- ReadGujarati.com - http://www.readgujarati.com -

બોલતાં જરા વિચાર કરજો… – મોહમ્મદ માંકડ

[‘જનકલ્યાણ’ સામાયિક ઓગસ્ટ-2011 માંથી સાભાર.]

ઘણા વખત પહેલાં સાત સોનેરી શબ્દો વિશે મેં એક લેખ લખ્યો હતો. તેમાં જીવનઘડતર કરી શકે તેવા શબ્દોની વાત કરી હતી. એક વ્યક્તિએ આઈન્સ્ટાઈનને તેમના વિચારો ટૂંકમાં લખી મોકલવા વિનંતી કરી હતી. તેના જવાબમાં આઈન્સ્ટાઈને પણ માત્ર અમુક શબ્દો : દેશ, ઈશ્વર, વિજ્ઞાન વગેરે લખી મોકલ્યા હતા. શબ્દ ઘણી વાર લાંબા વાક્યો કરતાં વધારે સચોટ અને અસરકારક બની શકે છે. એ વાતને યાદ કરીને એક ભાઈએ મને પત્ર લખ્યો હતો કે સોનેરી શબ્દો તો ઠીક છે, પણ સૌથી આઘાતજનક શબ્દો કયા છે, તે કહેશો ?

એમની વાત વિચારવા જેવી હતી. દરેક ભાષામાં અમુક શબ્દો અત્યંત કડવા, તોફાની, આઘાતજનક હોય છે. એ સિવાય અમુક સંજોગોમાં અમુક સામાન્ય શબ્દ પણ ખૂબ જ આઘાતજનક બની જાય છે. એક વાર નવાં પરણેલાં પતિ-પત્ની એક નિર્જન રસ્તે એકલાં જઈ રહ્યાં હતાં. પતિ સ્વાભાવિક રીતે જ પોતે ભૂતકાળમાં કરેલાં પરાક્રમોની વાત કરતો હતો. બચપણમાં પોતે કેવો તોફાની હતો, કોલેજમાં અભ્યાસ કરતો ત્યારે કેવા કેવા ગુંડાઓ સાથે બાથ ભીડી હતી, સી.આર.ની અને જી.એસ.ની ચૂંટણીઓમાં કેવાં પરાક્રમો કર્યાં હતાં એનું બયાન કરતો હતો. અચાનક એ વખતે બે માણસ બાજુમાંથી નીકળી આવ્યા ને છરી કાઢીને એક જણ બોલ્યો : ‘જે હોય તે જલદી આપી દો !’ બહાદુર પતિએ જીભના લોચા વાળતાં કંઈક બોલવા પ્રયત્ન કર્યો, પણ પેલાએ છરીનો આછો ઘસરકો કર્યો એટલે તરત એ શાંત થઈ ગયો. છરીવાળા માણસે એની પાસેથી અને એની નવવધૂ પાસેથી જે કાંઈ હતું તે લઈ લીધું અને જતાં-જતાં નવવધૂ સાથે થોડાં અડપલાં પણ કરતો ગયો અને વટથી હસતો-હસતો ચાલ્યો ગયો.

પોતે તો ઢીલોઢફ થઈ ગયો. પત્ની પણ અવાક બની ગઈ. થોડીવાર પછી બંનેના જીવમાં જીવ આવ્યો, ત્યારે પત્નીએ માત્ર એટલું જ કહ્યું, ‘ચાલો હવે.’ એ બંને શબ્દો સામાન્ય હતા, પણ સંજોગોને કારણે પતિ માટે છરીની ધાર કરતાં પણ એ વધારે તીક્ષ્ણ બની ગયા. એટલે કોઈ પણ ભાષામાંથી સારા ઉત્સાહપ્રેરક શબ્દો શોધવાનું સહેલું છે, પરંતુ આઘાતજનક શબ્દો શોધવાનું કામ એટલું સહેલું નથી. ઘણી વાર ‘લાવો’, ‘લ્યો’, ‘આવો’ જેવા સરળ શબ્દો પણ આઘાતજનક બની જતા હોય છે. છતાં અમુક શબ્દો આઘાતજનક જ હોય છે. જેમ કે ‘જા-જા’, ‘હટ’, ‘ફૂટ અહીંથી’, ‘છટ’ વગેરે શબ્દો કોઈને માન આપવા માટે વપરાતા નથી.

