[1936. રવીન્દ્રનાથના કાવ્ય ‘વિદાય’ ઉપરથી ભજનના પદબંધમાં ઉતારેલું અને શ્રોતાજનમાં અત્યંત પ્રિય થઈ પડેલું ગીત – એક મરતા બાળકના મુખે તેની માતાને સંદેશો આપી રહ્યું છે.]
આવજો આવજો, વા’લી બા !
એક વાર બોલ : ભલે ભાઈ, તું જા !
પાછલી તે રાતને પહેલે પરોડિયે
……. ઝબકીને તું જ્યારે જાગે
……. રે મા ! ઝબકીને તું જ્યારે જાગે,
ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને
……. પડખું ખાલી લાગે, હો મા !
માડી, મને પાડજે હળવા સાદ,
પડઘો થઈ હું દૈશ જવાબ – આવજો….
તારા હૈયા પરે ખેલવા ને ગેલવા
……. આવું બની હવાનો હિલોળો;
……. રે મા ! આવું બની હવાનો હિલોળો
લાંબી લટોમાં રમું ઓળકોળાંબડે
……. ગૂંથશે તું જ્યારે અંબોડો-
હો મા, તારો ઝાલ્યો હું નહિ રે ઝલાઉં
ચાર-પાંચ ચૂમી ભરી ચાલ્યો જાઉં – આવજો…..
ચંદન તળાવડીનાં નીર મહીં ના’તી
જોઈ જૈશ હું તને જ્યારે;
મોજું બનીને તારે અંગેઅંગ મ્હાલીશ
તોય મને કોઈ નહિ ભાળે-
હો મા, મારી છલ છલ છાની વાત
સાંભળીને કરજે ના કલ્પાંત – આવજો…..
અષાઢી રાતની મેહુલિયા-ધારનું
……. ઝરમર વાજું વગાડું;
બાબુડા બેટડાને સંભારી જાગતી
……. માડી, તને મીઠડી ઊંઘાડું –
હો મા, હું તો વીજળીનો ઝબકારો
કે જાળીએથી ‘હાઉક’ કરી જઈશ હું અટારો – આવજો….
આકાશી ગોખમાં ટમટમ તારલો
……. થૈને બોલીશ : ‘બા, સૂઈ જા !’
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો હું
……. ભરી જૈશ બે તને બકા-
હો મા, તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિઃશ્વાસ – આવજો…..
ઝબલું ટોપી લઈને માશીબા આવશે,
……. પૂછશે, ક્યાં ગયો બચુડો ?
……. કે’જે કે, બેન, બચુ આ રે બેઠો
મારી આંખ કેરી કીકીઓમાં રૂડો-
હો બેન, મારે ખોળલે ને હૈયા માંય,
બાળ મારો બેઠો છે સંતાઈ !
આવજો આવજો, વા’લી બા !
એક વાર બોલ : ‘ભલે ભાઈ, તું જા !’
6 thoughts on “આવજો, વા’લી બા – ઝવેરચંદ મેઘાણી”
બાળક અને માતાના પ્રેમનું અત્યંત કરુણાસભર કાવ્ય.
i am very like this type of poem……
બસ આખ માથિ લાગનિ વેરઈ ગઈ હેત થિ નિચે…..
સ્વ. મેઘાણીભાઈ,
આખુ કાવ્ય પણ ન વાંચી શકાયું, આખો ચૂઈ પડી! … ઉત્તમ કરુણ કાવ્ય.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
ન્યાયમૂર્તિ ને પણ રડાવે અેનુ નામ મેઘાણી
અત્યન્ત સુન્દર્ મા અને બલક વચેનો સમ્બન્ધ ખુબ જ સરસ રિતે વર્નવ્યો ૬