પુષ્પમાળા – સંકલિત

[1] શિક્ષણ સામે સૌથી મોટો પડકાર – હરીશ બ્રહ્મભટ્ટ

આજે શિક્ષણ સામે સૌથી મોટો પડકાર બાળકોમાં સંવેદનાઓ જગાવવાનો છે. તે માટે પ્રથમ તો તેઓ તેઓની આજુબાજુના પર્યાવરણ વિશે સંવેદનશીલ બને તે શિખવવાનો છે. પોતાનું બાળક કમ્પ્યૂટર-લેપટોપ વિશે જાણે છે તેના કરતાં પહેલાં આજુબાજુના વૃક્ષો-પક્ષીઓને ઓળખે-જાણે છે, તે બાબતે ગૌરવ અનુભવવું જોઈએ. બાળક ગોખાવીને તૈયાર કરાવેલ અંગ્રેજી Poem કડકડાટ બોલે તેના કરતાં પાંચ જુદી જુદી જાતના પક્ષીઓના અવાજ બોલી બતાવે તે ગૌરવપ્રદ ગણાવવું જોઈએ. બાળક કાર્ટુન ફિલ્મના બેનટેન-ડોરીમૅન- ટોમ ઍન્ડ જેરીનાં પાત્રોને ઓળખે તે પહેલાં જે-તે વિસ્તારમાં થતાં બધાં ઝાડ-પાનને ઓળખે તે ગૌરવપ્રદ ગણાવું જોઈએ. જો બાળક પશુ-પક્ષીઓ-પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનશે તો પછી તેને માનવીય સંવેદનાઓના પાઠ અલગથી ભણાવવાની કે શીખવવાની જરૂરિયાત રહેશે જ નહીં. અને પરસ્પરના સંવેદનશીલ વ્યવહાર કે પ્રકૃતિના બધા જ તત્વો-જીવો સાથે સહઅસ્તિત્વને ધ્યાનમાં રાખી સધાતો વિકાસ જ સાચા અર્થમાં સમસ્ત જગત માટે કલ્યાણરૂપ વિકાસ ગણાય. (‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.)

[2] નાતજાતનું અનિષ્ટ – સંત પુનિત

આચાર્ય કૃપાલાણીજી એક વાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ડબામાં જાતજાતના પ્રવાસીઓ હતા. એમાં કેટલાક યુવાનો પણ હતા. આ યુવાનોને આચાર્ય કૃપાલાણીજીનું ટીખળ કરવાનું મન થયું ! એક યુવાન આચાર્ય કૃપાલાણીજીની લગોલગ બેસી ગયો. થોડી વાર તે કૃપાલાણીજી સામે પૃચ્છક નજરે તાકી રહ્યો. આ જોઈને આચાર્ય કૃપાલાણીજીને મનમાં થયું કે આ યુવાન મને કોઈ પ્રશ્ન કરવા માગે છે એટલે કહ્યું, ‘તારે કોઈ પ્રશ્ન પૂછવો છે ?’
‘હા !’
‘તો ખુશીથી પૂછ.’
‘આપ ઘણી વાર કહો છો કે આપણામાં જાતિવાદનું અનિષ્ટ વ્યાપક રીતે ઘૂસી ગયું છે અને વાતવાતમાં આપણે એકબીજાને પ્રથમ નાતજાત પૂછીએ છીએ, પણ ધારો કે, આપનો પરિચય મારે કેળવવો હોય તો આપ કઈ જાતિ કે જ્ઞાતિના છો એમ ન પૂછવું જોઈએ ?’

આચાર્ય કૃપાલાણીજી થોડી વાર વિચારમાં પડી ગયા. આનો શો જવાબ આપવો તે એમને ઝટ સૂઝ્યું નહીં. પછી પૂછ્યું, ‘તો….. તારે મારી જાત જાણવી છે ને ?’
‘હા !’
‘તો સાંભળ ! હું આમ કોઈ એક જ જાત ધરાવતો નથી. સવારે શૌચક્રિયા પતાવું છું, એટલે એ સમયે હું શુદ્ર કહેવાઉં, પછી હું મારાં જૂતાં સાફ કરું છું, એટલે એ સમયે હું મોચી કહેવાઉં, પછી કૉલેજમાં જઈ વિદ્યાર્થીઓને ભણાવું છું, જેથી તે સમયે હું બ્રાહ્મણ કહેવાઉં, પગારને દિવસે પૈસા ગ્રહણ કરું છું, તેથી હું વૈશ્ય કહેવાઉં, કોઈ વાર કોઈને બચાવવા દોડી જાઉં છું, તો તે વખતે અસહાયને સહાય કરનાર ક્ષત્રિય ગણાઉં. આમ, મારી એક નહીં, પણ અનેક જાત છે. હવે આમાં મારે તને કઈ રીતે કહેવું કે હું અમુક એક જાતનો છું ?’ વાત પૂરી કરી એમણે યુવાનને શિખામણ આપતા કહ્યું, ‘ભાઈ, માણસની કિંમત તેની જાત પરથી કરવાને બદલે તેનાં સારાંનરસાં કાર્યો પરથી આંકવી જોઈએ.’ (‘જનકલ્યાણ’ માંથી સાભાર.)

