બાળકો અને ઈન્ટરનેટ – કિરણ ન. શીંગ્લોત

[‘બાલમૂર્તિ’ સામાયિક સપ્ટેમ્બર:2011માંથી સાભાર.]

આજની પેઢીનાં બાળકોના જીવનમાંથી હવે ટી.વી., ટૂ વ્હીલર, મોબાઈલ અને ઈન્ટરનેટ દૂર કરી શકાય તેમ રહ્યું નથી. આપણે આ બધી ટેકનોલોજીની બાળકો પર થતી માઠી અસરોની ગમે તેટલી ચર્ચા કરીએ પણ એમના જીવનમાં એ અનિવાર્ય દૂષણ જેવાં થઈ ગયાં છે. એટલે હવે આપણે બાળકોને ટી.વી., મોબાઈલ કે ઈન્ટરનેટથી શી રીતે બચાવવાં જોઈએ એની ચર્ચાઓ કરવાને બદલે તેઓ એમનો સંયમિત ઉપયોગ શી રીતે કરી શકે એના ઉપાયોની વાત કરવી જોઈએ.

બાળકો વિવિધ કારણોસર ઈન્ટરનેટનો ઉપયોગ કરતાં હોય છે, જેમાં આનંદ-મનોરંજન અને પરસ્પરના સંદેશા વ્યવહારનો ઉદ્દેશ કદાચ સૌથી મોખરે છે. ઈન્ટરનેટ પર અનેક રમતો રમવાનો આનંદ લઈ શકાય છે. એના માધ્યમથી એ અનેક આધુનિક અને મનગમતાં ગીતો સાંભળતાં અને ડાઉનલોડ કરતાં હોય છે. આજકાલ ફેસબૂક જેવી સોશ્યલ નેટવર્ક વેબસાઈટથી નાનામાં નાનું બાળક અતિપરિચિત બની ગયું છે. આજના કિશોરોને કાગળ લખતાં નહીં આવડતું હોય, પણ મોબાઈલથી મેસેજ અને ઈન્ટરનેટથી ઈ-મેઈલ મોકલવાની કળામાં એ આપણા કરતાં વધારે પાવરધા બની ગયા છે. એક અંદાજ એવો છે કે આજનો યુવાન પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ સમય અને સાધન તરીકે બમણો કરતો હોય છે. આખા વિશ્વમાં ઈન્ટરનેટ માધ્યમનો સૌથી વધારે પ્રચાર એશિયા અને દક્ષિણ અમેરિકામાં થયેલો છે. આપણા દેશમાં કુલ ઈન્ટરનેટ વપરાશનો 20% હિસ્સો બાળકો ધરાવે છે એવો એક અભ્યાસ છે.

ગ્રામીણ વિસ્તારના કિશોરો પણ એમાંથી બાકાત નથી. બાળકોને આ માધ્યમ ઘરોમાં તેમજ સ્કૂલોમાં સુલભ બન્યું છે એનો આ પ્રતાપ છે. હવે આપણે એમને એનાથી બાકાત રાખી શકીએ તેમ નથી. શીખવાની પ્રવૃત્તિમાં પણ ઈન્ટરનેટ ખૂબ ઉપયોગી બન્યું છે. ઈન્ટરનેટ અવનવી માહિતીઓનો પ્રચંડ સ્ત્રોત છે. બાળકોને પુસ્તકોની દુનિયાનું હવે આકર્ષણ રહ્યું નથી. સાયબર વર્લ્ડમાં ડૂબકી મારીને ધારે તે તેઓ મેળવી શકે તેમ છે. ભય માત્ર એટલો જ છે કે ઈન્ટરનેટથી મળતી માહિતીઓની ખરાખરી કરવાની વિવેકબુદ્ધિનો હજુ એમની અંદર પૂરતો વિકાસ થયેલો હોતો નથી. એટલે એ એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવાનો પૂરો સંભવ રહે છે. ઘરનાં અને સ્કૂલનાં મોટેરાંની અહીં ઘણી મોટી જવાબદારી રહે છે. ટી.વી., ચલચિત્રો અને ઈન્ટરનેટની દુનિયામાં જેનું ચિત્રણ કરવામાં આવે છે તે કાલ્પનિકતા અને વાસ્તવિકતાની વચ્ચે તફાવત બાળકો અને કિશોરો પારખી શકતાં નથી. એટલા માટે અતિશય ટી.વી. જોનાર કે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર બાળક પોતાના સ્વ-રચિત મનોજગતમાં રાચતું થઈ જાય છે, જેનો વાસ્તવિક દુનિયા સાથે મેળ રહેતો નથી.

