પ્રસાદ (ભાગ-2) – દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અગાઉ તેમાંથી આપણે એક લેખ માણ્યો હતો. આજે અન્ય વધુ પ્રસંગો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] હું – ભૂપત વડોદરિયા

એક રાજા અત્યંત વિકટ સંજોગોમાં આવી પડ્યો. સત્તા અને ધન બન્ને ગુમાવી બેઠો. રાજાનો મંત્રી તેની સાથે હતો. એણે રાજાને કહ્યું કે આપત્તિની પણ એક મુદત હોય છે. આપત્તિ વીતી જશે. જે આવે છે તે જાય છે. થોડા વખત પછી રાજાનો કઠણ સમય પૂરો થઈ ગયો અને સત્તા તથા સંપત્તિ પાછાં મળ્યાં. રાજા દુઃખના દિવસો ભૂલી ગયો અને તે દિવસની નમ્રતા પણ ચાલી ગઈ. સત્તા અને ધન પોતાની પાસે હોવાથી એ મદની વાણીમાં બોલવા લાગ્યો. રાજાએ મંત્રીને પોતાની બડાશમાં હોંકારો ભણવાનું કહ્યું ત્યારે મંત્રીએ સ્વસ્થપણે કહ્યું કે રાજાજી, સંપત્તિની પણ એક મુદત છે. આ બધું પણ ચાલ્યું જશે. જે આવે છે તે જાય છે. આ બધા પ્રવાહો છે. આમાં કશું ટકી રહેતું નથી.

આપણે દુઃખમાં હતાશ થઈ જઈએ છીએ અને સુખમાં છકી જઈએ છીએ, કારણ કે આપણને યાદ નથી રહેતું કે આ બધું સુખ અને દુઃખ સમયના પ્રવાહ ઉપર તરતાં ફૂલ અને ઝાંખરાં છે. કાળના આ પ્રવાહમાં ફૂલમાળાઓ આપણા ગળાની સગાઈ હંમેશાં નિભાવવાની નથી અને કાંટા-ઝાંખરાં-કાંકરા પણ આપણને હંમેશાં વળગેલાં રહેવાના નથી. સરસ મઝાનો બંગલો બંધાવી શકનાર માણસને એક કેફ ચઢે છે. જાણે શેષનાગના માથામાં પોતે ખીલો મારી દીધો. પણ આ એક ભ્રમ છે. માણસ વિજયનગરનાં ખંડેરો કે ગમે ત્યાં પ્રાચીન ઈમારતોના દિદાર જુએ તો તેને ભાન થાય કે જે આવે છે તે ગયા વગર રહેતું નથી.

માણસને જાતજાતના ડર સતાવતા હોય છે. આ કે તે ગુમાવી બેસવાનો ડર, નોકરી કે ધંધાની માલિકી ચાલી જવાનો ડર, ગરીબ થઈ જવાનો ડર, માંદા પડી જવાનો ડર, સુંદરતા નષ્ટ થવાનો ડર, સંતાનની નિષ્ફળતા, માંદગી કે અકાળ મૃત્યુનો ડર. જાતજાતના ડર માણસને સતાવે છે. આ બધા ડર કંઈક ને કંઈક પ્રાપ્તિને બરાબર પકડી રાખવાની તકેદારીમાંથી જન્મે છે. આ બધા ડરને દૂર કરવાનો ઈલાજ તમામ ધર્મોના મુનિઓએ બતાવ્યો છે – જિંદગી માણો પણ જિંદગીમાં જે કંઈ મળે તેને અહંકારની માળાનો મણકો બનાવીને ગળામાં બહુ મોટો ભાર નાખશો નહીં. આ દુનિયામાં ઘણું બધું આપણું છે છતાં ખરેખર કંઈ આપણું નથી.
.

