ખાટી આમલી અને મીઠાં સ્મરણો – રીના મહેતા

[પુનઃપ્રકાશિત]

હમણાં એક દિવસ આમલી સાફ કરવા બેઠી. આમલીમાંથી કચૂકા નીકળ્યા અને તે સાથે જ મારા મનમાંથી પંદર-વીસ વર્ષ પહેલાનો સમય નીકળી પડ્યો. પહેલાનાં વખતમાં બધા જ ઘરોમાં આમલી વધારે વપરાતી. મા કે દાદીએ માટલામાં મીઠું લગાડીને ભરેલી આમલી બાળકોને સદાયે લલચાવતી રહેતી. આમલીની ખાટી સુગંધ અને તેના તગતગતા કાળા-કથ્થાઈ રંગવાળા કચૂકાનો લિસ્સો સ્પર્શ પંદર-વીસ વર્ષ પહેલાની મારી નાનકડી આંગળી ઝાલીને મારા મોસાળના ગામ, ત્યાંના હૂંફાળા-ઉજાસભર્યા ઘરની ખડકી સુધી લઈ ગયો.

દરેક સ્થળની, કાળની, માહોલની કોઈક અલગ જ ગંધ હોય છે. હજી આજેય મોસાળના એ ગામની સવાર-બપોર-સાંજ-રાતની અલગ અલગ ગંધાનુભૂતિ મારું મન તંતોતંત સૂંધી શકે છે. વૅકેશન પડતાં પહેલાં જ અમે ભાઈ-બહેનો મોસાળ જવા થનગનતાં. ઉનાળુ રજાઓમાં ખાસ્સો દોઢ મહિનો રહેતા. જઈએ કે તરત ‘આઈ ગયાં બેટા ?’ કહી દાદી અમને ભેટી પડતાં. તેમનાં લૂગડાંનો શીતળ સ્પર્શ તથા કંપવાને કારણે સતત ધ્રૂજ્યા કરતી બાપુની આંગળીઓમાંથી અમારા પર છલકાતા વહાલના છાંટા હજી એ જ ઘરમાં ક્યાંક પડ્યા હશે. અમારે સગા મામા-માસી કોઈ નહિ તેથી કદાચ બાપુ-દાદી આખું વર્ષ અમારી વાટ જોતાં ગાળતાં. અમે સુરત પાછા જઈએ ત્યારે સામાન માથે ઉપાડી બસ સુધી મૂકવા આવતાં દાદીની રાતીચોળ આંખોમાં નવી ઊગી રહેલી પ્રતિક્ષા આજે મને દેખાય છે.

દાદી સવારમાં પ્રાઈમસ પર ચા બનાવતાં. ત્યાંની ચાનો સ્વાદ કંઈ બહુ સારો નહિ પણ પેલી નાના ઝરૂખા જેવી લાકડાની બારીમાં બેસીને પીવાની લહેજત જ કંઈ ઓર. એવી સરસ, સગવડદાયી બારી મેં સુરતમાં નથી જોઈ. બારી પર બહેનપણીઓ સાથે ગુસપુસ, બારી પર નાસ્તો અને કદીક બારી પર ટૂંટિયું વાળી સૂઈ પણ જવું… એ બારી જો થોડા દિવસ બંધ રહે તો કબૂતર ત્યાં અચૂક માળો કરી દેતાં અને પછી જોઈએ તો ફૂટેલા ઈંડામાંથી પીળી રૂંવાટીવાળાં નાનાં બચ્ચાં ચાંચ પહોળી કરતાં હોય. કાગડાઓ તેમને ખાવા માટે ટાંપીને જ બેઠાં હોય. અમે ગમે તેટલી ચોકી કરીએ તો પણ એક-બે બચ્ચાં તો હડપ કરી જ જાય. તે સાંજે વીજળીના તાર પર બધાં કબૂતર ગુમસુમ અને મૌન બેઠાં હોય. કેવળ રાખોડી સન્નાટો તાર ઉપર એકલો ઝૂલ્યાં કરતો હોય.

