શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

[આજે શિક્ષકદિન. જેને આપણે ‘શિક્ષક’ કહી શકીએ એવા ચારિત્ર્યવાન લોકોને આજે દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. પોતા થકી જે વિદ્યાર્થીના ચારિત્ર્યનું ઘડતર કરે છે તે સાચો શિક્ષક છે. કમનસીબે આવા શિક્ષકોની સંખ્યા સતત ઘટી રહી છે. પોતાના કોચિંગ કલાસની બે-ત્રણ શાખાઓ વચ્ચે દોડાદોડી કરતાં, મેરીટ પ્રમાણે એડમિશન આપીને પૈસા ખંખેરી લેતા અને શાળામાં ઓછું ભણાવીને વિદ્યાર્થીઓને પોતાના ખાનગી કલાસીસ તરફ ખેંચી જતા મહાનુભાવોને ‘માણસ’ કહેવા કે કેમ તે એક પ્રશ્ન છે, ત્યાં એમને ‘શિક્ષક’ જેવું પવિત્ર બિરૂદ તો શી રીતે આપી શકાય ? પ્રસ્તુત છે આ અંગે થોડું ચિંતન ‘શિક્ષક-ઉપનિષદ’ પુસ્તકમાંથી સાભાર. – તંત્રી.]

[1] સાચો કેળવણીકાર કોઈ ચોક્કસ ઉકેલો હાથમાં પકડાવતો નથી, પણ ઉકેલો શોધવાની પ્રક્રિયા માણસમાં કામ કરતી થાય એમાં મદદરૂપ બને છે. અંગ્રેજી શબ્દ ‘એજ્યુકેશન’ પાછળના લૅટિન મૂળનો અને સંસ્કૃત પર્યાય ‘વિનય’નો અર્થ પણ માણસના ચૈતન્યને બહાર આણવું-પ્રેરવું એવો જ છે. આ કેળવણીનો કીમિયો લગભગ માના જેવાં પ્રેમ અને ધીરજ જેનામાં છે તેવો શિક્ષક અજમાવી શકે. – ઉમાશંકર જોશી

[2] રાત અને દિવસ શિક્ષકો પોતાનો બધો સમય વિદ્યાર્થીઓ પાછળ જ ગાળે અને એમાં આનંદ માને. બીજી બાજુથી, વિદ્યાર્થીઓ પણ એમના શિક્ષકો પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખે. શિક્ષકે પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પછીનો બીજો બધો સમય શાળાકાર્યમાં જ આપવો જોઈએ. શિક્ષક જે કાર્ય કરી રહેલ છે એમાં જો એને રસ ન હોય, પોતાનો બધો સમય વિદ્યાર્થીઓના હિતમાં ખર્ચવા એ તૈયાર ન હોય, એમની સાથે સમય ગાળવામાં એને જીવનનો આનંદ ન લાગતો હોય તો એવો શિક્ષક એના શિક્ષણકાર્યમાં કદી સફળ થઈ શકવાનો નથી. શિક્ષકના જીવનનો પ્રધાન રસ માત્ર બાળકોના શિક્ષણનો જ હોય, બીજો નહિ. શિક્ષકને સોંપાયેલાં બાળકો પ્રભુનાં છે. માનવીમાત્રમાં દિવ્યતા રહેલી છે. એને પ્રગટાવવા મથવું એ શિક્ષકજીવનનો મહાન અધિકાર અને ધર્મ છે. શિક્ષણનો એ એક મહાન આદર્શ છે. – જે. કૃષ્ણમૂર્તિ

[3] શિક્ષકના જ્ઞાન કરતાં એના પોતાના ચારિત્ર્ય દ્વારા જ શિક્ષણ વિશેષ અસરકારક સાબિત થાય છે, કારણ કે પચાવેલા અને એકરૂપ બની ગયેલા જ્ઞાનનો જ પરિપાક ચારિત્ર્ય છે. શિક્ષક સંનિષ્ઠ અને સત્યપ્રિય હોવો જોઈએ અને તેનું ઉદાહરણરૂપ જીવન વિદ્યાર્થીઓ માટે ખુલ્લા પુસ્તક જેવું હોવું જોઈએ. એ સાદાઈના નમૂનારૂપ હોવો જોઈએ અને એણે પોતાની જરૂરિયાતો ઓછી કરતાં શીખવું જોઈએ. શિક્ષક જેમ વધારે સાદો તેમ તેને ભૌતિક સગવડોની ચિંતા ઓછી અને ફુરસદનો સમય વધારે – જેનો ઉપયોગ તે જ્ઞાનવૃદ્ધિ માટે કરી શકે. સૈનિક યુદ્ધમાં લડે છે અને પોતાના દેશને માટે ઝનૂનથી પોતાની જિંદગી કુરબાન કરી દે છે; ઓછો પગારદાર શિક્ષક પોતાના દેશની સેવા કરે છે કિન્તુ પ્રાણત્યાગ કરીને નહિ, પણ જીવનની અનુકૂળતાઓ અને સુખ-સગવડનો ત્યાગ કરીને.

