પીઠલું ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

શીલા આજે પાંચ વાગ્યાની ઊઠેલી. શશિના દોસ્તાર જમવા આવવાના હતા. પહેલાં તો બધું ઠીકઠાક કર્યું. વ્યવસ્થિત ગોઠવ્યું. સફાઈ કરી. નહાઈ. આજે તો ચણાનો લોટ લઈ નહાઈ, માથું ધોયું. ચણાના લોટની સુવાસ હજી આવતી હતી. એક-બે વાર એણે હથેળી નાક પાસે લઈ સૂંઘીયે ખરી. મનમાં જરીક મલકાઈ. મા એને કહેતી, ‘તને લગ્ન વખતે પીઠી નહીં ચોળીએ, આખે શરીરે ચણાના લોટનું ખીરું કરીને જ ચોપડીશું.’

ચણાના લોટનું એને બધું જ બહુ ભાવે. અને તેમાંયે ચણાના લોટનું પીઠલું તો એની અતિશય પ્રિય વાનગી. નાનપણમાં અઠવાડિયામાં બે-ત્રણ વાર તો મા પાસે કરાવે જ. હજીયે હાલતાં ને ચાલતાં એના ઘરમાં પીઠલું થાય. શશિને બહુ ન ભાવે. પણ કેટલું સહેલું ને સટ ! ચૂલા પર મુક્યું નથી, ને થયું નથી !

પરંતુ આજે તો શીલાની કમર બેવડ વળી ગઈ હતી. મહેમાનોને કાંઈ એકલું પીઠલું થોડું ખવડાવાય ? જાતજાતની વાનગી કરી હતી. એમ કરતાં-કરતાં દસ થવા આવ્યા. એક ધમાકેદાર વઘાર કરી શીલા હાથ લૂછતી રસોડામાંથી બહાર આવી. શશિ પગ પસારીને છાપું વાંચતો હતો. ચિંટુ-પીન્કી દીવાનખાનામાં ધમાચકડી કરતાં હતાં.
‘અરે, મેં માંડ બધું ગોઠવ્યું છે, ફરી ઊંચું-નીચું ન કરી નાખતાં !’ અને પતિને કહ્યું, ‘તમે હવે છાપું મૂકો !’
‘બોલો, રાણી સાહેબા ! શો હુકમ છે ?’
‘હવે નાટક છોડો ને નહાઈ લો ! દસ થઈ ગયા દસ ! હમણાં મહેમાનો આવશે.’
‘હેં ! દસ થઈ ગયા ?’ કહેતોક ને શશિ છાપું નાખી ઊઠ્યો. શીલાએ બેઉ છોકરાંનેય નહાવા મોકલ્યાં અને પોતે પછી પાછી રસોડામાં ઘૂસી.

મહેમાનો આવ્યા ત્યારેય હજી તે રસોડામાં જ હતી. ‘રસોડામાંથી તો શી સુગંધ આવે છે સુગંધ !’ – કહેતા સાંભળી એનેય જરીક સારું લાગ્યું. બધાં જમવા બેઠાં. એક-એક વાનગીનાં વખાણ થતાં રહ્યાં અને એ આગ્રહ કરી કરીને પીરસતી રહી. કોઈ બોલ્યું, ‘શીલાબહેન, બસ-બસ ! તમારા માટે રહેવા દો !’
શશિએ મમરો મૂક્યો, ‘એ એવું બધું નહીં ખાય. એને તો બસ પીઠલું મળ્યું એટલે બસ !’ વળી, કાંઈક વાત નીકળી અને શશિ કહે, ‘શીલાને પીઠલા સિવાય પણ આટલી બધી વાનગી બનાવતાં આવડે છે, એ મને આજે જ ખબર પડી !’ શીલાએ એની સામે આંખ કાઢી. પણ આજે શશિ રંગતે ચઢેલો. ફરી કહે, ‘લગ્ન પહેલાં હું એને ત્યાં જમવા ગયેલો. બધું ખાધું. એક વાડકી બાજુએ રાખી. છેલ્લે ખાવા લાગી. મને કહે, પુડિંગ હશે. પણ ખાધું તો નીકળ્યું પીઠલું !’ અને હેં….હેં….હેં…. કરતાં એટલું હસ્યો, એટલું હસ્યો ! મહેમાનો ગયાં. શીલાનું મોઢું ચઢેલું હતું. શશિએ એક-બે વાર બોલાવી, તોય ન બોલી. છેવટે સ્ફોટ થયો :
‘આજે પીઠલાની પાછળ પડી ગયેલો ! બસ, પીઠલું-પીઠલું-પીઠલું !’
‘તને આટલું બધું ભાવે છે ને !’
‘તે ભાવે. હોય દરેકની પોતપોતાની પસંદગી. તેમાં આટલી ટિંગલ કરવાની ?’
‘અરે, શીલુ ! તારી રસોઈનાં તો આજે બધાંએ કેટલાં વખાણ કર્યાં !’
શીલા ચાળા કરતાં બોલી : ‘અને તેં કહ્યું કે મને પીઠલું સિવાય બીજું બનાવતાં આવડે છે જ શું ? અને કેટલાં હા…હા…હી….હી….. કાંઈ હદ હોય ને !’ શીલા ગુસ્સામાં જ હતી. ગાલ ફુલાવીને ફરતી રહી. સાંજે એણે કહી દીધું :
‘હું ચાર-પાંચ દિવસ મારી મા પાસે જઈ આવું છું.’
શશિ કહે : ‘ફોન તો કરી જો, ઘરે છે ને !’
‘નહીં, થાણામાં મારાં એક નહીં, દસ ઘર છે ! હું ગમે ત્યાં રહીશ.’