પણ આવા શબ્દો એકદમ ખુલ્લા હોય છે. એના ઉચ્ચારથી આપણને સીધો જ આઘાત લાગે છે. કોઈ મહોરાં નીચે છુપાઈને પછી એ પ્રગટ થતા નથી. પરંતુ કેટલાક શબ્દો બહુરૂપી હોય છે. આવા એક શબ્દ વિશે વર્ષો પહેલાં મેં એક લેખ વાંચ્યો હતો એની છાપ હજુયે ઝાંખીઝાંખી જળવાયેલી છે. લેખ તો પૂરો યાદ નથી પણ શબ્દ યાદ રહી ગયો છે : ‘ઓહ !’ આ ‘ઓહ !’ શબ્દ માત્ર ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં વપરાતો નથી, જગતની ઘણી ભાષાઓમાં એ જુદા જુદા સ્વરૂપે ફેલાયેલો છે. ‘ઓહ !’ ‘આહ !’ ‘એહ !’ ‘યેહ !’ વગેરે એનાં જ રૂપ છે અને ઘણી વાર એ જોડકામાં જન્મે છે. ‘ઓહ !’ ત્યારે જાણે એ વધારે આઘાતજનક બની જાય છે.

ધારો કે તમારા ગળામાં થોડો દુઃખાવો થાય છે. ધારો કે એ વખતે તમારી પાડોશમાં રહેતા કોઈક જયંતીલાલ કે રતિલાલ ગળાના કેન્સરથી મૃત્યુ પામે છે અને તમને તમારું ગળું દગો દઈ રહ્યું હોય એમ લાગે છે. ધારો કે એ જ વખતે તમે માનવજાતના લાભાર્થે છપાયેલી કેન્સર વિશેની કોઈક જાહેરાત વાંચો છો : ‘કેન્સર એક જીવલેણ રોગ છે, પરંતુ પ્રાથમિક તબક્કામાં જો એનું નિદાન થાય તો તે મટી શકે છે. જો તમને શરીરમાં ક્યાંક ગાંઠ દેખાય, તમારા અવાજમાં ફેરફાર થાય, તમારી કુદરતી હાજતોના સમયમાં ફેરફાર થાય, ગળવામાં તમને કાંઈ તકલીફ થાય, વગેરે… તો જલદી કોઈ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો.’ આમ તો તમે મજબૂત મનના છો, પણ પાડોશી જયંતીલાલ કે રતિલાલ ગળાના કેન્સરથી મૃત્યુ પામે છે અને કેન્સરનાં ચિહ્નોમાંથી કેટલાંક એકસાથે તમારા શરીરમાં પ્રગટ થઈ રહેલાં તમને દેખાય છે : અવાજ ભારે થઈ ગયો છે, ગળામાં દુઃખે છે, ગળવામાં થોડી તકલીફ પણ પડે છે, કબજિયાત તો ઘણા વખતથી હેરાન કરે છે ! જલદી ડૉક્ટરને બતાવવાની જરૂર છે. પરંતુ તમે મજબૂત મનના છો, એટલે જલદી તો નહીં પણ મોડેમોડે ડૉક્ટર પાસે તો પહોંચો જ છો. (મોડેમોડે એટલે કેન્સરનાં ચિહ્નો વિશેની જાહેરાત વાંચ્યા પછી છત્રીસ કલાકે. જોકે તમને છત્રીસ દિવસ જેટલું મોડું કર્યું હોય એમ લાગે છે.)

ડૉક્ટર નિષ્ણાત છે. તમને ખુરશીમાં બેસાડે છે. તમારું મોં ખોલાવી તપાસ શરૂ કરે છે. કપાળ પર રિફલેક્ટિંગ મીરર છે. વચ્ચે વચ્ચે તમને ક્યારેક પ્રશ્નો પૂછે છે. તમારી જીભ બહાર કઢાવે છે. જીભ પર ટન્ગ-ડિપ્રેશર દબાવે છે અને કોણ જાણે કેમ, એકાએક એ ગંભીર બની જાય છે. તમે હેબતાઈ જાઓ છો. ડૉક્ટર ગંભીર છે. ચૂપ છે. તપાસ ચાલુ છે. તમારા ગળામાં એ તાકી રહે છે. અચાનક એનું મોં ખૂલે છે અને માત્ર એક જ શબ્દ બહાર નીકળે છે : ‘ઓહ !’ તમારા મોતિયા મરી જાય છે, શરીર પરસેવે રેબઝેબ થઈ જાય છે, આંખે અંધારાં આવી જાય છે ! તપાસ પૂરી થાય છે. ડૉક્ટર હજી ચૂપ છે. હાથ ધુએ છે. ખુરશી પર બેસે છે. તમને સામેની ખુરશી પર બેસાડે છે અને કોઈ ઉચ્ચ અદાલતનો ન્યાયાધીશ ફેંસલો ઉચ્ચારે એમ શબ્દો ઉચ્ચારે છે : ‘તમને માત્ર કાકડાની તકલીફ છે. કેન્સર જેવું કશું જ નથી.’ કહે છે કે ગયેલો જીવ ક્યારેય પાછો આવતો નથી, પરંતુ તમારા જીવનમાં તો ચમત્કાર બને છે. ઊડી ગયેલો જીવ એકાએક જાણે શરીરમાં પાછો આવે છે. તમારું હૃદય આનંદથી ધડકી ઊઠે છે. અને ઘણી વાર પછી તમે સંકોચ સાથે ડૉક્ટરને પૂછો છો :
‘સાહેબ, ખરેખર કશું ગંભીર નથી ?’
‘ના, કશું જ ગંભીર નથી.’
‘પણ….’
‘કાકડા છે, બીજું કશું જ નથી.’
‘પણ ગળું તપાસતી વખતે તમે ગંભીર થઈને “ઓહ !” બોલ્યા હતા, એટલે મને તો એમ કે…’
ડૉક્ટર હસી પડે છે, ‘અરે, ભાઈ, એ તો…..’
‘એવું કેમ બોલ્યા હતા, સાહેબ ?’
‘વાત એમ છે…..’ ડૉક્ટર મલકે છે, ‘મારા ટેલિફોનનું બિલ ભરવાનું બાકી છે. આજે એ ભરાઈ જ જવું જોઈએ. ન ભરાય તો ફોન કપાઈ જાય. આ વાત મને બરાબર તમારું ગળું તપાસતી વખતે જ યાદ આવી ગઈ એટલે મારાથી બોલાઈ ગયું કે ઓહ ! સારું થયું કે યાદ આવી ગયું, નહીં તો ફોન કપાઈ જાત !’

