- ReadGujarati.com - http://www.readgujarati.com -

‘અખેપાતર’ નવલકથા વિશે… – વંદના શાંતુઈન્દુ

[ બિન્દુબેન ભટ્ટની સુપ્રસિદ્ધ નવલકથા ‘અખેપાતર’નો સંક્ષિપ્ત આસ્વાદ અહીં પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9428301427 અથવા આ સરનામે vandanaibhatt@gmail.com સંપર્ક કરી શકો છો.]

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી-લેખનની એક ગૌરવશાળી પરંપરા રહી છે. આધુનિક સમયમાં બિન્દુબેન ભટ્ટ આ પરંપરાના સશક્ત હસ્તાક્ષર છે. બિન્દુબેન હિન્દીના પ્રાધ્યાપિકા છે અને ગુજરાતી-હિન્દી એમ બંને ભાષામાં સમાન રીતે સક્રિય છે.

આજે નારી મુક્તિના નામે જે લેખન થઈ રહ્યું છે તે વાંચીએ ત્યારે લાગે છે કે ખરેખર આ મુક્તિ છે ખરી ? હિન્દી ફિલ્મોમાં જે દશા અભિનેત્રીઓની છે કે આગળ આવવું હોય તો પ્રદર્શન કરો… – એ જ માનસિકતાની ગુલામ કોઈ-કોઈ લેખિકાઓ પણ છે. કારણ કે દૈહિક સ્તર પર લખવાવાળી લેખિકાઓને મળે છે વાહ…વાહ અને સેલિબ્રિટીનું સ્ટેટસ ! જ્યારે બૌદ્ધિક સ્તરપર લખનારી લેખિકાઓના લેખન પર જ પ્રશ્નાર્થ લાગી જાય છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ કોઈ કોઈ હસ્તાક્ષર એવા છે જે સ્ત્રીની ગરિમાને પોતાના પાત્રોમાં ભરીને સાચી સ્ત્રીને અને સ્ત્રીના સત્યને નિખારે છે, આમાં એક નામ છે બિન્દુબેન ભટ્ટ. સન 2003નો કેન્દ્રિય સાહિત્ય અકાદમી-દિલ્હીનો એવોર્ડ મેળવનાર બિન્દુબેન ભટ્ટની નવલકથા ‘અખેપાતર’ (અક્ષયપાત્ર) વિશેની આ વાત છે. ‘અખેપાતર’ની નાયિકા કંચનબા, ભારતીય લેખિકાઓના સ્ત્રીપાત્રોમાં એક સકારાત્મક માઈલસ્ટોન બનીને ઊભાં છે.

જ્યારે પણ કોઈ ભારતીય સ્ત્રી ‘અખેપાતર’ને વાંચશે ત્યારે તે પોતાના નહીં પરંતુ કંચનબાના શ્વાસ લેવા લાગશે કારણ કે, કંચનબા પર જે વીતે છે તેનો વધતો-ઓછો અનુભવ દરેક સ્ત્રીને થતો હોય છે. કંચનબાના શ્વાસોના કોલાહલ વચ્ચે એક સાંભળી ન શકાય તેવો લય છે જેને આપણે દ્રઢતા અથવા હિંમત કહી શકીએ. આ હિંમતનું થોડું પણ આચમન જો દરેક સ્ત્રી કરી શકે તો કોઈ ધર્માંધતા એને કચડી નહીં શકે. ‘અખેપાતર’માં એ સમયની વાત છે જેને માણસોએ ધર્મના નામ પર લોહીલુહાણ કર્યો અને સમયના પ્રતિબિંબ જેવી સ્ત્રીઓને નિર્દયતાપૂર્વક કચડી નાખી. ભારત-પાકિસ્તાનની વિભાજનની વ્યથા એક પાત્રના રૂપમાં ઊભરી આવી છે, જેનું નામ છે આ કંચનબા. તેમની પ્રકૃતિ છે હિંમત, સ્વાવલંબન અને આત્મસન્માન. સમય અને સ્ત્રી ઘાયલ થાય તો પણ કણસતા નથી, તે આ નવલકથાનો મુખ્ય સૂર છે.

