ભજન મંડળી – ગિરીશ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’ સપ્ટેમ્બર-2011માંથી સાભાર.]

તેની આ બીજી મુલાકાત હતી. તેણે ફોન કરી લીધો હતો-આગોતરો. ધરમધક્કો થાય એવું તો નિનાદ ન જ ઈચ્છે. જોકે એક વાત પાકી હતી. તેણે એના ઘર સુધીનો રસ્તો શોધવાનો ન હતો, સ્મૃતિમાં હતો આખેઆખો. પહેલી મુલાકાત સમયે જે કષ્ટો અનુભવ્યાં હતાં, એ હવે થવાનાં ન હતાં. નિનાદ કેટલી હળવાશ અનુભવતો હતો ? ને કામ કાંઈ મોટું ન હતું. કદાચ બે મિનિટ જ લાગે એ કામમાં. બસ, બે ચીજો સોંપી દેવાની એ સ્ત્રીને અને નીકળી જવાનું.

એ ક્યાં સ્ત્રી હતી ? છોકરી જ લાગતી હતી પહેલી મુલાકાતમાં. કેટલી પૃચ્છા કરી હતી, ઠેર ઠેર ? તે ગંભીર બનીને પૂછતો પણ સામે છેડે હાસ્ય પણ ફૂટી નીકળતું. મૂળમાં તેની જ શિથિલતા; પૂરી માહિતી ન હોય ત્યારે આવું જ થાય. પ્રશ્નમાં જ અનિશ્ચિતતા વરતાતી પછી ઉત્તર પણ કેવો હોય ? સાખપાડોશી મણિકાકાએ પત્નીની ચેહ પાસે જ કહ્યું : ‘ભૈ નિનાદ, એક કામ છે.’

અમસ્તુ ક્યાં ના પાડતો હતો કામની બાબતમાં ? સાઈકલ પર ભાળે ને મણિકાકાનો હાથ ઊંચો થઈ જ જતો; હસીને કામની સોંપણી થાય નિનાદને. મોટે ભાગે તો પોસ્ટઑફિસ, બેન્ક કે દવા લાવવાનાં કામ હોય. કાકી બીમાર ખરાંને ? આખી રાત ખાંસી આવે એ સંભળાતી હોય, પાસેની મેડી પર ટૂંટિયાં વાળીને સૂતેલા નિનાદને. રૂમપાર્ટનર તો નિરાંતે ઘોરતો હોય સવાર લગી પણ નિનાદની ઊંઘ તો વારંવાર નંદવાયા કરે. તેને ન જ ગમેને ? પણ બરદાસ્ત કરી લે. આખરે માંદગી જ હતીને ? તેને એ જ વિચાર આવે. ‘શું થતું હશે અલકાકાકીને ? અને કાકા પણ એકલા જ હતાને ? દીકરો મયંક હતો પણ છેક મુંબઈમાં ! એ બેયને કેટલું દૂર લાગતું હતું એ મુંબઈ ?
‘બાપ રે, ત્યાં પાછો દરિયો, ચકરાવા લેવો !’ કાકીની આંખો પહોળી થઈ જતી. ને એક દિવસે મણિકાકા સાવ એકલા થઈ ગયા, કાકી વિનાના ! અને પળે પળે મૃત કાકી યાદ આવી જતાં હતાં, ટપકી જતાં હતાં પાંપણે. હયાત હતાં, સાવ પાસે જ હતાં ત્યારે ક્યાં આવી લાગણી થઈ હતી-એકેય વાર ? સ્મશાનમાં જ નિનાદને બોલાવ્યો હતો અને બોલ્યા હતા : ‘જો ભૈ નિનાદ. કાલ પ્રાર્થનાસભામાં એ લોકનાં ભજનો ગોઠવવાં છે. નક્કી કરી આવ. જે માગે એ આપી દેવાના. ભદ્રકાળીની આસપાસની પોળમાં રહે છે. નામ શ્વેતા કે સ્વાતિ જેવું. સરસ ભજનો ગાય છે. તને ખબર છે, એમને કેટલી ઈચ્છા હતી એ ભજનો ગવડાવવાની ? જીવતાં હતાં ત્યારે ક્યાં થઈ શક્યું ! બસ….. કાલે કરી નાખીએ.’