[2] સફળતાનો મહામંત્ર – ડૉ. પ્રકાશ ગજ્જર

હકસ્લે નામનો એક મોટો ચિંતક.
એને એના ભત્રીજાએ પૂછ્યું : ‘સફળ થવા માટે આમ તો અનેક ગુણ જોઈએ. પણ કોઈ એવો ગુણ ખરો કે જેના વગર ચાલે જ નહીં ?’
‘છે, એવો એક ગુણ ચોક્કસ છે. મેં જેટલા નિષ્ફળ માણસોનો અભ્યાસ કર્યો છે એ બધામાં મને એક દુર્ગુણ ખાસ દેખાયો છે.’
‘દુર્ગુણ ? બહુ મોટી વાત થઈ ગઈ.’
‘હા, દુર્ગુણ જ. એ લોકોએ સમયસર કરવા જેવું કામ સમય પર નહોતું કર્યું. આનો અર્થ એ થયો કે શ્રેષ્ઠ ગુણ છે – જે તે ટાંકણે કામ પતાવવાની સજ્જતા; અણગમો હોય, મન ના તૈયાર થતું હોય તોય કામ પતાવવાની તૈયારી, લાગી જવાની તીવ્રતા.’

સરસ નિયમ આપ્યો છે એણે. સફળ થવા માટે વ્યક્તિએ આટલું તો કરવું જ રહ્યું : (1) જે કામ કરવાનું હોય એ કરવું જ. (2) જે કામ જે વખતે કરવાનું હોય એ જ વખતે કરવું. (3) મન તૈયાર ના થતું હોય તો પણ કામ કરવું. નિષ્ફળ માણસો સાથે વાત કરવામાં સમય ના બગાડાય. છતાં તમે કોઈ વખત ફસાઈ પડો ને તમારે એમની કરમકહાણી સાંભળવી પડે તો તમે નોંધ કરજો કે એ લોકો સંજોગોને, સાધનોને, બીજા લોકોને, ભાગ્યને અથવા તો એ બધાં પરિબળોને એકી સાથે દોષ આપવાના. પણ એ લોકો એ હકીકતનો સ્વીકાર નહીં કરે કે ખરા ટાંકણે પોતે કામ કર્યું નહોતું ને પછી નિષ્ફળ ગયા એટલે ફરિયાદ કરવા નીકળી પડ્યા હતા. એક રીતે જોતાં સફળ થવાનું આટલું સરળ હોવા છતાં લોકો નિષ્ફળ જાય છે, એ જોઈ દયા આવે છે. જાણે એમણે હાથે કરીને નિષ્ફળ જવાનું પસંદ કર્યું હતું એવું લાગે છે. સમયસર કામ ના કરવું એ નિષ્ફળતાનું મોટું કારણ. એ જ રીતે એ વિષે જ્ઞાન મળે તે પછી પણ જૂની આળસમાં રહેવું એ પણ મોટું કારણ. કાલ સુધી થયું એ થયું; અત્યારે જરૂર છે સાચી સમજને ઝીલવાની, અમલમાં મૂકવાની, અત્યારે જ ! એ માટે રાહ જોવાની કોઈ જ આવશ્યકતા નથી. કામે લાગો; મન ના પાડતું હોય તો પણ. હાથ ઉપર જે કામ હોય એ નિપટાવવા લાગો. સફળતાને તમારી પાસે આવવું જ પડશે. આજ નહીં તો કાલે !…પરમ દિવસ… ક્યારેક એ સફળતાને તમારે આંગણે આવવું જ પડશે.
.

[3] ઈશ્વરનો અનુગ્રહ – મોરારિબાપુ

કવિવર ટાગોરના જીવનની આ ઘટના છે.
એક રાત્રે એ નૌકામાં વિહાર કરતા હતા. વિહાર કરતાં પુસ્તક વાંચવાનું મન થયું ને એમણે મીણબત્તી સળગાવી પુસ્તક વાંચવા માંડ્યું. રાતના બાર સુધી પુસ્તક વાંચ્યા પછી એમણે નૌકાની બહાર સાગરજળ પર આકાશની ચાંદની પથરાયેલી જોઈ, આકાશમાં પ્રકાશતો પૂર્ણિમાનો ધવલ ચંદ્ર જોયો… ને એ આશ્ચર્યથી ભરાઈ ગયા…. ‘રે ! પૂનમના ચંદ્રની ચાંદની મારી નૌકામાં ઊતરી આવી છે ને હું તો મીણબત્તી સળગાવીને બેઠો છું !’ એમણે ઝટ મીણબત્તી બૂઝાવી દીધી. આખીય હોડી ચાંદનીના ધવલ પ્રકાશથી તરબતર થઈ ગઈ….