[ઈન્ટરનેટ બાળક માટે કેટલું હાનિકારક છે ?]

ચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટનાં માધ્યમોની બાળકો પર થતી સારી-માઠી અસરોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ જોવા મળ્યું છે કે આ ત્રણે માધ્યમોમાં ઈન્ટરનેટ સૌથી ઓછું હાનિકારક છે. અને પિકચરોએ બાળકોમાં વધારે આક્રમકતા અને હિંસાનું વલણ પેદા કર્યું છે એ વાતમાં તથ્ય છે. પણ ઈન્ટરનેટ આપણે માનીએ છીએ એટલી હદે બાળકોને બગાડતું નથી. આ માધ્યમથી બાળકો સેક્સ, નશાખોરી અને ગુનાખોરીના રવાડે ચઢી જાય છે એવો મોટા ભાગના વડીલોનો ભય બેબુનિયાદ છે. આજનું બાળક ઈન્ટરનેટ પર પોર્નોગ્રાફિક વેબસાઈટો જોઈને જલદી બગડી જાય છે કે ઈન્ટરનેટ પર છાનુંમાનું નગ્ન ચિત્રો જોતું થઈ જાય છે એવી શંકા રાખવી ખોટી છે. કિશોર વયનું સંતાન એની ઉંમરના આવેગને લીધે સેક્સ બાબતમાં જે કુતૂહલ ધરાવતું હોય છે તેનો એને એના વડીલો તરફથી યોગ્ય અને બુદ્ધિગમ્ય ખુલાસો કે સમજ ન મળે ત્યારે એ કહેવાતાં બિભત્સ પુસ્તકો કે સાઈબર વિશ્વમાં પહોંચી જતું હોય છે. પણ આવાં ચિત્રો જોવાથી એને જે હાનિઓ પહોંચે છે એના કરતાં ઘણી વધારે હાનિ એને આવી ક્રિયા છાનુંમાનું કરતું જોતાં પકડી કાઢીને એના માબાપ પોતાની જે આકરી અને અસંતુલિત પ્રતિક્રિયા એના પ્રત્યે વ્યક્ત કરે છે એનાથી પહોંચતી હોય છે. જ્યારે આવું કંઈ બને ત્યારે માબાપે પહેલાં સ્વસ્થતા ધારણ કરવી જોઈએ, પોતાના આવેગ પર કાબૂ રાખવો જોઈએ અને સંતાન સાથે બેસીને સ્વસ્થ ચર્ચા કરવાનો માર્ગ અપનાવવો જોઈએ. ફરી એને આવું કૃત્ય કોઈ હિસાબે નહીં કરવાની કડક ચેતવણી આપવાથી કામ બનતું નથી, કેમ કે બાળકોની એક ખાસિયત ખાસ આપણા ધ્યાનમાં રહેવી જોઈએ કે જે કરવાની એમને ‘ના’ પાડવામાં આવે છે તેને એ ચાહીને કરતાં હોય છે. ઈન્ટરનેટનો બાળકો માટે જો કોઈ સૌથી વધારે ડર વડીલોને હોય તો એ ચેટિંગનો હોય છે. આનાથી એ કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં આવીને સેક્સ, નશા કે ગુનાખોરીના માર્ગે ચઢી જાય એવી એના માબાપની ચિંતા સમજી શકાય છે, પણ સદનસીબે આવા કિસ્સાઓ ઘણા અપવાદરૂપ છે. ઈન્ટરનેટ પર બેઠેલા પોતાના સંતાન પર પોતાની સૂક્ષ્મ આંખ જોડેલી રાખવાથી એને માઠા અનુભવોથી બચાવી શકાય છે. પણ આવા કલ્પિત ડરથી એને ઈન્ટરનેટના વપરાશથી જ સાવ વંચિત રાખવામાં જરાપણ શાણપણ નથી.

[મા-બાપની આચારસંહિતા]

પોતાના સંતાનને ઈન્ટરનેટથી થતી હાનિઓથી બચાવવા માટે દરેક માબાપે આટલી કાળજીઓ રાખવી જોઈએ.

