વેલી ઑફ ફલાવર્સ – બેલા ઠાકર

[‘ફીલિંગ્સ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર.]

વેલી ઑફ ફલાવર્સ ! ફૂલોની ઘાટી ! પ્રકૃતિપ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નથી, પણ હજુ ઘણા ઓછા લોકો આ અદ્દભુત સૌંદર્ય વિશે જાણે છે અને ત્યાં જાય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઉત્તરીય રેન્જમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સેંકડો પ્રકારના રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે છે. આખી ખીણ રંગ-સુગંધથી લહેરાતો દરિયો બની જાય છે. દુનિયાભરમાં આવી બીજી એકેય જગ્યા નથી, પણ દુનિયાને આ અદ્દભુત સ્થળ અંગેની જાણકારી ઘણી મોડી, છેક 1931માં મળી, એ પણ એક બ્રિટિશ પર્વતારોહક દ્વારા.

1931ની વર્ષાઋતુમાં ફ્રેંક સ્મિથ નામનો એક બોટનિસ્ટ, પર્વતારોહક હિમાલયના કામેત શિખર પરથી પાછા ફરતા માર્ગ ભૂલી ગયો અને અકસ્માતે જ આ ખીણમાં જઈ ચડ્યો. ત્યાં તેણે જે દશ્ય જોયું તેનાથી તે ચકિત થઈ ગયો. તેણે જોયું તો દસેક કિ.મી. લાંબી એવી આ ખીણ સફેદ, ગુલાબી, જાંબલી, લાલ એમ અનેક રંગના વિવિધ ફૂલોથી લદાયેલી હતી. આ ફૂલો પણ એટલી મોટી સંખ્યામાં હતાં કે પગ મૂકવાની પણ જગ્યા ના મળે. ચારે બાજુ બસ રંગબેરંગી લહેરાતાં ફૂલો અને લીલીછમ વનરાજી હતી. તેણે આવી સુંદર જગ્યા અને એકસામટાં આટલાં પ્રકારનાં ફૂલો આ પહેલાં કદી જોયાં ન હતા. ત્યાંથી પાછા ફરીને તેણે ‘ધ વેલી ઑફ ફલાવર્સ’ નામનું પુસ્તક લખ્યું અને ત્યારે પહેલી-વહેલી વાર દુનિયાને આ સ્થળ અંગે જાણકારી મળી. જોકે, ત્યાંના સ્થાનિક લોકો આ સ્થળને જાણતા હતા. ‘ભ્યૂંડાર વેલી’ તરીકે ઓળખાતી આ ખીણ આઠ મહિના બરફની જાડી ચાદર હેઠળ ઢંકાયેલી રહે છે, પરંતુ ઉનાળામાં બરફ પીગળે છે અને વર્ષાઋતુમાં તેમાં અસંખ્ય ફૂલો ખીલી ઊઠે છે. એ વાતની આસપાસનાં લોકોને ખબર હતી. તેઓ એવું માનતા કે ફૂલોની આ અલૌકિક ખીણમાં પરીઓ નિવાસ કરે છે !

આ અદ્દભુત સ્થળને જોવાની ઘણા વર્ષોથી ઈચ્છા હતી, પણ મનમાં અવઢવ હતી કે, આટલી ઊંચાઈએ ટ્રેકિંગ કરાશે કે કેમ ? પણ પછી હિંમત કરીને અમે કેટલીક સખીઓ ત્યાં ટ્રેકિંગ માટે નીકળી પડી. ઑગસ્ટના બીજા સપ્તાહમાં અમારું ગ્રૂપ અમદાવાદથી ટ્રેન દ્વારા હરિદ્વાર પહોંચ્યું. ત્યાંથી બીજા દિવસે મીની બસમાં ગોઠવાઈ અમે જોશીમઠ તરફ રવાના થયાં. જોશીમઠથી બે રસ્તા ફંટાય છે. સીધો રસ્તો બદ્રીનાથ જાય, જ્યારે જમણી બાજુનો રસ્તો ગોવિંદઘાટ-ધાંધરિયા થઈ વેલી ઑફ ફલાવર્સ સુધી જાય.

