- ReadGujarati.com - http://www.readgujarati.com -

હળવી કલમે…. – નિરંજન ત્રિવેદી

[‘માર ખાયે સૈયાં હમારો’ પુસ્તકમાંથી હળવી શૈલીના બે રમૂજી લેખો અહીં સાભાર પ્રસ્તુત છે.]

[1] નમ્રતા પણ ઘાતક બને છે

ગેરસમજ ન કરતાં પ્લીઝ, નમ્રતા નામની કોઈ યુવતીની વાત હું નથી કરતો. નમ્રતા કે બીજી કોઈ યુવતી ઘાતક છે એવું હું કહેવા નથી માગતો. હું વાત કરું છું નમ્રતા નામના સદગુણની. માણસ સદગુણથી પણ બીજાને પરેશાન કરી શકે છે.

કીર્તિભાઈની કીર્તિ એવી છે કે તે નમ્રતાનું મૂર્ત સ્વરૂપ છે. અતિ નમ્ર માણસ છે, કોઈ એમને એક ગાલે લાફો મારે તો બીજો ગાલ ધરી દે. તમે તેને બીજા ગાલે પણ લાફો મારો, તો પોતાને ત્રીજો ગાલ ન હોવાનો અફસોસ જાહેર કરી તમારી માફી માગી લે અને પૂછે પણ ખરા કે મને લાફો મારતાં આપના હાથમાં વાગ્યું તો નથી ને ? મને થાય કે હુલ્લડમાં કોઈ ગુંડો કીર્તિભાઈને છરી હુલાવી દે, તો એ ગુંડાને પણ કહે, ‘ભાઈ, તારું ખંજર લોહીવાળું થઈ ગયું નહીં ? વેરી સૉરી.’ અમારા એક સગાં પ્રફુલ્લાબહેન પણ જબરાં નમ્ર. એ કોઈને ઘેર પાણી પીવાનું પણ ટાળે. ‘બિચારાંએ કેટલી મહેનતે પીવાનું પાણી ભર્યું હશે. વળી પાછો ગ્લાસ પણ માંજવો પડશે !’ આવા વિચારે નમ્રતાપૂર્વક પાણી પીવાની પણ ના પાડી દે. મને એક રશિયન વાર્તા યાદ આવે છે, જેમાં માણસ માફી માગ માગ કરીને સામેવાળાને આડો પાડી દે છે.

કેટલાક માણસો તોછડા હોય છે. હસ્તરેખાશાસ્ત્ર પ્રમાણે જેમની જીવનરેખા અને મસ્તકરેખાનાં મૂળ વચ્ચે વધારે પડતું અંતર હોય તે તોછડા હોય છે. એવા કોઈને તમે પૂછો કે, ‘કેમ ભાઈસાબ, બાળકો મજામાં ?’ તો એ તોછડારત્ન તમને કહે, ‘તેરા ચલે તો ઉનકો માર ડાલીઓ.’ એ લોકોને સારું પણ પુછાય નહીં. ઉદ્યોગ કમિશનરની કચેરીમાં પણ એક તોછડારત્ન ઉચ્ચ અધિકારી મેં જોયા હતા જે ફાઈલ ફેંકીને જ વાત કરે. આવી તોછડાઈ જેવી જ પરેશાની અતિ નમ્ર વ્યક્તિ આપી શકે છે. તમે પૂછો : ‘ચા પીશો ?’ તો કહે, ‘ના.’ તમે પૂછો, ‘તો કોફી પીશો ને ?’ તો એ અતિ નમ્ર થઈ ના કહેશે. તમે મૂંઝાવ આને શું પાવું ? તમે છેલ્લે પૂછો, ‘તો તમે કશું ઠંડું તો લેશો ને ?’ પેલો ગળગળો થઈ તેની પણ ના પાડે. આવડી મોટી દુનિયામાં તેને આપી શકાય તેવું કશું નથી. તમે અકળાઈ જાવ. ‘તો ભાઈસાબ તમે કંઈક તો પીવો ?’ પેલો પરમ નમ્રપણે ગદગદ થઈને કહે, ‘શું પીવું ? કશું જ નથી પીવું.’ તમે અકળાઈને પૂછો, ‘તો ઓ-પોઝિટિવ તો તમને ચાલશે ને ?’ પેલી નમ્ર વ્યક્તિ પૂછશે કે આ ઓ-પોઝિટિવ કયું પીણું છે ?
તમે કહેશો : ‘ઓ-પોઝિટિવ, મારું બ્લડગ્રૂપ છે.’
આ અતિ નમ્ર માણસો તમારે ત્યાં સોફામાં પણ એવા સંકોચાઈને બેસે કે તમારો ત્રણ બેઠકનો સોફો, જાણે તેર બેઠકનો સોફો હોય તેમ તમને લાગે.

