પોપટ સાથે પ્રીત – દિનેશ પાંચાલ

[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કેમ એવું થયું હશે તે આજે પણ જાણી શકતાં નથી, પણ એક દિવસ મને અને પત્નીને સરખો વિચાર આવ્યો : આપણા ઘરમાં એક પોપટ હોવો જોઈએ. અમે રવિવારીય બજારમાંથી એક પોપટ ખરીદ્યો. પોપટ ઘરે લાવ્યાં ત્યારે પહેલે ખોળે પુત્ર જન્મ્યો હોય તેવો આનંદ થયો. પોપટને પાણીમાં પલાળેલી જુવાર ખવડાવજો, એમ પેલા વેચનારે કહ્યું હતું. અમે ઉમંગભેર પાણીમાં પલાળેલી જુવાર પોપટને ધરી. પણ કોણ જાણે કેમ, પોપટે એમાં ચાંચ ના મારી. પોપટ સાંજે છ વાગે ખરીદ્યો અને રાત્રે બાર વાગ્યે મૃત્યુ પામ્યો. અમે આઘાતના માર્યા સડક થઈ ગયા. આવું કેમ થયું…? અમારાથી શું ભૂલ થઈ ? કાંઈ સમજાયું નહીં. તે લાવ્યાં ત્યારથી થોડો મુરઝાયેલો લાગતો હતો. કદાચ તે અન્ય પોપટોના સમૂહથી અલગ થવાનો વિરહ ન જીરવી શક્યો હોય. કારણ ગમે તે હોય પણ પોપટના મૃત્યુનું કારણ અમે હોઈએ એવું લાગ્યું. પત્નીને કહ્યું : ‘પહેલેથી એવી ખબર હોત તો આપણે એને મુક્ત કરી દીધો હોત….!’

એક વાતની ના પડાય એમ નથી. આપણે પક્ષીઓ કે પ્રાણીઓને કેદ કરીને તેમના કુદરતી જીવન પર અંકુશ લાદી દઈએ છીએ. પક્ષીને પીંજરે પૂરવાથી માણસને આનંદ થાય (એને એક રમકડું મળી જાય), પણ પક્ષીની તો જાણે પાંખો કપાઈ જાય. પ્રાણીજગત પર માનવીનો એ જુગજૂનો અત્યાચાર છે. ‘ડિસ્કવરી ઑફ ઈન્ડિયા’માં જવાહરલાલ નહેરુએ લખ્યું છે : ‘પશુપક્ષીઓ બોલી શકતાં હોત તો તેમનો માણસ વિશેનો અભિપ્રાય આપણને શરમમાં નાખી દે એવો હોત !’ પક્ષીઓ અને પ્રાણીઓ વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. ‘મજબૂર’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન માછલીઘર (એક્વેરિયમ) ખરીદવા જાય છે ત્યારે તે દુકાનદારને કહે છે : ‘મછલિયોં કે બારેમેં મૈં ઉતના હી જાનતા હૂં જિતના મછલિયાં મેરે બારેમેં જાનતી હૈં !’

પ્રાણીઓ વિશે આપણે પણ ઝાઝું જાણતા નથી, પણ પ્રેમ જરૂર કરીએ છીએ. પ્રાણીઓને સ્વજનો જેટલો જ પ્રેમ કરનારા માણસોનો તોટો નથી. એક વાર એક આચાર્ય-મિત્રને ત્યાં જવાનું થયેલું. એમણે વાઘ જેવો કદાવર કૂતરો પાળ્યો હતો. એનું નામ ટાઈગર પાડ્યું હતું. ટાઈગર એમનો કહ્યો બોલ ઝીલે. છાપું લઈ આવે. ટપાલ લઈ આવે. કોકને માટે દરવાજો ખોલી આવે. ખાસ તો એમની ગેરહાજરીમાં એમની નાની દીકરીની રક્ષા કરે. અચાનક એક દિવસ એને કોઈ રોગ થયો અને તે મૃત્યુ પામ્યો. આખો પરિવાર શોકમગ્ન બની ગયો. આચાર્યસાહેબનાં આંસુ હોઠોમાંથી શબ્દો બનીને સરી પડ્યા : ‘પેટના દીકરાની જેમ પાળ્યો હતો ! એના મૃત્યુનો આઘાત નથી જિરવાતો ! રાત-દહાડો એ આંખ સામે દેખાયા કરે છે !’

