વાદળઘેર્યા આભમાં – ડૉ. નવીન વિભાકર

[પુનઃપ્રકાશિત]

વાદળઘેર્યા આભમાં,
તું જ મારું તેજકિરણ,
તું જ મારું તેજકિરણ

‘અરે! જય, આપણને મોડું તો નહીં થાય ને?’
‘મૉના, કેટલી અધીરી થઈ ગઈ છે તું? સાત વાગ્યાની ફલાઈટમાં જવા તેં મને ને નીલીને ચાર વાગ્યાનાં ઉઠાડી તૈયાર કરી દીધાં છે. હજી પાંચ વાગ્યા છે. આપણે ટાઈમ પર લગવાડિયા એરપૉર્ટ પહોંચી જશું. જરા શાંતિ રાખ !’ જયે શાંતિથી તૈયાર થતાં બૅગ્ઝ વગેરે ગોઠવતાં કહ્યું.

‘ન્યુયોર્કથી લૉસ એન્જલસ બહુ લાંબી ફલાઈટ! કેમે કરતાં સમય પસાર નહીં થાય. તેં મારાં વાંચવાનાં મૅગેઝિન્સ લઈ લીધાં ને?’ મેં ગળામાં ચેન પહેરતાં કહ્યું. જય એની અધીરાઈ પર મનમાં હસ્યો, પણ બહુ સમજુ હતો ને મારી અધીરાઈનું કારણ પણ સમજતો હતો.

જય ને હું આજે પાંચ વરસ પછી, લગ્ન પછી પહેલીવાર, લૉસ એન્જલસ મારા પિતાને મળવા ને નીલીને બતાવવા લઈ જતાં હતાં. નીલી હજી ત્રણ જ મહિનાની થઈ હતી. પ્લેનમાં બેઠા પછી હું વિચારે ચડી ગઈ. મારા મનમાં દ્વિધા હતી કે પિતા તરફથી કેવો આવકાર મળશે ! માતાએ તો અમારાં લગ્ન સ્વીકારી લીધાં હતાં. પણ પિતાજી….! જે સમય હર્ષોલ્લાસનો હોય તેને બદલે…. ! મારા પિતા સાથે પાંચ વરસમાં મેં ભાગ્યે જ વાત કરી હશે ! ન્યુયોર્કથી જ્યારે ફોન કરતી, પિતાજી ઉપાડતા ને મારો અવાજ સાંભળી તરત જ માતાજીને આપી દેતા. મારા પિતાજી ખૂબ જ કડક સ્વભાવના. શિસ્તમાં, સંસ્કૃતિમાં, રીતભાતમાં બહુ જ માનતા. એક ભારતીય પિતામાં હોવા જોઈએ તે બધા જ ગુણો તેમનામાં હતા. દીકરી મોટી થાય એટલે તેને ભારતીય સંસ્કાર પ્રમાણે રસોઈ બનાવતાં આવડવી જ જોઈએ, આછકલાં કપડાં પહેરવાં ન જોઈએ, અમુક રીતે જ બેસાય, વડીલોનો માન-મરતબો જળવાવો જોઈએ વગેરે ખૂબ જ કડકાઈથી શીખવતા. હું એકની એક દીકરી એટલે કડકાઈ કરે પણ વહાલ પણ એટલું જ કરતા. નાળિયેર જેવા હતા. બહરથી ખૂબ જ સખત પણ અંદરથી ખૂબ જ નરમ ! ને હું પણ તેમની જ દીકરી હતી – એવી જ સખત ને એવી જ સ્વાભિમાની !

ફોનમાં તેઓ વાત ન કરતા તો હું શેની કરું? એવા અહમમાં પાંચ વરસ નીકળી ગયાં. એકબીજાથી અમે ખૂબ જ દૂર નીકળી ગયાં હતાં. કદાચ પ્રત્યક્ષ રીતે, પણ પરોક્ષ રીતે એક દિવસ પણ હું તેમને ભૂલી નો’તી.

