ત્રણ પ્રેરક ઘટનાઓ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

[1] માનવતાની મહેક – ઈન્દુબહેન પંડ્યા

વાત વર્ષો પહેલાંની છે. અભ્યાસ ચાલતો હતો. એક દિવસ અમારી શેરીમાં રહેતી મંજુ આવી ‘અલી, શિક્ષકની ભરતીનું ફૉર્મ ભર્યું કે નહિ ? હું તો આજે ભરી આવી.’
મેં કહ્યું : ‘પણ આપણે કૉલેજનું એડમિશન લેવાનું છે ને ?’
મંજુ બોલી : ‘નોકરીની તક જવા દેવાય ?’
મેં કહ્યું : ‘તું મારી સાથે ચાલને ? મને તો કંઈ મળશે નહીં. ભણવાનું સાથે ચાલતું રહેશે.’
મંજુએ કહ્યું : ‘જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી જા. મારે તો બાને કામમાં મદદ કરવાની છે…’ કહીને એ ચાલી ગઈ.

હું બાને લઈને કચેરીએ પહોંચી. કોને મળવું એ સૂઝ પડે નહિ. આખરે પ્રમુખશ્રીના નામની નેઈમપ્લેટ વાંચીને એમને મળવા વિચાર્યું. બારણા પાસે સ્ટૂલ પર પટાવાળો બેઠેલો – લાલ પાઘડી, મોટી મૂછો અને હટ્ટો કટ્ટો. એને જોતાં જ બીક લાગે. એણે મને રોકી – ‘સાહેબને નહિ મળી શકાય. તેઓ શિક્ષણના કામે ન મળે.’ આખરે રિસેસના ટાઈમે એમના નિવાસસ્થાને અમે પહોંચ્યાં – પ્રમુખશ્રી ઘેર જમવા આવ્યા ત્યારે મેં એમને ઝટપટ મારી વાત કરી. તેઓએ કહ્યું : ‘રિસેસ પછી ઑફિસે મળજો.’ વળી એમ જિલ્લા પંચાયત કચેરી પર ગયાં. પ્રમુખશ્રીની સૂચના થઈ એટલે અમને સાહેબની ઑફિસમાં પ્રવેશ મળ્યો. સાહેબે શિક્ષણ વિભાગમાંથી કલાર્કને બોલાવીને મારું ફોર્મ ભરાવ્યું. પ્રમાણપત્રોની નકલો સાથે બીડવાનું કહીને શિક્ષણના ચૅરમૅનને અરજી આપી આવવા કહ્યું.

ત્યાર બાદ ઈન્ટરવ્યુનો કોલલેટર મળ્યો અને પછી નોકરીનો નિયુક્તિ પત્ર મળ્યો. મારી ખુશીનો પાર ન રહ્યો. પાંચેક વર્ષની નોકરી પછી મારે પી.ટી.સી.ના કોર્સમાં જવું હતું. વળી પાછી પ્રમુખશ્રીને મળવા ગઈ, તેઓ હાજર ન હતા. વળી બાને લઈને એમને ઘરે ગયાં. સાહેબનાં પત્ની ઘેર હતાં, એમણે મીઠો આવકાર આપ્યો ને કહ્યું : ‘સાહેબ મીટિંગમાં ગયા છે.’ અમને ચા-પાણી પિવડાવીને વિદાય કર્યાં. ફરી સાહેબને મળવા માટે ગયાં. તેઓ તરત જ ઓળખી ગયા : ‘કાં દીકરીબાઈ, કેમ આવ્યાં ?’
મેં કહ્યું : ‘મારે પી.ટી.સી.નો કન્ડેન્સ્ડ કોર્સ કરવો છે.’
મેં વિગત લખીને આપી. મને શાળામાં પી.ટી.સી માટેનો ઑર્ડર મળ્યો, એમાં સ્ટાઈપેન્ડ અને વિના વ્યાજની સવલત પણ મળી – નોકરી પણ ચાલુ રહી.

વર્ષો વીતી ગયાં. પછી તો સાહેબ ગુજરાતના આરોગ્ય મંત્રી બન્યા હતા. અત્યારે લાંચ રુશવત, ભ્રષ્ટાચાર અને લાગવગનું દૂષણ વધી ગયું છે. ત્યાં માનવતાનું મૂલ્ય હોય ? છતાં આવા મહાનુભાવો જેવા નિષ્ઠાવાન લોકોથી માનવતા મહેકી રહી છે. એ મહાનુભાવ હતા વલ્લભભાઈ પટેલ.

[2] ફેરિયાની માણસાઈ – નીલમ ત્રિવેદી

હું દસમા ધોરણમાં ભણતી હતી. મારાં પપ્પા, મમ્મી માનસિક વિકલાંગ ભાઈને મારી જવાબદારી પર છોડી જયપુર ગયાં હતાં. સાંજે પાંચ વાગે ભઈલો રમતાં રમતાં ક્યાંક જતો રહ્યો. પાડોશીઓએ બે કલાક ગોત્યો. રડી રડીને હું બેહોશ થઈ ગઈ. તબિયત લથડવાથી બાજુની હૉસ્પિટલમાં દાખલ કરી. મને હિંમત આપી પડોશીઓએ થાણામાં ફરિયાદ નોંધાવી.

