જય હો યુવાની ! – પ્રવીણ દરજી

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

‘જવાની’ કે ‘જુવાની’ ને ‘દીવાની’ કહીને આધેડ વયે પહોંચેલા માણસો યુવાનોની ઠીક ઠીક ઠેકડી ઉડાડતા આવ્યા છે. ‘જવાની’ ને ‘એ તો જવાની જ’ એટલે કે ચાલી જવાની એવું કહીને પણ આધેડો આશ્વાસન લેતા રહ્યા છે. સમયે સમયે યુવાનો ઉપર આ કે એવાં આળ મૂકવામાં સમાજ એક છૂપો આનંદ લેતો આવ્યો છે. આવો આનંદ સાચા અર્થમાં આનંદ નથી પણ એવા સમાજનું ટૂંપણું છે.

તંદુરસ્ત સમાજ તંદુરસ્ત યુવાનોથી જ શોભતો હોય છે. જે સમાજનો યુવાન તન અને મનથી સશક્ત હોય છે એ સમાજની આજ અને આવતીકાલ ઊજળી જ રહેવાની. ‘જવાની’ ચોક્કસ ‘દીવાની’ છે પણ એવા દીવાનાપણામાં, ગાંડાઈ કે ઘેલાઈમાં, કશુંક કરવાની, સત્યને પામવાની, લાગ્યું તે જ કરવાની-કહેવાની ભારોભાર સચ્ચાઈ હોય છે. તેવો યુવાન આજુબાજુનું, આગળપાછળનું કે આવતીકાલનું કશું વિચારતો નથી. તે જે પળમાં જીવે છે એ પળના વાસ્તવને જ વળગી રહે છે. ડહાપણ ડાહ્યાઓના ‘વ્યવહારુપણા’થી એવી ‘દીવાની’ ઘણી દૂર રહે છે. એ તો પેલી પ્રતીતિકર પળને પકડી જીવી લે છે, માણી લે છે, પોતાની કરી લે છે અને તે માટે પ્રાણની આહુતિ આપવી પડે તો આપી પણ દે છે. યુવાની એવી ધૂન છે, જોશ છે, જોમ છે, રફતાર છે, ધ્યેય અને ધ્યાન છે. સાચું લાગ્યું તે જ કરવું, તેને જ વળગી રહેવું. તે સતત રટ્યા કરે છે – યા હોમ કરીને પડો ફતેહ છે આગે…. જેની જુવાની ચાલી ગઈ છે, જેને ડહાપણના વરખ ચોંટી ગયા છે એ ભલા, જુવાનીનું મૂલ્યાંકન કરે તો એ મૂલ્યાંકન કેવું હોય ? હૃદયનું ને મનનું દીવાનાપણું ટકાવી રાખવું એ ઘણી અઘરી બાબત છે. આજે એકવાત મારે-તમારે સૌએ સ્વીકારવી પડશે કે તમે જેને ‘દીવાની’ કહો છો એની ‘કહાની’ હવે સાવ બદલાઈ ગઈ છે. વિશ્વભરમાં એવી ‘કહાની’ એક કરિશ્મો સર્જવાનું નિમિત્ત બની રહી છે. નજર સામેના દીવા જેવા એ સત્યને જે નજરઅંદાઝ કરશે તેનો જયવારો હવે થવાનો નથી. ઈચ્છો કે ન ઈચ્છો – આ ‘જુવાની’ ‘દીવાની’ અત્યારે વિશ્વદ્વારે ટકોરા મારી રહી છે. વિશ્વનું હવેનું જે ભાવિ હશે તે એ જવાનીને કારણે હશે, તેના ઉપર જ એ નિર્ભર હશે. કદાચ જે દેશ પાસે એવી ‘જવાની’ હશે એ જ વિશ્વનું નેતૃત્વ કરશે….