[1] પોતે ઈન્ટરનેટ સાક્ષર બનવું જોઈએ. માબાપને પોતાને ઈન્ટરનેટનાં ઉપયોગો અને ભયસ્થાનોની ખબર હોવી જોઈએ. બાળક સાથે બેસીને એમણે ઈન્ટરનેટની દુનિયાનો પ્રવાસ કરવો જોઈએ. એની રોમાંચકતા એની સાથે માણવી જોઈએ. આ માધ્યમનો શી રીતે સ્વસ્થ ઉપયોગ કરી શકાય છે એનું પોતાના સંતાનને તંદુરસ્ત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. એનો ઉપયોગ કેવળ ઘરનાં મોટાઓ માટે જ મર્યાદિત બનાવીએ અને બાળકોને એનાથી વંચિત રાખીએ એ બરાબર નથી. ઘરનું વડીલ જ બાળકને ઈન્ટરનેટની હાનિઓથી માહિતગાર કરી શકે અને વખત આવે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલું ધ્યાનમાં આવે તો એનાથી ઉગારી શકે છે.

[2] બાળકને ઈન્ટરનેટ પર પોતાની સંપૂર્ણ ઓળખ છતી કરવાનાં ભયસ્થાન બતાવવાં જોઈએ. તેણે પોતાના ફોટા, પોતાનું સંપૂર્ણ નામ અને સરનામું, પોતાના અભ્યાસ અને શાળાની વિગતો, ફોન નંબર તેમજ અન્ય કોઈપણ વ્યક્તિગત માહિતીઓ ફેસબૂક કે અન્ય કોઈપણ સોશ્યલ નેટવર્ક સાઈટ પર કદી ન મૂકવી જોઈએ એવો એના માબાપનો આગ્રહ રહેવો જોઈએ. આનો કદીક દુરુપયોગ થઈ શકે છે.

[3] બાળક જે વેબસાઈટનો અવારનવાર કે પ્રસંગોપાત્ત ઉપયોગ કરતું હોય તેમની સાથે સંકળાયેલાં જોખમોનો એને અને આપણને ખ્યાલ હોવો જરૂરી છે. સામાન્ય રીતે બાળકો ફેસબૂક, ઓરકૂટ અને માયસ્પેસ જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઈટનું આકર્ષણ ધરાવતું હોય છે. આવી કોઈપણ વેબસાઈટનો ઉપયોગ તે શા માટે કરે છે, એના દ્વારા કેવા કેવા લોકોનો તે સંપર્ક કરતું કે જાળવતું હોય છે, એના પર અપલોડ કરેલી પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટાનો શો દુરુપયોગ થઈ શકે છે, કેવા લોકો આ પ્રકારના સોશ્યલ નેટવર્કિંગ સાથે સંકળાયેલા હોય છે, એના ઉપયોગ સાથે સંકળાયેલી કોઈ માઠી ઘટનાઓનો વર્તમાનપત્રો કે મેગેઝિનોમાં ક્યારેય ઉલ્લેખ થાય છે ખરો ? – આ બધી બાબતો વિશે માબાપે માહિતગાર રહેવું જોઈએ. કંઈ દુર્ઘટના બને પછી તેનો વસવસો કરવો એના કરતાં અગાઉથી સાવચેતીનાં પગલાં ભરવા વધારે ઉપયોગી છે.

[4] જો કોઈ વાંધાજનક માહિતી કે ચિત્રો જણાઈ આવે તો બાળકને ખાસ સૂચના આપો કે એવા સંજોગોમાં તરત એણે કોમ્પ્યુટરને બંધ કરી દઈને એ પાનની વિગત પોતાના વડીલના ધ્યાનમાં આણવી જોઈએ. એ વેબસાઈટના ખૂલેલા પાનને આગળ જોવાના પોતાના કુતૂહલને એણે તરત ને તરત જ કોઈપણ હિસાબે દબાવી દેવું જરૂરી છે. આટલા બટનોનો ઉપયોગ બાળક માટે આપત્તિ પેદા કરી શકે છે. ઈન્ટરનેટના ઉપયોગની આટલી આચારસંહિતાનું પાલન કરાવવાનો બાળક પાસે તેના માબાપે ખાસ આગ્રહ રાખવો જોઈએ.