શિવાલિકની રમણીય પહાડીઓ, કંદરાઓ અને નીચે ખીણમાં વહી જતી અલકનંદાનું સૌંદર્ય માણતાં અમે રુદ્રપ્રયાગ, ચમોલી અને જોશીમઠ પસાર કરીને ગોવિંદઘાટ પહોંચ્યાં ત્યારે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. અહીં રૂપકડી લક્ષ્મણગંગા નદીના કિનારે આવેલી એક હૉટલમાં અમારો રાત્રિ મુકામ હતો. અહીંથી સુવિધાજનક સફરનો અંત અને દુર્ગમ તથા કઠિન ચઢાણ શરૂ થયું હતું. હવે પછીની તમામ સફર પગપાળા કે ઘોડા પર બેસીને કરવાની હતી. અહીંથી આગળ કોઈ વાહન જઈ શકતું નથી. ગોવિંદઘાટથી સવારે અમે પ્રયાણ કર્યું. સામાન ખચ્ચરો પર લાદયો. 14 કિ.મી.નું ચઢાણ પગપાળા કાપીને અમારે ધાંધરિયા પહોંચવાનું હતું. ધાંધરિયાથી વેલી ઑફ ફલાવર્સ ત્રણ કિ.મી. દૂર છે. ગોવિંદઘાટથી નીકળ્યા ત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. અમે ગોવિંદઘાટની બજારમાંથી રેઈનકોટ અને લાકડી ખરીદી લીધી. આવા દુર્ગમ ટ્રેકિંગમાં આ બંને વસ્તુ અમારા માટે આશીર્વાદરૂપ નીવડી. ટ્રેકિંગની શરૂઆતમાં તો અમે સૌ ખૂબ ઉત્સાહિત હતા. આજુબાજુ હિમાલયના ઉત્તુંગ શિખરો અને નીચે ખીણમાં ખળખળ વહી જતી લક્ષ્મણગંગા નદી ખૂબ જ મનોહર લાગતાં હતાં. પરંતુ ધીમે ધીમે વરસાદનું જોર વધવા લાગ્યું. રેઈનકોટ પહેર્યો હોવા છતાં અમારા સૌના વસ્ત્રો પલળી ગયાં હતાં અને બૂટમાં વરસાદનું પાણી ભરાઈ ગયું હતું. વરસાદ, કીચડ અને ખચ્ચરોની લાઈનના કારણે રસ્તો ખૂબ ચીકણો અને લપસણો બની ગયો હતો. રસ્તાની બાજુએ થોડા થોડા અંતરે ચાની દુકાનો આવે અને ગરમા-ગરમ ચા પીને ઠંડી ઉડાડવાની કોશિશ કરતાં પણ તે લગભગ નાકામ જ નીવડતી. છેલ્લાં ત્રણ કિ.મી.નો રસ્તો તો ખૂબ જ દુર્ગમ અને લપસણીભર્યો હતો. આડાઅવળા, ઊંચા-નીચા પથ્થરો પર ચઢાણ કરતાં કરતાં થાકેલાં, ઠંડીથી ધ્રૂજતાં છેવટે પાંચ કલાકની સફર પછી અમે બપોરે બે વાગ્યે ધાંધરિયા પહોંચ્યાં ત્યારે કોઈને હોશ રહ્યા નહોતા.

