- ReadGujarati.com - http://www.readgujarati.com -

મોટાભાઈની શક્તિ – કાકા કાલેલકર

[‘સ્મરણયાત્રા’ પુસ્તકમાંથી સાભાર.]

રામદુર્ગથી અમે પાછા આવતા હતા. તોરગલનો સાત દીવાલવાળો કિલ્લો વટાવીને અમે આગળ ચાલ્યા. રસ્તામાં એક નદી આવતી હતી. કઈ નદી તે આજે બિલકુલ ધ્યાનમાં આવતું નથી. એ નદીને કિનારે બપોરના અમે મુકામ કર્યો. મેં મજાના ત્રણ પથરા આણી, ધોઈ ચૂલો બનાવ્યો. આસપાસનાં સુકાઈ ગયેલાં લાકડાં ભેગા કરી એ ચૂલો સળગાવ્યો. સૌથી મોટા ભાઈએ નાહીને નદી પરથી પાણી આણ્યું.

રસોઈ તૈયાર થતાં એક વાગી ગયો. પિતાશ્રી ખૂબ થાકેલા હતા પણ પૂજા કર્યા વગર તો જમાય નહીં. ગોંદુએ ક્યાંકથી તુલસી અને બેચાર ફૂલ આણ્યાં. પિતાશ્રીને પૂજા કરતાં જરાક વાર લાગી. અમે નાના છોકરાઓ ભૂખથી પીડાતા એક ખૂણામાં ભૂખ અને ઊંઘ વચ્ચે ઝોલાં ખાતા હતા. પિતાશ્રીની પૂજા ઝટ પતે નહીં અને છોકરાઓને વખતસર ખાવાનું મળે નહીં, એટલે મારાં બા જરા ચિડાયાં હતાં. મુકામે આવતાવેંત ભાતું છોડીને છોકરાંઓને કંઈક ખાવા આપવું એવો પિતાશ્રીનો વિચાર હતો, પણ છોકરાઓ અત્યારે ભાતું ખાશે તો જમશે શું ? અને આખો દિવસ પાણી પાણી કરશે, એમ કહી બાએ અમને ખાવા આપવાની ચોખ્ખી ના પાડી. તે વખતથી જ કંઈક બગડ્યું હતું. પિતાશ્રીને ચિડાવાની ટેવ જરાયે ન હતી. પણ જ્યારે ચિડાય ત્યારે ભાન ભૂલી જાય. પણ તે અમ છોકરાઓ ઉપર જ. કચેરીમાં કારકુન ઉપર તેઓ ભાગ્યે જ ચિડાતા. પટાવાળાઓને પણ આકરા શબ્દો કહેવાની ટેવ એમને ન હતી.

પણ કોણ જાણે આજે પિતાશ્રી ખૂબ ચિડાયા હતા. ‘પૂજા ઝટ પતે નહીં’ એમ બાએ કહ્યું કે તરત જ ગરમ થઈ પિતાશ્રીએ કાંઈક આકરાં વેણ સંભળાવ્યાં. અને તે પણ અમારા બધાના દેખતાં ! બાને ભારે અપમાન જેવું લાગ્યું. મને બરાબર યાદ છે. બાનું મોઢું રાતુંપીળું તો શું સાવ નીલું થઈ ગયું. અમારા દેખતાં રોવાય પણ કેમ ? ભારે પ્રયત્ન કર્યો તોપણ બે મોતી તો ટપક્યાં જ. હું કશું સમજું નહીં, એટલે ત્યાં ને ત્યાં જ હેબતાઈને ઊભો રહ્યો. મોટાભાઈ અમારા બધાના અજાણતાં ત્યાંથી છટકી ગયા. મોટાભાઈ ભાગ્યે જ પિતાશ્રી સાથે બોલતા. નાનપણથી જ, બીકથી કહો કે અંતર રાખવાની આદતથી કહો, તેઓ પિતાશ્રી આગળ ઊભા રહેતા જ નહીં. કંઈક જોઈતું કરાવતું હોય તો મારી મારફતે પિતાશ્રીને કહે. હું સૌથી નાનો. મને બીક શરમ શાની ? પિતાશ્રી ઝટ માને નહીં તો એમની સાથે દલીલ પણ કરું !

