- ReadGujarati.com - http://www.readgujarati.com -

મેળો – જતીન મારુ

[‘જનકલ્યાણ’માંથી સાભાર.]

આજે શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી હતી. પોતાની વયના અન્ય છોકરાઓની જેમ દીપક પણ આજે ખૂબ જ ખુશ હતો. નિશાળમાં રજા હતી. ગામમાં પ્રગટેશ્વર મહાદેવના મંદિરના ચોગાનમાં મેળો ભરાવાનો હતો. સવારે વહેલો ઊઠીને તે જલદી જલદી તૈયાર થઈ ગયો. બાપુજીનાં પાટલૂનમાંથી કપાવીને બનાવેલી ભૂરી ચડ્ડી અને લાલ રંગનું અડધી બાંયનું ખમીસ પહેરીને તે કબાટનાં તરડાયેલા અરીસામાં જોઈને ઈનશર્ટ કરવા લાગ્યો. ‘વાહ ! મારો તો ખરેખર, વટ પડે છે હોં !’ મનોમન તે પોરસાવા લાગ્યો.

‘આ લે, દીપુડા ! પૂરા દોઢસો રૂપિયા છે. સાચવીને રાખજે ખિસ્સામાં…..’ માએ સાડલાની કોર છોડીને, એમાંથી ચલણી નોટો દીપકને આપતાં કહ્યું. પછી કંઈક યાદ આવતાં ફરી ઉમેર્યું, ‘અને હા ! રમકડાં જરા તપાસીને લેજે અને ફૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખજે !’
‘હા, હા, તું ચિંતા ન કર, મા !’ ચૌદ વર્ષનો દીપક, કોઈ સમજદારની અદાથી બોલ્યો. ઉતાવળે પગલે, પગમાં સ્લીપર પહેરીને, બસ ડેપોએ જવા, તે ચાલી નીકળ્યો. બસમાં બેસીને તેણે ખિસ્સામાંથી કાઢીને રૂપિયા ફરીથી ગણી જોયા. વળી ગયેલી, એ ગાંધીછાપ નોટોની કિંમત પૂરા દોઢ-સો રૂપિયા હતી. તેણે ફરીથી નોટો પોતાની ચડ્ડીના ખિસ્સામાં મૂકી દીધી. બારીની બહાર જોયું. એક નાનકડા છોકરાને તેડીને કોઈ સ્ત્રી બહાર ઊભી હતી. છોકરો ‘આવજો’ ‘આવજો’ કહેતો, હાથ હલાવતો હતો. દીપકે ધ્યાનથી જોયું. એ છોકરો બસ ડ્રાઈવર સામે હાથ હલાવતો હતો. કદાચ એ તેનો દીકરો હશે !

દીપકનું મન વિચારે ચડી ગયું. મા કહેતી કે, પોતે જ્યારે નાનો હતો ત્યારે ઘણીવાર બાપુ સાથે બસમાં જવાની જીદ કરતો. ત્યારે મા તેને આ જ રીતે બાપુને વળાવવા, ડેપો સુધી લઈ જતી. ત્યારે પોતે પણ આ રીતે જ, પિતાને ‘આવજો’ કહીને વળાવતો હતો ! એક દિવસે સાંજે અતિશય મોડું થઈ ગયું. બાપુ ન આવ્યા. મા ચિંતાતુર ચહેરે ચોરા સુધી તપાસ કરવા ગઈ હતી. કોઈકે કહ્યું કે, બાપુની બસને અકસ્માત નડ્યો છે. કોઈ ઢોરને બચાવવા જતાં, બસ ખાડામાં ગબડી પડી હતી. અઠવાડિયા બાદ જ્યારે બાપુ ઈસ્પિતાલેથી ઘેર આવ્યા ત્યારે જાણે સાવ બદલાઈ ગયા હતા. કંઈક ખૂટતું હતું એમનમાં ! ડાબો પગ ક્યાંય દેખાતો નહોતો ! બસ, એ પછી તો મા, પારકાં કામ કરી-કરીને અને જૂનાં લૂગડાંનું સમારકામ કરીને ઘરનું ગાડું ચલાવતી.