હું બાર વરસની થઈ. મારા પિતાને મન મારી માતા ભારતીય સંસ્કૃતિની જીવતીજાગતી મૂર્તિ હતી. મને પણ એ જ ઢાંચામાં ઢાળવા તેઓ પ્રયત્ન કરતા. પણ તેઓ ભૂલી જત કે હું અમેરિકામાં જન્મી છું, અમેરિકામાં બાળકોનો વધુ સમય સ્કુલમાં જતો જ્યાં મુખ્યત્વે અમેરિકન વાઈટ બાળકો જ ભણતાં. તેમના સંસ્કાર મારામાં ઝિલાતા. અમેરિકાનો માહોલ એવો કે ભારતની જેમ મોટાં મોટાં મેદાનો કે શેરીઓ ન હોય કે જ્યાં તમે તમરા મિત્રો સાથે રમતગમત રમો કે ધિંગામસ્તી કરો. સ્કૂલેથી ઘરે આવે એટલે હોમવર્ક કરો અથવા ટીવી જુઓ. ને અહીં જન્મીને મોટી થઈ હોવાથી ટીવી જોવા કરતાં અમેરિકન પ્રૉગ્રામ્સ જોવા ખૂબ ગમતાં. મારી માતા ઘરકામ ઉપરાંત સામાજિક કાર્યોમાં ભાગ લેતી. હિન્દુ તહેવારોમાં પણ સક્રિય ભાગ લેતી. હોળી, જન્માષ્ટમી, દિવાળી જેવા તહેવારો ખૂબ જ હોંશથી ઊજવતી. મને પણ પરાણે ભાગ લેવડાવતી. બાળક હતી ત્યાં સુધી બધું નવું નવું લાગતું. પણ હાઈસ્કૂલ પૂરી કરતાં પિતાજી મને લોકલ યુનિવર્સિટીમાં દાખલ કરવા માગતા હતા અને મારી મહત્વાકાંક્ષાઓને પાંખો આવી હતી. U.C.L.A કે સ્ટૅનફર્ડમાં જવાનું મન હતું. ‘મૉના, ચાલ આપણે જરા વૉક લઈ આવીએ.’ પિતાજીએ એક દિવસ કહ્યું. હું સમજી ગઈ કે શા માટે તેઓ કહે છે. મને સમજાવવા માંગતા હતા, કારણકે તેઓ મારી દૂરી સહન કરી શકે એમ નો’તા. વિચાર કરતાં મારી આંખ ભીની થઈ ગઈ. નાની હતી ત્યારે તેમની આંગળી પકડી દરિયાકિનારે ફરવા જતી. મારા બાપુજીને તરવાનો ખૂબ શોખ. રોજ સવારે ઊઠી દરિયે તરવા જતા. મને પણ લઈ જતા ને અફાટ સમુદ્રમાં તરતાં. બીક લાગતી પણ પિતાજીના પ્યાર કે તેમની હૂંફથી હું એક અસાધારણ તૈરાક બની ગઈ. ક્યારેક સાગરકિનારે રેતીમાં ચાલતાં ન ફાવતું તો તરત મને ખંધોલે – ખભા પર તેડી લેતા અને ચાલતા ચાલતા કાવ્યપંક્તિ બોલતા, ‘વાદળઘેર્યા આભમાં, તું જ મારું તેજકિરણ, તું જ મારું તેજકિરણ.’ ‘બેટા મૉના, ખરેખર તારે બીજી યુનિવર્સિટીમાં જવું છે?’ વૉક લેતાં તેમણે કહ્યું. અમેરિકામાં જન્મતાં અમારી ભાષામાં ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી શબ્દોનો પ્રયોગ ખૂબ જ થઈ જતો, જ્યારે મેં હા કહ્યું તો તેઓ તરત મૂંગા થઈ ગયા.