લો, આંકડાનું સત્ય સાંભળો. જરા કાન ખોલીને સાંભળો, પૂર્વગ્રહોને બાજુએ રાખીને સૂણો. ભારત જેવા દેશમાં સુડતાલીસ ટકા એવી વસ્તી છે જેમની ઉંમર વીસ સાલથી પણ ઓછી હોય ! સંભવ છે કે બે હજાર પંદર સુધી પહોંચતાં આ આંકડો સુડતાળીસ ઉપરથી પંચાવન ઉપર પહોંચે ! કલ્પના કરો વિશ્વને વૃદ્ધત્વ પીડી રહ્યું હશે ત્યારે ભારત યુવાન બની રહ્યું હશે. એના ચહેરાની લાલિમા વિશ્વનું આકર્ષણ બની રહી હશે. આવનાર સમયમાં ભારત જો મહાસત્તા બનનારું હોય, આર્થિક સત્તા કેન્દ્ર બનવાનું હોય તો તેનું કારણ આ યુવાનો હશે. યુવાનની પ્રકૃતિ વસ્તુના એકધાર્યા નહીં, પણ બદલાતાં રૂપ જોવા ટેવાયેલી છે. છેલ્લાં થોડાં વર્ષોમાં યુવાને તેના બદલાતા-બદલાઈ રહેલા ચહેરાનો ભારતસમેત અનેક દેશોને અનુભવ કરાવ્યો છે. તેણે સાધેલું પરિવર્તન આશ્ચર્ય પમાડે તેવું છે. તે એક નવા જ પ્રકારનું સર્જનાત્મક મિશ્રણ પોતાનામાં દાખવી રહ્યો છે. તે બોદું રિમિક્સ નથી. પરંપરાના ઉત્તમમાં તેનો રસ જાગ્યો છે અને નૂતન ક્ષિતિજોને આંબવામાં તેનો ભરપૂર ઉત્સાહ રહ્યો છે.

આજના આ યુવાન સામે ગ્લોબલ છે, તેનું પળે પળે પરિવર્તન પામતું કઠપૂતળી જેવું બજાર છે, માહિતીના ગંજ છે, નવા નવા વિષયો અને નવા આયામો છે, પુષ્કળ તકો છે, તે માટેના નૂતન માર્ગોની ભરમાર છે, સમૂહમાધ્યમોને કારણે કશા માટે પ્રતીક્ષા કરવાની રહેતી નથી. તે તેની ગૂંચો પળવારમાં ઉકેલી શકે છે, અન્ય પ્રાંત કે દેશનો યુવાન શું પહેરે-ઓઢે છે, ઝંખે છે કે એની પ્રવૃત્તિ શી છે અને તે કયા અનુભવોમાંથી પસાર થઈ રહ્યો છે, તે માટે કયા કયા માર્ગો તે શોધી રહ્યો છે કે તે જે પ્રાપ્તિ ઝંખી રહ્યો છે એના વિકલ્પો ક્યા ક્યા છે એ સઘળું તે ક્ષણમાં પામી લે છે. તે વર્ષોનું કામ હવે થોડા કલાકોમાં કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પૈસો શું છે, જીવન શું છે અથવા જીવન કેવી રીતે જીવવું જોઈએ અને સૌથી વધુ તો મળેલા સમયનું કેવું ને કેટલું મૂલ્ય છે – મહત્વ છે તે આ યુવાન હવે બરાબરનું જાણતો થઈ ગયો છે. એની આવી દીવાનગી કે દીવાનીના જોશ-જોમ એવાં છે કે નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા તે કશું પણ કરવા તૈયાર છે. માર્ગમાં આવનારી કોઈપણ અડચણને તે ઓળંગી જઈ શકે, દૂર કરી શકે તેવી આવડત તેણે અંકે કરી લીધી છે. પ્રાચીન ગ્રીસના જાણીતા નાટ્યકાર યુરિપિડીસને યાદ કરીને કહીએ તો – ધનવાન બનવા માટે સૌથી શ્રેષ્ઠ સમય યુવાવસ્થા છે તો ગરીબ બનવા માટે પણ આ અવસ્થા જ છે ! આજના યુવાનોને સમજવા-પામવા આ કથન ચાવીરૂપ છે.

