- ReadGujarati.com - http://www.readgujarati.com -

જરા….ય લાગતાં નથી ! – કલ્પના દેસાઈ

[ હાસ્ય-રમૂજી લેખોના પુસ્તક ‘લપ્પન-છપ્પન’માંથી સાભાર. આપ શ્રીમતી કલ્પનાબેન દેસાઈનો (ઉચ્છલ, સુરત) આ નંબર પર +91 2628 231123 સંપર્ક કરી શકો છો.]

નાનપણથી આજ સુધી જ્યારે જ્યારે મને કોઈએ પણ મારી ઉંમર પૂછી છે ત્યારે ત્યારે મેં હંમેશાં સત્યનો સહારો જ લીધો છે. સ્ત્રી છું તો શું થઈ ગયું ? ઉંમર છુપાવવા જેવું શું છે તે જ મને સમજાતું નથી. એવી તો ખોટી અફવા જ ફેલાયેલી છે. લોકોના મગજમાં ખોટી બીક ભરાઈ ગઈ છે કે – સ્ત્રીઓ ઉંમર છુપાવે છે !

એટલે જ ડરતાં ડરતાં કે હસતાં હસતાં પૂછે, ‘તમારી ઉંમર જાણી શકું ?’ લો ! એમાં શું બીવાનું ? જે જવાબ મળે એમાં દસ-વીસ ઉમેરી લેવાં ! એ બહાને સ્ત્રીઓ રાજી તો રહે. ઘણી સ્ત્રીઓ પણ અજબ હોય છે. ઉંમર પૂછે એમાં તો દસ જાતના ગોળ ગોળ સવાલ-જવાબ કરે. એક જ ઉંમર પકડી રાખી હોય તો પટ દઈને જવાબ આપી દેવાય. દર વખતે યાદ થોડું રહે કે ક્યારે કોને કેટલી ઉંમર કહેલી ? હું તો રાઉન્ડ ફિગર કહી દઉં. થોડા વર્ષ ચાલીસથી ચલાવ્યું ને હવે પચાસ કહું છું ! પચાસ બોલતાં મને કંઈ ન થાય (દુઃખ કે આઘાત) પણ સામેવાળાનું મોં આશ્ચર્ય ને આઘાતથી ફાટી જાય. ‘હે….પચા….સ ? જરા… લાગતાં નથી.’

આ ‘જરા…ય લાગતાં નથી’ વાક્ય મને ક્યારેય સમજાયું નથી. હકારાત્મક વિચારવાનું કે નકારાત્મક ? પહેલો પ્રતિભાવ તો જોકે હકારાત્મક જ હોય. સાંભળીને તો મારા રોમરોમમાં આનંદના ઉછાળા ચાલુ થઈ જાય. મોં પર ખુશીની વાંકીચૂકી રેખાઓ ફેલાવા માંડે ને આંખોમાં હર્ષનાં આંસુઓ ઝગારા મારે. મારાથી આ વાક્ય સાંભળ્યા પછી સીધા ઊભા રહી ન શકાય. શરમ ને ખુશીના બેવડા ભારથી કે મારથી શરીર ડોલવા માંડે. આજ સુધી શરીર સાચવવા-મેઈનટેઈન કરવા શું શું કર્યું તેની યાદ મગજમાં ઘુમરાવા માંડે કે પેલા (જે હોય તે) બોલે, ‘મને તો એમ કે પંચાવન-સત્તાવન હશે.’ માથા પર ફટકો મારી દીધો હોય એમ આંખે અંધારાં આવવા માંડે. શરીર સંકોચાવા માંડે તે સ્માઈલને તો માઈલનું છેટું પડી જાય. આંખોમાં ઝળઝળિયા ઝબૂકવા માંડે ને મોંની રેખાઓ ગુસ્સામાં ને ગમમાં વાંકીચૂકી થવા માંડે. એક જ વાક્ય પલ્ટી મારે – પડખું બદલે – ત્યારે માણસની હાલત જોવા જેવી થઈ જાય.