ઈતિહાસનાં પાનાં પર શિક્ષકે વેઠેલું દુઃખ લોકોની નજરે ઘણું ઓછું લાગે છે, પણ એ તો ધીમેધીમે ઓગળી જઈ આત્મવિલોપન કરી દેતી, પણ બીજાને સતત પ્રકાશ આપ્યા કરતી મીણબત્તી જેવું છે. પરિણામ કે પગાર નહિ પણ સેવાભાવના અને સમર્પણથી જ હંમેશાં સાચું કાર્ય થાય છે. કોઈ પણ સંનિષ્ઠ કાર્યની જેમ શિક્ષકના કામને પણ સમાજસેવા કરવા માટે કુદરતે આપેલી તક જ સમજવાનું છે, નહિ કે સમાજને ભોગે પોતાનું હિત સાધવા માટેની સગવડ. મૅન્યુ આર્નોલ્ડે રૂગ્બીના વિખ્યાત કેળવણીકાર એવા તેમના પિતા ડૉ. ટૉમસ આર્નોલ્ડના જીવનકાર્ય વિષે આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે : ‘તારી પોતાની જાત ઉપરાંત બીજા અનેકોને ઉદ્ધારવાનું તને સોંપવામાં આવ્યું હતું; અને તારા દિનાન્તે, હે વફાદાર ભરવાડ ! તારાં ઘેટાંને તારી સાથે લઈને આવવાનું પણ…’

સંનિષ્ઠ શિક્ષક સત્યને જ વરેલો હોય છે. વિવાદાસ્પદ મુદ્દાઓથી એ દૂર રહે છે, ખાસ કરીને ધાર્મિક બાબતોમાં. એને માટે તો સદાય ખાસ આવશ્યક છે દઢ તટસ્થતા અને પ્રશ્નની બંને બાજુની નિષ્પક્ષ ન્યાયાધીશની જેમ રજૂઆત, નહિ કે સમર્થ પક્ષકારપણું. અને પછી પોતાનો પ્રામાણિક મત દર્શાવી પ્રશ્નને પકડી રાખવો તે. સિદ્ધાંતને ભોગે સસ્તી લોકપ્રિયતા માટે વલખાં મારવાં અને સામાન્ય માણસોને ખુશ કરવા પ્રયત્ન કરવો એના કરતાં સત્યનું સંશોધન વધારે ચડિયાતું છે. પોતે પોતાના કથનના બળથી દોરાઈ જાય ત્યારે શિક્ષક માટે અજાણતાં અતિશયોક્તિ થઈ જવાનો ભય છે. પોતાના ગમા-અણગમા અને ભારે રંગીન ભાષામાં તેમના પ્રદર્શનની વૃત્તિને તેણે કાબૂમાં રાખવાં જોઈએ. પ્રશંસા કરતાં તેણે ચોકસાઈનું, ચમકદાર આલંકારિક ભાષા કરતાં સત્યનું તેણે ધ્યેય રાખવું જોઈએ. દષ્ટિબિંદુમાં શિક્ષક આદર્શવાદી હોવો જોઈએ, પણ કાર્યવાહીમાં તેણે વાસ્તવવાદી બનવું જોઈએ. જો શિક્ષક પોતાના આદર્શોને વફાદાર ન હોય અને પોતાનું માન સાચવી શકતો ન હોય તો સત્યને વળગી રહેવાનું તેને માટે અશક્ય બનશે. અયોગ્ય રીતે શિક્ષકના સ્વાતંત્ર્યને મર્યાદિત બનાવતી અને એને એની પોતાની પસંદગી માટે અશક્ત બનાવતી રાજકીય પક્ષોની અને રાજકારણની શૈક્ષણિક જીવનમાં ઘૂસણખોરીનું દર્શન દુઃખકારક છે. ભૌતિક સગવડો ખાતર તેણે કદાપિ તેના અંતર-આત્માનો હક વેચી દઈ પોતાની કક્ષા નીચી પાડવી ન જોઈએ.