હું તો મારાં સ્વપ્નોની દુનિયામાં વિહરતી હતી. પાંખો ફફડાવી ઊડી જવાનું મન થતું. છેવટે હું સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થઈ ગઈ. ત્યાં મને જયનો પરિચય થયો. તેનું અમેરિકન નામ Jay હતું, પણ હું તેને જય કહેતી. પરિચય પ્રણયમાં ફેરવાઈ ગયો ને વિચારોની આપ-લે લગ્નના નિર્ણય સુધી પહોંચી ગઈ. જય અમેરિકન વાઈટ ને હું ભારતીય ગુજરાતી ! પળભર માટે પિતાજીને કેમ જણાવવું તે વિચારે જ હું ધ્રુજી ઊઠી. માતા તો પ્રેમાળ હતી. મારા માટે બધું કરી છૂટવા તૈયાર હતી. પણ પિતાજી…. ! તોય હું તેમની જ દીકરી હતી ને ! જક્કીપણાને અમેરિકન અંગ્રેજીમાં ‘બુલહૅડેડ’ કહેવાય. પિતાજી બુલહૅડેડ હતા, તેવી જ હું હતી. જયની ભૂરી આંખોમાં જાણે સ્વપ્નિલ સાગર ઊછળતો દેખાતો ! તેના બદામી વાળમાં આંગળીઓ સેરવતાં એક અદમ્ય રોમાંચ અનુભવતી. અમે સાન મૉનિકામાં સાદાઈથી લગ્ન ગોઠવવાનું વિચાર્યું. મારો નિર્ણય જાણતાં પિતાજીને શું થયું તે માતા પાસે જાણ્યું ત્યારે દિલ ઉદાસ થઈ ગયું. એક શુદ્ધ ભારતીય પિતા પુત્રીને અમેરિકન પુરુષને જોડે લગ્ન કરવાની સંમતિ તો ક્યાંથી આપે ? પણ વિરોધ કરવાની તેમની રીત પણ અનોખી હતી ને ! લગ્નના બે દિવસ પહેલાં માતાપિતા આવ્યાં. પિતા પહેલી વાર જયને મળ્યા. સંસ્કારી હોવાથી ‘હાય!’ અમેરિકન રીતથી તેમણે પરિચય કર્યો. બસ. એ પછી પાંચ વરસ નીકળી ગયાં. તેઓ મને કેટલું ચાહતા હતા તે હું જાણતી હતી. હું કૅલિફૉર્નિયામાં રહીશ તો નજર સામે હોવા છતાં અમે અબોલા લીધા હતા તેથી તેઓ કેટલા દુ:ખી થશે તે જાણતી હોવાથી જયને મેં ન્યુયૉર્ક તેની સોફટવેર કંપનીમાં બદલી કરવા વિનંતી કરી. જયે ભારતીય સંસ્કૃતિ વિશે ખૂબ જ વાંચ્યું હતું તેથી તે સમજુ હતો. બદલી તો કરાવી પણ ભારતીય સંસ્કૃતિ જાણવી તે એક વાત ને તેને સમજી જીવનમાં ઉતારવી બીજી વાત. ભલભલા ભારતીયો ભારતીય સંસ્કૃતિ સમજી નથી શકતા તો જયનો શો વાંક કાઢું? પણ જય એક ઉમદા પતિ પુરવાર થયો હતો. ભારતીય સંસ્કૃતિમાં પતિ અમુક જ કામ કરે ને પત્ની અમુક જ કામ કરે તેવી બંદિશો અમેરિકન સંસ્કૃતિમાં ન હોય. અહીં તો પુરુષને જ્યારે પત્નીની ડિલિવરી આવવાની હોય તો લેબરરૂમમાં હાજર રહેવાની છુટ્ટી. ઘણીવાર તો ડિલિવરી કેમ કરાય તે પણ તેમને શીખવવામાં આવે ! નીલી વખતે જય મારી પડખે જ ઊભો હતો !

નીલીનો જન્મ થતાં એક જાતનું લોહીનું ખેંચાણ મારામાં જાગ્યું. મારાં માતાપિતાને નીલી બતાવવા જવાનું મન થયું. ‘જય ! નીલીને લઈને લૉસ એન્જલસ જઈશું ?’ કહેતાં મારી આંખમાં પાણી આવી ગયાં. મને બાહુપાશમાં લઈ લેતાં જયે સ્નેહથી કહ્યું, ‘હું સમજું છું મૉના, પિતાજીને મળવાનું મન થયું છે ને ! મને બે અઠવાડિયાંની રજા મળશે. એક અઠવાડિયું તારાં માતાપિતા ને એક અઠવાડિયું મારાં માતાપિતા પાસે ગાળશું. કેમ લાગે છે મારો આઈડિયા?’ ‘ઓહ જય !’ કહી ખુશીની મારી મેં તેને ચૂમી લીધો !

ને હવે બળવાખોર પુત્રી આજે નીલી ને જયને લઈને માતાપિતાને મળવા જઈ રહી હતી. ફલાઈટ ઍરપૉર્ટ પર આવતાં પિતાનું વર્તન કેવું હશે? અમને સ્વીકારશે? નીલી પ્રત્યે કેવો ભાવ બતાવશે? જો નહીં બોલે કે નીલીને નહીં તેડે તો આ પછી કદાપિ હું તેમને મળીશ નહીં તેવો મનોમન નિર્ણય પણ મેં કરી લીધો.

ફ્લાઈટ લૅન્ડ થતાં નીલીને મેં મારી માતાના હાથમાં આપી દીધી પણ મેં જોઈ લીધું કે પિતાજી આંખના ખૂણાથી તેને જોઈ રહ્યા હતા. તેમને હતું કે નીલી જય જેવી અમેરિકન-શ્વેત હશે ! પણ નીલી ઘઉંવર્ણી કરતાં ઊજળી ને શ્વેત ઓછી એવી આકર્ષક ઘાટીલી હતી. તેના ઉછળતા હાથપગ કદાચ પિતાજીને મારું બાળપણ યાદ અપાવતા હશે. નીલીની આંખો એકદમ ચમકદાર, પિતાજીના જેવી જ હતી. જાણે તેજકિરણોના ફુવારા તેમાંથી ઊડતા હોય ! નીલી નાનીમાના હાથમાં સ્નેહથી સમાઈ ગઈ હતી. પણ પિતાજી કશું બોલ્યા નહીં. જયે સ્નેહથી મારો વાંસો થપથપાવ્યો ને કહ્યું, ‘ડૉન્ટ બી અપસેટ ! નેચર વિલ ટેક ઈટ્સ કોર્સ !’ પણ મારા મનમાં અવઢવ હતી. કરશે?

