ડાયરીમાંથી…. – પ્રજ્ઞા મહેતા

[ ગુજરાતી સામાયિકો પૈકી એક ઓછું જાણીતું પરંતુ સુંદર સામાયિક છે ‘તથાગત’. આ સામાયિક દ્વિમાસિક છે. જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન કરતા આ સામાયિકના તંત્રી શ્રીમતી રેણુકાબેન દવે છે. અમદાવાદથી પ્રકાશિત થતા આ સામાયિકનું પ્રકાશન ‘તપનસ્મૃતિ ટ્રસ્ટ’ કરે છે. આ સામાયિકની કોલમ ‘ડાયરીમાંથી…’ આજે આ બે કૃતિઓ સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો ખૂબ ખૂબ આભાર. આ સામાયિકના લવાજમની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ભોગવી જાણો….!

ધનાઢ્ય કુટુંબના એકના એક ભાઈની એકની એક લાડકી બહેન નીતાએ જ્યારે તેની જ સાથે ભણેલા જય સાથે લગ્ન કર્યાં ત્યારે ઘણાએ ‘વાહ વાહ’ કર્યું ને ઘણાએ ‘હાય હાય’ કર્યું. જય મધ્યમ વર્ગનો, માતા-પિતા ને બે બહેનોવાળા કુટુંબનો, સી.એ. થઈને કોઈ કંપનીમાં નોકરી કરતો યુવાન હતો. નવી નોકરી અને એમાં એક બહેનને પરણાવવાનો ખર્ચ. એમાં વળી એકાદ વરસમાં પોતાનાં પણ લગ્ન થયાં. પણ એનો પગાર પચાસ હજારથી વધારે હતો. એ મોટું આશ્વાસન હતું.

ખૂબ પૈસાદાર કુટુંબની નીતાને ત્રણ રૂમનું ઘર સાંકડું લાગતું હતું. બધાંની વચ્ચે એક જ બાથરૂમને લીધે તે અકળાતી. બહાર જવાનું ઓછું બનતું. ઘરમાં જ નાનાં મોટાં કામ કરતી નીતાને દુનિયાથી છૂટી પડી ગઈ હોય તેમ લાગતું. પણ આ જગ્યાની વિશિષ્ટતા એ હતી કે રાત્રે આસપાસની યુવાન-આધેડ મહિલાઓ ભેગી થઈને બેસતી, વાતો કરતી, મસ્તીમજાક કરતી, અવનવું શીખતી, ક્યારેક અંતાક્ષરી રમતી ને એમ સહુ એકબીજાની કંપનીને માણતાં. શરૂઆતમાં તો નીતાને થતું – નો ટીવી ? નો સિરિયલ ? પણ પછી જલ્દી સમજાઈ ગયું કે અહીં તો બહુ જ મજા પડતી. ધીમે ધીમે એ ભળી ગઈ સહુમાં.

એવામાં મંદીનો દોર ચાલુ થયો ને જયની નોકરી ગઈ…. એનું ભણતર ને એનો અનુભવ ફરી એ સ્થિતિ પર જવામાં કામ ન આવ્યાં. ઘરમાં સહુએ આકરું તપ કરવાના દિવસો આવ્યા. પણ નીતાએ જોયું કોઈ કશીય ફરિયાદ કરતું નહોતું. એ પણ દુઃખને મનમાં દબાવીને પરિસ્થિતિ સાથે મેળ પાડવા લાગી. કેટલીય વાર તેને વિચાર આવતો કે પિયર પાછી જતી રહું. પણ અહીં તો બધાં જ એકબીજાં સાથે આ પરિસ્થિતિમાં પણ સ્નેહથી રહેતાં હતાં. નીતાએ નાની નણંદ જલ્પા સાથે સહીપણું બાંધી લીધું હતું. પરિણામે મન મનાવીને સહુની સાથે દુઃખ વહેંચતાં વહેંચતાં સમય સરતો ગયો. જયને પંદર હજારની નોકરી મળી ત્યારે બધાંએ એમ જ વિચાર્યું કે કશું ન મળે એના કરતાં આ પણ ઘણું સારું ! ક્યારેક નીતાને થતું કે પોતે નવાઈ લાગે તે રીતે આ લોકોમાં અને આ પરિસ્થિતિમાં ભળી ગઈ છે. ક્યારેક વિચારતી કે અઢળક પૈસો હોવા છતાં પોતાનાં માતા-પિતા અને ભાઈએ આપેલી જિંદગીની સમજ અને સાસરાના સહુના સ્નેહભાવે જ તેને આ તકલીફનો સમય પાર કરાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. દુઃખનો અંત પણ સરસ આવ્યો. થોડા મહિનામાં જ જયને પોતાની મૂળ કંપનીમાં ઊંચા પ્રમોશને વધુ ઊંચા પગાર સાથે ફરી સ્થાન મળી ગયું ! નીતાને સમજાઈ ગયું હતું કે જો કુટુંબમાં સમજણ ને સ્નેહભાવથી એકબીજાનો સહારો મળી રહે તો આવા દુઃખના કંઈ કેટલાયે દરિયા પાર કરવાની શક્તિ ને હિંમત પણ મળી રહે છે.