બોલો, વિના-કારણ કે અન્ય કારણે બોલાયેલા ‘ઓહ !’ની પણ કેટલી તાકાત છે ! ભલભલા માણસના હૃદયના ધબકારા વધારી દેવાની તો ક્યારેક બંધ કરી દેવાની પણ શક્તિ તે ધરાવે છે. એનો ઉપયોગ કઈ રીતે થયો છે એના ઉપર એની આઘાતજનક શક્તિનો આધાર છે. પરંતુ, આમાંથી એક વાત એ પણ શીખવા મળે છે કે : આપણા ગળા કરતાં, કેન્સર કરતાં કે આપણી જિંદગી કરતાં પણ ડૉક્ટરને મન એનું ટેલિફોનનું બિલ વધારે અગત્યનું હોઈ શકે છે ! એવી જ રીતે દરેક વ્યક્તિને એની પોતાની જ નાનકડી તકલીફો વધારે મહત્વની લાગતી હોય છે. દરેક માણસ પોતાની દુનિયામાં જ રમમાણ હોય છે. એટલે, કોઈ શબ્દના ઉચ્ચાર-માત્રથી આપણે આઘાત ન પામવો. એ શબ્દ જુદા કારણે પણ ઉચ્ચારાયેલો હોઈ શકે છે. આમ, આઘાતજનક શબ્દોમાં ‘ઓહ !’ જેવો નાનકડો શબ્દ પણ આપણને કેટલો ધારદાર લાગે છે ! લાંબાં વાક્યો અને હાંસી કરતાં કે ઠપકા કરતાં એ શબ્દ વધુ આઘાત પહોંચાડી શકે છે.

‘વેબ્સ્ટર ડિકશનેરી’ અંગ્રેજી ભાષાનો વિખ્યાત શબ્દકોશ છે. એના કર્તા વેબ્સ્ટર વિશે એક જાણીતી રમૂજ છે. વેબ્સ્ટર જેવો વિદ્વાન અને શબ્દકોશનો કર્તા, શબ્દો માટે આગ્રહી હોય એ તો સમજી શકાય એવી વાત છે. એક વાર શ્રીમતી વેબ્સ્ટર બહારગામ ગયાં હતાં. કોઈ કહે છે કે એ નીચે બેઝમેન્ટમાં ગયાં હતાં અને જલદી પાછાં ફરે એમ નહોતું. એ સ્થિતિમાં વેબ્સ્ટરે તેની કામવાળી સાથે પ્રેમસગાઈ શરૂ કરી ! અચાનક શ્રીમતી વેબ્સ્ટર આવી પહોંચ્યા. પોતાના વિદ્વાન પતિને એક કામવાળી સાથે આલિંગનમાં જોઈને તે ચીસ પાડી ઊઠ્યાં :
‘મિસ્ટર વેબ્સ્ટર, હું આ શું જોઉં છું ? આ તો આશ્ચર્યજનક (Surprising) છે !’
વેબ્સ્ટરને પત્નીનો શબ્દ ખૂંચ્યો. એની ભૂલ સુધારતાં એણે કહ્યું : ‘પ્રિયે ! ખરેખર તો તારા માટે આ આઘાતજનક (Shoking) છે. આશ્ચર્યજનક (Surprising) તો તારું આગમન મારા માટે છે.’ આમાં શબ્દની પસંદગીની બાબતમાં વેબ્સ્ટર સાચો હતો. શ્રીમતી વેબ્સ્ટરની શબ્દપસંદગી ખોટી હતી. પરંતુ એવી પસંદગીની ઝંઝટમાં પડ્યા વિના શ્રીમતી વેબ્સ્ટરે પોતાના પતિને એ સ્થિતિમાં જોઈને માત્ર એટલું જ કહ્યું હોત, ‘ઓહ !’
-તો ?