હેલ્પલાઈન – અજય ઓઝા

[ કસ્ટમર-કેર નામની સુવિધાઓ હકીકતમાં કસ્ટમરની સંભાળ લે છે ખરી ? અગણિત સવાલ-જવાબ પછી પણ ગ્રાહક જે માહિતી મેળવવા ઈચ્છતો હોય એ તો તેને નથી જ મળતી. હેલ્પલાઈનની અટપટી માયાજાળમાં કલાકો સુધી ફોન પકડી રાખવા છતાં એને એની સમસ્યાનું સમાધાન મળતું નથી. આ સંદર્ભમાં પ્રસ્તુત છે એક હળવી શૈલીની વાર્તા ‘જલારામદીપ’ સામાયિક સપ્ટેમ્બર, 2011માંથી સાભાર. આપ શ્રી અજયભાઈનો (ભાવનગર) આ નંબર પર +91 9825252811 સંપર્ક કરી શકો છો. ]

‘હલો….. કસ્ટમર કેર ?’
‘નમસ્કાર, હું વિભા દેસાઈ, આપની શી સહાયતા કરી શકું ?’
‘આપનો મોબાઈલ નંબર મળી શકે ?’
‘સૉરી સર, મારો પર્સનલ નંબર શા માટે ?’
‘શું છે કે કસ્ટમર કૅરના કોઈપણ માણસ સાથે વાત કરવી હોય તો સાત કોઠા પસાર કરવા પડે છે. એના બદલે હું ડાયરેક્ટ તમારી સાથે મોબાઈલ પર વાત કરી શકું તો કેવું સરળ પડે !’
‘ના, અમે કોઈને મોબાઈલ નંબર આપતા નથી.’
‘ચિંતા ન કરો, મારે જરૂર નહીં હોય એટલે તમારો નંબર તમને પાછો આપી દઈશ…. ગૉડ પ્રોમીસ.’
‘સોરી સર, એ શક્ય નથી. હું આપની બીજી કોઈ પણ સહાયતા કરી શકું ?’
‘ના, પણ…..’
‘ઓ.કે. સર, હેવ અ નાઈસ ડે.’
‘અરે અરે, રાત પડવા આવી છે, ગુડ ઈવનીંગ કહો. હલો….હલો…. ?’
…કટ…..

‘હલો… કસ્ટમર કેર ?’
‘હા, જી, સાહેબ.’
‘મારા ઘરની તમામ ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આપની કંપનીની જ છે. બહુ મોટો ચાહક છું આપની બ્રાન્ડનો.’
‘થૅન્ક યુ સર. યૂ આર અવર મોસ્ટ વેલ્યુએબલ કસ્ટમર સર.’
‘મારા ઘરમાં વૉશિંગમશીન આપની કંપનીનું, રેફ્રીજરેટર આપની કંપનીનું અને હમણાં જ ખરીદેલું બત્રીસ ઈંચનું એલ.સી.ડી. પણ….’
‘ઓ.કે. ઓ.કે. સર. આ બધું જણાવવા માટે જ આપે કસ્ટમર કેરમાં ફોન કર્યો ?’
‘ના, ના, એક નાનકડી ફરિયાદ હતી.’
‘ઓહ, વૉશિંગમશીનની કંપ્લેઈન હોય તો ઍક્સટેન્શન વન એઈટ ઝીરો ઝીરો…. ફ્રીજ માટે પણ વન એઈટ ડબલ ઝીરો…. ને એલ.સી.ડી.ની કંપ્લેઈન…..’
‘એક મિનિટ, ત્રણેયની હોય તો ?’
‘અચ્છા શી કંપ્લેઈન હતી ?’
‘વૉશિંગમશીનમાં ડ્રેઈનનું ફંકશન કામ કરતું નથી, ફ્રીજમાં ઓટો ડી-ફ્રોસ્ટ બંધ થઈ ગયું છે અને એલ.સી.ડી.માં એચ.ડી. ફંકશન આઉટ ઑફ ઑર્ડર છે.’
‘ઓ.કે. સર. તમારી પાસે આ બધાના વેટવાળા બીલ્સ તો હશે ને ? કે પછી વોરંટી પિરીયડ વીતી ગયો હશે ?’
‘બીલ તો કદાચ ન પણ હોય, તમારો માણસ બીલ વગર તમારી પ્રોડક્ટ નહીં ઓળખી શકે શું ?’
‘એવું નથી. બટ સર, અમારો ડેટા બતાવે છે કે થોડા દિવસ અગાઉ જ આપને ત્યાં અમારો સર્વિસ ઍન્જિનિયર આવીને બધું રીપેરીંગ કરી ગયો છે.’
‘શું ધૂળ રીપેરીંગ કરી ગયો ? એણે તો ફ્રીજમાં ડ્રેઈન સિસ્ટમ ચાલુ કરી દીધી અને વૉશિંગમશીન ડી-ફ્રોસ્ટ થવા લાગ્યું છે !’
‘સર…..સર, શું છે કે તમારે ત્યાં વપરાતું પાણી જ જો ‘એચ.ડી. રેડી’ નહીં હોય તો વૉશિંગમશીનનું એચ.ડી. ફંકશન એકટીવેટ કેવી રીતે થાય ? વી રેકમેન્ડ યૂ ટુ યુઝ એચ.ડી.રેડી વૉટર, સર.’
…..કટ……

