સંકટમોચન – કુમાર જિનેશ શાહ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

ધડામ…. એક આંચકા ભેર ધડાકો થયો ! ઝોકે ચઢેલા બધા પ્રવાસીઓ હેબતાઈને જાગી ગયા. અમારી બસનો પાછલો ભાગ પસાર થઈ રહેલા ડમ્પરના પછવાડે અથડાઈ ગયો હતો. મેં સૌથી પહેલું કામ ડ્રાઈવર સીટ ઉપર નજર નાખવાનું કર્યું. ત્યાં સુલેમાનભાઈને બેઠેલા જોઈ ઘણો ખરો સ્વસ્થ થઈ ગયો.

વરસોથી ભૂજ-મહુવા રૂટ ઉપર એસ.ટી. હંકારતા સુલેમાનભાઈ ભચાઉ ડેપોના જૂના ડ્રાઈવર છે. આજે રાત્રે 10:30 વાગ્યે તેઓએ બસનું સ્ટીયરીંગ સંભાળ્યું ત્યારે અમે તંદ્રાવસ્થામાં ગરક હતા. પૂરા છ ફૂટના, ભીને વાન સુલેમાનભાઈ રાત જામે ત્યારે પહેરેલું શર્ટ કાઢી નાખે અને તેમનું કસરતી કસાયલું શરીર છતું થાય. માથા પર કુરુસિયાની ધોળી ટોપી તેમના વ્યક્તિત્વને એક ગંભીર ઓપ બક્ષે. બસ ઉપર એમનો ગજબનો કાબૂ. એવા એ સુલેમાનભાઈના હાથમાં બસનું સુકાન હોતાં હું નિરાંતે કશું થયું જ ના હોય તેમ આંખ બંધ કરીને બેસી રહ્યો. ગાડી પૂરપાટ દોડતી હતી. સૂરજબારીના દરિયેથી આવતી શીતળ પવન લહેરખી અને મધરાતની અસર થકી અમે ઝોકે ચડ્યા જ હતા કે અચાનક કોક પેટ્રોલ પંપ ઉપર બસ ઊભી રહી ગઈ. થોડી વાર તો નીંદરથી ભારે થઈ ગયેલી પાંપણોને ઊંચક્યા વગર જ બેઠા રહ્યા. પણ પછી પ્રવાસીઓમાં હિલચાલ થતાં અમે પણ ઘેન ખંખેરી નીચે ઊતર્યા. ટાયર પંચર હતું અને અમારી બસ પંચર બનાવનારની કૅબિન પાસે જ ઊભી હતી. સુલેમાનભાઈ પોતાની કામગીરીમાં પરોવાઈ ગયા હતા.

સ્ટેપની કાઢી લેવાઈ. જેક ચઢાવ્યો પણ બસ ઊંચકાઈ નઈ. તપાસ કરતાં ખબર પડી કે હાઈડ્રોલિક જેકમાં ઑઈલ નથી. ઑઈલ વગર આ જેક તો કામ કરે જ નહીં. અને જેક ચઢાવ્યા વગર ટાયર બદલી ના શકાય…. હે ભગવાન ! અમે બધા હનુમાનજયંતી નિમિત્તે અસ્મિતાપર્વમાં ભાગ લેવા મહુવા જતા હતા. આવતી કાલે સવારના પહેલા સત્રમાં પહેલું જ વ્યાખ્યાન મારા પ્રિય કવિ માધવ રામાનુજ વિશે હતું. આ વિક્ટ સ્થિતિના કારણે હવે અમે સમયસર પહોંચી નહીં શકીએ એવું ધારીને અમે ત્રણેય મિત્રો મહુવા પહોંચવાના બીજા વિકલ્પો શોધવા ચર્ચામાં ઊતર્યા.

સુલેમાનભાઈએ અમારી લાગણી લક્ષ્યમાં લઈને જેકની સગવડ કરવાનું કહ્યું. અમે દરેક આવતાં જતાં વાહનોને હાથ ઊંચા કરી કરીને થોભાવાનો પ્રયત્ન કરવા લાગ્યા જેથી જેક માંગી શકાય. એમાં નિષ્ફળતા મળી એટલે ચારેકોર નજર ફેરવી. થોડે દૂર સાવ નાનું અંધારિયા ઢાબા જેવું સ્થળ દેખાયું. હું અને નખત્રાણાથી આવેલા ગુજરાતીના યુવાન પ્રોફેસર એ બાજુ દોડ્યા. પાસે જઈને જોયું તો સાત આઠ ટ્રકો ઊભી કરીને ડ્રાઈવર કલીનર વગેરે ખાટલાઓ ઢાળી સૂતા હતા. અમે દરેકને જગાડીને પ્રથમ ‘જય સિયારામ’ કહેતા અને પછી અમારી મુશ્કેલી સમજાવતા. કોક પાસે જેક હતો જ નહીં, કોઈકનો બગડી ગયો હતો, કોક વળી પોતાની બીજી ટ્રકને આપી દીધો હતો. આમ અનેક પ્રકારે નકારાત્મક પ્રતિક્રિયા સાંપડતાં અમે તદ્દન નિરાશ થઈ ગયા હતા. અમારી આ બધી હિલચાલ સહેજ દૂર એક રૂમની બહાર ખાટલે સૂતો માણસ જોઈ રહ્યો હશે તે ઊભો થઈને પાસે આવ્યો. તેણે સામેથી ‘જય સિયારામ’ કહી વાતની શરૂઆત કરી. અમારી તકલીફ સમજતાં જ અમને પોતાની કૅબિન જેવી રૂમ ઉપર લઈ ગયો.