દીપક વિચારમાંથી જાગ્યો ત્યાં શહેર આવી ગયું હતું. એક કલાકના રસ્તામાં તેના મગજમાંથી એક આખો દસકો પસાર થઈ ગયો. દીપક બસમાંથી ઉતરીને ચાલવા લાગ્યો. રસ્તાની એક બાજુ, ગાંઠિયાવાળાની લારી હતી. ગરમાગરમ ગાંઠિયાની ખુશ્બૂએ એનું ધ્યાન ખેંચ્યું. આજે ઉતાવળે ઘરેથી નીકળતાં તેણે શીરામણ કર્યું નહોતું અને કદાચ શિરાવ્યો હોત તો પણ એ ટાઢા રોટલાનાં ટુકડા, આ ગરમાગરમ ગાંઠિયાની સામે કેટલીક ટક્કર ઝીલી શકે ?! માએ એક-બે રૂપિયા, વાપરવાનાં, વધારે આપ્યાં હતાં. એ રૂપિયામાંથી નાસ્તાની મજા લેવા, દીપકનું મન લલચાયું. તે લારી તરફ ચાલતો થયો. ચાલતાં-ચાલતાં વળી, તેને વિચાર આવ્યો. આ બે રૂપિયામાંથી તો માટીનું વધુ એક રમકડું આવી જશે ! અને એ રમકડું મેળામાં ત્રણ રૂપિયા કમાવી આપે ! એક રૂપિયાનો સીધો ફાયદો ! ના, ના, આ પૈસા, નાસ્તામાં નથી વેડફવા ! દીપકનું નાનકડું મન, વેપારીની જેમ ગણતરી કરવા માંડ્યું. તાજાં ગાંઠિયાની સુગંધ, શ્વાસમાં ભરતો, તે મક્કમ મને લારી પાસેથી આગળ વધી ગયો.

રમકડાંવાળાની દુકાન ખાસ્સી દૂર હતી. રિક્ષામાં પૈસા બરબાર કરવા પોષાય તેમ નહોતા. ખિસ્સામાં ફક્ત દોઢ-સો રૂપિયા હતાં ! જેમાંથી રમકડાં ખરીદીને મેળામાં વેચવાનાં હતાં. તહેવારના દિવસોમાં આ રીતે કોઈ મોસમી ધંધો કરીને, મા-દીકરો, થોડું વધારે કમાઈ લેતા અને આ રીતે એમના પરિવારનું ગાડું ગબડ્યે જતું હતું. વળી, આ દોઢસો રૂપિયા પણ માએ, પાડોશી બાબુકાકા પાસેથી ઉછીના આણેલા હતા. બધાં રમકડાં વેચાઈ જતાં સોએક રૂપિયા જેટલો નફો તો મળી જ રહેશે. પછી સાંજે પોતે માને કહેશે કે, મિષ્ટાન્ન બનાવે ! દીપક, પોતાની ધૂનમાં ને ધૂનમાં ચાલ્યો જતો હતો. ધીમે ધીમે તડકો વધતો જતો હતો. ઘસાયેલા સ્લિપરમાંથી પગની એડી જરા બહાર રહેતી હતી. ડામરની તપતી સડકો પર દાઝતાં પગે દીપક, ફટાફટ આગળ વધ્યે જતો હતો. તહેવારનો દિવસ હોવાથી રમકડાંના જથ્થાબંધ વેપારીની દુકાનોમાં ખાસ્સી ભીડ હતી. નાના વેપારીઓ અહીંથી થોકબંધ માલ લઈને બજારમાં ઊંચાં દામે વેચતા હતા.
‘એલા, શું જોઈએ છે તારે ?’ વેપારીએ દીપકને પૂછ્યું.
‘કાકા, આ માટીની ઢીંગલીઓ, પેલા હાથી-ઘોડા અને બતક…..’ દીપકે માટીનાં રમકડાં તરફ નજર કરીને પોતાના મનગમતાં રમકડાં માગ્યાં.
‘ઊભો રે, જરાક ! પેલા બીજા ઘરાકને પતાવી દઉં પછી તારો વારો…..’ કહીને વેપારી વધારે માલ ખરીદવા આવેલા ઘરાકો સાથે સોદો કરવા લાગ્યો. દિવસ ચડવા લાગ્યો હતો. દીપકને મોડું થયું હતું. તેણે વેપારીને વિનંતી કરી, ‘કાકા, મારો ઓર્ડર પહેલાં પતાવી દોને ! હું ક્યારનો ઊભો છું…..’
‘જો ભાઈ, તારે બહુ ઉતાવળ હોય તો હાલ તો થા ! મારે મોટા ઓર્ડરમાં પહેલાં ધ્યાન આપવું કે તારા જેવા પરચૂરણ ઘરાકમાં ?!’ વેપારી જરા તોછડાઈથી બોલી ગયો.