જમવાનો વખત થયો. થાળીઓ-ના, પતરાળાં પીરસાઈ રહ્યાં. ગોંદુ તો શરૂ કરવા આતુર થયો હતો. પણ મોટાભાઈ ક્યાં ? એ તો ત્યાંથી છટકી ગયા હતા, મેં એમને ‘બાબા, બાબા’ કહી ખૂબ બૂમો પાડી, પણ બાબા હતા જ ક્યાં ? પિતાશ્રીએ કહ્યું, ‘જા, આસપાસ ક્યાંક બેઠો હશે; જઈને એને બોલાવી લાવ.’ આસપાસ હું ખૂબ રખડ્યો. આખરે બાબાને એક ઝાડ તળે બેઠેલા જોયા. બેઠેલા નહીં, માથું નીચું રાખીને તે આંટા મારતા હતા. હું બરાબર જોઈ શક્યો કે બાબા ધૂંધવાતા હતા. મેં કહ્યું, ‘ચાલો જમવા; બધા રાહ જુએ છે.’ એમણે કહ્યું, ‘મારે આવવુંયે નથી અને જમવુંયે નથી.’ મેં દલીલ કરી, ‘પણ ભાણાં તૈયાર છે તે ? ગોંદુએ શરૂ પણ કર્યું હશે. બધા તમારી રાહ જુએ છે.’ આકરા સ્વરે બાબાએ કહ્યું, ‘ગોંદુને કહેજે કે ધરાઈને ખાય. તું જા, મારે નથી આવવું.’ મેં પાછા આવી બનેલી બીના રજૂ કરી. પિતાશ્રીએ કહ્યું. ‘શી હઠીલાઈ આ છોકરાની ! એને કહેજે કે હું રાહ જોઉં છું. ઝટ આવી જાય.’ હું ફરી દોડતો ગયો. આ વખતે બાબા જેટલા શાંત દેખાતા હતા એટલા જ આકરા થયા હતા. ખૂબ વિચારપૂર્વક એમણે પોતાનો સંદેશો વાક્યમાં ગોઠવ્યો હતો. મને કહે, – અને કહેતાં એક એક અક્ષર ઉપર બરાબર ભાર મૂકતા ગયા – ‘કહેજે કે આવું જ સાંભળવાનું હોય તો જમવુંયે નથી અને ઘેર આવવુંયે નથી.’

ઘરમાં જ્યારે જ્યારે મતભેદ હોય ત્યારે ત્યારે અમે બાળકો હમેશાં પિતાશ્રીનો પક્ષ જ તાણતાં; કેમ કે એ મોટો પક્ષ. બાનું તો હમેશાં સહન કરવાનું જ વ્રત, એટલે પિતાશ્રીનો પક્ષ તાણવો એ જ સહેલો માર્ગ હતો. પણ બાબાને આજે આમ એકદમ પક્ષાંતર કરતા જોઈ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. બાબાની છાપ જ એવી હતી કે ઝાઝું બોલાય જ નહીં. હું સીધો પાછો આવ્યો અને રિપોર્ટરની પેઠે મોટાભાઈનો સંદેશો બરાબર બોલી ગયો. એ વખતે પિતાશ્રીને શું થયું હશે એની કલ્પના આજે આવે છે. પોતે કોઈ કાળે ચિડાય નહીં તે ચિડાયા ને આકરું બોલાઈ ગયું; બાને ભારે દુઃખ થયું; હું ભૂખ્યો અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં દોડાદોડી કરું છું; ગોંદુ જમવાનું છોડી પિતાશ્રીના મોઢા તરફ તાકીને જુએ છે, અને બાબા જે કોઈ કાળે સામે ઊભો પણ ન રહે તે આવો સંદેશો મોકલે છે ! કેટલાય વખત સુધી તેઓ બોલ્યા નહીં. આખરે કાંઈક મુશ્કેલીથી બોલ્યા, ‘એને કહેજે કે જમવા આવી જાય.’ હું શું જાણું કે આ વાક્યમાં બધું જ આવી જતું હતું ? મેં કહ્યું કે, ‘આમ તે નહીં આવે.’ એટલે પિતાશ્રી મારા પર પણ ખિજાયા. પણ ખિજાઈને કંઈ બોલે તે પહેલાં જ હું ત્યાંથી ખસી ગયો. મને થયું કે આવા સંદેશા આજે કેટલા લઈ જવાના હશે તે કોણ જાણે. પણ ગયો તો ખરો, અને બાબાને બરાબર કહ્યું. અને શું આશ્ચર્ય ! જરાયે આનાકાની કર્યા વગર અને કાંઈક સંતોષથી મોટાભાઈ જમવા આવ્યા.

આ પ્રસંગનું રહસ્ય મારા ધ્યાનમાં તે વખતે બિલકુલ ન આવ્યું તેથી જ એ પ્રસંગ ધ્યાનમાં રહ્યો. અને સાચે જ, તે દિવસથી તે બાના અંત લગી કોઈ કાળે પિતાશ્રીએ બાની બાબતમાં પોતાનો મિજાજ ખોયો નહીં. મોટાભાઈમાં આટલી શક્તિ હશે એનો મને ખ્યાલ સરખોયે ન હતો. જેમ જેમ એ પ્રસંગને યાદ કરું છું તેમ તેમ પ્રેમનો કાયદો વધારે ને વધારે સમજતો જાઉં છું અને આખરે મન સાથે નિશ્ચય થાય છે કે પ્રેમનું સામર્થ્ય અમોઘ છે. એ પ્રેમ સાર્વભૌમ અને સર્વશક્તિમાન છે.