ભાગલા વખતે કંચનબા સહીસલામત ભારત આવવા માટે પોતાના ત્રણ સંતાનો સાથે કરાંચીના ઘરેથી નીકળે છે. તેમના પતિ અમૃત યુગાન્ડા જવા માટેની તૈયારી કરવા માટે ત્યાં જ રોકાઈ જાય છે. સ્ટીમર સુધી પહોંચતામાં તો કંચન પોતાના મોટા દીકરા ગૌતમને રસ્તામાંના હુલ્લડમાં જ ખોઈ બેસે છે. એ ગૌતમ તે વખતે અગિયાર વરસનો હતો. કંચન તેના માળાના તણખલાને ખરતાં જોઈ રહે છે. તે કલ્પાંત કરે છે પરંતુ પોતાની હિંમતને વિખેરાવા દેતી નથી. બે બાળકો અને પાગલ સસરાને લઈને તે સ્ટીમરમાં બેસી જાય છે. પતિ દૂર રહી ગયો છે, પોતાના કાળજાના કટકા જેવો દીકરો વિખૂટો પડી ગયો છે, તેમ છતાં કંચન તેના શ્વાસ નથી છોડી શકતી. તેને તો જીવવાનું છે બીજા બે બાળકો માટે અને પાગલ સસરા માટે. તેથી તો તેની હિંમતની જ્યોત વધારે તેજસ્વી થાય છે.

કંચન ભારત પહોંચે છે એ પછી તેના પર બળાત્કાર થાય છે. તેની હિંમતની જ્યોત બુઝાવવા લાગે છે ત્યારે તેની નિર્દોષ-માસૂમ દીકરી તેને પૂછે છે, ‘બા, તને કોણે માર્યું ? શું એ અમને પણ મારશે ?’ દીકરીના આ શબ્દો બૂઝાતી હિંમતને ફરીથી પ્રજ્વલિત કરે છે. અંધકારના દરિયામાં ડૂબી રહેલી જીવન નાવને ફરીથી હિંમતના ટાપુ પર નાંગરે છે. તેને થાય છે કે જો હું જ ડૂબી જઈશ તો ક્યારેક કોઈ મારી દીકરી સાથે પણ…. તે આગળનું વિચારી નથી શકતી. શરીર પર પડેલા કચરાને ખંખેરી નાંખીએ તેમ તે પોતાના મન પરથી બળાત્કારની ઘટનાને ખંખેરી નાંખે છે. કંચનમાં આવી પવિત્ર હિંમતનું આરોપણ કરીને લેખિકાએ સમગ્ર સ્ત્રી સમાજને જાણે કે અભેદ કવચ પહેરાવી દીધું છે અને સંદેશ આપ્યો છે કે, હે સ્ત્રી ! તું ફક્ત દેહ નથી.

કંચન ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ અન્યો માટે પણ સમાજ સામે લડે છે. તે માને છે કે સમાજથી નહીં પરંતુ માણસે પોતાના ‘આતમારામ’થી ડરવું જોઈએ. મરનારની પાછળ ગવાતા મરસિયા તે બીજાના ઘરે પણ એક અવાજે બંધ કરાવી દે છે. જેની રાહ જોતાં-જોતાં આખી જિંદગી વિતાવી દીધી એ પતિના મૃત્યુના સમાચાર મળે છે અને ત્યારે જ ખબર પડે છે કે પતિએ તો બીજા લગ્ન કરી લીધા હતા ! આવી હાલતમાં પણ એ આંસુ સારતી નથી અને પતિ પાછળ કરવાના ક્રિયાકરમનો વિરોધ કરે છે. કંચન ગામડામાં રહેવા છતાં અને બ્રાહ્મણ હોવા છતાં આભડછેટમાં નથી માનતી. હરિજનોની સેવા કરવામાં એને કોઈ ખચકાટ નથી. હરિજન વાલા ભગતને એ રાખડી બાંધે છે. સતીમાના મંદિરે તેને ભજન કરવા બોલાવે છે અને એ જ કારણે ગામના દરબારથી દુશ્મની વ્હોરી લે છે. સંજોગોવશાત મુસ્લીમ બની ગયેલી નણંદને પણ કોઈની પરવા કર્યા વગર સાથે રાખે છે. દીકરી અરૂણા જે લગ્ન કરવા નથી માગતી, એને સમજાવતી વખતે કંચનની વાણીમાં તેનું સામર્થ્ય ઝળકે છે. તે કહે છે : ‘આપણે સ્ત્રી છીએ. ફકત તણખલાને માળો સમજીને જીવી જવાની શક્તિ છે આપણામાં. એટલે તો કુદરતે આપણને મા બનવાનું વરદાન આપ્યું છે.’