દુઃખ સહન કરતાં શીખવું જોઈએ એ તો સાચી વાત. પણ સુખ ભોગવતાંય આવડવું જોઈએ એ પણ સાચી વાત નહિ ? શ્વેતાનાં મમ્મી શ્વેતાને શક્ય હોય એટલું દુઃખ આપતાં. તે નાની હતી ત્યારે તેનું માથું ઓળે કે વાળ ધોવે ત્યારે કાન પર મારતાં. તેને જેવું-તેવું ખાવા આપતાં. દાળભાત ખાધા પછી થાળીમાં અંગૂઠો ઘસીને ચાટતી શ્વેતાને હું ઘણીવાર જોતી ! દયા આવી જતી તેની. રાત્રે ઘરમાં બધાં પલંગ પર સૂએ. પણ શ્વેતાએ જમીન પર માત્ર શેતરંજી પાથરીને સૂવાનું ! કડકડતી ઠંડી હોય તો શું થયું ? જીવન સરળતાથી જીવવાની કોઈ સગવડ શ્વેતાને મળતી નહિ. એનાં મમ્મીને હું જરાક ઠપકો આપું તો એ તરત જ કહેતાં – કાલ સવારે સાસરું ગરીબ મળશે તો સહન કરીને રહેતાં આવડવું જોઈએ ને ? સાસરામાં દુઃખ આવે તો ઘર છોડીને પિયર ન આવતી રહે તે માટે હું એને આમ તૈયાર કરું છું. મારો તો જીવ કકળી ઊઠતો. ભવિષ્યનાં કાલ્પનિક દુઃખથી એનો આજનો સુખનો સમય શા માટે બગાડો છો ? સાસરું સુખી હશે તો પણ આવી ટેવો સાથે કેવી રીતે સુખને ભોગવી શકશે ?

થયું પણ એમ જ. સાસરામાં બધું સુખ જ હતું. પણ શ્વેતા એના સંસ્કારોથી, ટેવોથી પહેરવે-ઓઢવે ને સ્વભાવે રાંક બની ગઈ હતી. દેખાવે સારી હોવા છતાં તેનું આ રંકપણું આગળ તરી આવતું હતું. તે છૂટથી રહી નહોતી શકતી. કોઈની પણ સાથે તે છૂટથી હળીભળી શકતી નહોતી. બધાં એની ટીકા કરતાં કે કપડાં-દાગીના પહેરવામાં એનો કોઈ ‘ટેસ્ટ’ જ નથી. સરસ રીતે રહેવાની એનામાં આવડત જ નથી. એને પૈસો ક્યાં, કેવી રીતે વાપરી જાણવો એ ખબર જ નથી. ઘરના સભ્યો એનાથી દૂર રહેવા લાગ્યા. એનું અપમાન ને તિરસ્કાર કરવા લાગ્યા. ઝઘડા અને કકળાટ વધતા ચાલ્યા અને અંતે દોઢેક વર્ષે, પોતાના કશાય વાંકગુના વિના એ પિયર પાછી ફરી ! દુઃખ સહેતાં ન આવડે તો પાછી ન ફરે એ માટે કડક ટ્રેનિંગ આપનારી માતાએ અંતે દીકરીને પાછી ફરેલી જોવાનું આવ્યું. નાત-જાતનાં મહેણાં ને ટીકાની બીકે માતાએ આપઘાત કર્યો ! આજે પણ શ્વેતા તેના પિતા અને નાના-ભાઈ સાથે એકલવાયું જીવન જીવે છે.

બહુ જરૂરી છે કે સંતાનોને દુઃખ સહેવાની કેળવણી આપવી જ, પણ તે સાથે સુખ ભોગવી શકવાની આવડત પણ આવે એ જોવું. સુખ કે દુઃખથી ડરીને કે રડીને ભાગવા કરતાં શાંત મને તેમને સ્વીકારતાં ને સમસ્યાના ઉકેલથી કે સમાધાનથી હસતાં હસતાં જીવવામાં કેટલો બધો આનંદ છે તે સમજ પણ માતા-પિતાએ આપવી જ રહી.
.