ખાસ્સી રઝળપાટ પછી સગડ મળ્યાં. ચાની લારી પાસેથી માહિતી મળી. ભજન મંડળીવાળી સ્વાતિને ? આગળની પુરોહિત લોજની સામેની પોળમાં જ ચાલ્યા જાવ, મે’રબાન.
મળી ગયું એ સ્થાનક.
લીલી જાળીવાળું બેઠા ઘાટનું મકાન.
સફેદ પૂંઠા પર વાદળી અક્ષરોમાં લખ્યું હતું : ‘સ્ત્રીઓની ભજન મંડળી’. નિનાદે હાશકારો કર્યો. ભીતરથી બે સ્ત્રીઓ બહાર આવી, એમાંની એક સ્વાતિ. ગોરી નહીં પણ ઊજળી, હસમુખી ખરી પણ ચંચળ નહીં, બસ… છોકરી જ લાગે-કોલેજમાં ભણતી. થયું કે આ ભજન ગાય કે ફિલ્મનાં ગીતો ? પણ તેણે જ પૂરી ગંભીરતાથી બધી વિગતો લખી નાખી ડાયરીમાં, સ્થળ, સમય, તારીખ, કોનું મૃત્યુ, વય અને આવનારનું નામ, મોબાઈલ નંબર….! હળવેથી કહી દીધું :
‘અમે સમયસર આવી જઈશું ! એક હજાર ત્યારે જ આપજો.’ બીજી સ્ત્રી પણ હાજર જ હતી, પાછળ ઊભી હતી. નિનાદને થયું હતું – ‘એક હજાર….? કલાક રાગડા તાણવાના એક….?’ તે આખો મહિનો આશ્રમ રોડની ઑફિસમાં તનતોડ મહેનત કરતો’તો ને શું મળતું હતું ? તેના ચહેરા પર ખિન્નતા વ્યાપી ગઈ. ત્યાં જ તે બોલી હતી – ‘સરસ છે તમારું નામ. અર્થસભર, ગહન અને…..’ ના, તેને ત્રીજું વિશેષણ ન મળ્યું. તે તરત જ બોલી ગઈ હતી – ‘અને ગમી જાય તેવું.’

નિનાદ હસ્યો હતો. તેને જતાં જતાં થયું હતું કે સ્ત્રીઓમાં ઘણી બધી ખૂબીઓ હોય છે, ન સમજાય એવી. દાખલા તરીકે આ સ્વાતિ. મણિકાકાએ નિનાદને કહ્યું હતું, ‘ભૈ તારે હાજર રહેવું પડશે પ્રાર્થનાસભામાં. પેલા ભજન મંડળને તારે જ સંભાળવાનું. તું જ ઓળખે છે ને – એ લોકને ?’ ને તેણે અરધી રજા મૂકી દીધી ઑફિસમાં. આખરે આ બધું કાકીની ઈચ્છાની પૂર્તિ માટે જ થતું હતું ને ? તેને યાદ આવ્યું હતું કે એ મૃત સ્ત્રીને કેટલી હોંશ હતી તેની વહુ જોવાની ? ખાટલામાં બેઠી બેઠી કહે, ‘કોણ ? નિનાદ….! આવ ભૈ આવ, હવે ક્યારે લાવે છે વહુ ? મારે એનાં ઓવારણાં લેવાં છે. પછી ત્યાં નૈ રે’વાનું, સમજ્યો ? અમારી મેડી ખાલી જ છે.’ એ ઈચ્છા જ કહેવાયને ? ક્યાં પૂરી થઈ હતી ને હાલી નીકળ્યાં અલકાકાકી !