[5] બાળકને ઈન્ટરનેટનો નશો ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. તેને રોજના અને અઠવાડિયાના ઈન્ટરનેટના સમયનું સ્પષ્ટ બંધારણ કરી આપવું જોઈએ. એ આ બાબતમાં એની મુનસફીનો ઉપયોગ ન કરે તેનો આપણે દઢ આગ્રહ રાખવો જરૂરી છે. ઈન્ટરનેટ કે મોબાઈલ એના માટે માત્ર સમય પસાર કરવાનું રમકડંટ ન હોવું જોઈએ. એના ઈન્ટરનેટના ઉપયોગનો હેતુ પણ સ્પષ્ટ હોવો જોઈએ. એ કઈ સાઈટ ખોલે એ અને કોનો સંપર્ક કરતો હોય છે એ એણે એના માતાપિતાને પ્રમાણિકતાથી જણાવવું જોઈએ. બાળક માટે જે કંઈ નિયમો ઘડવામાં આવે તેનું તેની પાસે દઢતાથી અને સાતત્યપૂર્ણ પાલન કરાવવાની તેના માબાપે ચીવટ રાખવી જોઈએ. માબાપને સમય ન હોય અને બાળક માટે ઘડવામાં આવેલા નિયમો બાબતમાં તે ઢીલથી વર્તે તો તેનો બાળક ગેરલાભ લઈ શકે છે.

[6] કોમ્પ્યુટર બાળકના બેડરૂમમાં ન રાખતાં તે બધાં જોઈ શકે તેવા સ્થાનમાં રાખવાથી એની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં માબાપને સુગમતા રહે છે. આનાથી એને કોઈપણ પ્રવૃત્તિ છાનીમાની કરવાથી દૂર રાખી શકાય છે.

[7] બાળક સાથે નિખાલસ અને મોકળા સંબંધ રાખવા જોઈએ. માતાપિતા અને સંતાનોની વચ્ચે મુક્ત અને વિશ્વાસસભર સંવાદનું વાતાવરણ જળવાવું જોઈએ. માતાપિતાએ સંતાનોને પોતાની અપેક્ષાઓ સ્પષ્ટ જણાવવી જોઈએ. બાળક એમની આગળ પોતાની શંકાઓ ખુલ્લા દિલે વ્યક્ત કરી શકે તેવું કૌટુંબિક વાતાવરણ એને વાંધાજનક પ્રવૃત્તિઓ કરતાં કે અજાણતાં એનો ભોગ બનતાં રોકી શકે છે. પોલીસ બનીને એના પ્રત્યેક વર્તનને શંકાની નજરે જોતાં રહેવાની ચેષ્ટા કામ આવતી નથી. જો બાળકને ઈન્ટરનેટ પર કઈ વાંધાજનક જોવા મળે કે એના પર શંકા પેદા કરે તેવો કોઈ મેઈલ આવે તો આ હકીકત એના માબાપના ધ્યાનમાં આણી શકે અને એમનું માર્ગદર્શન લઈ શકે છે. આ બાબતમાં મુક્ત સંવાદ જે કામ કરી શકે છે તે છૂપી પોલીસની આંખ કરી શકતી નથી. બાળકને અણછાજતા વર્તન અને વ્યવહારોથી દૂર રાખવાની આ જ ઉત્તમ ચાવી છે.

[8] પોતાના ઘરના કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટ સિક્યુરિટી સોફટવેર નખાવવો જોઈએ. એના પર માબાપનો કંટ્રોલ રહે તેવો પ્રબંધ કરવો જોઈએ. નોર્ટન કંપની આ પ્રકારના ભરોસાપાત્ર સિક્યૂરીટી સોફટવેર પ્રોગ્રામ બનાવતી હોય છે.
.

[બાળકો માટેની આચારસંહિતા]

[1] તેમણે પોતાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર, સ્કૂલની વિગતો, પોતાના માતાપિતાને લગતી માહિતી વગેરે વિગતો કોઈપણ વેબસાઈટ પર ખુલ્લી ન મૂકવી જોઈએ. પોતાના ફોટા કદી અપલોડ ન કરવા જોઈએ.

[2] જો ઓનલાઈન કંઈપણ વાંધાજનક કે શોચનીય પરિસ્થિતિમાં મુકાઈ જવાય તેવું જોવા-જાણવા મળે તો તે તરત પોતાના માતાપિતાના ધ્યાનમાં આણવું જોઈએ.

[3] પોતાના માતાપિતાની પરવાનગી સિવાય ઓનલાઈન કોઈની સાથે સંપર્ક કદી ન બનાવવો જોઈએ. પોતાની વિગતો કોઈ અજાણ્યાને પૂરી ન પાડવી જોઈએ. કોઈ સંજોગોમાં અજાણી વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત માટે તૈયાર ન થઈ જવું જોઈએ. ઓનલાઈન વિગતમાં પોતાની જાતીયતા સ્પષ્ટ ન થાય તે પ્રકારનું પોતાનું નામ રાખવું જોઈએ. કોઈપણ વ્યક્તિ સાથે સેક્સ અને ધર્મ સંબંધી બાબતમાં ચેટિંગ કરવાનું ટાળવું જોઈએ.