વિશ્વના વિવિધ દેશો વચ્ચે વધેલા વ્યાપારો, તે માટેની ગળાકાપ હરીફાઈ-વગેરેએ આખી અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આણ્યું છે. આ યુવકને આવા પરિવર્તનનો એક ભાગ બનીને ‘ગરીબ’ નહીં પણ ‘તવંગર’ બનવામાં એના પોતાના સમયનો ઉપયોગ કરવો છે. ભારતનો યુવાવર્ગ શહેરોમાં, નગરોમાં છે તેનાથી પણ વધુ ગામડાંઓમાં છે. આ નગર-ગામ બંનેમાં વસતા યુવાને પોતાની એક આગવી ઓળખ હવે દેશમાં જ નહીં, વિશ્વમાં ઊભી કરી લીધી છે. ઉદ્યોગ હોય, રમતગમત હોય કે શિક્ષણ અથવા મનોરંજનનું ક્ષેત્ર હોય અથવા રાજકીય ક્ષેત્ર હોય – યુવાને ત્યાં પોતાની રીતે પ્રવેશ કરી લીધો છે. દેશના સીમાડાઓ અતિક્રમીને તેણે યુવાનીનાં, તેની શક્તિનાં કરતબો હવે વિશ્વને બતાવવાં માંડ્યાં છે. તમે ગુજરાતના અંતરિયાળ વિસ્તારના કોઈક નાના ગામમાં જજો. ત્યાં કમ્પ્યૂટર હશે, ઑનલાઈન માહિતી કે જ્ઞાનપ્રાપ્ત કરતો કોઈક યુવક-યુવતી ત્યાં મળી આવવાનાં. કચ્છના નાના ખોરડાની આગળ ભારતની કે અન્ય દેશની કોઈ વૈભવી કાર ઊભી રહેલી તમે હવે જરૂર જોશો. અથવા ઉત્તર ગુજરાતના કોઈ વ્યવસાયીને ત્યાં જર્મનીથી આયાત કરેલા મૉડ્યુલર કિચનને તમે જોઈ શકશો. તમે નાના નગરોના મૉલમાં પણ ઈટાલીની દ્રાક્ષ માગતા યુવકો જોઈ શકશો. લંડનનો આઈસ્ક્રિમ એ મૉલમાં બેઠાં બેઠાં ખાતાં યુવક-યુવતીઓ પણ તમે નિહાળી શકશો. આજે ભારતના અનેક પ્રાન્તોમાં મોટી મોટી કંપનીઓ આવી ચૂકી છે. બજારમાં એનો માલ ઢગલાબંધ આવી રહ્યો છે. ખરીદી કરનાર આ યુવકોનો મોટોભાગ હવે કોઈ ચોક્કસ બ્રાન્ડ, ચોક્કસ કિંમતનો આગ્રહ રાખતો થયો છે. મૉલ આવા યુવક-યુવતીઓની ભીડથી ઉભરાય છે. વસ્ત્રો, ફોન, મોબાઈલ, હોમ થિયેટર કે ટી.વી., ફ્રિઝ, બૂટ-ચંપલ, વૉશિંગમશીન, ભોજન, અંડર ગારમેન્ટ્સ, ચોક્કસ લેખકોનાં ચોક્કસ પુસ્તકો, કમ્યૂટર, સ્કૂટી-બાઈક વગેરે અનેક વસ્તુઓ તે ખરીદતો હોય છે ત્યારે તે અમુક બ્રાન્ડ, અમુક કિંમતનો જ આગ્રહ રાખે છે. તેમાં તે ભાગ્યે જ બાંધછોડ કરવા તૈયાર થતો હોય છે. એક જમાનો હતો કે આ પસંદગી એના માતા-પિતાની રહેતી. હવે તે પોતે જ વસ્તુઓ પસંદ કરે છે કે ખરીદ કરે છે. આ યુવાન હવે પોતાની દરેક વસ્તુ અનન્ય જ હોવી જોઈએ, બીજાના જેવી નહીં – એવું ગણિત નિર્ધારિત કર્યું લાગે છે. ‘હું’ અને ‘મારી વસ્તુઓ’ વિશે તે અગાઉ ક્યારેય નહોતો તેટલો સભાન થઈ ગયો છે.

હવે તે ઘર છોડીને બહાર નીકળે છે ત્યારે મમ્મી-પપ્પાની શિખામણો તેને અકળામણ કરાવે છે. ઘરેથી નાસ્તો લઈ જવો તેને ગમતો નથી, તેમાં તેને પછાતપણું લાગે છે. તે પોતાના પ્રવાસમાં પછી લારી ઉપર ચા પી લે છે, ત્યાં ગરમ ગરમ ગોટા આરોગી લે છે કે કોઈક ઢાબા ઉપર અથવા કાઠિયાવાડી હૉટેલમાં બાજરીનો રોટલો-ભરથું ખાઈ લે છે. ત્યાં તે હજાર-બે હજારનો ખર્ચ મિત્રો સાથે કરતાં કશું વિચારતો નથી. કોઈ વસ્ત્રોની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જો તેની પસંદગી હોય તો તે એકાદ પેન્ટ ખરીદવામાં સહેલાઈથી પાંચ-સાત હજાર રૂપિયા આપી દેતો હોય છે, આવા યુવા ઉદ્યોગપતિઓ કે ધંધાદારીઓ મોંઘી મર્સિડિઝ ગાડીઓ ખરીદવામાં પણ પાછી પાની નથી કરતા.