એમણે એનો અનુભવ કર્યો ને મનમાં વિચારમંથન ચાલ્યું : ‘રે… આ મીણબત્તીનો પ્રકાશ જ મને ચાંદનીની મઝાથી વંચિત રાખતો હતો…. એ હોલવાઈ ત્યારે જ મને ખબર પડી કે ચાંદનીનો પ્રકાશ કેવો રૂડો છે…’ મીણબત્તીને હોલવી તે પછી જ ચાંદો ઊગ્યો એમ નથી. એ તો ક્યારનોય ઊગેલો હતો પણ મીણબત્તી બુઝવી ત્યારે જ મને ખબર પડી કે ચાંદની પથરાઈ રહી છે.’ આ રીતે ઈશ્વરના અનુગ્રહની ચાંદની પણ ક્યારનીય વરસી રહી છે પણ હું ને તમે ઈર્ષ્યા, દ્વેષ અને કુટિલતાની મીણબત્તીઓને ફૂંક મારતા નથી. એટલે જ ઈશ્વરના અનુગ્રહની ચાંદનીનો સુખદ અનુભવ આપણને થતો નથી. જો ઈર્ષ્યા, દ્વેષ, નાના-મોટા કુવિચારો વગેરેની મીણબત્તીઓ જીવનનૌકામાંથી હોલવાઈ જાય તો જ ઈશ્વરના અનુગ્રહની ચાંદની આપણા જીવનના નૌકાવિહાર પર ઊતરે.
.

[4] …યશ બીજા લઈ જાય છે ! – કાન્તિ ભટ્ટ

કેટલાકની અંગત ફરિયાદ હોય છે કે, ‘અમે મહેનત કરીએ છીએ અને યશ બીજા લઈ જાય છે.’ સમાજમાં આવો એક વર્ગ છે કે જે બીજાની મહેનત ઉપર જ તાગડધિન્ના કરે છે. પણ એવી હાલતમાં આપણે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને યાદ કરીને તેના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. આઈન્સ્ટાઈન લખે છે :

‘આ પૃથ્વી ઉપર આપણી સ્થિતિ વિચિત્ર છે. દરેક જણ પૃથ્વીની ટૂંકી મુલાકાતે આવે છે, શા માટે આવે છે તેની તેને ખબર નથી. છતાં પૃથ્વી ઉપર જન્મવાનો એક દૈવી હેતુ છે. જો કે મારા દૈનિક જીવનને નજરમાં લેતાં મને લાગે છે કે માણસ દુનિયામાં આવ્યો છે તો પોતાને માટે આવ્યો નથી. માનવી બીજાને ખાતર અહીં પેદા થયો છે. આપણું સુખ બીજા લોકોનાં સ્મિત અને સુખાકારી ઉપર અવલંબે છે. આપણે એકલા જ સુખી હોઈએ એ બસ નથી, બીજાનાં નસીબ સાથે આપણાં નસીબ જોડાયાં છે. દિવસમાં ઘણી વખત મને લાગ્યું છે કે મારું પોતાનું જીવન બીજા લોકોના પરસેવા પર કેટલું નભે છે ! આ વીજળી, પાણી, રસ્તા વગેરે માટે હજારો-લાખ્ખો લોકોએ કામ કર્યાં છે. સ્વીચ દબાવું અને વીજળી થાય છે. તે વીજળીને ઘરેઘરે પહોંચાડવા કેટલા લોકોના જાન ગયા છે. હું બીજાની મહેનત પર તાગડધિન્ના કરું છું એવું લાગે છે. તો પછી, કોઈ વખત મેં કરેલાં કૃત્યોનો બીજા લોકો યશ લે છે, ત્યારે મને કશો રંજ નથી. આપણે બધા એકબીજાનાં કર્તુત્વથી જોડાયેલા છીએ.’

[કુલ પાન : 128. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “પ્રસાદ (ભાગ-2) – દેવેન્દ્ર એલ. ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.