‘હલો…. કસ્ટમર કેર ?’
‘જી સાહેબ, વીજ નિયંત્રણ કક્ષમાં આપનું સ્વાગત છે.’
‘લાઈટ ચાલી ગઈ છે, સાહેબ.’
‘હં….ફ્રીજ, એ.સી. જેવી હૅવી લોડની ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વાપરતા હશો, નંઈ ?’
‘ના, સાહેબ.’
‘તમારો ગ્રાહક નંબર ?’
‘એ તો યાદ નથી.’
‘છેલ્લું ભરેલું બીલ ?’
‘એ તો શોધવું પડશે.’
‘પોલ નંબર ? જ્યાંથી તમને કનેકશન આપવામાં આવ્યું હોય એ થાંભલાનો નંબર ?’
‘નંબર પર કોઈએ બોર્ડ ચીપકાવેલું હતું, એ વાંચવા ત્રણેક પગથિયાં થાંભલા ઉપર ચઢ્યો ને વાંચ્યું.’
‘વેરી ગુડ, શું લખ્યું હતું ?’
‘એટલું જ કે કલર તાજો છે, અડશો નહીં.’
‘અમે જૂની જોક પર હસતાં નથી. બધી ડિટેઈલ્સ મેળવીને પછી ફોન કરજો.’
‘પણ લાઈટ….. ? હલો… હલો….. ?’
…..કટ…..

‘હલો…. કસ્ટમર કેર ?’
‘વેલકમ સર. ટ્વેન્ટી ફોર સેવન રાઉન્ડ ધ કલૉક ઑન લાઈન સિલિન્ડર બુકિંગ સર્વિસ સેન્ટર હીયર.’
‘થેન્ક યૂ, પ્લીઝ બૂક માય સિલિન્ડર.’
‘સ્યૉર, આપનો નંબર ?’
‘ફાઈવ સિક્સ સેવન એઈટ નાઈન….’
‘સર, તમે ગૅસનો ઉપયોગ તમારું વાહન ચલાવવામાં તો નથી કરતા ને ?’
‘અરે નહીં, કેમ આવું પૂછો છો ?’
‘કેમ કે અમારી સિસ્ટમ પર તમારે ત્યાં ગૅસનો ખૂબ જ વપરાશ હોવાનું બતાવે છે. મહેરબાની કરી પચ્ચીસ દિવસ પહેલાં બુકિંગ માટે ફોન ન કરશો.’
‘પણ, એના વગર હું રાંધીશ કેવી રીતે ? વપરાશની તો વિભાને ખબર હોય… હલો… હલો…’
…..કટ…..

