પાયાની ઈંટ – ડૉ. શરદ ઠાકર

માનવીની જિંદગીનું મૂલ્ય કેટલું ? માત્ર સમુદ્રકિનારે રેતીનાં પટમાં પડેલા છીપલાં જેટલું જ ? હવાની લહેરખીની જેમ એક જ જોરદાર મોજું ધસી આવે. બે-ચાર પળ રહે, ન રહે અને પાછું વળી જાય, પણ એટલી વારમાં કંઈક છીપલાં ઊંધા વળી જાય, કોઈક છીપલું રેતીમાં દટાઈ જાય, કોઈ પાણીના પ્રવાહમાં તણાઈ જાય અને બીજી જ ક્ષણે કિનારો સમથળ બની જાય ! ક્ષણ પહેલાંની ઊથલપાથલનો જાણે કોઈ અણસાર પણ ન મળે. આવું જ એક છીપલું એટલે નમિતા. મેં જોયેલા યુવાન ડૉક્ટરોના વિશાળ દરિયાકાંઠા પરનું ઝળહળતા મોતી જેવું વ્યક્તિત્વ એટલે નમિતા.

ડૉ. નમિતાએ મેડિકલ અભ્યાસક્રમમાં માત્ર ગ્રેજ્યુએશન જ કરેલું, પણ એનો પતિ ફિઝિશિયન થયેલો હતો એટલે એણે આગળ ભણવાનું ન વિચાર્યું. પતિ દેખાવમાં સાધારણ જ્યારે નમિતાનાં નામ આગળ મૂકવા માટે સૌંદર્યના એક લાખ પર્યાયો ઓછા પડે. શરીરમાં ચૈતન્યનો અને સ્ફૂર્તિનો અખૂટ ભંડાર ભરેલો, એટલે સતત કાર્યરત જોવા મળે. ચોવીસ કલાકનો દિવસ એના માટે અડતાળીસ કલાકનો બની જાય. એનાં પતિને સહેજ મોડાં ઊઠવાની ટેવ. નમિતા ઊઠવાને બદલે ઊગવામાં વિશેષ શ્રદ્ધા ધરાવે અને ઊગવાનું પણ પાછું સૂરજ કરતાં વહેલા !

સવારના પહોરમાં વૃદ્ધ સસરા બૂમ પાડે : ‘વહુ બેટા, મારા માટે ચા મૂકજો.’
‘પપ્પા, છાપામાંથી માથું હટાવો તો ખબર પડે ને કે ચા પણ તૈયાર છે અને તમને ભાવતી ગરમાગરમ ઉપમા પણ !’ નમિતા દીકરીની જેમ ઠપકો આપીને સસરાના હાથમાંથી છાપું ખેંચી લેતી અને સસરા પણ સસરો મટીને બાપ બની જતા. પોચો પોચો સ્વાદિષ્ટ નાસ્તો પેટમાં પધરાવતાં ત્રાંસી નજરે વૃદ્ધ પત્ની તરફ જોઈને બોલી પણ નાખતા : ‘આવો નાસ્તો જો પહેલેથી મળ્યો હોત તો આ દાંત આટલા વહેલા ન પડી ગયા હોત !’ સાસુ પાસે જવાબમાં આડું બોલવા જેવાં બે વેણ કદાચ હોય પણ ખરાં, પણ મોઢું જ ચોખ્ખા ઘીમાં બનાવેલા બદામપાકથી ભરાઈ ગયું હોય અને એ પણ વહુએ પ્રેમથી બનાવેલા…. પછી કોઈ વાંકબોલા પતિને જવાબ આપવા નવરું હોય ?!
‘નમિતા, બાથરૂમમાં મારા કપડાં મૂક્યા ? કેટલી વાર થશે હજી ?’ પ્રાતઃ કર્મથી પરવારેલા પતિ પંચમ સૂરમાં આલાપે છે : ‘તું તો મને પરણી છે કે મારા ફૅમિલીને ?’
‘એ માટે તો તમારે બાથરૂમમાં જવું પડે, મહાશય ?’ નમિતાની આંખોમાં મોડી રાતનો શૃંગાર તાજો થાય છે. પતિ (ડૉ. હિમાંશુ) બાથરૂમમાં જાય છે અને છોભીલો પડી જાય છે. બે ડોલ ભરીને ગરમ પાણી તૈયાર છે. રેપરમાંથી કાઢેલો નવો, સુગંધી સાબુ ઈન્તજાર કરી રહ્યો છે. બાથરૂમની ખીંટી પર આજે પહેરવાના શર્ટ-પેન્ટ, બેલ્ટ, મોજાં, ટાઈ, હાથરૂમાલ બધું જ તૈયાર છે અને આ બધા ઉપર પત્નીનો પ્યારભર્યો સ્પર્શ છે. પતિ તૈયાર થઈને બહાર આવે છે. ત્યાં જુએ છે કે એની પત્ની બે બાળકોની મમ્મીનું પાત્ર ભજવવામાં વ્યસ્ત છે. કેમ કરતી હશે એ આ બધું ? ક્યારે ? કેવી રીતે પહોંચી વળતી હશે એ ? રસોઈ માટે બાઈ રાખી હતી એને નમિતાએ બીજા જ મહિને વિદાય કરી દીધી. પોતે ડૉક્ટર થઈ એટલે શું થઈ ગયું ? સ્ત્રી તરીકે મટી ગઈ ? ઘરનાં માણસોએ જેવુંતેવું, કાચુંપાકું બેસ્વાદ ભોજન જ આરોગવાનું હોય તો પછી આટલું બધું કમાવાનો શો અર્થ ?