ધાંધરિયા એ વેલી ઑફ ફલાવર્સ જનારાઓ માટે બેઝકેમ્પ છે. અહીં કોઈ ઘર નથી. ફકત ગણી ગાંઠી હૉટલો અને એક ગુરુદ્વારા છે. શીખ લોકોનું સૌથી મોટું ધાર્મિક સ્થાન ‘હેમકુંડ સાહેબ’ અહીંથી પાંચ કિ.મી.ની ઊંચાઈએ છે. એટલે ધાંધરિયામાં તમને અનેક શીખ લોકો જોવા મળે. ધાંધરિયા સુધીનો રસ્તો માત્ર મે થી સપ્ટેમ્બર સુધી જ ખુલ્લો રહે. ઑક્ટોબરમાં બરફ પડવાનો ચાલુ થઈ જાય એટલે બધાએ પાંચમી ઑકટોબરે ફરજિયાત નીચે (ગોવિંદઘાટ) ઊતરી જવાનું. ધાંધરિયામાં પ્રાથમિક સુવિધાઓ પણ માંડ માંડ મળે. દરેક ચીજવસ્તુ અહીં ખૂબ મોંઘી મળે, કારણ કે દરેક વસ્તુ ગોવિંદઘાટથી 14 કિ.મી.ના દુર્ગમ ટ્રેક પર ખચ્ચર પર લાદીને જ લાવવી પડે, એટલે એક પ્લેટ નુડલ્સ કે મિનરલ વૉટરની એક બૉટલના પણ ચાલીસ રૂપિયા ચૂકવવા પડે ! ધાંધરિયા પહોંચી અમે કોરા વસ્ત્રો અને જૅકેટ-વુલન શાલમાં લપેટાયાં ત્યારે ઠંડીથી થોડી રાહત મળી. રાત્રે ભોજન કરવા ડિનર હૉલમાં ભેગા થયાં ત્યારે પણ વરસાદ ચાલુ જ હતો. કાલે વેલીમાં કઈ રીતે જવાશે એની ચિંતા સૌને સતાવતી હતી, પણ અમારો પ્રવાસ સફળ નીવડશે જ એવી હૈયાધારણ સૌને હતી.

સવારે ઊઠ્યા ત્યારે વાદળો વિખેરાઈ ગયા હતા અને ભૂરું, સ્વચ્છ આકાશ ઝગારા મારતું હતું. અમે સૌ પુલકિત થઈ ઊઠ્યા અને ચા-નાસ્તો કરી, શૉલ્ડર બેગમાં ફૂડ પૅકેટ, વોટર બૉટલ અને થોડી જરૂરી ચીજો ભરી અમે વેલી તરફ પ્રયાણ કર્યું. અહીંથી વેલી ત્રણ કિ.મી. દૂર છે, પણ ફૂલો તો અહીંથી જ દેખાવાના ચાલુ થઈ જાય. ચૅકપોસ્ટ પર નામ નોંધાવી, મામૂલી ફી ભરી અમે આગળ વધ્યા. બસ, ત્યાંથી તો અમે સ્વર્ગ જવાના રસ્તે આવી ચઢ્યા હોય તેવું લાગ્યું ! રસ્તાની બંને ધારે સૂરજમુખીના ફૂલો ખીલી ઊઠ્યા હતા અને સામે ગિરિશૃંગો સોનાના કળશ સમા ચમકતા હતા. આવો અદ્દભુત નજારો અમે પહેલીવાર જોયો હતો ! જો રસ્તો જ આટલો સુંદર છે તો વેલી કેવી હશે તેવું એક સુંદર ચિત્રણ અમારા મનમાં ઊભું થયું. અમારા મનમાં હવે વૅલી જોવાની તાલાવેલી વધી ગઈ હતી. થોડે દૂર ગયા ત્યાં તો પથ્થરો અને ખડકો સાથે અફળાતી, ઘુઘવાટ કરતી વહી જતી પુષ્પાવતી નદી નજરે પડી. તેની ઉપર બાંધેલો લોખંડ અને લાકડાંનો બ્રિજ વટાવી અમે આગળ વધ્યા. ચારે બાજુ લીલીછમ વનરાજી, સફેદ-ગુલાબી રંગના ફૂલો, ઉત્તુંગ શિખરો અને તેની પરથી નીચે વહી આવતાં પુષ્પાવતી નદીના ઝરણાંઓ…. આ બધું નિહાળતાં મન ધરાતું નહોતું. રસ્તામાં બે જગ્યાએ વેગીલાં ઝરણાં ઓળંગવા પડ્યાં. તેના બંને કિનારા વચ્ચે માત્ર ચાર-પાંચ ફૂટ પહોળું પતરું, અને એ જ ઓળંગવા માટેનો એકમેવ બ્રિજ ! અને ઓળંગતાં દિલના ધબકારા વધી ગયા હતા !