‘હલો…. કસ્ટમર કેર ?’
‘ડેલી જોક્સ માટે ચાર દબાવો, લવગુરુ સાથે વાત કરવા માટે પાંચ દબાવો, એસ્ટ્રોલૉજી માટે છ દબાવો, લવટીપ્સ સબસ્ક્રાઈબ કરવા માટે સાત દબાવો, અમારી વિશેષ સેવા…. એસ્ટ્રોલૉજીકલ લવટીપ્સ નજીવા દરે એક્ટીવેટ કરાવવા માટે માત્ર આપના અવાજની ‘હૅલો’ સાઉન્ટટ્યૂન ઈનપુટ આપો…. અને મેળવો….’
‘હૅલો…..’
‘એસ્ટ્રોલૉજીકલ લવટીપ્સ કેર યુનિટમાં આપનું સ્વાગત છે.’
‘હૅલો…..’
‘નમસ્કાર સરજી. આપના લવ પ્રોબ્લેમ્સ વિશે અમે હંમેશાં ચિંતિત રહીએ છીએ. આપ નિશ્ચિંત થઈને આપની સમસ્યા અમને જણાવી શકો છો.’
‘શું તમે જણાવી શકશો કે મારી લવપાર્ટનર સાથે રી-કનેક્ટ થવા…. મતલબ કે ફરી જોડાણ સ્થાપિત કરવા માટે શું કરવું ?’
‘ચોક્કસ જણાવી દઉં. શું હું આપનું અને આપના પાર્ટનરનું નામ જાણી શકું ?’
‘સ્યૉર, મારું નામ મેહુલ મહેતા અને તેનું નામ વિભા મહેતા…. સૉરી નાઉ શી ઈઝ વિભા દેસાઈ.’
‘નામ જણાવવા બદલ ધન્યવાદ. સર, તમારી રાશિ સિંહ હોવા છતાં શુક્ર પહેલેથી દૂબળો જણાય છે. ને તેમની રાશિ એટલે કે…. વૃષભ તો આમેય મારકણો હોય જ. આઈ કાન્ટ બિલીવ કે ‘માર’ ખાધા વગર જ તમારું બ્રેકઅપ થયું હોય. મને તો લાગે છે તમારું મૅચ-મેકીંગ શક્ય નથી.’
‘કોઈ ઉપાય ? તમે કહો તો ઑનલાઈન વૃષભપૂજા કરું ? મૅચ-મેકીંગના રોજ સોળ-સોળ એસ.એમ.એસ. રસ ધરાવતાં મિત્રોને ફૉરવર્ડ કરું. કોઈ તો ઉપાય હશે !’
‘વધારે માહિતી માટે તમારું નામ-સ્પેસ-બર્થટાઈમ-સ્પેસ-બર્થડેટ-સ્પેસ-બર્થપ્લેસ ટાઈપ કરી ફાઈવ ફાઈવ વન એઈટ ઝીરો પર મોકલી આપો. આ સેવાના ઉપયોગ બદલ ધન્યવાદ.’
‘પણ કુંડળી જ…. હલો…હલો…..’
……કટ……

