળકોના કાને ઝિલાય છે. તેનો પડઘો પણ એમ જ પડતો હોય છે. તેથી જ, પોતાની માતાને કોઈ બાળક કાકી કહીને બોલાવતું હોય છે, પપ્પાને કાકા કહેતું હોય છે. માતા-પિતાને થતાં ભાઈ-બહેન કે ભાઈ-ભાભી જેવાં સંબોધનો બાળક ઝીલીને જ શીખ્યું હોય છે. અલગ-અલગ સંબંધો સમજવા સાથે તે મુજબ જ યોગ્ય સંબોધન થાય તે માટેની કાળજી નથી લેવાતી ત્યારે જ આવું થાય છે. અનુજને એક વખત સૂચવ્યું કે તું મારી મમ્મીને તુંકારે સંબોધીને વાત ન કર. તુંકારામાં ભલે મીઠાશ હોય, પરંતુ જ્યારે નાનો-મોટો મતભેદ કે ઝઘડો થાય ત્યારે થતો તુંકારો વ્યક્તિગત રીતે અસહ્ય અને સામાજિક રીતે અભદ્ર લાગે છે; જોકે અનુજના તત્સમ ભાવનું તદભવરૂપ થયું જ નથી. સમજાવટ કદાચ જરા મોટી પડી. મમ્મી ‘તું’ જ રહી છે, ‘તમે’ થઈ શકી નથી; એને જે ગમ્યું એ સાચું.

હું મારાં પત્નીને નામથી જરૂર બોલાવું છું, છતાં મને સાંભળીને સંતાનો તેમની મમ્મીને નામથી બોલાવતાં નથી. માતાને તેના પોતાના જ નામથી બોલાવનાર સંતાનોનાં કેટલાંક જૂજ ઉદાહરણો સમાજમાં પ્રવર્તતાં હશે; પણ મારી જાણમાં તો માત્ર એક જ છે. અમારા ઉમેશકુમાર અને એમના ભાઈઓ એમનાં બાને નામથી જ સંબોધે. ‘પ્રભા ! ક્યાં ગઈ ?’ ; ‘પ્રભા, હું હમણાં આવું હોં !’, ‘પ્રભા ! તારે કંઈ જોઈએ છે ?’ વગેરે વગેરે. કોઈ દેવી, દેવ કે પ્રભુનાં દર્શન તો થાય ત્યારે ખરાં; પણ નજર સામે જ વિચરતી માતા ‘પ્રભા’ ને પ્રભુ જેટલી જ ઊંચાઈએ મૂકીને તેની સમક્ષ વાત કરવાની કેવી મજા ! કેવું અહોભાગ્ય ! બાળકના ભાવ સામે તો પ્રભુ પણ ઝૂકીને ઘૂંટણીએ પડીને વાત કરે ! અમુક માણસોને પરસ્પર ‘પ્રભુ’નું સંબોધન કરતા મેં અનુભવ્યા છે. પત્નીને તે કાંઈ નામથી બોલાવાય ? ન જ બોલાવાય ને ! તમારામાંના કેટલાકને જરૂર યાદ હશે કે આવી દઢ અને રૂઢ માન્યતાને વળગી રહેલો, કેટલાક દસકાઓ પૂર્વેનો આપણો પુરુષ, પોતાની પત્નીને પોતાનાં સંતાનોના નામે સાદ પાડતો. પછી ભલે એ સંબોધનમાં વપરાયેલું નામ પોતાની દીકરીનું જ હોય ! એક નામની બૂમ પાડો અને દીકરી ને મમ્મી બેય હાજર થાય ! પોતાની પત્નીને વ્યંગભર્યા લાડમાં નામ સાથે ‘દેવી’ શબ્દ લગાડીને સંબોધન કરતા કોઈ કોઈ પતિદેવને તમે જરૂર સાંભળ્યા હશે. પુત્રવધૂને ‘વહુ’ કહીને સંબોધવામાં આવે એ તો જાણે સમજ્યા, પણ પોતાની પત્નીને ‘એ વહુ….!’ કહીને બોલાવવાનો શિરસ્તો આજેય અમુક કોમમાં પ્રવર્તે છે. બાકી તો, એકે એક વ્યંજનની સાડીબારી ન રાખીને માત્ર સ્વરો પર મદાર રાખતા ‘એઈ’ રૂપી સંબોધનને કોઈ ન આંબે. ‘એ’ જ્યારે સમક્ષ હોય ત્યારે બીજા પુરુષ એકવચનનું સંબોધન ‘એઈ’ અને ‘એ’ દૂર હોય ત્યારે ત્રીજા પુરુષ એકવચન ‘ઈ’ અથવા ‘એ’નો સંદર્ભ; નામ જેવા નામનો પર્યાય થઈ શકતા આ સ્વરોની કેટલી બધી મહત્તા !