સંશયાસ્પદ ચારિત્ર્યવાળો માણસ પોતાના ધંધાને માટે કલંકરૂપ છે, પછી એ ધંધો ગમે તે હોય, પણ શૈક્ષણિક ધંધામાં તે સૌથી વિશેષ, કેમ કે તેમાં તેનો સૌથી વિશેષ સંબંધ તો જેઓ પોતાના જીવનના ઘડતરકાળમાં છે એવા યુવાન લોકો સાથે હોય છે અને તેમની ઉપર એનો પ્રભાવ કદાચ હાનિકારક નીવડે, એટલું જ નહિ, પણ તેમના નૈતિક કલેવરના ઘડતરને માટે જીવલેણ પણ બને. મહાન સીદી નેતા માર્ટિન લ્યુથર કિંગ કહે છે કે કોઈ પણ માણસ દરેક રીતે મહાન હોઈ શકે, પણ જો તે સાચી રીતે ધાર્મિક વૃત્તિ-વલણવાળો ન હોય તો તે પોતાને કે બીજા કોઈને પણ બચાવી શકે નહિ. જ્ઞાનોપાર્જન પ્રશંસનીય સિદ્ધિ છે; વસ્તુતઃ એ તો શિક્ષક-ધર્મ છે. એકલું જ્ઞાન માણસને મિથ્યાભિમાન અને લોભનો નશો ચડાવે અને માનવીની નિઃસ્વાર્થ સેવા દ્વારા એની પોતાની દિવ્યતાના પ્રતિબોધના એના ધ્યેયથી એને વિમુખ બનાવે. ‘બીજા યુગ અજ્ઞાનથી અંધ હતા, પણ આપણો યુગ જ્ઞાનથી અંધ છે.’ – આવા તાત્પર્યની કવિ ટી.એસ. એલિયટની ઉક્તિમાં બહુ ઊંડું સત્ય રહેલું છે. આપણી આધુનિક અહંકારી સંસ્કૃતિઓ આ અંધાપો એમાં રહેલી તાત્વિક પ્રવૃત્તિને પ્રેરે એવાં પ્રયોજનોના અભાવને લીધે છે. – ફિરોઝ કા. દાવર

[4] વિદ્યાર્થીને જે સ્વાવલંબી બનાવે તે ખરો શિક્ષક કહેવાય. શિક્ષણનો પહેલો સિદ્ધાન્ત એ છે કે કશુંય શીખવવું શક્ય નથી. એટલે કે વિદ્યાર્થી પોતે શીખી શકે, તેને કોઈ શીખવી ન શકે. વિદ્યાર્થીને શીખવવા જતાં તેનું મગજ ફક્ત માહિતીઓથી જ ભરી દેવામાં આવે છે અને તેથી શિક્ષણ તેના માટે આનંદનો નહિ, કંટાળાનો વિષય બની જાય છે. વિષયો જ્ઞાનની બારી નહિ પણ બોજારૂપ ગાંસડીઓ બની જાય છે. જેનામાં સંશોધનની જ્યોત સદા સળગતી રહે છે, જે કદી એમ કહેતો નથી કે તે બધું જ જાણે છે, ન આવડતું હોય તો જાહેરમાં તેનો સ્વીકાર કરવાની નિખાલસતા ધરાવે છે, જે શિષ્ય સાથે સમકક્ષ થઈને, ગુરુ એટલે કે મોટો થઈને નહિ, જ્ઞાન મેળવે છે તથા આપે છે, તે ખરો શિક્ષક છે. તે સંશોધનની જ્યોતને સતત સળગતી રાખતાં શીખે છે અને ભૂલવા જેવું ભૂલે છે એટલે કે જ્ઞાનનું ઊંડાણ તથા તેનો વ્યાપ કરે છે. જે શીખવા આવે છે તે પ્રત્યેક વ્યક્તિ અપૂર્વ હોય છે. આથી શિક્ષણમાં એકસરખાપણું શિક્ષણના આત્માને હણે છે. દરેક બાળકને સમજવું, તેની પ્રકૃતિને બરાબર ઓળખવી, તેને સતત પૂછતા રહેવું શિક્ષક માટે મૂળભૂત બાબતો બની રહે છે. વિદ્યાર્થીના ફક્ત વર્તનના આધારે તેનું મૂલ્યાંકન કરવું જોખમી છે, કેમ કે તેનો ભૂતકાળ તેના ચાલુ વર્તનને અસર કરે છે. તેની મૂળ પ્રકૃતિને ધીરજ, પ્રેમ, ઔદાર્યપૂર્વક સમજીને તેને અનુરૂપ વિકાસ થાય તેવું વાતાવરણ શિક્ષકે અને સમાજે સર્જવું જોઈએ. – રોહિત મહેતા

