યુદ્ધ અને શાંતિ – કલ્પના જિતેન્દ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર. આપ કલ્પનાબેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

‘હજુ થાળી તો પીરસી નથી ને ક્યારની બૂમાબૂમ કરે છે !’ મનસુખલાલ ડાઈનિંગ ટેબલ પર જમવા બેઠા, પણ અધૂરી પીરસેલી થાળી જોઈને ગુસ્સો ભભૂકી ઊઠ્યો.
‘ક્યારની બૂમાબૂમ કરું છું ? માત્ર બે વાર તમને બોલાવ્યા…. અને થાળી તો પીરસી જ છે ને ?’ મંજુલાબેને રોટલી વણતાં વણતાં કહ્યું.
‘રોટલી તો મૂકી નથી !’
‘દાળ, શાક, સંભારો, કચૂંબર, દહીં બધું મૂક્યું છે, માત્ર રોટલી ગરમ ઉતારું એટલે મૂકું…..’
‘છાશ તો બનાવી નથી ને પાપડ ?
‘ગઈકાલે તમે દહીં ખાધું હતું એટલે આજે એ જ મૂક્યું. તમે જમતા થાવ એટલામાં છાશ બનાવી દઉં છું.’ મંજુલાબેને ગરમ રોટલી થાળીમાં મૂકતાં કહ્યું.

મનસુખલાલે એક-બે કોળિયા ભર્યા ને હાશ થઈ. શાક, સંભારો સ્વાદિષ્ટ બન્યાં હતાં. બિલકુલ એમના ટેસ્ટનાં જ ! દાળનો સબડકો ભર્યો ને મગજનો પારો ઊંચે ચઢ્યો.
‘ઉફ ! દાળ કેવી બનાવી છે ? ખાટી ખાટી !’
‘ના હોય ! માત્ર બે ટમેટાં નાખ્યાં છે ને અર્ધું લીંબું નીચોવ્યું છે એટલામાં ખાટી થઈ જાય ?’
‘તું જ ચાખી જો ને. ખાટી ચૂડા જેવી છે. હજાર વાર ના પાડી તોય ધ્યાન જ નથી રાખતી…. તારે દાળમાં ખટાશ નાખવી જ નહિ.’
‘ઘણા લોકો તો કોકમ-આંબલી નાખે છે એને ખટાશ કહેવાય. લીંબું-ટમેટાં ખટાશ ન કહેવાય, એ તો જરૂરી છે. એના વગરની દાળ કેવી થાય ? બે ટમેટાં નાખ્યાં એમાં શું ?’

‘બે ટમેટાં ?…. ટમેટાંની સાઈઝ તો જોવી જોઈએ ને. આ તારા શરીર જેવાં બે ટમેટાં નાખ્યાં હોય તો નાતની દાળ થઈ જાય અને લીંબુ ?….. તારા પેટ જેવડું લીંબુ નાખે છે તો મારા તો માથાના વાળ ઊભા થઈ જાય છે.’
‘વાળ ?….. માથામાં વાળ હોય તો ઊભા થાય ને ! દિવસેદિવસે ટાલ વધતી જાય છે. ગુસ્સો, ઓછો કરો ગુસ્સો. આ ગુસ્સામાં ને ગુસ્સામાં માથાના વાળ બળી ગયા.’
‘લે રાખ રાખ હવે. દાળ ખાટી છે એમ કીધું એમાં તો !’
‘લો, હવે આ થાળીમાં પીરસેલું ઠંડું થાય છે. જમવા માંડો….. હાય હાય મારી તો રોટલી બળી ગઈ આ તમારી માથાફોડમાં !’
‘માથાફોડ કરું છું હું ?….. હું માથાફોડ કરું છું કે તું ?… રોટલીમાં ધ્યાન રાખને, બાળી નાખી !’
‘લો, દાળની વાતમાંથી હવે રોટલી પર આવ્યા ? તમને તો કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.’
‘કચકચ નથી કરતો. પેલી કહેવત જાણે છે ને ? જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો ને જેની બૈરી બગડી તેની જિંદગી બગડી.’