કીર્તિભાઈ સંજોગોવશાત અમારે ત્યાં મહેમાન થઈને આવ્યા હતા. સામે ચાલીને અમે લેવા ગયા. ‘ઓહ નો…. તમે મારી બૅગ ઉઠાવો ? એ કેવું કહેવાય ? મને કહો બૅગ ક્યાં મૂકવાની છે ?’ પણ મેં બૅગ લેવાનો આગ્રહ રાખ્યો. એ હુંસાતુંસીમાં પડી ગયા. પણ બૅગ ન છોડી. એમનો રૂમ હતો એમાં જાતે લંગડાતા લંગડાતા જઈને તેમણે બૅગ મૂકી. નાહ્યા પછી એમણે મેલાં કપડાં વાળીને બૅગમાં મૂકી દીધાં. મેં તે કપડાં ધોવામાં આપવા કહ્યું, પણ ન માન્યા. તે કહે, ‘મારી પાસે વધારાનાં કપડાં છે. આ મેલાં કપડાં ઘેર જઈને જ ધોવાશે.’ કીર્તિભાઈને થાય કે આ લોકોનો ડિટર્જન્ટ વપરાય, સમય વપરાય. એ એમને ન ફાવે. એમનું ચાલત તો એ નાહવાનું પાણી એમના ઘરેથી લેતા આવત. એમની આ શૈલીથી અકળાઈને મેં કહ્યું, ‘અમારા શહેરમાં નદીમાં પાણી છે, જો ત્યાં જઈને નહાવું હોય તો…. અમારું પાણી નહીં વપરાય….’

નદી, જો મારા ઘરની નજીક હોત તો કીર્તિભાઈ જરૂર નદીએ જઈને નાહી લેત.
‘ખાવામાં જોજો કશું ગળ્યું બનાવતા,’ તેમણે અમને મિષ્ટાન્ન બનાવતાં રોક્યો, ‘હું કશું ગળ્યું ખાતો નથી.’
‘કેમ ડાયાબિટીસ છે ?’ મેં પૂછ્યું.
‘ના નથી, પણ થાય નહીં એટલા માટે.’ એમણે મિષ્ટાન્ન ન ખાવું પડે તે માટે કહ્યું. હકીકતમાં ગયા અઠવાડિયે શીખંડ ખાધો હતો. એમણે વાત વાતમાં મને કહ્યું જ હતું. પણ અમને તકલીફ ન પડે એ જ કારણ ! મેં કહ્યું, ‘કીર્તિભાઈ, સગાંસંબંધી-મિત્રોના સ્વાગતમાં લોકોને આનંદ આવે. તમે અમારો આનંદ ઝૂંટવી લો છો….’ એ બહારના અજવાળે છાપું વાંચવા જતા રહે, અમારા ઘરની લાઈટ ન બળે માટે…. પણ અમારો જીવ બળે એ કીર્તિભાઈને કળાતું ન હતું !
.

[2] સમશાન મેં હમ સે મિલે તૂમ !