સવારે પતિ હોસ્પિટલમાં પહોંચે એની પાછળ અડધા કલાકમાં જ નમિતા પણ જઈ પહોંચે. એનું હસતું વ્યક્તિત્વ અને મીઠો સ્વભાવ જોઈને દર્દીઓની ભીડ જામે. બધાંનો એની પાસે જ ચેકઅપ કરાવવાનો આગ્રહ. જનરલ પ્રેક્ટિસથી માંડીને ગાયનેકના કેઈસીઝ પણ એ તપાસી લે. હિમાંશુ ઑપરેશન કરે ત્યારે એને આસિસ્ટ કરવાનું કામ પણ એનું જ. ચામડી પરના ટાંકા તો એણે જ લેવાના ! હિમાંશુ પોતે આ કામ પત્નીને સોંપી દે. કહે પણ ખરો : ‘આ કામ તો તારું જ, દરદીઓ જ હવે તો શરત કરે છે કે ઑપરેશન ભલે તમે કરો, પણ ટાંકા તો બહેનને જ લેવા દેજો.’ નમિતા બહુ જતનપૂર્વક, આવનારા સંતાન માટે સ્વેટર ગૂંથતી હોય એમ દર્દીની ચામડી પર સોય અને દોરાથી નકશીકામ કરી આપતી. એણે લીધેલા ટાંકા ક્યારેય પાકતાં નહીં.