આશરે પાંત્રીસેક વરસની ઉંમરના એ યુવાને કૅબિન ખોલી અમને હાઈડ્રોલિક જેક આપ્યો. પ્રોફેસર ઉત્સાહમાં ઊંચકવા ગયા પણ ઉપાડી ના શક્યા. જેક ત્રીસેક કિલો જેટલો વજનદાર હતો. અમારી મૂંઝવણ જોઈને યુવાને રમકડાની જેમ જેક ઉપાડીને અમારી સાથે ચાલવાનું શરૂ કરી દીધું. બસના તમામ યાત્રીઓ અમને જોઈ રાજી થઈ ગયા. સુલેમાનભાઈ જેક લગાડી, બસને ઊંચક્યા પછી, ટાયરના નટ બોલ્ટ ખોલવાની કવાયતમાં પરોવાયા. પણ બોલ્ટમાં કાટ લાગી ગયો હોવાથી એ કેમેય ખુલ્યાં નહીં. ટોમી ભરાવીને તેની ઉપર કંડકટર આખે આખો ચઢી ગયો અને પરિણામે લોખંડના સળિયાથી બનેલી ટૉમી બેવડી વળી ગઈ. માર્યા ઠાર ! ફરી પાછો પેલો યુવાન જે અમને ટાયર બદલવામાં મદદ કરતો હતો, એ પોતાની ઓરડી પર દોડી જઈ ટોમી લઈ આવ્યો. એમની મદદ અને સુલેમાનભાઈના અથાગ પરિશ્રમથી સ્ટેપની ફિટ થઈ ગઈ. હવે ટાયરનું પંકચર રિપૅર થતું હતું ત્યાં જ પેલા યુવાનનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન ઉપર ફલેશ થતો નંબર જોઈ એ વિનમ્રતાથી બોલ્યો – ‘આઉં ફારૂખ બોલતો. કચ્છજી એસ.ટી. બસ મેં પંચર થઈ ગ્યો આય. એનકે જેક ડેનેલા કરીને કૅબિન ખોલાઈ આય….’

હકીકતે, આ યુવાને અડધી રાતે રૂમ ખોલીને લાઈટ બાળી હતી તેથી સામે જ ક્યાંક મોટી ઑફિસથી ઉપરીનો ‘શું થયું’ તેની પૃછા કરતો ફોન હતો. ફારૂખે 125 ટ્રકોનો કાફલો સંભાળતાં પોતાના ઉપરીને આખી સ્થિતિ કચ્છી ભાષામાં શાંતિથી જે રીતે સમજાવી તે અમે એક કચ્છી હોવાને નાતે સગર્વ સાંભળી રહ્યા હતા. ફારૂખનો ફોન મુકાયો એટલે અમે આભાર અને શાબાશીના ભાવ સાથે તેને કચ્છીમાં જ પૂછ્યું : ‘યાર ફારૂખ, તું તો મુસલમાન છો પણ તે છતાં ‘જય સિયારામ’ કહીને અમને બોલાવ્યા હતા !’ યુવાન મલકાતો હતો. પછી કહે, ‘સાહેબ, તમે કચ્છના છો તે તો મેં તમારી બોલી ઉપરથી જ જાણી લીધું હતું. અને પાછા બાપુના ઘરે મહુવા જવાના છો, તે પણ જાણ્યું. મેં મહુવામાં બે વરસ નોકરી કરી છે. એટલે મેં સામેથી ‘જય સિયારામ’ કહ્યું. આ સુલેમાન કાકાને જોઈને તમે પણ ‘અસ્સલામ આલેકુમ’ કહ્યું હતું ને ? બસ એમ જ…..!’

જેક અને ટૉમીનું કામ પૂરું થઈ ગયું હતું. અમે બસની સાથોસાથ કચ્છીયતને પણ ઊંચકાતી અનુભવી હતી. મુસલમાન નહીં પણ ‘કચ્છી માડુ’ જેવા એ સંકટમોચનને સલામ…!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “સંકટમોચન – કુમાર જિનેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.