સ્મશાન આમ તો છૂટા પડવાનું સ્થળ છે, મિલનનું નહીં. પણ ક્યારેક અવળી ગંગા થતી હોય છે, કે કોઈ જીવ એમ ગાઈ શકે કે સ્મશાન મેં હમસે મિલે તૂમ… જે રીતે… બરસાત મેં હમ સે મિલે તૂમ બરસાત મેં…. તાક ધીના ધીન…. ધીના ધીન તાક ધીના ધીન…. થોડાક સમય પહેલાં આપણી ગૂર્જર ભૂમિમાં એક લગ્ન થયાં તે સ્મશાનભૂમિમાં !! છાપાંઓમાં તેના સમાચાર હતા. ટી.વી. ચેનલે પણ તે બતાવ્યું હતું.

આપણે લગ્નવિધિમાં અનેક નવીનતાઓ જોઈ છે. આ સૌથી ‘લેટેસ્ટ’ અને ચોંકાવનારી હતી. અગાઉ એક કુટુંબે લગ્ન હવાઈ જહાજમાં કર્યાં હતાં એટલે એમ કહી શકાય કે એ લગ્નના સાત ફેરા અલગ અલગ જગ્યાએ થયા હતા. પહેલા ફેરા વખતે હવાઈ જહાજ ઉદેપુર ઉપર હોય તો બીજા ફેરા વખતે જયપુર ઉપર હોય. ત્રીજા ફેરા વખતે દિલ્હી ઉપર પણ હોય ! આમાં કાનૂની મુદ્દો ઊભો થઈ શકે. હવે લગ્ન રજિસ્ટર કરાવવું ફરજિયાત છે અને જ્યાં લગ્ન થયાં હોય તે સ્થળની ઑફિસમાં જ લગ્ન રજિસ્ટર થાય. આ હવાઈ લગ્નમાં સાતે ફેરા અલગ સ્થળે થયા હોય તો ક્યાંનું ‘જ્યુરીડિક્શન’ આવે ? પૂનાના એક યુગલે બલૂનમાં લગ્ન કર્યાં હતાં. પરદેશમાં એક યુગલે દોરડા ઉપર લટકીને લગ્ન કર્યાં હતાં. (લગ્નમાં ઘણાં લટકી જતા હોય છે, તેમ છગન કહેતો હતો.) સ્મશાનભૂમિ ઉપર લગ્ન એ આ નવા નવા લગ્નના પ્રકરણમાં એક ઉમેરો છે.

છાપામાં સમાચાર આવ્યા કે સ્મશાનભૂમિ ઉપર લગ્નનો સમારંભ થયો ત્યારે પહેલાં અમને લાગ્યું કે મૅરેજ માટે હૉલ કે પાર્ટી પ્લોટ મેળવવાની મુશ્કેલીના કારણે આ બન્યું હશે. આજકાલ કન્યા મળે, મુરતિયો મળે પણ મૅરેજ હૉલ ન મળે એટલે મજબૂર યુગલે સ્મશાનભૂમિમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હશે. આમે શાસ્ત્રોમાં કહ્યું છે ને કે ‘સબ ભૂમિ ગોપાલ કી’ પછી એ મૅરેજ હૉલની ભૂમિ હોય કે સ્મશાનની ભૂમિ હોય. ભૂમિ તો ભગવાનની જ ગણાય ને. અમે એ લગ્નવિધિની કલ્પના કરી શકીએ છીએ જ્યારે સ્મશાનમાં શરણાઈના સૂર રેલાયા હશે. એક શાયરે કહ્યું હતું, ‘જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતા હૈ.’ આ કિસ્સામાં જહાં સદા માતમ હોય એ માતમભૂમિ ઉપર શરણાઈ વાગી ! સ્મશાનગૃહમાં સ્મશાનયાત્રા તો આવે પણ આ કિસ્સામાં વરયાત્રા (વરઘોડો) આવી હશે. એ વરરાજા લગ્ન કરવા ઊપડ્યા હશે, વરઘોડો સ્મશાન તરફ ઊપડ્યો હશે ત્યારે વરરાજા મનમાં કદાચ ગણગણ્યા પણ હશે…. ‘નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી સ્મશાન સુધી.’ વરરાજાને લઈને નીકળેલ ગાડીનો ડ્રાઈવર કદાચ કહેતો હશે ‘આમને સ્મશાન પહોંચાડીને આવું છું.’