જાણે મુંબઈ કે પરદેશથી ગામ ગયાં હોઈએ એટલો અમારો વટ. ‘આ મારી ભોણી કે ભોણો છે’, – ના ગર્વીલા શબ્દો વારંવાર સંભળાતા. તે વખતે ત્યાં રિક્ષા નહીં. અમે રોજ સાંજ પડ્યે આમતેમ રખડવા જતાં, ખૂબ જ મજેદાર બરફનો ગોળો ખાતાં, બજારમાં આંબોળિયા-વરિયાળીના લલચામણાં ઢગલાં જોતાં અને કદીક બપોર પડતાં રત્નાકર માતાએ ઉજાણી કરવા જતાં. એ મંદિર ઘણું દૂર પણ ચાલતા થાક ક્યાં લાગે ? રસ્તો લાલ માટીવાળો અને ખૂબ જ રળિયામણો. રસ્તાની બંને કોર ખેતરો. કોઈવાર મોર પણ ટહૂકે. માંડ કોઈક ગાડાં કે સાઈકલ જતાં હોય. અમારું આખું ટોળું – મામાઓ-માસીઓ-ભાઈ-બહેન-બહેનપણીઓ, ધમાલમસ્તી કરતું જતું હોય. એકવાર પાછાં ફરતાં એક બળદ-ગાડાંવાળાએ અમને તેના ગાડામાં બેસાડ્યાં, એ જીવનનો પહેલો ને છેલ્લો લ્હાવો. “ગાલ્લી મારી ઘરરર…. જાય બળદ શિંગડાં ડોલાવતો જાય….” દ્વિજા એની શાળાનું આ ગીત ગાય અને મારાં મનમાં લાલ માટીવાળા રસ્તે એ જ ગાડાંના ઘૂઘરાં ઘમઘમ ઘમકી ઊઠે છે !

‘પોણી પીવું છે ?’ કયારેક ચરોતરી બોલીમાં હજી હું બોલી પડું છું ને દાદીના એ પણિયારે જઈ ઊભી રહી જાઉં છું. મને થાય છે કે દાદી-બાપુ એકલાં અને આટલાં ચાર-પાંચ માટલાં કેમ ? મારી નજર અભરાઈ પરનાં જુદાં-જુદાં આકાર-કોતરણીવાળા પિત્તળના પ્યાલાં ઉપર ફરતી ફરતી ડોયા તરીકે વપરાતાં જુદાં જ ઘાટના જાડાભમ્મ કળશિયા પર અટકી જાય છે. હું એ કળશિયા વડે પ્યાલામાં પાણી રેડું છું અને ઘટ-ઘટ-ઘટ. કપડવંજ જેવું મીઠું પાણી મેં બીજે ક્યાંય પીધું નથી. કદાચ એ મીઠાશ મારો પક્ષપાત હોય. અરે ! અરે ! પેલો ન્યાતમાં જમવા જતી વેળા લઈ જવાતો પિત્તળનો પેચવાળો લોટો – ચંબુ મારામાં વિસ્મયની ઝીણી – ઝીણી કોતરણી કરે છે. કોઈ એનો પેચ તો ઉઘાડી આપો.

આ કોણ ચાલ્યું પત્તાં, ઘર-ઘર, અમદાવાદબાજી રમવા ? સુકાયેલાં રાયણની કોકડી, આંબોળિયા, ગુલાબી રંગની પાકી ગુંદી ખાવા ? દાદી જોડે સ્વામીનારાયણના મંદિરે ભજન ગાવા અને સાકર-વરિયાળીનું શરબત પીવા ? મંદિરનો કચરો વાળવા કે ભગવાનને ચંદનબા ચંદનનો લેપ કરતાં એ રસપૂર્વક જોવા ? મારી આંખે કોણે ચંદન ચોપડી દીધું ? અને શ્વાસમાં તો ખાખરાંનાં પાનાંની ભીની ગંધ આવે છે. ખાખરાંનાં પાનાંને ડીંચી તેની ઉપર પાણી છાંટી એની થપ્પીઓની થપ્પીઓ કઈ આંગળીઓ કરે છે ? પાનાં ઉપર ટચ્ચ દઈ ખૂંપતી લીમડાની સળી ને પતરાળી તૈયાર ! અરે ! એ તો મેં હમણાં જ બનાવી આપી છે દ્વિજાને – મધુમાલતીના પાંદડાની અને એ હરખાતી પૂછે છે : આમાં જમું ?

ગોળાકારે બધાં જમવા બેઠાં છીએ. પેલું નાનું માટલું નીચે ઉતાર્યું છે – મારી બાજુમાં જ. હું પાણી લેવા જાઉં છું ને અચાનક આખું માટલું નમી જાય છે. બધે પાણી…પાણી…. ગભરાટથી મારી આંખમાં પણ પાણી આવવા જેવું – ‘કશ્શો વોંધો નહીં.’ આ કોણ બોલ્યું ?