બે છોકરાંવને લઈ એ પહોંચી થાણા માને ઘરે. દીકરી-દોહિતરાવને જોઈ મા ખુશ-ખુશ. ગપ્પાં મારતાં-મારતાં મોડું થઈ ગયું. મા કહે, ‘ચાલ, આજે તો મારી દીકરીને મારા હાથનું પીઠલું ખવડાવું !’ અને દીકરીએ હોંશે-હોંશે પીઠલું ખાધું, ‘મા, તારા જેવું પીઠલું બીજા કોઈનું નથી બનતું.’ રાતે શીલાને મીઠી ઊંઘ આવી ગઈ. આજે આમેય એ બહુ થાકી હતી. અને માનું ઘર. બીજે દિવસે સવારે ઠેઠ નવ વાગે ઊઠી. મા કહે : ‘કાકાનો બે વાર ફોન આવી ગયો. આજે તારે ત્યાં જમવા જવાનું છે.’ ઝટઝટ તૈયાર થઈ શીલા કાકાને ત્યાં ગઈ. કાકા-કાકીની એ બહુ લાડકી. કાકીએ તો એને બાથમાં જ લીધી. કાકાની આંખમાંથીયે હેત વરસતું હતું. કાકા બોલ્યા, ‘કાલે જ સરગવાની સીંગ આવી છે. કેવો સરસ મેળ થયો ! મારી દીકરી માટે સરગવાની સીંગનું પીઠલું બનાવ. ભરપૂર બનાવજે, હં !’ કાકાના ઘરેથી પાછા ફરતાં માસી મળ્યાં :
‘કાલે જમવા આવજે મારે ત્યાં.’
‘જોઉં છું. વખત મળશે તો આવી જઈશ.’
‘હા, હા, ગમે ત્યારે આવી જજે ને ! તારા માટે ક્યાં કંઈ કરવું પડે તેમ છે ? પીઠલું કરી નાખ્યું કે તું ખુશ !’ માસીને ઘેર પણ ખુશ થતાં-થતાં જ પીઠલું ખાધું. પાછા ફરતાં રસ્તામાં કાવેરી મળી. કૉલેજની એની જીગરજાન દોસ્ત.
‘તું તો કેટલાં વરસે મળી ?’
‘હા, એમની બેંગલોર બદલી થયેલી. હવે ફરી આવી ગયાં છીએ થાણામાં. કાલે તું આવ. એ બહારગામ જવાના છે. હું એકલી જ છું.’ બાળકોને મા પાસે મૂકી શીલા એકલી જ ગઈ. બંને બહેનપણીઓએ પેટ ભરીને વાતો કરી. કાવેરી કહે : ‘આજે મેં બહાર જ જમવાનું રાખ્યું છે.’ શીલાને ‘હાશ’ થઈ, આજે પીઠલું નહીં ! કાવેરી કહેતી હતી, ‘આ નવી જ હોટેલ ખૂલી છે. ખુલ્લામાં ઝાડ નીચે બેસવાનું અને બધી દેશી વાનગી. તું અહીંનું પીઠલું ખાજે ને ! આંગળાં ચાટી જઈશ આંગળાં !’

આંગળાં ચાટતાં ચાટતાં શીલાને શશિ યાદ આવી ગયો. અને સાંજે જ છોકરાંવને લઈ એ ઘરે પાછી ફરી. અચાનક એને જોતાં શશિ ખુશ-ખુશ થઈ ગયો. પાંચ-છ ટંક પોતે શું-શું બનાવીને ખાધેલું અને બહાર ઝાપટેલું તેનું મજેદાર વર્ણન કર્યું. પછી કહે, ‘આજે હવે શું ખાશું ?…. આયડિયા ! શીલુ, આજે તું બેસ. હું તને મસ્ત પીઠલું-ભાત બનાવીને ખવડાવું !’
શીલા કપાળે હાથ દઈને બેઠી.

(શ્રી વિમલ વઝેની મરાઠી વાર્તાને આધારે)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “પીઠલું ! – હરિશ્ચંદ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.