સ્મશાનગૃહમાં સ્મશાનયાત્રા તો આવે પણ આ અલૌકિક કિસ્સામાં વરઘોડો આવ્યો. આમ તો સ્મશાનમાં પુરુષ લાકડાં ભેગો થાય પણ આ કિસ્સામાં લાકડાં નહીં પણ લાડી ભેગો થયો. કન્યાવિદાય વખતે કદાચ સ્મશાનભૂમિમાં ગીત વાગતું હશે, ‘હમ આજ અપની મૌત કા સામાન લે ચલે…’ જે ભૂમિ ચાંલ્લો ભૂંસવામાં નિમિત્ત બને છે ત્યાં ચાંલ્લાવિધિ થયો હશે. આ સ્મશાનિયા લગ્નની કંકોત્રી કેવી હોઈ શકે ? ‘વરયાત્રા સવારે આઠ વાગે ઘરેથી નીકળી ઠીક દસ વાગે અમુકતુમક સ્મશાનભૂમિ ઉપર પહોંચશે. આપને વિનંતી કે ચિ. ફલાણાનો હસ્તમેળાપવિધિ ઠીક અગિયાર વાગે સ્મશાનગૃહ ઉપર છે. તો ચોક્કસ સમયે સ્મશાન ઉપર આવી જશો.’ (ભૂલમાં ધોતિયું લઈને ન દોડતા તેવી સલાહ પણ મળે.) માણસના મનમાં વૈરાગ્યની ભાવના પ્રગટ કરવાનું કામ સ્મશાન કરે છે (થોડા હી સહી) એટલે ‘સ્મશાનવૈરાગ્ય’ જેવો શબ્દ ચલણમાં આવ્યો છે. હવે વૈરાગ્યને બદલે તે રાગની ભૂમિ બની છે. જે ભૂમિ ઉપર સંસારના ફેરાનો અંત આવે છે તે સ્મશાનભૂમિ ઉપર સંસારના ફેરાની શરૂઆત થઈ છે. જનમ જનમ કે ફેરેની વિધિ મરણની ભૂમિ ઉપર થઈ. સ્મશાનમાં રુદન છવાયેલું હોય, ક્યારેક ગીત છેડાયું હોય તો તે મરશિયાનું ગીત હોય. પણ આ લગ્નપ્રસંગ હોવાથી બોલિવૂડની ફિલ્મોના ધમાકેદાર ગીતોથી વાતાવરણ ગુંજતું હશે.

વરઘોડો જ્યારે સ્મશાનભૂમિમાં પ્રવેશતો હશે, ત્યારે સૌથી આગળ વરરાજાના મિત્રો, ‘આજ મેરે યાર કી શાદી હૈ’ના તાલ ઉપર નાચતા નાચતા સ્મશાનભૂમિ ઉપર દાખલ થતા હશે. જે ભૂમિ ઉપર લકડશી લાડુને મીઠાઈ ગણાતી હોય ત્યાં મોહનથાળ આગ્રહ કરી કરીને પીરસાતો હશે. સ્મશાનભૂમિ આમ તો વિદાયની ભૂમિ ગણી શકાય, ત્યાં ‘કન્યાવિદાય’ થઈ હશે. સ્મશાનમાં ગયેલો કોઈ પાછો ન આવે, પણ આ કિસ્સામાં વરરાજા કન્યા સાથે પાછા આવ્યા હશે. આમ તો લગ્ન અગ્નિની સાક્ષીએ થયાં ગણાય. સ્મશાનમાં પણ અગ્નિ સદા હોય છે જ. પ્રાથમિક શાળામાં જોડકણું સાંભળ્યું હતું : ‘છગન મગન તારા છાપરે લગન.’ આ લોકો છાપરાને બદલે સ્મશાનભૂમિએ પહોંચી ગયાં.