સવારે જાતાંવેંત જ તેણે બધી વ્યવસ્થા જોઈ લીધી. આમાં ગાવાવાળીઓ ક્યાં બેસશે-એ જ તો વળી ! જોકે તેને બહુ આશા નહોતી કે એ લોક ખાસ સારું ગાય. ઠીક હવે-જેવું ગાય તેવું, પણ ફરી મળાશે તો ખરું. એ લોક આવ્યા ને નિયત જગ્યાએ ગોઠવાયા. સ્વાતિ ઉપરાંત બીજી બે છોકરીઓ હતી. સાથે પેટી-વાજું હતું, સ્વાતિએ એ બેયની ઓળખાણ કરાવી-
‘જુઓ, આ મિતાલી ને આ સુષ્મા.’
શું જામ્યાં ભજન ! નિનાદ તો ચકિત થઈ ગયો. શું આંગળીઓ રમતી હતી વાજા પર ! અને એ છોકરીનો કંઠ ! નિનાદ સાવ સામે જ ગોઠવાઈ ગયો, સ્વાતિ સામે જ ! મંગલ મંદિર ખોલો…થી પ્રારંભ અને જબ પ્રાણ તનસે નિકલેથી સમાપન. એક એકથી ચઢિયાતાં ભજનો ગાયાં, એ સ્વાતિએ. નિનાદે નોંધ્યું કે એ સાવ અલગ જ લાગી, આગલી સાંજે જોઈ હતી એ રૂપથી. શ્વેતવસ્ત્રા યોગિની જ જાણે ! ‘તમે તો સહુને મંત્રમુગ્ધ કરી મૂક્યાં.’ તેણે સ્વાતિને કહ્યું હતું. તેણે જોયું કે મણિકાકાના ચહેરા પર પરમ તૃપ્તિના ભાવ હતા. કાકી પણ જાણે હસતાં હતાં-લેમિનેટેડ તસવીરમાં !
સામાન સમેટતી વેળાએ કોઈનું ધ્યાન ગયું હતું : ‘અરે, આ તો ભૂલી ગઈ-ગાવાવાળીઓ.’
બે ચીજો હતી – એક ભરત ભરેલી શાલ અને જોડ મંજીરાની. એ બે ચીજો જ કારણભૂત બની, નવી મુલાકાત માટે. સ્વાતીએ ફોનમાં કહ્યું હતું નિનાદને, ‘ના, બહુ ઉતાવળ નથી. તમે અનુકૂળતા મુજબ પહોંચાડી જજોને. આવતાં પહેલાં રિંગ પણ મારજો. કદાચ ક્યાંય વરધી મુજબ ગઈ પણ હોઉં-ભજન ગાવા.’

એક રવિવારે તે નીકળી પડ્યો હતો – એ પરિચિત રસ્તે. સવારનાં દશ્યો સાવ અલગ હતાં, એ પોળનાં; એ સાંજે તો અનેક સ્ત્રીઓ તેને તાકતી બેઠી હતી – બેય તરફના ઓટલાઓ પર, પણ અત્યારે એકેય નહોતી. તેની સાઈકલ સડસડાટ પહોંચી ગઈ-લીલા રંગની જાળી પાસે. ને પેલીયે તૈયાર થઈ ઊભી હતી. નવા નકોર ગુલાબી ડ્રેસમાં. ‘આ લો તમારી વસ્તુઓ’ થી પ્રારંભ થયેલી વાતો પૂરા એક કલાક પછી સમાપન પામી હતી; ને એય આ વાક્યથી- ‘ફરી ક્યારે મળીશું આપણે ?’ વચ્ચે કેટલી બધી ખાલી જગ્યાઓ પુરાઈ હતી- શબ્દોથી, સહાનુભૂતિઓથી, આંસુઓથી અને રૂમાલોની આપલેથી. અધવચ ભળેલી મિતાલી તો અવાક થઈ ગઈ હતી. પ્રથમ સ્વાતિએ જ ગઠરી ખોલી હતી. પ્રથમ પ્રણય, લગ્ન, વિફલતા અને વિચ્છેદ સુધીનાં પગથિયાં ચડી જવાયાં હતાં. પછી હાંફ તો ચડે જને ? આંસુથી ગાલ ભીનાં થાય જને ? ને રૂમાલનું હસ્તાંતરણ પણ થાય જને ? સ્વાતિએ ઉમેર્યું હતું :
‘આ બધા તો, આ રાગડા તાણવા ક્યાં શોખની બાબત હતી ? બસ…. વૈતરણાં-જીવતર જીવવાનાં ! પેટને ભાડું તો આપવું પડેને ?’ અને પછી નિનાદે તેની વ્યથા વિસ્તારી હતી. ખભો મળે ત્યાં જ ઢળી શકાયને ? તેણે તેની એકલતા વર્ણવી હતી. વચ્ચે મિતાલીએ બનાવેલી કોફી પીધી હતી એટલો જ વિરામ ! પછીની સાંત્વનાઓ અને છેલ્લે જન મન ગણ… જેવું ફરી ક્યારે મળીશું આપણે ? અને વિદાય- નવી મુલાકાતના આયોજન સરખી. મિતાલી હેરતમાં પડી ગઈ હતી, ‘હેં, આમ જ હોય ?’