થોડીવારે દીપકનો વારો આવ્યો. પોતાને જોઈતાં રમકડાં કઢાવીને ફટાફટ સોદો પતાવી દીપક, રસ્તા પર ચાલી નીકળ્યો. ખાસ્સું મોડું થઈ ગયું હતું. રમકડાંનું પોટલું માથે મૂકીને દીપક, ઝપાટાભેર બસસ્ટેન્ડ તરફ ચાલી નીકળ્યો. જમવાનો વખત ક્યારનો થઈ ગયો હતો અને ભૂખને લીધે તડકામાં ચાલતાં, હાંફી જવાયું હતું પરંતુ દીપકને તો નજર સામે મેળો જ દેખાતો હતો ! ક્યારે પોતે મેળામાં પહોંચે અને ફટાફટ આ રમકડાં વેચાઈ જાય ! બસ, પછી તો જલસા ! મા તો ક્યારની મેળામાં પહોંચીને મંદિરના પાછળના દરવાજે બેઠી રાહ જોતી હશે ! એકવાર ત્યાં પહોંચી જવાય એટલી જ વાર ! આટલાં રમકડાં તો આજે મેળામાં ફટાફટ વેચાઈ જવાનાં ! દીપક બસ-સ્ટેન્ડ પર પહોંચ્યો તો બસ ઉપડવાની તૈયારીમાં જ હતી. તે ફટાફટ બસમાં ચડી ગયો. તહેવારના દિવસો હોવાથી બસમાં ભારે ગિરદી હતી. પોટલાને એક ખૂણામાં ગોઠવીને તે ઊભો રહી ગયો. થોડીવારે કંડકટર આવ્યો. ટિકિટ ફાડીને આપતાં કહ્યું :
‘લાવ પાંચ રૂપિયા !’
દીપકે ખિસ્સામાં હાથ નાખ્યો પણ પાંચની નોટ જડી નહીં. તેણે બીજું ખિસ્સું પણ તપાસી જોયું પણ કાંઈ જડ્યું નહીં ! તેના પેટમાં ફાળ પડી ! નક્કી રમકડાંવાળાને ત્યાં સોદો કરતી વખતે, પાંચની નોટ ત્યાં જ પડી ગઈ હશે ! દીપકના ચહેરાના હાવભાવ જોઈને કંડકટર પારખી ગયો કે, તેની પાસે રૂપિયા નથી. ‘પૈસા નહોતા તો શું જોઈને બસમાં ચડ્યો ? ચાલ, ઉતર હેઠો !’ કંડકટરે ધમકાવીને, દીપકને બસમાંથી નીચે ઉતારી મૂક્યો અને તેનું પોટલું પણ રસ્તા પર ફેંકી દીધું. દીપક રડમસ ચહેરે ફૂટપાથ પર બેસી રહ્યો. એક તો ભૂખ, ઉપરથી પોટલાનો બોજ અને એમાંય અધૂરામાં પૂરું, ટિકિટના પૈસા ખોવાઈ ગયાં !

દીપકનાં મનમાં જાતજાતના વિચારો આવવા લાગ્યા-હવે શું થશે ? સમયસર કેમ પહોંચાશે મેળામાં ? મા, ત્યાં રાહ જોતી હશે ? પહોંચાશે નહીં તો રમકડાં પણ ક્યાંથી વેચાશે ? ને રમકડાં નહીં વેચાય તો…. દીપકની માથે જાણે આભ ફાટ્યું હતું અત્યારે ! દીપકની આંખોમાં આંસુ આવી ગયાં પણ બેઠાં બેઠાં રડવાને બદલે તેણે પોટલું માથે મૂક્યું અને થયો ચાલતો ! શરીરમાં શક્તિ નહોતી, તાપ પણ હતો અને રસ્તો ખૂબ જ લાંબો હતો, પરંતુ દીપકના મનમાં મેળો અને મેળામાં પોતાની નાનકડી રમકડાંની દુકાન જ દેખાતી હતી ! તેના પગને જાણે પાંખો ફૂટી….. દિવસ થોડો જ રહ્યો ત્યારે તે મેળામાં પહોંચ્યો. મા તેની રાહ જોઈને અરધી થઈ ગઈ હતી. તરત જ તેણે કહ્યું : ‘કેમ મોડું થયું ? ક્યારની હું તારી રાહ જોઉં છું….’

દીપક પોટલું એકબાજુ મૂકતાં જમીન પર બેસી પડ્યો. માએ કહ્યું : ‘ચાલ, હવે રમકડાં ગોઠવી દઈએ ! દિવસ થોડોક છે, જલદીથી આ રમકડાં વેચાઈ જાય !’ કશું જ બોલ્યા વિના દીપકે રમકડાંનું પોટલું ખોલ્યું. માએ જોયું તો બધાં જ રમકડાં ફૂટી ગયાં હતાં ! તે ઘડીક દીપકની સામે તો ઘડીક, તૂટેલાં રમકડાંની સામે જોતી રહી….’
‘મા…..’ દીપક તેની માને વળગીને રોઈ પડ્યો. માની આંખો પણ ભીંજાઈ ગઈ. તે બોલી, ‘હશે, જવા દે, આ સાલ નહીં તો આવતા મેળામાં કમાઈ લઈશું, બેટા ! દિવસના ક્યાં દુકાળ છે ? ને જિંદગી છે ત્યાં સુધી મેળા તો આવશે જ ને !’