‘નાના દીકરા કાર્તિકનો બાપ કોણ ?’ની તેની માનસિક મથામણ, પરિતાપ અને પછી પોતાના પ્રશ્નનો પોતે જ જવાબ દે છે તેમાં તેનું આંતરસત્વ ઝળકે છે. તે કાર્તિકને કહે છે, ‘મને લાગે છે કે તું મારા જીવનની આખરી સુખમય ક્ષણોનું સંતાન છે. સાથે મારા જીવનની ભયંકર ઘટનાનું સંતાન પણ છે. તું નાનો હતો ત્યારે તારા પિતા કોણ ?-ની દ્વિધામાં હું રાતોની રાતો તરફડી છું અને મારા અંતરાત્માએ મને જવાબ દીધો છે કે તું મારું સંતાન છો. પોતાની માનું સંતાન. બીજા કોઈનું નહીં.’ જિંદગીની અત્યંત નાજુક, દુઃખદ પળોને માતા પોતાના પુત્ર સામે ખોલે છે એમાં કંચનબાની હિંમત આરોહણ કરતી દેખાય છે. કાર્તિક લગ્ન કર્યા વગર જ એક પરણેલી પરંતુ જેના છૂટાછેટા પણ નથી થયા તેવી સ્ત્રી સાથે રહે છે એવી કંચનબાને ખબર પડે છે ત્યારે પોતાની અંદરના સંઘર્ષને છૂપાવીને તેનો તે સ્વીકાર કરે છે. એ ધ્યાન રાખે છે કે તેના કારણે તે સ્ત્રીને અન્યાય ન થઈ જાય. પતિ અમૃતના મૃત્યુ પછી મોટો દીકરો ચન્દ્રકાંત સાવકીમાને કંચનના નામે પત્ર લખે છે. આ વાત જ્યારે કંચનબાને ખબર પડે છે ત્યારે તેને લાગે છે કે દીકરાએ તેના ઊભા રહેવાનો અધિકાર જ છીનવી લીધો છે. પતિએ બીજા લગ્ન કરીને એની પ્રતિક્ષાને વ્યર્થ કરી દીધી અને દીકરાએ ખોટું બોલીને એની તપસ્યાને વ્યર્થ કરી દીધી. તે દીકરાને કહે છે : ‘તેં ભૂલ નહીં, ગુનો કર્યો છે. ભૂલને માફી મળે, વિશ્વાસઘાતને નહીં.’ આમ પણ ગૃહસ્થી એક અનુષ્ઠાન છે અને કંચનબાને લાગે છે કે દીકરાએ તેના અનુષ્ઠાન પર પાણી ફેરવી દીધું છે. તેથી તે દીકરાનું ઘર છોડી દે છે. પિતાનું ઘર જે હવે સતીમાનું મંદિર છે, ત્યાં પોતાના ગામ ચાલ્યા આવે છે. પરંતુ ત્યાં મંદિરના પૂજારીને તેનું આવવું ગમતું નથી. તે જાણી જાય છે. તેથી તે ત્યાંથી પણ ચાલી નીકળે છે, પોતાના દિલમાંથી નીકળતા રસ્તા પર….

કંચનબા – જેમણે પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કર્યું નથી, ગરીબ છે, જેના માથે કોઈ વડીલનો છાંયો નથી, જે જિંદગીના દરેક વળાંકે અગ્નિપરીક્ષા દે છે, જે ક્યારેય ફરિયાદ નથી કરતાં – એવી કંચનબાનું ‘અખેપાતર એ વ્યથાનું પાત્ર ન રહેતાં મુક્તિનું પાત્ર બની જાય છે’ – એમ કોઈ લેખકનું આ વિધાન યર્થાથ બની રહે છે. દુઃખનો સ્વીકાર જ તેનું બળ છે અને તેમાંથી આવે છે હિંમત. હિંમત અને સ્વાભિમાનનો પર્યાય બનીને કંચનબા ભારતીય સાહિત્યના સ્ત્રીપાત્રોમાં પોતાની અલગ ઓળખ બનાવી ઊંચું માથું રાખીને ઊભા છે. પોતાની જિંદગી પોતાની શરતો પર જીવીને અનેકો કંચનબા ભારતીય સમાજમાં નારીવાદ કે દલિતવાદનો ઝંડો ફરકાવ્યા વગર ચૂપચાપ એનો અમલ કરે છે. કંચનબા એ તમામ સ્ત્રીઓનું પ્રતીક છે.

કંચનબાના શ્વાસોના લયને જો શબ્દ દેહ આપીએ તો આવા કંઈક શબ્દો સાંભળવા મળે –
‘નથી બનવું અમારે, તમારો આયનો,
હરેક શ્વાસને શ્વાસ અમારો દૈ ને…
તમને કહ્યું ને કે….
નથી બનવું અમારે, તમારો આયનો….’