[3] ‘હું વળી વિભૂતિ ?’ – ઉશનસ્

ઉમાશંકર આરામ કરવા વલસાડના તીથલ ગામમાં આવવાના હતા. મુંબઈથી આવવાના હતા પણ એમની ટ્રેન નક્કી ન હતી. અમે બધા અટકળે એમને સ્ટેશન પર લેવા ગયા. એક ગાડીમાંથી કવિ નીકળ્યા ત્યારે આનંદનો પાર નહિ. કવિ કહે, ‘નક્કી કરેલી ગાડીમાં આવી ન શક્યો. ક્ષમા કરજો. મુંબઈ સ્ટેશને એક ગાડી વલસાડ જવાની ઊભી હતી. તેમાં જગ્યા હતી એટલે ત્યાં જઈને સૂઈ ગયો ને હવે આવી ગયો તમારી પાસે…..’ કવિ એટલે કવિ. એક આખો મહિનો ‘બંધુ ત્રિપુટી’ના ‘શાન્તિનિકેતન’માં રહ્યા હતા. હું ત્યાં તેમને મળવા રોજ જતો. જયન્ત પાઠક અને રમણ પાઠકને પણ મેં વલસાડ બોલાવેલા. અમે ત્રણેય, કવિ સાથે દરિયાકિનારે ફરવા જતા ત્યારે સરસ ગોષ્ઠિ થતી. સાહિત્યથી માંડીને ઈશ્વર સુધીની વાતો. એમની વાત હંમેશાં ખૂબ જ વિચારપૂર્વકની અને સુસ્પષ્ટ જ હોય.

એમના તીથલ વસવાટને હવે એક મહિનો પૂરો થવા આવ્યો હતો. તે અમદાવાદ પાછા ફરે એ પહેલાં કહે કે ઉશનસ્ તમે મારું વ્યાખ્યાન ગોઠવવાના હતા તે હવે ગોઠવી દો. એમનું વ્યાખ્યાન ગોઠવાયું ‘મહાભારતમાં સમાજરચના’ એ વિષય પર. એ સરસ બોલ્યા. ખીચોખીચ હાજરી હતી. મેં એમને એક વિભૂતી તરીકે આરંભમાં ઓળખાવ્યા ત્યારે એ થોડાક નારાજ થઈ ગયા. કહે, હું વળી વિભૂતિ ? સમારંભ પૂરો થતાં હું એમને મારા ઘેર જમણ માટે લઈ ગયો. એ પ્રેમથી જમ્યા. મારાં પત્ની શાન્તાબહેને કવિને ભાવપૂર્વક કહ્યું : ‘ફરી આવજો પાછા.’ કવિએ પણ એટલા જ ભાવથી કહ્યું, ‘આવીશ, જરૂર આવીશ તમારી કઢી પીવા.’ પણ પછી એ ગયા તે ગયા જ. એમની તબિયત ખરાબ હતી ત્યારે મેં ચિંતા વ્યક્ત કરેલી તો કહે, ‘તબિયત, તબિયતનું કામ કરે અને આપણે આપણું….. તે વખતે મેં એમના માટે ‘વિભૂતિ’ શબ્દ વાપર્યો હતો. આજે ય મને એ યથાર્થ જ લાગે છે. આવા એક વિભૂતિ તત્વનો પરિચય અને આત્મીય સંબંધ થયો તેને યાદ કરતાં જીવનમાં ધન્યતાનો અનુભવ થાય છે. (‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.)

[4] રાષ્ટ્ર સન્માન – દિનેશ ડી. પારેખ

રાષ્ટ્રનો અનાદર એ એના નાગરિકોનું અપમાન છે. વ્યક્તિએ તેનો પ્રત્યેક દિવસે, પ્રત્યેક પળે સામનો કરવા તત્પર રહેવું જોઈએ. નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈ.સી.એસ. કર્યા પછી ઈંગ્લેન્ડથી ભારત પાછા આવી ગયા હતા. ભારતમાં આઈ.સી.એસ. થનારા માણસે એક લેખિત પરીક્ષામાં બેસવું પડતું. તે પદ માટેની વાસ્તવિક નિમણૂંક માટે તેણે આ પરીક્ષા પાસ કરવી પડતી.