આખરે અમે વેલીના પ્રવેશદ્વાર સમા એક મોટા પથ્થર પર આવી પહોંચ્યાં. અહીંથી દસ કિ.મી. લાંબી વેલી શરૂ થાય. વેલીમાં પહોંચતાં જ અમે તો સૂધબૂધ ખોઈ ચૂક્યા ! સમગ્ર વેલીમાં સફેદ અને ગુલાબી ફૂલોની જાણે જાજમ પથરાઈ ગઈ હતી. એ ફૂલોની વચ્ચે નાની એવી પગદંડી બનાવવામાં આવી હતી. તેના પર ચાલીને તમે આ વેલીમાં ઈચ્છો ત્યાં સુધી જઈ શકો ! અહીં રાત્રિ મુકામ કે કેમ્પિંગની પરવાનગી નથી. સાંજના છ વાગ્યા સુધી જ વેલીમાં રહી શકાય એટલે જેટલો સમય હોય તેટલું જ આગળ વધાય. પથ્થર પર બેસી નાસ્તો કર્યો અને અમે આગળ વધ્યા. ચારે બાજુ વિવિધ રંગોના ફૂલોના ઝૂમખાં હવામાં ઝૂમતાં હતાં. ક્યાંક લાલ, તો ક્યાંક ગુલાબી રંગના ફૂલો ! વેલીમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન લગભગ 300 પ્રકારનાં ફૂલો ખીલે છે. જેમાં એનેમોનસ, હિમાલયના બાલસમ, હિમાલયન સ્નોબેરી, ડેઝીસ, આઈરિસ, લીલી, ઓર્કિડ, જિરેનિયમ, મેરીગોલ્ડ, એસ્ટર, બ્લ્યૂ પોપી વગેરે મુખ્ય છે. કેટલાક અલભ્ય પ્રકારનાં ફૂલો અહીં જોવા મળે છે. આ જોઈને એમ જ લાગે કે, ખરેખર પૃથ્વી પર જો પરીઓ રહેતી હોત તો અહીં જ રહેતી હોત ! હિમાલયની આ ખીણ વરસાદની મોસમમાં લીલીછમ બનીને પાંગરી ઊઠતી હોય છે. એ હરિયાળી વચ્ચે જ્યાં જ્યાં અમારી નજર પહોંચે ત્યાં ત્યાં માત્ર રંગબેરંગી ફૂલો જ લહેરાતાં હતાં ! સામે હિમાલયનું, હિમાચ્છાદિત રાતાબાન શિખર (6,126 મીટર) અને ગૌરી પર્વત હતો, જે આ વેલીને બદ્રીનાથથી અલગ પાડે છે. આ શિખરો પરથી અનેક ઝરણાં નીચે વહી આવતાં હતાં, જે દૂરથી ચંદ્રની સેર જેવાં લાગતાં હતાં. વેલીમાં અલભ્ય પ્રકારની અનેક જડીબુટ્ટીઓ પણ ઊગે છે. એમ પણ કહેવાય છે કે, રાવણ સાથેની લડાઈમાં મૂર્છિત થઈ ગયેલા લક્ષ્મણજીને બચાવવા માટે હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લેવા આ દ્રોણગિરિ પર્વત પર આવેલા.