અમે ભાઈ-બહેનો અમારા પિતાશ્રીને ‘બાપા’ કહેતા. પત્ર લખતી વખતે ‘પૂજ્ય પિતાશ્રી’ અને રૂબરૂ ‘બાપા’. અમારી પછીની, પરંતુ સમાંતરે ઉંમરના સાવ ઓછા ગાળે ઊછરી રહેલી પેઢી એમના જનકોને પપ્પા અને ડૅડી કહેવા લાગી હતી. ત્યારે અંગત રીતે મને – મારી જીભને – ટેવ હોવા છતાં ‘બાપા’ ઉચ્ચારણ જરા અલગ પડતું અને જુનવાણી લાગવા માંડેલું; પણ એ જ શબ્દ ‘બાપા’, એમની બિનહયાતીમાં ય, સગર્વ ચાલુ રહ્યું છે. કોઈ ત્રાહિત દ્વારા ‘તારા બાપા’નું તુચ્છકારમાં ‘તારો બાપ’ ન થઈ જાય એની કાળજી બાપાએ જ જીવનમાં રાખેલી. કોઈ સંતાનની નજરે ‘બાપ’ ભાગ્યે જ એક રાજાથી નીચી કક્ષાનો હોય છે. ‘બા…પ્પુ….!’ કહીને વળગી પડતા સંતાનનો ભરતીયુક્ત સ્પર્શ થતાં જ પ્રતિભાવરૂપે ‘મારો બાપુડિયો’ જેવું સંબોધન મળે એવા સંબંધો ધન્ય ધન્ય ! લાગણીના ચડઉતરિયા પ્રવાહમાંથી જ તો દીકુ, દીકુભાઈ, દીકી, દીકુલી, દીકુડિયો, બાપલિયો, બકુ-ચકુ વગેરે સંબોધનો સાહજિક જન્મ લેતાં હોય છે. કાન નહીં, હૃદય સાંભળે અને તેને જે ગમે એ જ સાચું સંબોધન. અમુકને જ નહિ, સર્વને સાંભળવું ગમે એ પણ સંબોધન.

પ્રથમ ઉચ્ચારણ દ્વારા જે માન ઊપજે એ જ પછીથી કાયમ જળવાતું હોય છે. મારાં પિતરાઈ ભાઈ-બહેનો કાકાઓ માટે ક્રમ પ્રમાણે બાપુકાકા, કાકાબાપુ, કાકાભાઈ જેવાં સંબોધનો વાપરે. દાદાજી, દાદાબાપુ, દાદીબા, દાદીમા, ભાભુમા વગેરેની સામે ડોસલા-ડોસલીનું કે ડોહલા-ડોહલીનું ‘કલ્ચર’ સરખાવી જુઓ તો ! ભાણેજ કે ભાણિયાને ભાણુભાઈ, ભાણાભાઈ, ભાણિયાભાઈ, ભાણુભા અને ભાણકીને બદલે ભાણીબેન, ભાણીબા સંબોધન સુંદર લાગે. ફૂલ જેવા હસતા ચહેરાઓને તો ફૂલકુંવર કહેવું ગમે. સુગંધી શબ્દોનાં રજવાડાં તે કંઈ થોડાં જ છિનવાઈ જતાં હોય છે ! ભલે વસ્ત્રો ઝાંખાં-પાંખાં ધારણ કર્યાં હોય; પરંતુ જેનો ચહેરો હાસ્યભરપુર તેમજ તાજગી અને ભાવ-પ્રતિભાવથી પૂર્ણ હોય એ જ તો હૃદયનો ખરો રાજવી ! આપણા કોઈ કોઈ મિત્રને આપણે ‘રાજા’ અથવા એથી ય અડધું ડગલું આગળ વધીને ‘રાજ્જા’ નથી કહેતા ? ને જે ખરા અર્થમાં સત્તાધીશ રાજા હોય એને તો રાજાજી કે રાજાસાહેબ કહેવું પડે.