આ બનાવ પછી બાકીની બેયને ચિંતા વળગે, ભેગી થાય એ સહજ હતું, કારણ કે એમના જીવનમરણનો સવાલ હતો. આમ તો એ ત્રણેયની સહિયારી ભજન મંડળી પણ એમાં કર્તા, સમાહર્તા તો એકલી સ્વાતિ જને ? આવનાર સાથે વાત કોણ કરતું હતું, કોણ હાર્મોનિયમની ચાંપો પર અંગુલિસ્પર્શો કરતું હતું ને કોણ ભજનો ગાતું હતું ? બસ, એ જ સ્તો ! એ બેય- મિતાલી અને સુષમા તો મંજીરા વગાડતાં હતાં, કોરસમાં સૂર-પુરાવતાં હતાં, ભજનોની નોટોને સાચવીને પૂંઠાં ચડાવતાં હતાં. સુષમાના અક્ષરો સારા એટલે નવાં ભજનોની નોટ તૈયાર કરતી હતી. તો વિસામો દેવા કાજે જ મિતાલી એકાદ ચીજ ગાતી હતી. ટૂંકમાં બધો ભાર સ્વાતિ પર ને પેલી બેય ખાલી પંખાથી પવન નાખતી હતી. પણ સ્વાતિ કેવી ભલી ! ભાગ તો ત્રણેયનાં એકસરખાં જ ! એમાં ભેદભાવ નહીં. અને એથી જ ચિત્તમાં ચિંતા જાગી હતી. ભજનમાં ભલે લખ્યું હોય, ગવાતુંય હોય કે ચિત્ત તું શીદને ચિંતા કરે, હરિએ…! મિતાલીએ જે લક્ષણો જોયાં, એનો એ જ સાર નીકળતો હતો કે હવે ભજન મંડળી કડડભૂસ ! એનું જ બેસણું હાથવેંતમાં !

પેલી જરૂર લપસવાની, મિતાલી વિચારતી હતી. એમ તો તે પોતેય આતુર હતીને – કોઈ નિનાદ જેવાને પરણી જવા ? આને તો રમતવાતમાં મળીયે ગયો, બીજી વારેય ? તેને તો પહેલી વારનાય વાંધા હતા. વાન ગોરો ખરો પણ બીજી ચીજોય હોવી જોઈએને ? ભૈ, ગમી જાય એને તો ગમે તેવી ગમી જાય ! અને ન ગમે તો ઐશ્વર્યાય ન ગમે ! જોકે તેને વિશ્વાસ હતો કે તેને મળી જ જાશે ! અરીસામાં જોવે ને વિશ્વાસ વધી જાય. તે પૈસા એકઠા કરતી હતી, તેનાં લગ્ન માટે. એક વરસમાં કેટલી બધી બચત થઈ હતી આ મંજીરા વગાડવામાંથી ! તેની માએ કહ્યું હતું, ‘પૈસા ભાળશે ને તને ચાટીને લૈ જાશે.’