પ્રકૃતિના આ અદ્દભુત નજારાને માણતાં મન ધરાતું નહોતું. થતું હતું કે બસ, આમ ને આમ આગળ ચાલતાં જઈએ અને ફૂલોથી ખચિત આ ખીણના અલૌકિક સૌંદર્યને નિહાળતા રહીએ. પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઠંડો પવન ફૂંકાવા માંડ્યો હતો અને વરસાદના છાંટા પડવાના શરૂ થઈ ગયા હતા, એટલે અમે ધાંધરિયા તરફ પાછું પ્રયાણ આદર્યું. બીજે દિવસે અમે જ્યારે ધાંધરિયાથી ગોવિંદઘાટ પાછા આવવા નીકળ્યા ત્યારે વાદળો વિખેરાઈ ગયાં હતાં અને કૂણો, મન પ્રફુલ્લિત થઈ જાય તેવો તડકો ચારે બાજુ પથરાઈ ગયો હતો. આગલા દિવસે થયેલા વરસાદને કારણે પથ્થરો ધોવાઈને ચોખ્ખાચણાક થઈ ગયા હતા. અહીંની બીજી એક વિશેષ વાત એ છે કે, પહાડી વિસ્તારોમાં મોસમનો મિજાજ દરેક દિવસે બદલાતો જ રહે છે ! આજનો દિવસ ટ્રેકિંગ માટે ઉત્તમ હતો. ભૂરું, સ્વચ્છ આકાશ અને તાજગીસભર હવા તન-મનમાં અનોખી સ્ફૂર્તિ જગાવતા હતા. રસ્તાની ડાબી બાજુએ લક્ષ્મણગંગા નદી અમારી સાથે સાથે નીચે વહી આવતી હતી અને પહાડો પરથી નીચે આવતા અનેક ઝરણાં તેમાં સમાઈ જતાં હતાં. ગોવિંદઘાટથી ધાંધરિયા જતી વખતે વરસાદને કારણે જે સૌંદર્ય માણવાનું ચૂકી ગયા હતા, તે પાછા ફરતી વખતે મન ભરીને માણવા મળ્યું.

ગોવિંદઘાટ પાછા ફર્યા ત્યારે જિંદગીનો એક અવિસ્મરણીય, આહલાદક અનુભવ માણવાનો આનંદ સૌને હૈયે છલકાતો હતો. અમારા સૌના મનમાં એક જ પ્રશ્ન જાગતો હતો કે, જિંદગીમાં હવે પછી વેલી ઑફ ફલાવર્સની મુલાકાતે ક્યારે આવવા મળશે ?

નોંધ :
[1] વેલી ઑફ ફલાવર્સ એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી છે. અહીં ગોવિંદઘાટ સુધી વાહન દ્વારા પહોંચી શકાય છે. ગોવિંદઘાટથી 14 કિ.મી.નો ધાંધરિયા સુધીનો ટ્રેક પગપાળા કે ખચ્ચર પર બેસીને પાર કરવો પડે છે. ધાંધરિયાથી વેલી ઑફ ફલાવર્સ સુધીનો 3 કિ.મી.નો રસ્તો માત્ર પગપાળા જ પસાર કરી શકાય છે. પણ, વેલીમાં ઘોડા કે ખચ્ચરોના પ્રવેશ પર નિષેધ છે.

[2] અહીં જવા માટે જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની ચોમાસાની ઋતુ જ ઉત્તમ છે. જુલાઈ મહિના પહેલાં અહીં બહુ ફૂલો જોવા નથી મળતાં.

[3] વેલીમાં જતી વખતે સાથે થોડો નાસ્તો, પાણી, દવાઓ, રેઈનકોટ, છત્રી વગેરે સાથે રાખવા. કારણ કે અહીં રસ્તામાં કશું જ મળતું નથી. વેલી ઑફ ફલાવર્સનું ચઢાણ અઘરું છે એટલે ઊંચાઈ પર ચાલવાનો અનુભવ હોય અને સ્વાસ્થ્ય સારું હોય તો જ ત્યાં જવું.

[4] વેલીમાં પર્યાવરણની જાળવણી ખૂબ મહત્વની છે. અહીં કેટલાક ઝેરી ફૂલો પણ ઊગે છે. જેને ચૂંટવાથી કે સૂંઘવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ શકે છે. માટે કોઈ પણ ફૂલને ચૂંટવા કે સૂંઘવા નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “વેલી ઑફ ફલાવર્સ – બેલા ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.