રાતના નવ વાગે, લોકલગાડીમાં મગફળી-ચણા વેચી પેટવડિયું કાઢતો ફેરિયો, ભઈને લઈને પોલીસ જોડે વૉર્ડમાં મળવા આવ્યો. વિખૂટાં પડી ગયેલાં ભાઈ-બહેનનું ભાવવિભોર મિલન જોઈ ભીની આંખે બધાં બોલ્યાં, ‘પુણ્ય પરવાર્યું નથી.’ ફેરિયો સહજભાવે બોલ્યો : ‘તમારા ઘરની સામે રેલવે સ્ટેશને ભઈલો રમતો રમતો લોકલગાડીમાં બેસી ગયો. ફૂલેરા સ્ટેશને હું તે ડબ્બામાં ચડ્યો. તેને ભૂખ લાગેલી. મગફળી, ચણા ખાવા લાગ્યો. મેં પેસેન્જરોને પૂછ્યું. જવાબ મળ્યો – અજમેરથી એકલો ડબ્બામાં ચઢી ગયો છે. બોલી શકતો નહોતો. ગાડીમાંથી તેને પ્રેમથી ઉતારી બસમાં અજમેર પોલીસ થાણામાં લઈ ગયો.’ અને તેમની મદદથી ભગવાનની કૃપાથી ભઈલો હેમખેમ મળી ગયો. મેં ફેરિયાનો ખૂબ જ ઉપકાર માન્યો. પાંચસો રૂપિયા આપ્યા. ભીની આંખે બોલ્યો : ‘નાગરિક ફરજ બજાવી. તેનું વળતર ન લેવાય.’ માનવ મૂલ્ય સંસ્કાર જાળવવા ઘસાઈને ઊજળા થતા આ અભણ ગરીબ ફેરિયાની સેવાભાવના મને પરિવર્તન માટે પ્રેરણા આપ્યા કરે છે.

[3] વૃત્તિ તેવી પ્રવૃત્તિ – ડૉ. ભરત જાદવ

મારા સહકર્મી વડીલ શિક્ષક મિત્ર સાથે હું બૅંકમાં આવકવેરો ભરવા ગયો. બેંકમાં ખૂબ જ ભીડ. ઓછામાં ઓછા બે કલાક પહેલાં નંબર આવવાની કોઈ જ સંભાવના નહોતી. વ્યવસ્થાને કોસતા અમે લાઈનમાં ઊભા. ત્યાં અચાનક બાજુમાં બેઠેલા અમારા નજીકના સંબંધી પર મારી નજર પડી. હું મળવા તેમની પાસે ગયો. થોડી ઔપચારિક વાતો પછી મેં જણાવ્યું કે, ‘મારે આવકવેરો ભરવો છે, પણ અહીં તો ખૂબ જ ભીડ છે.’ એટલે સહજતાથી જ તેમણે મને રોકાણ અંગે પૂછ્યું. મેં સઘળી વિગતો જણાવી. જાણે કાંઈક યાદ કરતા હોય તેમ, તેમણે કહ્યું કે, ‘અરે હા, તમે ઘરભાડાની પહોંચ મૂકી નથી. તેનાથી ટૅક્સ ભરવામાંથી થોડી રાહત રહેત ને !’ એમાંય મારા વડીલ મિત્રએ સૂર પુરાવ્યો. થોડાંક દષ્ટાંતો આપી કેવા કેવા લોકો આવું કરી ટૅક્સ બચાવી લેતા હોય છે તેની વિગતો આપી. તેમ કરતાં હું થોડો વિચલિત થયો. મનમાં લોભ જાગ્યો. વેરો ભર્યા વિના ઘરે પાછો ફર્યો.

ઘરે પત્નીને બધી વિગત જણાવી. એણે સાવ સહજભાવે પ્રશ્ન કર્યો, ‘પણ, આપણે તો બાપદાદાના મકાનમાં જ રહીએ છીએ, એમાં ભાડાની પહોંચ મૂકવાની વાત ક્યાંથી આવે ? એવું કેમ કરાય ?’ બચાવમાં દલીલ કરતાં, ‘બધા આવું કરતા જ હોય છે.’ એમ કહી મેં વાત પૂરી કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં વળી તેણે પૂછ્યું :
‘આમ કરવાથી આપણે કેટલા રૂપિયા બચાવી શકીએ ? બારસો-પંદરસો જ ને ?’
‘હા, એટલા તો બચાવી શકાય ?’ મેં જવાબ આપ્યો.
‘જો હજાર-પંદરસો રૂપિયા બચાવવા જૂઠું બોલવાનું, ને ખોટું કરવાનું હોય તો આપણે એવું નથી કરવું. ને તેમાં તમે જ તો કાલે વિદ્યાર્થીઓને કહેતા હતા કે ‘જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ… માટે પહેલાં વૃત્તિઓ સુધારો, પ્રવૃત્તિ-વ્યવહાર સુધરી જશે.’ ને આજે તમે જાતે જ….’ ચાનો કપ હાથમાં આપતાં તેણે વાત આગળ વધારી, ‘લો આ પીવો, અને જાઓ બેંકમાં, આપણે ભરવાપાત્ર બધો જ ટૅક્સ ભરી દો.’ હું પત્નીની ઉદાર વૃત્તિ અને ઉચ્ચ ભાવનાને મનોમન વંદન કરતો ટૅક્સ ભરવા બૅંક તરફ પાછો ફર્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “ત્રણ પ્રેરક ઘટનાઓ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.