કાળાં બૂટ – જતીન મારુ

[રીડગુજરાતીને આ સુંદર વાર્તા મોકલવા માટે યુવાસર્જક શ્રી જતીનભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9033566487 અથવા આ સરનામે jatinmaru@rocketmail.com સંપર્ક કરી શકો છો.]

‘મા, ઓ મા….! ક્યાં ગઈ ?’ ચંદુએ ઘરમાં પગ મૂકતાવેંત ખભે ટીંગાડેલું દફતર ખૂણામાં ફંગોળીને માને બૂમ પાડવા માંડી.
‘શું છે લ્યા ? ઘરમાં આવતાવેંત આટલો દેકારો શાનો કરે છે ?’ માએ રસોડામાંથી પ્રાઈમસને પંપ મારતાં-મારતાં જ જવાબ આપ્યો. કેટલાંયે પંપ મારવા છતાં પ્રાઈમસ કેમેય કરીને પેટાતો જ નહોતો.
‘પહેલાં રસોડામાંથી બહાર આવ તો કહું !’ ચંદુએ લાડમાં કહ્યું.
‘એક તો આ પ્રાઈમસ પેટાતો નથી અને ઉપરથી તું લોહી પીએ છે ! કહી દે ને, જે કહેવું હોય ઈ !’ માએ રસોડામાંથી જ કહ્યું. તે હાંફી ગઈ હતી. થોડીવાર થોભીને તે ફરી પ્રાઈમસ પેટાવવાનો પ્રયાસ કરવા લાગી.

‘મા, મારે બૂટ લેવાના છે, કાળાં બૂટ ! સાહેબે કીધું છે કે, હવે હું હાઈસ્કૂલમાં આવી ગયો ! હવે ચંપલ નહીં ચાલે. કાળાં બૂટ પહેરવા ફરજિયાત છે.’ ચંદુ ઉત્સાહભર્યા અવાજમાં એકીશ્વાસે બોલી ગયો.
‘શું ?! હજી હમણાં જ તો યુનિફોર્મનો ખર્ચો કરાવ્યો ને હવે ઉપરથી આ કાળાં બૂટ ? માસ્તરનેય નવાં-નવાં તૂત સૂઝ્યા કરે છે. અત્યારે પૈસા નથી; થોડા દિવસ ચલાવી લે, પછી અપાવી દઈશ.’ માએ સહેજ અકળાતાં જવાબ દીધો. પ્રાઈમસ હવે ભડભડ કરતો સળગવા માંડ્યો હતો. એક તો જિંદગીમાં પહેલીવાર બૂટ પહેરવાની તક મળી હતી ! અને એ તકને પણ આમ, હાથમાંથી સરતી જોઈને ચંદુ નિરાશ થઈ ગયો. પાંગળી દલીલ કરતાં તે બોલ્યો, ‘પણ સાહેબે કીધું છે કે બૂટ પહેર્યાં વિના નિશાળમાં નહીં પેસવા દે !’
‘એમ કાંઈ એક-બે દિ’માં તને કાઢી નહીં મેલે ! એમને કે’જે કે, થોડાં દિવસમાં આવી જશે.’ મારે કપાળ પર વળેલ પરસેવાને સાડીની કોર વડે લૂછતાંકને કહ્યું.

ચંદુ પણ પોતાની વિધવા માની સ્થિતિ સારી રીતે જાણતો હતો એટલે વધુ દલીલ કર્યા વિના તે ચૂપચાપ ખાટલે બેસીને બારણા પાસે પડેલાં પોતાના જૂનાં ચંપલને જોતો રહ્યો. આ ચંપલ ક્યારે લીધાં હતાં એ તેને યાદ પણ નહોતું ! તે ઘણાં વખતથી આ જ ચંપલ પહેરતો હતો. તૂટે એટલે ફરી-ફરીથી મોચી પાસે સંધાવીને એનાં એ જ ચંપલ પહેરવાનાં ! કોઈ જૂના સાથીની જેમ આ ચંપલ ઘણાં વખતથી તેનો સાથ નિભાવી રહ્યાં હતાં. અલબત્ત, આ સાથી હવે ચંદુને અળખામણાં લાગવા માંડ્યાં હતાં. જેમ જીવનમાં અમુક સંબંધો પરાણે સ્વીકારવા પડતાં હોય છે અને પછી આપણે આવા સંબંધો, લાંબા ટકાવવાનું ગૌરવ લેતાં હોઈએ છીએ પણ ભીતરથી તો આપણે જ જાણતાં હોઈએ છીએ કે, એ તો નિર્વિકલ્પે સ્વીકારવા પડ્યા હતા. તેમ, ચંદુની હાલત પણ કંઈક એવી જ હતી.