મને થાય કે, આ વાક્ય ઉમેરવાની એમની હિંમત જ કેમ ચાલી ? ન બોલતે તો ન ચાલતે ? ન બોલ્યા હોત તો હું તો ચાલીસ-બેતાલીસના વહેમમાં જ વર્ષો સુધી ફરત ને ? હવે ઉંમર ઓછી દેખાય ને વધારે સ્માર્ટ દેખાઉં તેવી કસરતો કરવી પડશે. પહેરવેશ બદલવો પડશે. હેરસ્ટાઈલ એવી રાખીશ કે ઉંમર પૂછતાં પહેલાં કોઈ વિચાર કરે ! મેકઅપ વગર ઘરની બહાર નહીં નીકળું. રંગ ને કરચલી જ છુપાવવાનાં છે ને ? હવે તો બૌ કંપનીઓ સ્ત્રીઓની મદદે ખડે પગે તૈયાર રહે છે. તે સુંદર દેખાવા સ્ત્રીઓ શું નથી કરતી ? જમાના સાથે કદમ તો મિલાવવા પડે ને ? હોઈએ તેના કરતાં મોટા દેખાવાનો શો અર્થ ? માણસે હંમેશાં ઓછામાં રાજી રહેવું જોઈએ. સાઠ કે સિત્તેરની સ્ત્રીઓ પચાસની દેખાવા શું શું કરે છે તેની માહિતી મેળવવા મેં માથાકૂટ શરૂ કરી દીધી છે. રસ્તે જતાં હોઈએ તો જોઈને લોકો ઈમ્પ્રેસ થઈ જવા જોઈએ ને વિચારતા થઈ જવા જોઈએ કે આખરે આ સ્ત્રીની ઉંમર શું હશે ? પચાસની તો નહીં જ હોય. માં….ડ ચાલીસની લાગે છે. સાથે દીકરી કે વહુને લઈને જ નીકળવાનું એટલે ઓળખીતાં મળે તો કહી શકે કે, ‘તમે તો આનાં મમ્મી લાગતાં…. જ નથી.’ (આ વળી બીજો અટપટો આક્ષેપ !)

જોકે સ્ત્રીઓને ખુશ રાખવી હોય તો હંમેશાં એમને ઓછી ઉંમરની જ કહેવી. સંબંધ બગડે નહીં ને જ્યારે મળે ત્યારે સ્માઈલોના સ્માઈલો છલકાવાની ગૅરંટી ! છેલ્લે જોયાં હોય ત્યારે ને અત્યારે તબિયતમાં આસમાન-જમીનનો એટલે કે તનબદન, ટનબદનના રૂપમાં ફેરવાયું હોય ત્યારે પણ ભૂલમાંય બોલાઈ ન જાય તેનું ધ્યાન રાખવું કે, ‘અરેરે ! તમારી તો ખાસ્સી તબિયત વધી ગઈ ! કેવાં હતાં ને કેવાં થઈ ગયાં ! કેમ કરતાં આટલો મોટો (!) ફેરફાર ?’ જો બોલવામાં મોડું કર્યું અને કદાચ એ પોતે જ ક્ષોભના માર્યા પૂછી બેસે કે, ‘મારી તબિયત બૌ વધી ગઈ નહીં ? મારી પડોશણ કરતાં હું જાડી લાગું છું ને ?’ ત્યારે તમારો જવાબ શું હોવો જોઈએ ? ‘ના…રે ! કોણે કહ્યું ? જરા….ય લાગતાં નથી. તમારી હાઈટ પ્રમાણે તો આટલી બોડી (!) હોવી જ જોઈએ. પછી સાવ મરિયલ પણ કાંઈ શોભે નહીં. ના. ના. બરાબર છે. આટલી તબિયત જ બરાબર છે. સરસ લાગે છે. પણ હવે (!) ધ્યાન રાખજો. હવે વધવી ન જોઈએ.’ (આડકતરો ઈશારો તો કરી જ દેવો.)

અને છેલ્લે, ચહેરા કોઈ દિવસ હકીકત બયાન નથી કરતા એ ન્યાયે જે મને જુએ અને પછી જાણે કે બહેનજી હાસ્યલેખિકાના વહેમમાં ફરે છે એટલે તરત જ બોલે, ‘હેં….? તમે હાસ્યનું લખો છો ? તમે…? ને હાસ્યલેખિકા….? જરા…ય લાગતાં નથી !’ બાકીનું મનમાં જ નિરાશા સાથે મમળાવે, ‘આ દિવેલીયું ડાચું, સુસ્ત આંખો ને માખી તો શું મધમાખી આવીને મોં પર બેસે તોપણ ન ઉડાડે એટલી આળસુ સ્ત્રી શું હસતી હશે ને લોકોને હસાવવાના વહેમમાં ફરતી હશે ? લખવાની બહુ જ ચળ આવતી હોય તો ભૂતકથાઓ લખે. કરુણકથાઓ લખે કે પછી શ્રદ્ધાંજલિઓ લખી આપે. બાકી હાસ્યલેખિકા બનવાને કે કહેવડાવવાને તો જરાય લાયક નથી. મોઢા પરથી જરાક તો લાગવું જોઈએ ને ?’

હવે હાસ્યલેખિકા જેવા ‘જરા…ક’ દેખાવા માટે મારે શું કરવું જોઈએ ? સૂચનો મોકલશો ?