સંબોધનમાં વપરાતાં વિશેષણ સંદર્ભે નાની-શી વાત કરી લઈએ. એકવાર એક અજાણ્યા મિત્રને, એમનું નામ મારાથી વધુ જાણીતું હોઈને, મારાથી પત્રમાં ‘આદરણીય’ લખાઈ ગયું. ત્યારથી એમણે મને હંમેશાં તુંકારે જ સંબોધન કર્યું છે. ને એમ, હું એમને માટે કાયમ નાનો જ રહ્યો છું. એ કાયમ ‘પૂજ્ય શ્રી મોટા’ અને હું કાયમનો ‘નાનાલાલ’ ! સંબોધનનો આધાર બાહ્ય દેખાવ પર પણ રહે ખરો. તમે નીચી ઊંચાઈના હો, સાવ દૂબળા પણ હો, તમારા વાળ જલ્દી સફેદ થઈ જવા રાજી ન હોય, તમને ચશ્માંનો સહયોગ પ્રાપ્ત ન થતો હોય, વળી તમે નમ્રતાની અક્ષત-બેનમૂન મૂર્તિ પણ હો તો તમને તમારા માટે ‘તું’ સાંભળવા મળે એવું બને ખરું અથવા એવું જ બને. મારા જેવાને તો પાછળથી આવતી કોઈ હાથલારી ‘હાલજો બાબાભાઈ….!’ એવી જ બૂમ પાડે. ‘બાબા’ને બદલે ‘બાબાભાઈ’ કહીને માનાર્થે બોલાવાયું હોવાથી મારે માફી આપી દેવી પડે. મારી આંખો મૂછો સહિત પાછળ વળીને કાતર મારે ત્યારે હાથલારી શરમ સાથે ‘સૉરી’ બોલી હોય એવું જણાય.