[5] શિક્ષકોમાં ઓછામાં ઓછા ત્રણ ગુણોની આવશ્યકતા રહે છે. એક ગુણ એ છે કે શિક્ષકને વિદ્યાર્થીઓ પર પ્રેમ હોવો જોઈએ, વાત્સલ્ય જોઈએ, અનુરાગ જોઈએ. શિક્ષકોનો આ બહુ મોટો ગુણ છે, જેના વિના શિક્ષક બની શકાય જ નહીં. શિક્ષકનો બીજો મોટો ગુણ એ છે કે તેણે નિત્ય-નિરંતર અધ્યયનશીલ રહેવું જોઈએ. રોજ નવુંનવું અધ્યયન ચાલુ રહે અને જ્ઞાનની વૃદ્ધિ સતત થતી જાય. આ રીતે એણે જ્ઞાનનો સાગર બનવાનું છે. આ ઉપરાંત એક ત્રીજા ગુણનીયે આવશ્યકતા છે. શિક્ષકો જો રાજનીતિમાં પડ્યા હોય તો સમજવું જોઈએ કે તેઓ કર્તા નથી, કર્મ છે. આ હાલતમાં શિક્ષકનો વ્યવસાય નકામો થઈ જશે, એમનું પોતાનું જે સ્થાન છે તે નહીં રહે. ઊગતી પેઢીને અપવ્યય, નાસભાગ, નિરાશા અને નિષ્ક્રિયતાના પાપમાંથી ઉગારી લેવાનું કામ સંનિષ્ઠ શિક્ષકો અને આચાર્યનું છે. જેઓ પોતાનું જીવન ઘડવા માગશે તેઓ જ બીજાનું જીવન ઘડી શકશે.

શિક્ષક થવાનો અધિકાર તો તેનો છે જે જ્ઞાનનો જીવંત ભંડાર હોય, જે શીખવા માટે તત્પર હોય અને શીખવવા માટે ઉત્સુક હોય, જેણે જ્ઞાન અને કાર્યનો સમન્વય સાધ્યો હોય, જે લેવા કરતાં આપવામાં વધારે માનતો હોય અને આપતાં-આપતાં પ્રસન્નતા અનુભવતો હોય…. શિક્ષણ આપવાનો અધિકાર તો તેનો છે જે સત્યપ્રિય હોય, શુભપ્રિય હોય, સૌંદર્યપ્રિય હોય, જ્ઞાનપ્રિય હોય, સિદ્ધાંતપ્રિય હોય, વ્યવહારપ્રિય પણ હોય, સમાજપ્રિય હોય. – પી. કે. ત્રિવેદી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – આશ્લેષ ત્રિવેદી
ભજન મંડળી – ગિરીશ ભટ્ટ Next »   

3 પ્રતિભાવો : શિક્ષક-ઉપનિષદ – સં. બબાભાઈ પટેલ

  1. A teacher is a person who really molds our future by teaching skills and give their best to give the nice future to their student. Old school days were too awsm and really miss my teachers.

  2. મૃગેશભાઈ ‘શિક્ષક-ઉપનિષદ’ પુસ્તકમાંથી સરસ જ્ઞાનવર્ધક લેખ મુક્યો છે . મૃગેશભાઈ ‘શિક્ષક-ઉપનિષદ’ પુસ્તક પ્રકાશક અને પ્રાપ્તિ સ્થળ વિશે માહિતી આપવા મહેરબાની કરશોજી .

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.