માણસને માણસ જોડે લાગણીનો સંબંધ બંધાય તેના કરતાં પ્રાણી જોડે સંબંધ બંધાય તે અનોખો બની રહે છે. સ્વ. પીતાંબર પટેલે ‘ગંગા’ નામની એક ભેંશ વિશે વાર્તા લખી હતી. એક ડોશી ગરીબીને કારણે ગંગાને વેચી દે છે, પણ ભેંશ રાત્રે પારકાની કોઢમાંથી દોરડું તોડીને પાછી ડોશીને ત્યાં આવી જાય છે. આવો પ્રેમ માનવીમાં શક્ય હોય છે ખરો ? જવાબ ‘હા’ પણ હોઈ શકે અને ‘ના’ પણ હોઈ શકે. પરંતુ એક વાત ચોક્કસ છે : પ્રાણીઓ માનવી જેટલાં બુદ્ધિશાળી નથી હોતાં, પણ તેમનામાં પણ માણસ જેવી દયાભાવના રહેલી છે. એક વાર મા વિનાના બની ગયેલા ડૂકરીનાં બચ્ચાંને કૂતરીએ ધવડાવ્યાં હતાં. એ ઘટના તસવીર સાથે છાપામાં પ્રગટ થઈ હતી. હમણાં નૅશનલ જ્યૉગ્રાફી ચૅનલમાં મેં નજરે જોયું : હરણના એક નવજાત શિશુને ચિત્તો પકડે છે, પછી તેને જોઈ રહે છે અને છોડી દે છે. કારણ શું હશે તે આપણે જાણતા નથી પણ દશ્ય વિરલ હતું. બચુભાઈએ કહ્યું : ‘હિંસક પ્રાણીઓના દયાભાવ પરથીય માણસ કાંઈ શીખે તો એણે રામકથા સાંભળવાની જરૂર ના રહે !’

પ્રાણીઓની પણ માણસની જેમ વિચિત્ર ખાસિયતો હોય છે. ડિસ્કવરી ચૅનલમાં મેં એક પક્ષી જોયું હતું. તે બીજાના માળામાં ઘૂસી જઈ ઈંડાં ચોરી લેતું હતું અને ઈંડાં ફોડવા માટે ચાંચમાં પથ્થર લઈ ઈંડાં પર વારંવાર પ્રહાર કરી ઈંડાં ફોડતું હતું. તમે કદી એવું જોયું છે કે ઘરની પાળેલી બિલાડીએ રસોઈના તપેલામાં મોઢું માર્યું હોય ? તમે ઓટલા પર નીકળી ‘ગાય-ગાય….’ની બૂમ પાડો એટલે ગાય તમારા આંગણે આવીને ઊભી રહે. તમે એને રોટલી આપો તો ઠીક ના, આપો તો એ ચાલી જાય. પણ દરવાજો ખુલ્લો હોય તોપણ એ કદી રસોડા સુધી પહોંચી જતી નથી. વાઘને કોણે શીખવ્યું કે હરણના પગ નહીં, પણ ગરદન દબાવવાથી તે મૃત્યુ પામે છે ? એક વાર મેં ગાયનો પ્રસવ નિહાળ્યો હતો. ગાયને અવતરેલી વાછરડી થોડી મિનિટોમાં ઊભી થઈ ગઈ અને લથડતી ચાલે આગળ વધી અને એણે સીધાં ગાયનાં આંચળ મોંમાં લીધાં. મને પ્રશ્ન થયેલો : એ વાછરડીએ ગાયની પૂંછડી મોંમાં કેમ ના લીધી-આંચળ જ કેમ લીધાં ? જેની ઉંમર કેવળ પાંચ મિનિટની હતી એ વાછરડીને આંચળનું એડ્રેસ કોણે આપ્યું ? કહે છે, ડોલ્ફીન માછલીનો ‘આઈ-ક્યુ’ સૌથી ઊંચો હોય છે. અમેરિકા અને જાપાનમાં તો ડોલ્ફીનનો ખાસ શો યોજાય છે. લાખો લોકો તે નિહાળીને દંગ રહી જાય છે.