સુષમાનો કિસ્સો અલગ હતો. એકત્રીસે પહોંચતાં પહેલાં, કેટલીયે વાર બનીઠનીને, ચાની ટ્રે લઈને આગંતુકોનાં ટોળાંઓ વચ્ચે ખડી થઈ હતી, પરદા પાછળ પેલાઓને મળીને ઉટપટાંગ પ્રશ્નોના ઉત્તરો પણ આપ્યા હતા, આશના તંતુને અનેક વેળા તૂટી જતાંય જોયો હતો. તે હવે અરીસામાંય ક્યાં જોતી હતી. એક વાર તેણે મક્કમતાથી કહી દીધું હતું, ‘બહું થયું. હવે આ રમત બંધ. બે વખત પેટને પોષવાનો જ સવાલ છે ને ? તે તેનો માર્ગ કરી લેશે.’ અને એ માર્ગ એટલે, આ ભજન મંડળી. સ્વાતિએ માળિયામાંથી ભજનની ચોપડીઓ ઉતારી હતી. મા મૂકીને ગઈ હતી. લાંબી મંઝિલે. પિતાએ સાચવીને મજૂસમાં રાખેલું પેટીવાજું બહાર આવ્યું હતું. એક વખત, પ્રણયને પરણી એ પહેલાં- તે શીખેલી જશુભાઈ માસ્તર પાસે. કેટલાં બધાં ગીતો શીખી હતી ? આધા હૈ ચન્દ્રમા રાત આધી…., માતાજીની આરતી, શંભુ ચરણે પડી…. અને…. પછી તો બીજાંય બેસવા લાગ્યાં-ફટાફટ.
સુષમાને થોડુંઘણું ફાવતું’તું પીંછીકામ. તેણે પૂંઠા પર લખી નાખ્યું- સ્ત્રીઓની ભજનમંડળી. પહેલા કાર્યક્રમના રૂપિયા સો મળેલા. સુષમાને બરાબર યાદ હતું. બીજામાં રિક્ષાભાડાના પચાસ વધારાનાય મળ્યા હતા. અને હવે તો એક હજારની જ વાત. તોયે મળી રહેતા હતા, રમતવાતમાં. નામ થઈ ગયું હતું સ્વાતિનું. ખાલી મંજીરાના તાલ મેળવવાનું જ પ્રદાન હતું- એ બન્નેનું. કેટલો ક્ષોભ થતો હતો- ક્યારેક ક્યારેક ? પણ સ્વાતિના મુખ પર એવો એકેય ભાવ ક્યાં જણાતો હતો ? પછી તો, એમની ઈચ્છાઓ પણ હતી જને ? નવી કૂંપણો ફૂટવા લાગી’તી એ બેયને. ને હવે, એ બધું જ કડડભૂસ થવા બેઠું હતું. દુઃખ તો થાય જને ?

ચોથી મુલાકાત થઈ. ને પછી પાંચમીયે થઈ. સ્વાતિ વળાવવા ગઈ હતી, પોળના ચોક સુધી. કેટલીય આંખો ઝળૂંબી હતી- એ બેય પર. લોક ઓળખી જાયને લક્ષણો ? ને પેલી બેય ફફડી ગઈ હતી. શું કરવું હવે ? આ જાય તો શું થાય ? ચાલો, તે તો કહેવાની- ‘લો, ચલાવો તમે બેય !’ પણ તે બન્ને શું કરે ? મંજીરા વગાડે ? પસ્તાવાનું શરૂ થયું. આમાં આપણો જ વાંક ? કેમ કશું શીખ્યાં નૈ, આટલા સમયમાં, છેવટે પેટીવાજું ! કોઈ ગાવાવાળી તો શોધી લેવાય. અરે, ગાવાનુંય શીખી લેવાય ! એ તો પ્રેક્ટિસ કરવી પડે. બોલવાની પણ આવડત હોવી જોઈએ. કેવી સરસ સ્પીચ આપતી હતી-સ્વાતિ ? જાણે પોતાનું જ કોઈ સ્વર્ગે ના સંચર્યું હોય-એવી ભાવમય. અરે, આટલું શીખ્યાં હોત તો ? આગળ વધાત !

