કવિ-સંમેલન – સુરેશ જોષી

[‘વિશ્વના યાદગાર પ્રવચનો’ પુસ્તકમાંથી સાભાર. સુરેશ જોષી એટલે ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપનાર. અનુઆધુનિક સાહિત્યકારોની નવી પેઢી ઊભી કરનાર સર્જક. તેમણે કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, વિવેચન અને અનુવાદો કરી ગુજરાતી સાહિત્યમાં મોટું ગજું કાઢ્યું. વર્ષો સુધી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કર્યું. સ્વસ્થ ચિંતક તરીકે પણ તેઓ યાદ રહેશે.]

પૂજ્ય કાકાસાહેબ મારી પાસે બેઠા છે એટલે સંગદોષને કારણે થોડીક શબ્દ-રમત કરવાનું મન થાય છે. બહુ વૃદ્ધાવસ્થામાં પણ માણસ શબ્દ જોડે રમવાનું છોડતો નથી. શબ્દની પણ એવી માયા હોય છે. ‘કવિસંમેલન’ને હું મધ્યમપદલોપી સમાસ ગણું છું. એમાં જે વચલો ભાગ રહી ગયો છે તે સહૃદયો, રસિક સજ્જનો અને સન્નારીઓ. કવિસંમેલન એટલે કવિઓનું અને સહૃદયોનું સંમેલન. માત્ર કવિઓનું તો થયા જ કરતું હોય છે અને એક કવિ બીજા કવિને એકદમ દાદ આપે એવું બનતું નથી. એટલે તમે સહુ અહીં છો એ બદલ કવિઓના વતી હું ખુશી પ્રગટ કરું છું.

સાંત જ્યાં પર્સ નામના ફ્રેન્ચ કવિએ એક બહુ અર્થગર્ભ વાક્ય એક વાર ઉચ્ચારેલું : ‘A book is the death of a tree’ – એક પુસ્તક એટલે ‘એક વૃક્ષનું મૃત્યુ’. જે પુસ્તક રચે છે તે એક વૃક્ષ જે કાંઈ કરે છે તેનું સાટું વાળી આપે છે ખરો ? વૃક્ષ છે તો એનો પર્ણમર્મર છે, પંખીઓનો ટહુકાર છે, તેજછાયાની રમત છે, એની નીચે બે પ્રેમીઓની ગુફતગો છે, પાસે વહેતી સરિતાના જળનો કલ્લોલ છે, ઉપરનું આકાશ છે. આ આખો એક બ્રહ્માંડ જેટલો વિસ્તાર એ વૃક્ષની સાથે છે. તો જે ગ્રંથ રચે છે તે આ બધાંનું સાટું વાળી આપે છે ? વૃક્ષ પ્રત્યેનું ઋણ ચૂકવે છે ? કાવ્યની પોથી હાથમાં લેતાં સાચા રસિકને આ પ્રશ્ન થાય છે. એટલે જ એક ચબરાક વિવેચકે પાંચેક કવિઓના કાવ્યસંગ્રહોનું અવલોકન કરતાં શીર્ષક આમ બાંધેલું : Five poets in search of six lines. તો જે આ છઠ્ઠી લીટી છે તેની શોધાશોધ ચાલે છે એ કોને ભાગે ગઈ તે જોવાનું.

કવિસંમેલન આપણા સંસ્કારજીવનનું એક અગત્યનું પાસું છે. થોડાક દેખાદેખીથી પણ કવિતા સાંભળવા જતા હશે એમાં કાંઈ ખોટું નથી. કલકત્તામાં જુવાન કવિઓએ એક વાર ઝુંબેશ ચલાવેલી : પૈસે પૈસે કવિતા. એમના જાણીતા ઈડન ગાર્ડનમાં જઈને કવિતા વાંચો એમ લોકોને કહેલું. મને લાગે છે કે એ કાંઈ ખોટી પ્રવૃત્તિ નથી. કવિ હંમેશાં અલગારી બનીને રહે, એ પોતે આપણી વચ્ચે છતાં હદપાર થઈને રહેવાની જ ખુમારી ભોગવતો રહે, એની પૃથકતાને પંપાળે તે જરૂરી નથી. આપણા થોડાક શબ્દોની જો એની કવિતામાં સેળભેળ થઈ જાય તો એનો ઝાઝો વસવસો કરવાનું કારણ નથી. પણ આપણે એનો વાદ ન બનાવીએ. કવિનું બેસણું સહૃદયતાથી બહુ દૂર હોતું નથી. પ્રેમાનંદ તો શ્રોતાઓથી બહુ ઊંચે બેસતો નહોતો. એ તો બાજઠ પર જ બેસતો હતો. અહીં તમારી સામે ઊંચો મંચ છે. કવિ થોડો દૂર ચાલ્યો જતો હોય એવું લાગે છે. એનાં પ્રતીકો તો એનાં આગવાં જ હોવાં જોઈએ પણ એ ખાનગી ન હોવાં જોઈએ. એની રચના એ એના પોતાના છંદ રચે એ અર્થમાં સ્વચ્છંદી ખરી પણ સાથે સાથે એ અતંત્ર ન હોવી જોઈએ, કારણ કે એના હૃદયનું તંત્ર આપણા હૃદયના તંત્રને રચી આપે છે, અને એ તંત્રના લયથી વિશ્વનું તંત્ર ચાલે છે. કવિતા પાસે આપણી અપેક્ષા આવી હોવી જોઈએ.