બીજે દિવસે સવારે ચંદુ શાળાએ ગયો. વર્ગખંડમાં પ્રવેશતાં જ માસ્તરે તેને અટકાવ્યો….
‘એય ચંદુડા, ઊભો રે !’
ચંદુ નીચું મોં કરીને ચૂપચાપ ઊભો રહી ગયો.
‘તને કાલે કીધું’તું ને કે આમ લઘરાની જેમ નહીં હાલ્યા આવવાનું ? તારા બૂટ ક્યાં ?’ સાહેબે લાકડાની ખુરશીનાં બે પાયાં પર ઝૂલતાં-ઝૂલતાં કહ્યું. ચંદુએ ડરતાં-ડરતાં જવાબ આપ્યો :
‘હજુ લીધાં નથી. માએ કીધું છે કે થોડાં દિવસમાં અપાવી દેશે !’
‘નાલાયક, હજુ સુધી લીધાં નથી ? થોડાં દિવસ પછી પણ લેવાના તો છે જ ને, તો અત્યારે શું વાંધો છે ?’ હાથમાં રહેલી લાકડાની ફૂટપટ્ટીને મેજ પર પછાડીને સ્હેજ ઊંચા અવાજે સાહેબ બોલ્યા. ચંદુ ધ્રૂજી ઊઠ્યો. તેની પાસે કોઈ જવાબ નહોતો. તે ચૂપચાપ દરવાજા પાસે જ ઊભો રહ્યો. બીજા વિદ્યાર્થીઓ ધીમું-ધીમું હસતાં હતાં.
‘ચલ, જા, બેસ ! પણ કાલથી બૂટ પહેરીને જ આવજે હોં !’ જાણે કોઈ ખુંખાર ગુનેગારનો ગુનો માફ કરતા હોય એવી ઉપકારક અદાથી સાહેબ બોલ્યા. ચંદુ ચૂપચાપ પહેલી બેંચ તરફ બેસવા વળ્યો. ત્યાં જ સાહેબે તેને ફરી ટપાર્યો :
‘એય….! ત્યાં નહીં, છેલ્લી બેંચ પર બેસ. બૂટ પહેરીને આવે પછી જ આગળની બેંચ પર બેસજે.’ ચંદુ મૂંગે મોંએ છેલ્લી બેંચ પર જઈને બેસી ગયો.

આવું વધુ બે-ચાર દિવસ ચાલ્યું. રોજ માસ્તર ચંદુને ધમકાવે અને રોજ મા કોઈને કોઈ રીતે તેને ફોસલાવીને શાળાએ મોકલી આપે. પરંતુ એક દિવસ માસ્તરનો મિજાજ ગયો. તેણે ચંદુને નિશાળમાં પેસવા દેવાની જ ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી અને જ્યારે બૂટ આવે ત્યારે જ નિશાળે આવવાનું કહીને તગેડી મૂક્યો… ચંદુ ઘરે આવીને ચૂપચાપ બેસી ગયો. તેની માતા અડોશ-પડોશનાં ઘરે જઈને પારકાં કામ કરીને ઘરનું ગાડું હાંકતી હતી. સવારનો સમય હોવાથી તે કામ કરવા ગઈ હતી. થોડીવારે તે પાછી ઘરે આવી. ચંદુને અત્યારે શાળામાંથી પાછો આવેલો જોઈને તેણે સ્હેજ ચિંતાભર્યા સ્વરે પૂછ્યું :
‘કેમ, ભાઈ ! આજે વહેલો આવી ગયો ? તારી તબિયત તો સારી છે ને ?’
‘મા, હવેથી હું નિશાળે નહીં જાઉં. મનેય તારી સાથે કામ કરવા લઈ જજે !’ ચંદુ ઢીલા અવાજે બોલ્યો. તેની વાત સાંભળીને માની ચિંતા બેવડાઈ ગઈ.
‘કેમ બેટા, એવું બોલે છે ? તારે તો ભણી-ગણીને હોંશિયાર બનવાનું છે ને ? મારે તને મજૂરી નથી કરાવવી.’
‘પણ બૂટ વગર સાહેબ નિશાળમાં પેસવા જ દેતા નથી….’ ચંદુ એટલું કહેતાં રડી પડ્યો.