દસ વરસ થઈ ગયાં એનાં લગ્નને. દિવસ-રાત ઘડિયાળને કાંટે પતંગિયાની જેમ ઊડતી નમિતાએ પતિના ઘરને પૈસાથી છલકાવી દીધું. બાકી પરણીને આવી ત્યારે શું હતું ઘરમાં ? અને દસ વર્ષમાં તો શું બાકી રહ્યું હતું ? ભાડાના ફલૅટની જગ્યાએ વિશાળ બંગલો આવી ગયો, સામાન્ય સાંકડાં દવાખાનામાંથી આધુનિક, સગવડદાયી નર્સિંગહોમ બની ગયું. બૅન્કના એકાઉન્ટ્સ ઓવરફલો થઈ ગયા. આરસમાંથી ઘડી કાઢ્યા હોય એવા બે સુંદર દીકરાઓ મોટા થઈ ગયા અને ઘરમાં તમામ ચહેરાઓ ઉપર સંતોષનું લીંપણ ફરી વળ્યું અને આ બધું જ નમિતાએ હસતાં હસતાં કર્યું, કામનો નશો ભાર અનુભવ્યા વગર કર્યું, દર્દીઓના ખિસ્સાં કાતર્યા વગર કર્યું. લોકોના આશીર્વાદ ઝીલતાં ઝીલતાં કર્યું. ડિગ્રીથી નહીં, પણ પોતાનાં વ્યક્તિત્વથી કર્યું. બાકી હિમાંશુ સર્જન હતો. એ બીજી કોઈ પણ ડૉક્ટર યુવતીને પરણ્યો હોત તોપણ વૈભવ તો આવવાનો જ હતો. પણ નમિતા સુખની સાથે ચેન પણ લાવી, વૈભવની સાથે વિકાસ લાવી, સુવર્ણ સાથે સંતોષ લાવી. એ ખુદ એક પત્ની બનીને નહીં, પણ કુટુંબની લક્ષ્મી બનીને આવી.

નવું નર્સિંગહોમ ખરેખર નમૂનેદાર બન્યું. એની એક એક ઈંટ પર નમિતાની પસંદગીની મહોર લાગી હતી. બાથરૂમના નળ અને વૉશ બેઝિનના ફિટિંગ્ઝ પણ એણે જાતે રસ લઈને પસંદ કર્યાં. પોતાના માટે અને પતિને માટે અલગ અલગ કન્સલ્ટિંગ રૂમ્સ હતા. એક એક ઈંચની જગ્યા એણે ઉપયોગમાં લીધી હતી. બપોરે જમીને હિમાંશુ જ્યારે આરામ ફરમાવતો હોય ત્યારે સવારના પાંચ વાગ્યે ઊઠેલી નમિતા આર્કિટેક્ટ જોડે લમણાંઝીક કરી રહી હોય અને છેવટે એના સુગંધી પસીનાનાં છંટકાવથી સોહામણું બનેલું નર્સિંગહોમ જ્યારે તૈયાર થયું ત્યારે એની ઈર્ષા કરનારા પણ મોંમાં આંગળા નાખી ગયા.
‘હવે શું બાકી રહ્યું છે, નમિતા ? જિંદગીમાં એક ડૉક્ટર તરીકે માંગ્યું હતું એ બધું તો આ દસ વરસમાં જ મળી ગયું ?’ ડૉ. હિમાંશુએ ઉદ્દઘાટનના બે દિવસ પહેલાં એને પૂછ્યું.
‘હવે આનાથી વધારે કમાવવું છે કોને ? હવે તો આસપાસના ગામડાંના ગરીબ દરદીઓની સેવા કરવી છે. પૈસા બહુ કમાયા, હવે થોડા આશીર્વાદ પણ મેળવી લઈએ.’ નમિતાની આંખોમાં એક સાત્વિક, પવિત્ર સ્વપ્ન બોલી રહ્યું હતું.