ક્યારેક સંબોધન અને સંદર્ભ માટે નામોલ્લેખ બિનજરૂરી જણાતાં હોય છે. હું આસપાસમાં હોઉં છતાં નજરે ન ચડતો હોઉં ત્યારે સહકાર્યકરોમાંથી કોઈ ચિરંજીવ તેની બાજુવાળાને ઉદ્દેશીને બોલે, ‘એલા, ઓલો ક્યાં ગયો ?’ અને તત્ક્ષણ હું એટલે કે ‘ઓલો’ જવાબમાં ‘આ રહ્યો.’ કહું કે તરત સુધારાત્મક સ્વરૂપે માનાર્થે સાંભળવા મળે : ‘આવોને ભાઈ ! આવો આવો, તમારી જ રાહ છે. ચા-નાસ્તો ઠરે છે.’ ક્ષોભથી ઠરી ગયેલું, એ ચિરંજીવીનું સ્મરણમાં રહી ગયેલું સંબોધન મને દઝાડે છે; પણ હું ગરમ નાસ્તાયુક્ત વાતાવરણને વધુ ગરમ કરવા માગતો ન હોઈને, મને થયેલા પરોક્ષ તુચ્છકારને ઠંડી કાતિલ નજરે વધાવી લઉં છું. ક્યારેક ફરી જન્મતા આવા પ્રસંગે હું સામેનાને મારી જન્મ તારીખ જણાવીને સંબંધ ટકાવતાં શીખ્યો છું. જોકે, સતત શીખતાં રહેવું તે પરસ્પર સ્પર્શતી બાબત છે. કોઈ ગમતો ‘સંબંધ’ ટકાવવાનું શીખે. તો કોઈ વળી ગમતું ‘સંબોધન’ ટકાવવાનું પણ શીખે. નોકરીમાં એક મિત્ર જ્યારે બીજા મિત્રનો ઉપરી અધિકારી બની જાય છે ત્યારે મીઠા તુંકારાનો અધિકાર ગુમાવી બેસે છે. આપણામાં કહેવત છે : ‘નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ.’ એમ જ ‘પાયરીથી ઊતર્યો અમલદાર પાઈનો.’ એક વખતના હોદ્દેદાર મુકેશભાઈ કે રમેશભાઈ હોદ્દો ગુમાવે ત્યારે મિત્રો માટે ફરી એ જ ‘મુકો’ કે ‘રમલો’ થઈ જાય છે. હકારાત્મક દષ્ટિએ જોવામાં આવે તો, આવા ટૂંકા સંબોધનમાં કદાચ સાંભળનારને પોતાનું ખોવાયેલું અસલ નિકટપણું પરત પણ મળી જતું હોય છે. સત્તા ગુમાવ્યાની પળ એટલે દુનિયાની કેટલીક ક્ષણભંગુરતાને, નરી પોકળતાને પ્રકટ કરતી કુદરતી પળ.

હું અમારા એક નિવૃત્ત વડીલ કર્મચારી યોગેન્દ્રભાઈ વાસાને ‘વાસા સાહેબ’ કહીને સંબોધું છું ત્યારે તેઓ આમ કહીને વાંધો લે છે, ‘હું ઓફિસર નહોતો. સામાન્ય કલાર્ક હતો. ને વળી, ‘સાહેબ’ શબ્દ તો ગયો અંગ્રેજો ગયા એમની સાથે !’ જોકે, તેમને મિત્ર અને સાથીદાર – એવા અન્ય બે સુંદર અર્થો પણ ધરાવતું મૂળ ‘સાહિબ’ શબ્દ જેટલું જ મારું ગાઢ સંબોધન મેં ચાલુ જ રાખ્યું છે. વિનોદ જોશી ભલે ભાષાભવનના વડા હોય કે એક સમયના વાઈસ-ચાન્સેલર હોય, પણ મારા કે મારા જેવા કેટલાય સર્જકમિત્રોના તો એ વિનોદભાઈ જ. ‘માય ડિયર જ્યુ’ જેવું તખલ્લુસ રૂપી, વિશ્વને પ્રેમ કરવા માટે આહવાન દેતું સંબોધન કેટલીક વિજાતીય વ્યક્તિઓને ક્ષોભ પમાડે એવું છે. તો વળી, કટ્ટર વિરોધી તત્વોને મૂળ નામ ‘જયંતી ગોહેલ’થી આગળ વધવું ભાગ્યે જ ગમતું હોય છે.