પરોપકારી, નિ:સ્પૃહ, સ્થિતપ્રજ્ઞ દાદી કશો પણ મોટો વાંક હોય તોયે વઢતાં નહીં ! એમનો એક જ જીવન-ઉદ્દગાર : કશ્શો વોંધો નહીં. અમે બધાં એમની નકલ પણ કરતાં પરંતુ એ બિચારાંને એનોય કશો વાંધો નહોતો ! કપડાં, વાસણ, રસોઈ, ખરીદી, ધીમે ધીમે પથારીવશ થતાં જતાં બાપુની ચાકરી – આ બધું જ એકલપંડે હસત મોઢે કરતાં. બાપુના મૃત્યુ પછી એ અમારી પાસે આવ્યાં ને એ ધરને તાળું મરાયું – કાયમ માટે. પછી તો એ ઘર વેચાયું. સદા ઝૂલતો છપ્પરખાટ સ્થિર લાકડું થઈ ગયો – બાપુના શરિર જેવો. પાણિયારાંનાં ઝાંખાં થઈ ગયેલાં બેડાં, ધૂળના થરવાળા વાસણો, પેટી-પટારાં-પીપ વેચાયાં. કદીક હોંશભેર ભીંતે લટકાવેલી અમારાં ત્રણેયની બાળપણની છબિઓ નીચે ઉતારાઈ. દાદીએ ફાટેલાં લૂગડાંમાંથી સીવેલી હૂંફભરી ગોદડીઓ વહેંચી દેવાઈ. છત પર કડાંમાં લટકતી ડોલો, ખાલી માળા, બધું જ ઉતારાયું. મને બહુ ગમતી બારીઓના કમાડ બંધ થયાં તે થયાં ! ત્યાં કબૂતરોએ માળા બનાવ્યાં કે બચ્ચાં ખવાયાં કંઈ ખબર નથી. કેવળ પેલો સન્નાટો તાર પર –

કોણ જાણે કેમ ઘર વેચાયું ત્યારે બા કે દાદી સિવાય કોઈને ખાસ દુ:ખ ન થયું ! બા રડી, પણ સહનશીલ દાદીને તો આમાં ય કશો વાંધો નહોતો ! અમે ત્રણે બાળપણથી એટલા દૂર હડી કાઢી ગયેલાં કે એ ધરની હાંક પણ ન સંભળાઈ !

વેદાંગ હવે કૅસેટ પર સાંભળીને શીખેલું ‘મામાનું ઘર કેટલે ?’ વાળું ગીત તોતડી બોલીમાં ગાય છે ત્યારે દૂર દૂર, મારી આંખોનાં ઝળઝળિયાંની આરપાર હજી અડીખમ ઊભેલું એ ઘર દેખાય છે ! ને લાકડાની વ્હેરની દાદીની સગડીનો ધુમાડો મારા શ્વાસમાં ભરાઈ જાય છે. રોટલી કર્યાં પછી દાદી કદીક આમલીના કચૂકા પણ શેકી આપતાં. એનું કથ્થઈ પડ કાળું બની જતું. અને ઉખેડતાં કે ધોળો-બદામી રંગનો કચૂકો દડૂક દઈને કૂદતો. કઠ્ઠણ કચૂકો ઝટ ચવાતો નહીં. એને ધીમે ધીમે ચગળતાં. અમારી લાળથી ભીંજાઈ ભીંજાઈ એ પોચો થતો ને પછી તૂટતો.

તે દિવસે આમલી સાફ કર્યાં પછી સાત-આઠ કચૂકા કચરાની ડોલમાં નાખવા ગઈ ને ઘડીક હાથ થંભી ગયો. થયું કે લાવ, બાળકોને શેકી આપું. પણ એ સગડી, એ દેવતા, એ હેતાળ હાથ ને એવાં લાળ ઝરતાં નિર્દોષ મોઢાં ક્યાંથી લાવું ? ચૉકલેટ-ચ્યુંઈંગ ગમના જમાનાનાં આ બાળકો તો કદાચ થૂંકીયે કાઢે !

કચૂકાં મેં ડોલમાં પધરાવીને ઢાંકણ બંધ કરી દીધું. પણ ઢાંકણ અધખુલ્લું જ રહી ગયું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “ખાટી આમલી અને મીઠાં સ્મરણો – રીના મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.