હૉસ્પિટલના ઉદ્દઘાટનના આગલા દિવસે નમિતા અને એનો પતિ કૂળદેવીના દર્શન કરવા નવીનકોર મારુતી ફ્રન્ટીમાં બેસીને નીકળ્યાં. દર્શન કરીને પાછાં ફરતાં એક ટેન્કર જોડે મારુતિની ટક્કર થઈ ગઈ. હિમાંશુ ખૂલી ગયેલા દરવાજામાંથી બહાર ફેંકાઈ ગયો એટલે બચી ગયો. નમિતા બચી ન શકી. મારુતિ માટીના પીંડાની જેવી ચગદાઈ ગયેલી હાલતમાં હાઈવે પર પડી હતી. નમિતાનું વર્ણન થઈ શકે એમ નથી. નમિતાના કરુણ અવસાનના સમાચારથી છાપાંઓ પણ રડી ઊઠ્યા. કલ્પાંત માત્ર એના કુટુંબે જ નહીં, આખા જિલ્લાએ કર્યું. નમિતાના હાથની સારવાર પામેલ દરેક પેશન્ટ એનાં બેસણામાં આવી ગયું. હિમાંશુ આઘાતનો માર્યો પાગલ જેવો બની ગયો. નમિતાનાં સાસુ-સસરા બોલી શકવાની સ્થિતિમાં નહોતાં. બોલતા હતા માત્ર બે નાના-નાના દીકરાઓ અને એ જે પૂછતા હતા એનો જવાબ કોઈની પાસે ન હતો. આ સમાચાર મેં પણ વાંચ્યા હતા. આઘાત એ વખતે પણ મેં અનુભવ્યો હતો. કોઈ જુવાનીનું મોત સાંભળ્યું છે ત્યારે મૃત્યુના ક્રૂર પગલાં હેઠળ તાજું ખીલેલું પુષ્પ કચડાતું હોય એવો ચિત્કાર સંભળાતો અનુભવું છું. નમિતા જેવી સર્વાંગસંપૂર્ણ સ્ત્રી જ્યારે આ સંસારમાંથી અકાળે ઊઠી જાય છે ત્યારે એનાં કુટુંબીજનો માટે આશ્વાસનના શબ્દો પણ શોધી શકતો નથી. મનમાં થાય છે કે આ ઘર ઉપર આઘાતનો અદશ્ય ઓછાયો જિંદગીભર હવે ઝળુંબતો રહેશે.

અને હમણાં જ મેં સમાચાર જાણ્યા, ડૉ. હિમાંશુએ ફરી વાર લગ્ન કર્યાં. આશ્ચર્ય એ વાતનું નથી. હોય, પુરુષ છે. નર્સિંગ હોમ સંભાળવાનું છે, બે બાળકોને મોટા કરવાના છે. લગ્ન ન કરે તો આ બધું મૅનેજ શી રીતે કરે ? પણ આઘાત લાગે એવી એક-બે વાત એવી છે કે હિમાંશુએ આ બીજું લગ્ન ધામધૂમથી, રંગેચંગે, જાન જોડીને, વરઘોડો કાઢીને, ફટાકડાઓ ફોડીને, આમંત્રિતોની આંખ ચકાચૌંધ થઈ જાય એ રીતે સંપન્ન કર્યું. જાનૈયાઓ પૂરા એક કલાક સુધી તો નાચ્યા. કન્યા ડૉક્ટર જ મળી એનો આનંદ વરરાજાના ચહેરા પરથી હાસ્ય બનીને ટપકતો હતો. અને એના વૃદ્ધ પિતા (જેમના દાંતના ચોકઠામાં હજી પણ નમિતાના હાથની વાનગીના કણો ચોંટેલા પડ્યા હશે) મરઘાંની જેમ ગળું ફુલાવીને જ્ઞાતિજનો આગળ ગર્વપ્રદશિત કરતા હતા : ‘મારો હિમાંશુ નસીબદાર તો ખરો જ ને ? પાંત્રીસ વરસની ઉંમર અને બે છોકરાંનો બાપ હોવા છતાં પચીસ વર્ષની કાચી કુંવારી કન્યા પામ્યો ! અને એ પણ પાછી ડૉક્ટર….!’ સાંભળનાર એમને મોં પર તો કશું કહેતા નથી, પણ મનોમન અચૂક બબડી લે છે : ‘આજની નવી, ભવ્ય ઈમારતની ચમકદમક આગળ એના પાયામાં પૂરાયેલી ઈંટ આટલી ઝડપથી ભૂલી જવાતી હશે ! અને એ પણ આટલી બેરહેમેથી ?’

અને મને સવાલ થાય છે કે માણસની જિંદગીનું મૂલ્ય કેટલું ? માત્ર સમુદ્રકિનારે પડેલાં છીપલાં જેટલું જ ? જે પાણીનું એક મોજું આવે અને…….?!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

56 thoughts on “પાયાની ઈંટ – ડૉ. શરદ ઠાકર”

Copy Protected by Chetan's WP-Copyprotect.