કવિતા અહમના કંડૂયનની વૃત્તિ નથી; પોતાના પોતાપણાને લડાવાતાં લાડનું નાટક નથી; પણ સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે કે ભાવકે પણ પોતાની લાગણીનો તાળો મેળવવાને કવિતા પાસે જવાનું નથી. કવિતા આપણને મૂંઝવી નાખે તો, હું એને સદભાગ્ય ગણું. એ સહેલાઈથી ગળે ઊતરી ગઈ એવું લાગે પણ પાછળથી કદાચ મુશ્કેલી ઊભી કરે. એકાદ પંક્તિ આપણને રહી રહીને પજવ્યા કરે. આ Baffelment પણ એક જાતની કવિતાની કસોટી છે. જો કોઈ કવિતા વાંચતાં એવો અનુભવ થાય જ નહીં, પંક્તિએ પંક્તિએ આપણે માથું ડોલાવતાં રહીએ તો કાં તો કવિતામાં વાંધો છે કાં તો આપણામાં વાંધો છે. ક્યાંક કશું એવું હોવું જોઈએ, જે આપણને પડકારે. કવિને પણ એવો પડકાર ઝીલવાનો આવે તો સજીવતા આવે. કાફકાએ એક જગ્યાએ કહ્યું છે : ‘My strength flows from my adversories.’ આમ કવિતાનો સ્વીકાર એ અઘરી વસ્તુ છે. આપણે અહીં બેઠા, કવિને સાંભળ્યા એટલે કવિતા આપણા સુધી પહોંચી ગઈ એવા વિશ્વાસથી આપણે ઘરે જઈ શકીએ નહીં. મને આશા છે કે આપણા કવિઓ હવે એવી કવિતા તમને આપશે નહીં. કોઈક લાગણીને છંછેડીને તોફાન જગાવે એવા કવિની હું વાત કરતો નથી પણ તમારી સૃષ્ટિના અક્ષાંશ-રેખાંશને બિલકુલ બદલી નાખે એવો કીમિયો જો કવિને આવડતો ન હોય તો હવે આજે એ કવિતા લખવા ન બેસે એટલી સભાનતા એનામાં છે. આપણી પાસે પણ એને ચકાસવા માટેની અમુક કસોટી છે. અને એ કસોટી કવિઓએ જ આપણને આપી છે. એવી કસોટી આપનારા આપણા એક કવિ ‘કાન્ત’નું નામ લઈને આપણે સંમેલન યોજ્યું છે.

કવિતામાં શબ્દો આવે છે. કવિ જો ભાગ્યશાળી હોય તો એની કવિતા વાંચતાં એમાંના દરેક શબ્દના જન્મ વખતે એ હાજર રહ્યો હોય એવું બને છે. સંસ્કૃત એ પર્યાયબહુલ ભાષા છે. સ્ત્રી માટે એક શબ્દ જોઈએ તો ઢગલો વાળી દે. પછી જો નાયિકા વિરહિણી હોય તોય છંદને કારણે કેટલીક વાર એને કામિની કહેવી પડે. ભાષાની આ પર્યાયબહુલતા કવિની કસોટી કરે છે. કેટલાક કવિઓ તો એવો પણ આગ્રહ રાખે છે કે વધુ પડતી વિદગ્ધતા – Sophistication – કવિતાને બિલકુલ લુખ્ખીસુખ્ખી રાખે છે. એમાંથી બહુ રસ આવતો નથી. તો શા માટે મધ્યકાળના કવિઓની બાની ન વાપરવી ? એમાં Sophistication નથી છતાં હૃદયનો રસ નથી એમ તો ન કહેવાય. એટલે એઓ પાછા હઠીને ત્યાં જવાનો પ્રયત્ન કરે છે. કવિ પાસે તો અત્યાર સુધી ગુજરાતી ભાષામાં ખેડાયેલી બધી જ કવિતાની સંપત્તિનો વારસો છે. જ્યાંથી એને લેવું હોય ત્યાંથી એ લઈ શકે પણ લીધા પછી એનું શું કર્યું તે સહૃદયે જોવાનું છે. અને સાચો વિવેચક સહૃદય હોય છે.