સંબોધનમાંથી સાહજિકતા ચાલી જાય તો પછી વાતચીતમાંથી તો કહેવા જેવું શું નું શું યે નીકળી જાય. કૃત્રિમતા એ જ તો ભારેમાં ભારે પરદો છે. સાહેબનાં પત્ની પણ કર્મચારી સમક્ષ તો ઠીક, અન્ય સગાંસંબંધીઓની રૂબરૂ પણ પોતાના પતિને ‘સાહેબ’ કહે ત્યારે એ પોતે ગર્વ અનુભવે છે કે પછી પોતાની આદતથી મજબૂર છે કે પતિની આદતથી મજબૂર છે એનાં કારણોની આપણે કલ્પના છોડી દઈએ. આપણે પણ એ સંબોધન સાંભળવા પૂરતા મજબૂર. ક્રિકેટરો બ્રેડમેન, સોબર્સ, ગાવસ્કર, કપિલદેવ કે ડાયેના એદલજી હોય; અદાકારો અશોકકુમાર, દિલીપકુમાર, પ્રાણ કે નિરૂપા રોય હોય; ગાયકો મૂકેશ, કિશોર, લતા કે આશ હોય – બધાંની મહાનતા પાછળ અખબારી ભાષામાં છપાયેલો અને સર્વત્ર વંચાયેલો હૂંફાળો તુંકારો જ તો છુપાયો હોય છે ! અંગ્રેજી ‘હી’ અને ‘શી’ એટલે માનાર્થે ઉચ્ચારણ છે કે તુંકારો ? સંબોધનને માત્ર શબ્દસ્વરૂપ સાથે જ સંબંધ છે એવું થોડું છે ! સિસકારો, સનકારો, આંગિક ઈશારો વગેરે પણ સંબોધનના પ્રકારમાં જ આવી શકે. સામસામે પસાર થતી વ્યક્તિઓ એકબીજા સામે માત્ર ડોકું હલાવીને, હાથ હલાવીને સંબોધન અને સંદેશ બંને કામ કરી લેતી હોય છે. ‘કેમ છો ?’માં ક્યાં કોઈ સંબોધનાત્મક શબ્દ વપરાયો હોય છે ! ‘એ….રામ રામ’ કહીને અભિવાદન ઝીલતી વ્યક્તિ સામસામે બે ઉપરાંત એક રામ નામની વ્યક્તિનેય સંબોધન કરતી હોય છે એનો એમને ખ્યાલ નથી હોતો.

શું સંબોધન કરીએ તો સામેનાને ગમશે એવી દ્વિધામાં આપણે ઘણીવાર અજાણી વ્યક્તિને મળવા જતાં હોઈએ છીએ. બેન કહેશું ? મૅડમ કહેશું ? ભાઈ કહેશું ? સાહેબ કહેશું ? સર કે સર સાથે અટક વાપરશું ? પોતાના નજીકના કે જરા દૂરના મામાને કે માસાને ઑફિસમાં મામા કે માસા તરીકે ઓળખાવું નથી ગમતું એની જાણ તમને હોવી જોઈએ. મિત્રની પત્નીને ઑફિસમાં ભાભી તરીકેનું સંબોધન જચતું નથી, ત્યાં તુંકારાની તો વાત જ ક્યાં કરવી ! ગાઢ પ્રેમથી સમર્પિત હોય તેને ‘તું’ કહેવાની મજા માણનારા ખરી મજા માણતા જ હોય છે. ઈશ્વર કે જેને આપણે અદશ્ય તત્વ ગણીએ છીએ તેને આપણે મોટેભાગે તુંકારો જ તો કરતા હોઈએ છીએ ! આમેય, સમક્ષ ન હોય તેનાથી ન ડરવાનું, તેની શરમ ન રાખવાનું પણ આપણને ફાવી ગયું છે. અરે, પ્રેમ પણ પરોક્ષ રીતે જ કરવો આપણને ફાવી ગયો છે. ઈશ્વર સાથે વાતો કરતી વ્યક્તિ ઈશ્વરને માટે જે ‘તું’ વાપરે છે તે ઈશ્વર એ વ્યક્તિ માટે વાપરતો હશે ? શી ખબર ! સાંભળવા મળે તો ખબર પડે. માણસ પોતાની જાત સાથે વાત કરતી વખતે સંબોધન વગર જ વાત કરતો હશે કે પોતાનું નામ વાપરતો હશે ?

‘તુંકારો’ હોય કે માનાર્થે સંબોધન હોય, સંબોધન મોકળું હોય કે સાંકડું, પ્રેમાળ સ્પર્શ હોય કે કોઈ દુશ્મનની ગાળનો ક્ષણિક ઘા હોય; એમ તો એમ, પણ માણસ અન્ય માણસના અસ્તિત્વની નોંધ તો લે છે !