માએ તેને બાથમાં લઈને શાંત પાડ્યો.
‘ચાલ, રડવાનું બંધ કર જોઉં ! આપણે અત્યારે જ તારા બૂટ લઈ આવીએ, ચાલ !’ કહીને માએ તેના આંસુ લૂછીને તેને ધરાર ઊભો કર્યો. પછી અભરાઈ પર પડેલો માટીનો ગલ્લો ફોડીને એમાં બચાવેલ થોડાં પૈસા લઈને તે ચંદુની સાથે બજારમાં નીકળી પડી… બપોરના તાપથી ડામરની સડકો તપી ગઈ હતી; પણ એ સ્ત્રીનાં ઉઘાડાં પગને એની ઝાઝી અસર નહોતી. કાપાવાળી તેના પગની ખરબચડી પાનીઓને ખરબચડો રસ્તો સદી ગયો હતો. ચાલતાં-ચાલતાં મા-દીકરો રસ્તાંની એક બાજુએ ફૂટપાથ પર બેસીને હાટડી ચલાવતાં મોચી પાસે આવ્યાં.
‘ભઈલા, આનાં માપનાં કાળાં બૂટ છે ?’ માએ મોચીને પૂછ્યું.
‘એના માપનાં તો નથી બેન, પણ થોડાં મોટાં છે. ક્યો તો કાપીને માપનાં કરી આલીશ.’ કહીને મોચીએ લાકડાની મોટી પેટીમાંથી તળિયાં ઘસાઈ ગયેલાં અને ઝાંખાં પડી ગયેલાં રંગવાળાં, ચામડાનાં કાળાં બૂટ કાઢ્યાં.
‘ઠીક છે, કેટલાં રૂપિયા થશે ?’ માએ બૂટ જોઈને પૂછ્યું.
‘સાઈઠ રૂપિયા….’ મોચીએ જવાબ આપ્યો.
‘અરે, આ જૂનાં બૂટનાં તે કાંઈ સાંઈઠ રૂપિયા હોય ?’ માએ કહ્યું.
‘અરે બેન, સાવ નવાં જેવાં જ કરી આલીશ. ને ઉપરથી અસલ ચામડાનાં છે એટલે ટકશે પણ ઘણાં.’ મોચીએ પોતાના માલની પ્રશસ્તિ કરવા માંડી. થોડી રકઝકને અંતે પચાસ રૂપિયામાં બૂટ લેવાનું ઠેરવાયું. મોચીએ બૂટને કાપીને ચંદુના માપનાં કરી આપ્યાં. કાળાં બૂટ પહેરીને કોઈ સિપાહીની અદાથી ડગ ભરતો ચંદુ ઘરે પહોંચ્યો. આ જૂનાં બૂટ તેને મન કોઈ મોંઘી મૂડી સમાન હતાં. ચંદુને બૂટ અપાવ્યા પછી માને પણ મનોમન કંઈક સંતોષની અને કંઈક રાહતની લાગણી થઈ. હવે પોતાના દીકરાનું ભણતર નહીં રોકાય એ વાતનો આનંદ પણ હતો.

કાળાં બૂટ પહેરીને બીજે દિવસે ચંદુ ઉત્સાહભેર શાળાએ પહોંચી ગયો. આજે તો જાણે તેના પગમાં પાંખો લાગી હતી ! ભણવામાં હોંશિયાર હોવા છતાં, બૂટનાં વાંકે તેને પ્રથમ બેંચ પર બેસવા મળતું નહોતું. આજે જ્યારે પોતે પહેલી બેંચ પર બેસશે ત્યારે પેલા ખીલ-ખીલ હસતાં તેના સહધ્યાયીઓના મોં કેવાં ખાસિયાણાં પડી જશે – એવા વિચારે ચંદુ, મનોમન રાજી થઈ રહ્યો હતો. વર્ગ શરૂ થયો. આજે સાહેબે, ચંદુને બૂટ વિશે કંઈ જ ના કહ્યું. થોડીવારમાં પટાવાળો એક નોટિસ લઈને આવ્યો. સાહેબ નોટિસ વાંચવા લાગ્યા : ‘….આથી સર્વ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આ નવા સત્રથી આપણી શાળાનો ગણવેશ બદલવાનો છે જે અન્વયે હવેથી દરેક વિદ્યાર્થીએ કાળાં બૂટને બદલે સફેદ ટેનિસ શૂઝ પહેરવાનાં રહેશે…..’

નોટિસ સાંભળતાં જ ચંદુના પગમાં ખાલી ચડી ગઈ. કાળાં બૂટ જાણે તેના પગને ગળી ગયાં હોય એવું તેને લાગ્યું. ચૂપચાપ તે પોતાની જગ્યાએથી ઊઠીને છેલ્લી બેંચ પર જઈને બેસી ગયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

38 thoughts on “કાળાં બૂટ – જતીન મારુ”

Copy Protected by Chetan's WP-Copyprotect.