આ યુવાપેઢી હવે અગાઉની સરખામણીમાં વધુ સ્વ-તંત્રવાળી બની છે. આઠમા-નવમા ધોરણથી તે પોતાની કારકિર્દીની કુંડળી માંડવાનું શરૂ કરી દે છે. તે પરીક્ષાઓ ઉત્તીર્ણ કરવા બધા જ પ્રયત્નો કરે છે. ઉત્તમ પરિણામ માટે સતર્ક-સભાન રહે છે. કોઈપણ હિસાબે તે પોતાને સિદ્ધ કરવા માગે છે. તે સમજી ચૂક્યો છે કે આજની જીવનરીતિમાં પૈસો અનિવાર્ય વસ્તુ છે. તે માટે ભણવું, સારું ભણવું જરૂરી છે. તે માટે તે તેના અભ્યાસની-સંસ્થાઓની શિક્ષણપદ્ધતિની બધી જ માહિતી જાતે મેળવી લે છે. તે પોતાની કારકિર્દી પોતાની રીતે ઘડવા માગે છે. આવો યુવાન ઈપ્સિત નોકરી-જગ્યા મેળવીને સારો પગાર મેળવતાં મેળવતાં ભારતીય અર્થવ્યવસ્થાનો જ એક હિસ્સો બની રહે છે. પૈસો અને ભોગ બે હવે કેન્દ્રબિંદુ બન્યાં છે. તેનું નાણું તે બૅંક કરતાં વ્યવસાયમાં કે ભોગ પાછળ ખર્ચવાનું યોગ્ય લેખે છે. આમાંથી યુવાનોનો એક વર્ગ જો ‘હું’ અને ‘મારા’માં રત છે, તો બીજો વર્ગ દેશને માટે પણ કશુક કરવાની ઉમદા ભાવના ધરાવતો હોય છે. કેટલાક ટૂંકા માર્ગોથી રાજકારણના કળણમાં ફસાઈ કારકિર્દીને અવળે પાટે પણ ચઢાવી દેતા જણાય છે. કેટલાક યુવકો એવા પણ મળે છે કે જે ગામડામાં જ સેવારત થયેલા જોવાય છે. પર્યાવરણ, જળ, વીજળી, સજાગતા કેળવવામાં પણ કેટલાક યુવકો કાર્યરત જોવાય.

કહો કે યુવક અત્યારે સોળે કળાએ ખીલ્યો છે. તેનાં બધાં રૂપો સ્પૃહણીય ન હોય તો પણ તે સ્વતંત્ર બન્યો છે, જે કરે છે તે સમજીને કરે છે, તેનાં સારાં-નરસાં પરિણામો તે પોતે સ્વીકારે છે. રાષ્ટ્રનિર્માણમાં આવા બહુસંખ્ય યુવકોને હકારાત્મક રીતે જોડવાનું તંત્ર જો રાજકારણ-સમાજકારણ ઊભું કરી શકે તો ભારતનું ભાવિ નિઃશંક ઉત્તમોત્તમ હશે, કારણ કે તે હવે યુવકોનો દેશ બનવા તરફ ધસી રહ્યો છે. હું આશાવાદી છું. કારણ કે ભારત હવે યુવાનોથી છવાઈ રહ્યું છે. યુવાન ભૂલ કરશે ત્યારે પણ તેમાંથી તે નવું કરવાનું, ભૂલ સુધારવાનું શીખશે. નારાયણ દેસાઈનાં વચનો મને જરા જુદી રીતે અહીં સ્મરણમાં આવે છે : ‘તરુણાઈ-યુવાની એક વૃત્તિ છે. જે જીવન પ્રતિ હંમેશા આશાથી જુએ છે. વૃદ્ધત્વ જ્યારે દરેક પુષ્પની પાછળ એક કાંટો છુપાયેલો જુએ છે. યુવાની જ્યારે દરેક કાંટા ઉપર એક ફૂલ ખીલેલું જુએ છે.’ યુવાનો માટે, યુવાનોથી ભરેલા ભારત માટે આવી આશા જ ગ્લોબલમાં એક આપણો વિકલ્પ છે. જય હો યુવાની !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “જય હો યુવાની ! – પ્રવીણ દરજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.