[4] પોતાના કુટુંબ, મિત્ર, સમાજ, શિક્ષકો કે કોઈ જાતિ-સંપ્રદાયની વિરોધમાં ઉશ્કેરણી કરે તેવી વાંધાજનક રજૂઆત કરતી વ્યક્તિઓને ચેટિંગ કરવા કે ઓનલાઈન સંપર્ક કરવા કદી પ્રોત્સાહન નહીં આપવું જોઈએ. ધમકીના, પ્રલોભનના, જાતીય વ્યવહારના કે ઈનામી યોજનાઓના મેસેજ કે ઈ-મેઈલને કદી પ્રતિભાવ ન આપવો જોઈએ.

[5] માબાપની જાણ બહાર પોતાની વ્યક્તિગત માહિતી કે ફોટા કદી પોતાના ઓનલાઈન મિત્રને કે અજાણી વ્યક્તિને નહીં મોકલવા જોઈએ. એક અગત્યની વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઓનલાઈન અજાણી વ્યક્તિઓ પોતાની સાચી હકીકત કે ઓળખ છુપાવીને તમને છેતરી શકે છે. આનાથી હંમેશાં સાવચેત રહેવું જોઈએ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હળવી કલમે…. – નિરંજન ત્રિવેદી
મોટાભાઈની શક્તિ – કાકા કાલેલકર Next »   

6 પ્રતિભાવો : બાળકો અને ઈન્ટરનેટ – કિરણ ન. શીંગ્લોત

 1. Very useful article for parents to guide theire child for use of internate and control there activity by active participation with them…thanks

 2. Hiral says:

  ચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટનાં માધ્યમોની બાળકો પર થતી સારી-માઠી અસરોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ જોવા મળ્યું છે કે આ ત્રણે માધ્યમોમાં ઈન્ટરનેટ સૌથી ઓછું હાનિકારક છે.

  —-
  થેન્ક્સ. ૧૦૦% સહમત.

  પહેલી વખત આ બાબતે અહિં કશું હકરાત્મક વાંચવા મળ્યું. બહુ સારુ લાગ્યું.

  મને પોતાને ટી.વી કરતાં ઇન્ટરનેટનો ઉપયોગ વધુ અર્થપૂર્ણ લાગે છે. (એક દસકાનો અનુભવ લખું છું).

  —-
  સુંદર અને ઉપયોગી લેખ.

 3. Sunita(uk) says:

  Nice n with positive attitude. today’s generation is smarter then before n if we can pay enough attention to teach them the diff between good n bad then there is no harm to use internet. infact in todays fast life they have to learn to use new technologies like internet. Its necessary everywhere either for education or at workplace. Our new generation need to use social networking site to be in contact with their friends n relatives as none has time to meet personally. How many of us are visiting their relatives or friends like our parents used to do in their generation. When I was small I used to go to my neighbours’ and relatives’ homes on Newyear day. But slowly slowly our society is loosing interest to go to each others places. Its good atleat the new generation is trying to be in touch via social networking sites. Its true that everything should be in limit n for a purpose.

 4. Sunita says:

  There is a movie ‘Trust’ which showing the bad side of social networking site n to save their children from any harm parents must follow the tips given in this article.

 5. Navin N Modi says:

  “ચલચિત્રો, ટી.વી. અને ઈન્ટરનેટના માધ્યમોની —– ઈન્ટરનેટ સૌથી ઓછું હાનીકારક છે.” એ વાત સમજાઈ નહિ કેમ કે એ ત્રણે માધ્યમો વચ્ચેનો ફરક ખૂબ પાતળો છે એવું લાગે છે. એના તુલનાત્મક અભ્યાસનો જે ઉલ્લેખ છે એની વિગતોનો જો કૃતિમાં સમાવેશ કર્યો હોત તો સોનામાં સુગંધ ભળત.
  મને આ વિષયમાં ખૂબ રસ હોવાથી લેખકશ્રીને નમ્ર વિનંતિ છે કે જો શક્ય હોય તો એ તુલનાત્મક અભ્યાસની વિગતો મને ઈ-મેલથી navinnmodi@yahoo.com એ સરનામે મોકલે.

 6. Nirav says:

  Nice…vanchi ne anand thayo….balko mateni tips sari che.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.