‘હલો…. કસ્ટમર કૅર ?’
‘યસ, લેટેસ્ટ ટુ વ્હીલર ઑનલાઈન સર્વિસ સેન્ટર.’
‘જી, મારે આપનું જ કામ હતું…. જરા માર્ગદર્શન માટે……’
‘જરૂર સર. ટુ વ્હીલર વિધાઉટ ગિયરની દુનિયામાં અમારી કંપનીનું બહુ મોટું નામ છે. દેશની સડકો પર અમારું જ સ્કૂટર ચાલે છે.’
‘જાણું છું, પણ મારે સ્કૂટર દોડાવવું છે.’
‘સર, તમને અમારું કયું સ્કૂટર ખરીદવું ગમશે ?’
‘મેં ઑલરેડી ખરીદી લીધું છે. પણ મારે એના વિશે થોડી માહિતી જાણવી છે.’
‘ઓ.કે. સર. જરા જલદી પૂછી લેશો પ્લીઝ ?’
‘આપનું સ્કૂટર કપરા ચઢાણ ઝડપથી ચઢી નથી શકતું સાહેબ. તો શું કરવું ?’
‘સર, તમને આપવામાં આવેલ બૂકલેટના પેઈજ નંબર થર્ટી સેવન પર આ પ્રશ્નની પૂરી માહિતી સમજાવી છે. છતાં ટૂંકમાં હું તમને સમજાવું છું કે કપરા ચઢાણ ચઢતી વખતે ફૂટરેસ્ટ પર રાખેલ પગ….’
‘ફૂટરેસ્ટ ?? એ વળી શું ? કે પછી ફૂટસ્ટેન્ડ ?’
‘લાગે છે તમે પેઈજ નંબર ફાઈવ પર આપેલી તમારા સ્કૂટરની નામનિર્દેશવાળી આકૃતિ બરાબર જોઈ નથી…. હા, તો એ ‘ફૂટરેસ્ટ’ પરથી ડાબો પગ લઈને ડાબા પેડલ પર અને જમણો પગ લઈને જમણા પૅડલ પર લગાવી જોરથી ઘુમાવો તમે જોશો કે……’
‘ઓફફો…. એમ પણ કરી જોયેલું, પણ સ્કૂટર એટલું ધીમું પડી ગયું કે વિભા ક્યારે ઊતરી ગઈ એની પણ ખબર ન રહી !’
‘માફ કરજો સર, અમારી કંપનીના કોઈ જ મૉડેલનું નામ વિભા નથી.’
‘હું એમ કહું છું કે સ્કૂટર એટલું ધીમું પડી ગયેલું કે બૅકસીટ પર બેઠેલી વિભા ક્યારે નીચે ઊતરીને અન્ય બાઈક પર બેસી ગઈ એ ધ્યાન જ ન ગયું !’
‘વાઉ….. ઈટ્સ એ બ્રેકીંગ ન્યૂઝ !’
‘હેય, ઈટ્સ અ બ્રેકઅપ ન્યૂઝ !’
‘ઓ…..સૉરી સર, બટ યૂ નો કપરા ચઢાણ ચડાવવા માટેનું નૅક્સ્ટ સ્ટૅપ પણ એ જ હતું કે જો તમે ડબલ સવારીમાં હો તો સિંગલ સવારીમાં થઈ જાવ ! ને યૂ નો સર, બેઝીકલી અમારી કંપની ડબલ સવારી પ્રોવાઈડ પણ નથી કરતી. ડબલ સવારી ઈલ્લીગલ ફૉર અવર ઑલ મૉડેલ, સો એવોઈડ ઈટ.’
‘પણ કપરાં ચઢાણ…. હૅલો…. હૅલો…..’
……કટ……

‘હૅલો…. કસ્ટમરકેર ?’
‘જી, ગુડ ઈવનીંગ સર. હું વિભા દેસાઈ આપની શી સહાયતા કરી શકું ?’
‘હા, જરા બેલેન્સ પુરાવી આપોને ?’
‘ફરી મજાક ?’
‘ના, વાત એમ બની છે કે છેલ્લા એકાદ કલાકમાં લગભગ એક સો ને ચાલીસેક રૂપિયા મારા બેલેન્સમાંથી કપાયા છે. વિના કશા કારણે, શું હું જાણી શકું કે શા માટે આમ થયું ?’
‘ચોક્કસ સર. હોલ્ડ જસ્ટ અ મિનિટ સર…. યા સર, થૅન્ક યૂ. (બીપ…. વી આર કનેકટીંગ પીપલ… બીપ)… સર, આર યૂ ધૅર ? હૅલો……સર… આર યૂ ધેર ?’
‘ઓ… યસ, બોલો પ્લીઝ.’
‘સર, તમારા બેલેન્સ વિશે કંઈ ઉપયોગી ટીપ્સ આપી શકું ?’
‘જરૂર, પણ આપની ટીપ્સ વેલ્યુ એડેડ સર્વિસમાં તો નહીં ગણાયને ?’
‘એટલે ?’
‘એટલે કે ટીપ્સનો કોઈ ચાર્જ તો નહીં કપાયને ?’
‘અરે નહીં સર.’
‘હા, તો કહો તમારી ટીપ્સ.’
‘છેલ્લા એક કલાકનો તમારા ફોનનો આઉટ ગોઈંગ રેકર્ડ તપાસતાં તો મને એટલી જ સલાહ સૂઝે છે સર, કે બધી જ હેલ્પલાઈન, બધા જ નંબર પરથી ટોલફ્રી નથી હોતી.’
‘ટોલ ફ્રીની જાણ નહોતી, પણ એટલું જરૂર સમજી ગયો કે બધી જ હેલ્પલાઈન કેટલી હેલ્પલેસ હોય છે !’
‘સો બી કૅરફૂલ, ઍન્ડ ઍન્જોય યૉર ટાઈમ, સર…. ગુડ બાય.’
‘પણ બેલેન્સ…..હૅલો ??’
…..કટ…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “હેલ્પલાઈન – અજય ઓઝા”

Copy Protected by Chetan's WP-Copyprotect.