સાંભળતાં જ મંજુલાબેન કમરે હાથ મૂકી મનસુખલાલની સામે ઊભા રહી ગયાં. આંખમાંથી અગ્નિવર્ષા ને મુખમાંથી વાગ્બાણ !
‘એટલે મેં તમારો દિવસ બગાડ્યો… તમારી જિંદગી બગાડી એમ જ કહેવા માગો છો ને તમે ?’
પત્નીનું રૌદ્રરૂપ જોઈ મનસુખલાલ જરા ઝંખવાયા : ‘હું એવું નથી કહેતો, આ તો જરા કહેવત યાદ કરાવી.’
‘આમ કહેવત યાદ કરાવવાનો અર્થ શું ? કહેવતના બહાને કહ્યું તો મને જ ને ?’
‘તારે જેમ માનવું હોય તેમ માન,’ મનસુખલાલે ચમચી થાળીમાં પછાડી, ‘બાકી તને ખાટું ખાવાની ભયંકર આદત તો છે જ. કઢી પણ મોળા દહીંની નહિ ને ખાટા દહીંની બનાવે છે…. અરે આંબળા ને કાચી કેરી તો ચબડચબડ ચાવતી હોય છે.’
‘અને તમને ખારું ખાવાની આદત છે. એ તો જેવી જેની આદત.’
‘તું તો ! અરે, તારા હાથપગ સોજી જાય છે. આ ખટાશ ખાઈખાઈને આખું શરીર સોજી ગયું છે…. અરે ! તારા મગજમાં પણ ખટાશ ભરાઈ ગઈ છે.’
‘અને તમે ! દાળ-શાકમાં દોથે ને દોથે મીઠું નાખો છો. આ હાઈ-બીપીનું લાકડું એમાં જ ચોંટ્યું ને ! ડૉક્ટરે ના પાડી છે તોય મીઠું તો ખાધે જ જાવ છો. મને જે વસ્તુ ખારી લાગતી હોય એમાં તમે ઉપરથી મીઠું ભભરાવો છો.’
‘તને તો સ્વાદની જ ક્યાં ખબર પડે છે ? બસ, જેમાં ને તેમાં લીંબું નીચોવવાનું.’
‘ના…. ત્યારે. એમનેમ બધા મારી રસોઈ વખાણે છે, નહિ ? અને તમે બેમોઢે ખાઓ છો તો ખરા મીઠું ભભરાવીને…… આ મીઠાએ તો દાટ વાળ્યો. હું તો ડૉક્ટરના બિલ ભરીભરીને થાકી. તમારી તબિયત બગડે છે એનું તો ધ્યાન રાખો.’
‘તું તારું પોતાનું ધ્યાન રાખ ને. આ તારી ખટાશે તને આખી ને આખી સોજાડી નાખી છે. ફૂલીને ગોળમટોળ થઈ ગઈ છો. અસલ ગોરાણી ! ગોરાણીમા !’
‘ને તમે ? તભા ભટ્ટ ! ટાલિયા તભા ભટ્ટ !’ કહેતાં મંજુલાબેને નજીક આવી મનસુખલાલની ટાલ પર હળવેથી હાથ ફેરવ્યો, ‘ઓલા તભા ભટ્ટના મગજમાં રાઈ ભરાઈ જતી’તી ને તમારા મગજમાં મીઠું…. આ ટેબલ પર મીઠાની ડબી રાખું તો તમે ખાવ ને…. જુઓ હવે…’ કહેતાં જ એમણે મીઠાની કાણાવાળી નાની ડબીનો સીધો બારીની બહાર ઘા કરી દીધો. મનસુખલાલ ગુસ્સાથી ધમધમી ઊઠ્યા. થાળીને હડસેલો મારી ટેબલ પરથી ઊભા થઈ ગયા :
‘મારે હવે જમવું જ નથી…. મીઠું ફેંકી દીધું ? ના, ના, દુકાનેથી બીજી કોથળી લાવતા મને નહિ આવડે ? જો હું તારી ખટાશનો ખાતમો બોલાવું છું…..’ કહેતાં જ ફ્રિજ ખોલીને જેટલાં હતાં તેટલાં લીંબું-ટમેટાં લઈ બારીની બહાર ફેંકી દીધાં. પગમાં ચંપલ પહેરી બબડતા બબડતા ઘરની બહાર નીકળી ગયા. મંજુલાબેન પણ રસોડામાં ઢાંકોઢૂંબો કરી જમ્યા વગર જ સૂઈ ગયાં.

મનસુખલાલ સાંજે પાછા આવ્યા ત્યારે મંજુલાબેન રસોડામાં હતાં. તજ-લવિંગનો વઘાર ને મીઠા લીંબડાથી તરબતર ગરમાગરમ કઢીની સોડમ આવતી હતી. પોતે સવારે જમ્યા નહોતા. ભૂખ તો લાગી જ હતી. ઘરમાં આવીને તરત જ રસોડામાં ડોકું કાઢ્યું.
‘લો હવે હાથપગ ધોઈને જમવા બેસી જાવ. થાળી તૈયાર જ છે. કઢી તો મોળા દહીંની જ બનાવી છે હોં ! તમને ભાવે તેવી.’ ટેબલ પર બેસતાં મનસુખલાલે જોયું તો ખીચડી, કઢી, શાક, ભરેલાં મરચાં, ભાખરી, પાપડ, છાશ બધું જ પિરસાયેલું હતું ને મીઠાની નવી ડબી થાળીની બાજુમાં ગોઠવાઈ ગઈ હતી. અથાણાંનો ડબો ખોલ્યો તો તેમાં પણ નાની વાટકીમાં મીઠું ને ચમચી મૂકેલાં હતાં.

‘સાંભળ, જો હું લીંબુ-ટમેટાં લાવ્યો છું. થેલીમાં છે. ટમેટાં જરા સમારી આપને. ખીચડી સાથે મજા આવશે.’ મનસુખલાલે કઢીનો સબડકો ભરતાં કહ્યું. મંજુલાબેને થેલી ઊંધી વાળી તો લીંબું-ટમેટાંની સાથે આંબળા ને નાની કાચી કેરી પણ નીકળી પડ્યાં. થેલીનો અસબાબ જોઈ મંજુલાબેનની આંખો હસી ઊઠી. મનસુખલાલ ત્રાંસી આંખે જોતાં હતાં : ‘આ લીંબુ, તાજાં અને મોટાં છે. થોડાં દાળ-શાકમાં નાખવાં રાખજે ને થોડાનું અથાણું બનાવજે. લીંબુ-મરચાંનું અથાણું ખાવાનું મન થયું છે ને આ કેરીનું ખાટું અથાણું જ બનાવજે હોં…. ગળ્યું ના બનાવીશ. આવી ટેસદાર ખીચડી-કઢી સાથે તો ખાટું અથાણું જ જામે.’ કહેતાં જ મનસુખલાલે કઢી-શાકમાં પ્રેમથી મીઠું ભભરાવ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

30 thoughts on “યુદ્ધ અને શાંતિ – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.