તેમણે અત્યંત કાળજીથી પોતાનું પ્રશ્નપત્ર વાંચ્યું અને તે અચાનક જ કોપાયમાન થઈ ગયા. તેઓ થોડીક મિનિટો સુધી કેવી રીતે જવાબ આપવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યા નહીં. તેમનો ક્રોધ ઓછો થવાને બદલે વધુ પ્રબળ બન્યો. અંગ્રેજી પરિચ્છેદનો પ્રશ્ન ઉમેદવારની માતૃભાષામાં અનુવાદ કરવા માટે મૂકાયો હતો. એમાં એક વાક્ય હતું, જેણે સુભાષબાબુને નારાજ કર્યા હતા. એ હતું : ‘હિન્દી સૈનિકો સામાન્યપણે અપ્રમાણિક હોય છે.’ હિન્દી રાષ્ટ્રીય સભાના પ્રમુખ બનનારા અને વળી ‘આઝાદ હિન્દ ફોજ’નાં નેતાજી બનનારા એવા સુભાષબાબુ ક્રોધાવેશમાં ઊભાં થઈ ગયા અને નિરક્ષકને મોટેથી બૂમ પાડી બોલાવ્યાં.
‘મહેરબાની કરી અહીં આવો, અને આ પ્રશ્નને તત્કાળ રદ કરો.’
નિરક્ષકે જવાબ આપ્યો : ‘તે સહેતુક પૂછાયો છે, એને રદ કરી શકાય નહીં. જો તમે આ પ્રશ્નનો જવાબ નહીં આપો તો તમે આકર્ષક પદ મેળવી શકશો નહીં.’ સુભાષબાબુએ તે જ ઘડીએ પ્રશ્નપત્ર ફાડી નાખ્યું અને કહ્યું, ‘મારા દેશવાસીઓ પર જૂઠી રીતે આળ મૂકવા કરતાં ભૂખે મરવું બહેતર છે.’ નેતાજી સુભાષચંદ્ર બોઝના આ ઉપરોક્ત દષ્ટાંતનું તારત્મ્ય એ જ કાઢી શકાય કે દરેક નાગરિકને ‘રાષ્ટ્રનું સન્માન’ પોતાની જાત કરતા વધુ વહાલું હોવું જોઈએ. (‘કપોળ સમાજ દર્પણ’ સામાયિકમાંથી સાભાર.)

[5] ઈમાનદારી – કનુભાઈ એસ. વ્યાસ

બોટાદમાં ગમે તે ઋતુ હોય, શિયાળાની ઠંડી, ચોમાસાનો વરસાદ કે પછી ઉનાળાનો ધોમધખતો તાપ… નિવૃત્ત થયાના છેલ્લા એક દાયકાથી આ પરિચિત અવાજ સાંભળવા મળે છે, ‘છાપાં-ચોપડી, ખાલી ડબા, લોખંડનો ભંગાર….!’ આ અવાજ કાળુભાઈ ભંગારવાળાનો છે. મોટાભાગના લોકો ‘કાળુ ભંગારવાળા’ તરીકે જ એને ઓળખે ! કોઈ ગ્રાહક ટકોર કરે કે ‘વજન બરાબર કરજે ! ઘણા લારીવાળા ખોટો તોલ-માપ કરે છે !’ તો આધેડ વયનો કાળુભાઈ શાંતિથી ગ્રાહકને સમજાવે, ‘ભાઈ ! બીજા લારીવાળા ગમે તેમ કરતા હોય પરંતુ હું ખુદાને માથે રાખીને નેકીથી ધંધો કરું છું.’

મેં થોડા જ સમય પહેલાં મારા ઘરની લોખંડની જૂની થયેલી પાઈપ લાઈન સડી ગઈ હોવાથી તેને બદલાવીને પી.વી.સી.ની લાઈન નાખી જેને કારણે લોખંડના નાના-મોટા પાઈપ નીકળ્યા જે ભંગારમાં આપવાના હતા. ઉપરાંત ઘરનું નાનું-મોટું રિપૅરિંગ કામ પણ ચાલતું હતું. રાબેતા મુજબ કાળુ ભંગારવાળાનો અવાજ સાંભળી મેં કહ્યું, ‘કાળુભાઈ, લોખંડનો ભંગાર આપવાનો છે, કરો તોલ-માપ !’ જવાબમાં કાળુએ કહ્યું, ‘સાહેબ, સ્પ્રીંગવાળો વજનકાંટો બગડી ગયો છે, બે દિવસમાં રિપૅર થઈ જશે. નાના કાંટાથી તોલવાનું ફાવશે નહિ.’
મેં પૂછ્યું, ‘લોખંડના ભંગારનો અત્યારે શું ભાવ ચાલે છે ?’
કાળુએ કહ્યું : ‘વીસ રૂપિયે કિલો.’
‘આશરે કેટલું લોખંડ હશે ?’
‘ત્રીસેક કિલો લાગે છે.’ કાળુએ કહ્યું.
‘તો પછી લઈ જાઓ.’ ત્રીસ કિલોના પૈસા આપી કાળુ ભંગારવાળાએ લારી આગળ ચલાવી.