કવિતામાં ઘણા વાદ છે. કોઈ સંકલ્પપૂર્વક લખે છે, કોઈ પોતાના અંતરાત્માને અનુસરીને લખે છે. દૈવીપ્રેરણાથી લખનારા ભાગ્યશાળીઓ પણ હશે. પણ આપણી પાસે જે કવિતા આવે છે તેને આપણે એમ ને એમ સ્વીકારી ન લઈએ, એને પણ આપણે પડકાર ફેંકીએ તો કદાચ કવિને પણ એથી લાભ થશે. સહૃદયોની પણ એટલી ફરજ છે. આપણી પાસે અહીં અદ્યતન અને સદ્યતન બધી જ પેઢીના પ્રતિનિધિઓ છે. જૂની પેઢીના કવિ હોય તે પણ નવા લાગવા માટે જુવાન કવિના લખાણનું અનુસરણ કરે અને એ રીતે નવા થવાનો કરુણ પ્રયત્ન કરે એવું કદાચ અહીં નહીં બને, આપણે એના સાક્ષી નહીં બનીએ. દરેક પેઢીનું આગવું અર્પણ હોય છે અને પોતપોતાના કંઠે જો આપણા કવિઓ બોલતા હોય તો એથી આપણી કવિતા સમૃદ્ધ બને જ છે. એટલે મારે મન આ એક અસાધારણ પ્રસંગ છે.

(કે. જે. સોમૈયા કૉલેજના ત્રીજા પ્રકાશન ‘ઉપહાર’ના ઉદ્દઘાટનપ્રસંગે યોજાયેલા કવિ-સંમેલનના સંચાલક તરીકેના વક્તવ્યમાંથી.)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દમણની એક સાંજ – ડૉ. પ્રદીપ પંડ્યા
સંપૂર્ણ ચાણક્ય નીતિ – ચાણક્ય Next »   

2 પ્રતિભાવો : કવિ-સંમેલન – સુરેશ જોષી

 1. Kalidas V. Patel { Vagosana } says:

  સુરેશભાઈ,
  કવિ સંમેલનના સંચાલકનું આવું ભારેખમ પ્રવચન ! કવિતાને તો માણવાની હોય, સમજવાની તો પછીથી. … કવિતા આપણને મૂંઝવે તો જ એની સાર્થકતા… યે બાત કુછ હઝમ નહીં હુઈ … ! કવિ દલપતરામ, કવિ નાનાલાલ, ઘણાં અમર લોકગીતોના કવિઓ વગેરેની કવિતાઓ જનસાધારણને હૈયે અનાયાસ વસી ગઈ છે તે શું કવિતાઓ નથી ? તો પછી તે લોકકંઠસ્થ કેવી રીતે થઈ ? આટલી પ્રચલિત કેવી રીતે થઈ ?… ખરેખર તો ” જે ગવાય, તે સચવાય ” ના ન્યાયે જ કવિતાનું મૂલ્યાંકન થાય તો જ કવિતાને અને કવિને ન્યાય મળે, બાકી બધાં ફીફાં ખાંડ્યાં..!
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 2. Patel says:

  શાબાશ !
  તદ્દન વાસ્ત્વિક અભિપ્રાય આપ્યો કાલિદાસભાઈએ.
  કવિતા ના સમજાય અને આપણને મૂંજવે તો જ એની સાર્થકતા ! … આ વિચાર જ કેટલો ફાલતુ લાગે છે ? આવા વિચારો ધરાવતા ” મૂર્ધન્ય ” લેખકો-કવિઓએ જ ગુજરાતી સાહિત્યનો દાટ વાળ્યો છે ને ?
  કંઈ જ ન સમજાય તેવું,પિષ્ટપીંજણ કરેલું, અર્થવિહિન લંબાણયુક્ત વર્ણનવાળું, અસ્પષ્ટ લાખાણ વાંચકના માથે મારીને આવા લોકોએ ગુજરાતી ભાષાની કુસેવા જ કરી છે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.