સાંજન ભોજન પછી હું ને જય મારા પહેલાંના બેડરૂમમાં ગયાં. મારો રૂમ જેવો હતો તેવો જ સજાવવામાં આવ્યો હતો. નીલીની જાણે ચિંતા અમને ઓછી થઈ ગઈ હતી. આ દેશમાં પતિઓ પણ બાળકોને દૂધની બૉટલ પીવડાવે છે, દૂધ ગરમ કરે, બાળકોના નેપીઝ – બાળોતિયાં બદલાવે, નવડાવે, કપડાં પહેરાવે. ભારતીય પતિઓને આવું બધું ન ફાવે કે પછી ભારતીય પત્નીઓએ જ ભારતીય પતિઓને બગાડ્યા હશે ! અહીંની ભાષામાં ‘સ્પૉઈલ’ કર્યા હશે ! જય ખુશીથી બોલ્યો, ‘હાશ ! આજ રાત્રે મારે નીલીને દૂધ પિવડાવવા નહીં ઉઠવું પડે !’

મને યાદ આવી ગયું, મારા પિતાજી હું નાની હતી ત્યારે મને નવડાવતા, કપડાં પહેરાવતા. માતાજી બોલતાં કે લાવો હું કરી નાખીશ, પણ પિતાજી ન માનતા. કેટલું વહાલ મને તેઓ કરતા. ‘મૉના, શું વિચારે છે?’ જયે પૂછ્યું. ‘પિતાજીએ નીલીને તેડી પણ નહીં ! આટલો ગુસ્સો !’ દુ:ખને લીધે કે ઘવાયેલી લાગણીઓને લીધે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

મધરાતે માતાસહજ સ્ફુરણાથી હું જાગી ગઈ. નીલીની બૉટલનો ટાઈમ થયો હતો. પણ માતાપિતાના રૂમમાંથી નીલીના રડવાનો અવાજ નો’તો આવતો, એને બદલે દીવાનખંડમાંથી ધીમોધીમો નાની છોકરીના ખિલખિલાટ હાસ્યનો અવાજ સંભળાયો.

ચુપકીથી હું દાદાર પર આવીને નીચેનું દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ. નીલી, દીવાનખંડના ગાલીચા પર ઓશીકા પર સૂતી હતી. તેના હાથપગ ખુશીથી ઊછળતા હતા. તે જાણે તેના પર ઝળૂંબી રહેલા એક ભારતીય ચહેરાને ઓળખવાનો પ્રયત્ન કરતી હતી. એ ઝળૂંબી રહેલો સખત ચહેરો જાણે મખમલી સ્નેહનો સાગર લાગતો હતો. મોઢા પર એક ચમકતું હાસ્ય હતું. આંખોમાં ખુશીના ચમકારા હતા. પિતાજી નીલીને બૉટલ પીવડાવી રહ્યા હતા ને નીલીના બચકારામાંથી જાણે પ્રેમનો સાગર વહેતો હતો. તેઓ નીલીના પડખામાં આંગળીઓથી ગુદગુદી કરતા હતા. એનો ખિલખિલાટ મને સંભળાતો હતો.

બેડરૂમમાં આસ્તેથી સરકી મેં જયને ઉઠાડ્યો. ‘જય, જય, ચાલ તો બહાર, તને કંઈક બતાવું !’ જય તો આભો જ બની ગયો. પિતાજીને મનાવી લેવા જેટલી હું આતુર હતી તેટલા જ પિતાજી પણ આતુર હતા, પણ તૂટેલા સ્નેહના સેતુને ફરી બાંધવો કેવી રીતે તે અમને આવડતું નો’તું. નીલી એ સેતુ બની ગઈ. નીલીએ દૂધ પી લેતાં પિતાજીએ તેને તેડી, તેને ઓડકાર ખવડાવ્યો, ને થપથપાવતાં રૂમમાં ફરતા ફરતા ગાવા લાગ્યા. ‘વાદળઘેર્યા આભમાં, તું જ મારું તેજકિરણ, તું જ મારું તેજકિરણ.’

જયે સમજપૂર્વકની દ્રષ્ટિ મારા પ્રત્યે કરી. નજીક સરી તેની ગોદમાં હું લપાઈ. મારા ચહેરા પર તેણે પણ એ જ તેજકિરણ જોયું. મારા પિતાજી મારા ચહેરા પરથી પરાવર્તિત થયેલું એ જ તેજકિરણ અત્યારે નીલીના ચહેરા પર જોઈ રહ્યા હતા !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “વાદળઘેર્યા આભમાં – ડૉ. નવીન વિભાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.