પોપટવાળી દુર્ઘટના બાદ અમે પ્રતિક્ષા કરી હતી કે કદી પ્રાણીઓ જોડે મૈત્રી કરવી નહીં. છતાં એક બિલાડીએ અમને બળજબરીથી લાગણીમાં સંડોવ્યાં. બન્યું એવું કે એ બિલાડી ક્યારે અમારા માળિયામાં વીંયાઈ હતી તેની અમને જાણ નહીં, પણ નીચે આવી મ્યાઉં મ્યાઉં કરે. અમે ઊભાં હોઈએ તો પ્રેમથી અમારા પગ સાથે તેનું શરીર ઘસે. પત્ની એને રોટલી, દૂધ વગેરે આપે. થોડા દિવસોમાં બિલાડી ઘરની મેમ્બર બની ગઈ. પછી થયું એવું કે દિવસો સુધી એ દેખાઈ જ નહીં. અમે રોજ એની રાહ જોઈએ. બચ્ચાં પણ ભૂખના માર્યાં ટળવળે. મોડેમોડે અમે અનુમાન કર્યું, કદાચ એ કૂતરાના મુખનો કોળિયો બની ગઈ હશે. પણ પેલાં બચ્ચાંનું હવે કોણ ? બચ્ચાં એટલાં નાનાં કે અમે એની આગળ દૂધનો વાટકો ધરીએ તો એમાં પગ મૂકી ચાલ્યાં જાય પણ દૂધ ન પીએ. શું કરવું તે ના સમજાય. અંતે ભૂખનું માર્યું એક બચ્ચું મરણ પામ્યું. અમારી ચિંતા વધી ગઈ. બાકીનાં બે બચ્ચાંને શી રીતે બચાવી લેવાં તે અમને સમજાતું નહોતું. છેવટે બજારમાંથી બાળકોને દૂધ પાવાની ટોટી લઈ આવ્યા. પણ કાં તો અમને દૂધ પાતાં ન આવડ્યું, કાં બચ્ચાંને પીતાં ન આવડ્યું. એક દિવસ એક મોટો બિલાડો આવ્યો. તેણે બચ્ચાંને મોમાં પકડી ઝંઝેડી નાખ્યાં. બચ્ચાંનો અંત આવી ગયો. બચ્ચાંનું મોત અમે જોઈ ન શક્યા. પણ છેવટે એમ વિચારી મન મનાવ્યું કે કોઈના તકદીર સાથે તકરાર થઈ શકતી નથી. કુદરતના ચુકાદાઓ હરકોઈએ સ્વીકારવા પડે છે.

એટલી પ્રતીતિ થઈ કે પ્રાણીઓ પ્રત્યે પણ માણસને પ્રેમ થઈ શકે છે અને તે માણસ પ્રત્યેના પ્રેમ કરતાંય વધુ પ્રગાઢ હોય છે, કેમ કે પ્રાણીઓ માણસ માટે જીવ આપી દે છે પણ બેવફાઈ કરતાં નથી.

[કુલ પાન : 176. કિંમત રૂ. 110. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “પોપટ સાથે પ્રીત – દિનેશ પાંચાલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.