ને સુષમાને વિચાર આવ્યો કે આને સમજાવીએ તો ? ભૈ, પરણીને શું અભરે ભરાયું તેનું ? એય પુરુષ જ હશેને- આના જેવો ? સ્ત્રીને છેતરવાનું ક્યાં નવું હતું ? ઓલી કણ્વ ઋષિવાળી શકુંતલાનેય છેતરી જ હતીને ? શરૂઆતમાં તો બધાય સારું સારું બોલે. ઉંદરિયામાં ઘી બોળેલી રોટલી જ મૂકીએ છીએને ? ને તેને તો અનુભવ હતો- દાઝવાનો. સુષમાએ આખો વિચાર આપ્યો, રૂપરેખા પણ આપી. મિતાલીએ એમાં કાળાં કાળાં ટપકાંઓ, ડાઘાઓ ચીતર્યાં. લો, થઈ ગયું તૈયાર. પણ હવે ડોકે ઘંટ કોણ બાંધે ?
મિતાલીએ કહ્યું : ‘ભૈ… મારે જ પરણવું છે. મને તો દિવસેય સપનાં આવે છે. હું તે કેવી રીતે શિખામણ આપું ?’ આમ તો સુષમાએ મનથી ક્યાં સાવ માંડી વાળ્યું હતું ? પણ મનની વાતો સાંભળ્યા કરે તો બધું વેરણછેરણ થઈ જાય ! તે તૈયાર થઈ ગઈ.

આ તરણોપાય કર્યે જ છૂટકો. ના, ભજન મંડળી વિખેરાવી ન જોઈએ. કોઈ પણ ભોગે. કેટલી વરધીઓ આવતી હતી ? અને પૈસાય ! તેને બેન્કની પાસબુક યાદ આવતી હતી. પિતા કેટલા ઉમંગથી પૃચ્છા કરતા હતા- ભજન મંડળી વિશે ? તે બોલવાના સંવાદો, ગોઠવતી-ગોખતી સ્વાતિ પાસે પહોંચી ત્યારે દશ્ય સાવ અલગ જ હતું; અલગ જ નહીં પરંતુ કલ્પનાથી સાવ વિપરીત !
એ છોકરી ફોન પતી ગયા પછી એક વાર તો છૂટા મોંએ રડી ચૂકી હતી, સૂનમૂન થઈ નતમસ્તકે બેઠી હતી. સુષમાને તો થોડી ખબર હોય કે બે-ત્રણ મિનિટ પહેલાં નિનાદનો ફોન આવ્યો હતો એમાં શી વાતો થઈ હોય ? કે નિનાદે કહ્યું હોય :
‘એક ખુશખબર છે, સ્વાતિ !’ અને પછી કહ્યું હોય, ‘સ્વાતિ…. એ લોકો મને સાથે લઈ જશે, ન્યુજર્સીમાં. મયંક અને એનો પિતરાઈ જનક ! તૈયાર બિઝનેસ છે. મારે બેસી જ જવાનું. હા, પણ ગિરાને પરણવું પડશે. ને એ કાંઈ તારા જેવી નથી એ કબૂલ, પણ કશું તો જતું કરવું પડેને ? પછી સ્વાતિ….. હું તને ત્યાં બોલાવીશ, ચોક્કસ બોલાવીશ. પ્રોમિસ ! ત્યાં તારાં ભજનોનો કાર્યક્રમ…. રાખીશ, સ્વાતિ. યુ નો, એ લોકો પડાપડી કરે-આવું બધું સાંભળવા…….!’

તે કેટલુંય બોલી ગયો હતો ને સ્વાતિએ ખિન્ન થતાં થતાં સાંભળી લીધું હતું. સુષમાને વળગીને તે એ બધું જ બોલી ગઈ- જે, સુષમા તેને કહેવા ઈચ્છતી હતી. ટૂંકમાં ભજન મંડળી બચી ગઈ પણ સુષમાને એનો એટલો હરખ ન થયો જેટલો મિતાલીને થયો. અને સ્વાતિનાં ભજનો વધુ દર્દભર્યાં બની ગયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “ભજન મંડળી – ગિરીશ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.