હું બીજા દિવસે સવારમાં ચા-પાણી પતાવી છાપું વાંચતો હતો ત્યાં કાળુ ભંગારવાળો સાઈકલ લઈને આવી પહોંચ્યો ! મેં આવકાર આપતાં કહ્યું : ‘આવો કાળુભાઈ, ચા-પાણી પીઓ, બેસો !’
‘સાહેબ ! માફ કરજો ! વજનની ગણતરી મારી ખોટી પડી ! લ્યો, આ બસો રૂપિયા.’
મેં કહ્યું : ‘કાળુભાઈ, માંડીને વાત કરો.’
કાળુએ કહ્યું : ‘તમારું લોખંડ લારીમાં અલગ જ રાખ્યું હતું. ભંગારના ડેલે ભંગાર આપવા ગયો તો વજન થયું ચાલીસ કિલો ! તમને મેં ત્રીસ કિલોના પૈસા આપેલ છે.’
મેં કહ્યું : ‘તમારી પ્રામાણિકતાનું ઈનામ તમારી પાસે રાખો. તમે મને વાત ન કરી હોત તો મને થોડી ખબર પડવાની હતી ?’
ત્યારે જવાબમાં કાળુએ કહ્યું : ‘તમને ખબર ન પડત, પણ મારો ઉપરવાળો ખુદા બરાબરનો હિસાબ રાખે છે ! નેકીથી ચાલું છું તો ઉપરવાળો બરકત આપે છે ! લ્યો ત્યારે સાહેબ, હજી ઘરે જઈને લારી બહાર કાઢવાની છે !’ મને થયું કે, ‘નાના ઈન્સાનની કેવી મોટી ઈમાનદારી….’ (‘અખંડ આનંદ’માંથી સાભાર.)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous યુરોપના દેશોના પ્રવાસે – પ્રવીણ શાહ
ઉદાર હૃદયી ચુનીદાદા – જયશ્રી Next »   

4 પ્રતિભાવો : પુષ્પમાળા – સંકલિત

 1. Preeti says:

  સરસ સંકલન

 2. Jay Shah says:

  કાળુ ભાઈ ની વાત અને ઈમાનદારી ગમી…. પણ એક સવાલ થાય છે… કે ભગવાન આમ શ્ં કામ કરતા હશે? કોઈ ઈમાનદાર – મહેનતુ અને શ્રમજીવી ને આવા વહીત્રા કુટી ને કામ કરવાનું – જ્યારે અપ્રમાણીક અને ભ્રષ્ટાચાર નેતા અને ઊધ્યોગપતી ને આખા ગામ ની સુખ-સુવીધાઓ… ઈમાનદાર ને બે વખત પુરતુ પેટ ભરી ને પણ અન્ન નહી અને આવા ભ્રષ્ટાચારીઓ ને ત્યાં અન્નની રેલમ-છેલ… વહા ભગવાન – વહા ખુદા – તારો ઈનસાફ!

 3. we at our primary school, always give one example of our domestic birds, animals and other flowers which are in our compound.
  I wish that this course may run by all school.
  Thanks for the article

 4. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  પુષ્પમાળાનાં બધાં પુષ્પો ગમ્યાં.
  બાળકનું પ્રથમ શિક્ષણ તે પર્યાવરણને જાણતું થાય તે છે. હું આઠમા ધોરણના એક બાળકનું ટ્યુશન કરતો હતો. તે જજ સાહેબની બેબી મોટા બંગલામાં રહેતી હતી. કર્તરી વર્ગનું પ્રાણી — ખિસકોલી વિષે સમજાવતાં તેને પૂછેલું કે તેણે ખિસકોલીને આખો દિવસ કંઈ ને કંઈ કાતરતી-ખાતી જોઈ હશે. — તો તેણે જવાબ આપેલોઃ ” મને ખિસકોલી કેવી હોય તે ખબર નથી ! ” હું તેને બંગલાના આસોપાલવ ઉપર દોડાદોડ કરતી ખિસકોલીને બતાવતાં બોલ્યોઃ ” જો, આને ખિસકોલી કહેવાય. ”
  બોલો, આવું ભણતર બાળકોને શા ખપનું ?
  કાળુભાઈની પ્રામાણિકતા ગમી. સાચે જ નાના માણસોની મોટાઈ ઘણી ઊંચી હોય છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.