જે ઠર્યું અંતરે…. – હરિકૃષ્ણ પાઠક

ખલકમાં ખેલતો ખટઘડીમાં રમ્યો
તું જ નરસિંહ ને તું જ મહેતો;
શિવકૃપાએ કરી તલ-અતલ ઊઘડ્યાં,
નિજ ગગનમાં સદા મગન રહેતો.

જીવ થકી શિવ થયો, હાથ બાળી રહ્યો,
રાસલીલા ભલી તેં નિહાળી,
ગૂર્જરી વાણમાં તેજ એવાં ભર્યાં
કવિકુલો કંઈ રમ્યા દેઈ તાળી.

ઝૂલણે ઝૂલતાં, જાતને ભૂલતાં
શબ્દનાં શિખર કંઈ ઊર્ધ્વ સ્થાપ્યાં
પ્રેમરસ પિચ્છધરનો ધર્યો સર્વને
જૂઠડા ઝળહળાટો ઉથાપ્યા.

ખટઘડીનો કશો અંશ હજ્જારમો
પળ-વિપળ જેટલો કંઈક લાધે… ?
જીવ આ દુન્યવી વિવિધ રંગે રમે,
ભોગવે પીડ-આનંદ સાધે.

કંઈ ન દાવા-દુવી માંડવા છે અહીં,
આપમેળે થયું જે-કર્યું છે;
ઠીબમાં ચાંગળું જળ જરી રેડતાં,
જે ઠર્યું અંતરે એ ધર્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “જે ઠર્યું અંતરે…. – હરિકૃષ્ણ પાઠક”

Copy Protected by Chetan's WP-Copyprotect.