[2] ચિઠ્ઠીવાળો છોકરો

દર વર્ષની જેમ એ વર્ષે પણ શાળામાં ધોરણ-12 વિજ્ઞાનની બોર્ડની પરીક્ષા. શિક્ષકો માટે સુપરવિઝન ફરજિયાત. પરીક્ષાનો બીજો દિવસ હતો. બે વાગવામાં થોડી વાર હતી. વર્ગમાં ત્રીસ વિદ્યાર્થીઓ એકદમ તૈયાર બેઠા હતા. પ્રશ્નપત્ર વહેંચવાની થોડી જ વાર હતી. મેં જરા વિનંતીના સ્વરે કહ્યું : ‘સહાયક સામગ્રી હોય તો અહીં મૂકી જાઓ. પછીથી કોઈની પણ પાસેથી ચિઠ્ઠી-કાગળ મળશે તો મુશ્કેલી થશે. હજી તક છે. કંઈ હોય તો મૂકી જાઓ.’ મારી ધારણા મુજબ જ કોઈ કંઈ બોલ્યું નહિ, હલ્યું પણ નહિ. એક-બે મિનિટ ચૂપકીદીમાં ગઈ. ત્યાં અચાનક જ દસમા ધોરણમાં હોય તેવો નાનો દેખાતો છોકરો વચ્ચેથી ઊભો થયો, મારી સામે આવ્યો અને નિર્મમભાવે ત્રણ-ચાર વાળેલા ફૂલસ્કેપ કાગળ ટેબલ પર મૂકી દીધા. મારી સામે જરાક જોઈ રહ્યો ને પાછો જઈ બેસી ગયો. તદ્દન શાંતિથી થયું આ બધું. મારી સહિત સૌ નવાઈથી આ ‘આત્મસમર્પણ’ જોઈ રહ્યાં.

મેં એને ફરી બોલાવ્યો. મેં કહ્યું : ‘હજી તો બીજું પણ આપવાનું બાકી છે ને ?’ માન્યામાં ન આવે પણ એણે મોજામાં ઊભી ભરાવેલી બે-ત્રણ ચિઠ્ઠીઓ કાઢીને આપી અને ત્રાંસુ માથું કરીને, સહેજ શરમ સાથે ઊભો રહ્યો ! બૂટ-ચંપલ તો વર્ગની બહાર કાઢવાના હતાં, નહિ તો બૂટમાં પણ તેણે કરામત કરી હોત. પણ મેં તો કહ્યું, ‘હજી લાવ કાગળ, હજી છે તારી પાસે. મને આપવા છે કે પેલા સાહેબ હમણાં જોવા આવશે તેમને ?’ પ્લેટફોર્મ પર એક પગ મૂકીને, વાંકા વળીને, મોજું અડધું ઉતારીને પગના તળિયેથી એણે વાળેલું એક આખું ફૂલસ્કેપ પાનું કાઢ્યું ! બધાંની સાથે એ પણ હસવા લાગ્યો. હું તો તરત જ એ બધું ફાડીને ડસ્ટબીનમાં નાખતી ગઈ. સ્કવોડવાળા કોઈ જુએ તો આ છોકરાનું ને મારું બેઉનું આવી બને. કાગનો વાઘ થાય ! એ પાછો ફર્યો ત્યાં મેં એને કહ્યું – ‘હવે છેલ્લીવારનું પણ આપી જ દે. એટલે તારે કોઈ ચિંતા નહિ.’ જાદુગરની જેમ એણે પટ્ટાની અંદર ગોઠવેલી લાંબી કાગળની પટ્ટી કાઢીને ધરી જ દીધી ! કલાસનું હસવું તો હું પરાણે રોકી શકી કેમકે મને જ હસવું આવતું હતું. પેલા છોકરાએ તો જાણે ગમ્મત કરતો હોય તેમ કાગળિયાં કાઢ્યાં હતાં. એટલામાં પેપર આવ્યાં ને કામ આગળ ચાલ્યું. નિરીક્ષણ દરમ્યાન હવે મારે તેની સામે જોવાનું પણ ન રહ્યું કેમકે એ હવે ખાલી થઈ ગયો હતો એમ મને લાગતું હતું. અને કોપી કરવાની એની ઈચ્છા જ જાણે હવે ન રહી હોય એમ એ ધીમે ધીમે પેપર લખ્યા જ કરતો હતો.

ત્રણ કલાક પૂરા થયા હતા. જવાબવહીની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. ફાઈનલ બેલ પડવાની રાહ જોતાં બધાં ચૂપચાપ બેઠાં હતાં. પણ મારાથી ન રહેવાતાં મેં પૂછી જ નાખ્યું પેલા છોકરાને – ‘આટલી બધી ચિઠ્ઠીઓનો ઉપયોગ તું કેવી રીતે કરત ?’ બધાં હસવા લાગ્યાં. તે કહે : ‘એ તો ટોયલેટમાં જઈને જવાબ વાંચીને, પાછા આવીને જવાબ લખી નાંખવાનો. ચિઠ્ઠી ત્યાં ફેંકતા આવવાની. કોઈ બીજાને કામ લાગે.’ કલાસમાં ચાર-પાંચ છોકરીઓ પણ હતી તે તો મોં આગળ રૂમાલ રાખીને સખત હસવા લાગી. એટલામાં ઘંટ વાગ્યો ને બધાં બહાર નીકળ્યાં. બધું કામ પૂરું કરીને ઘેર જવા નીકળી ત્યાં ત્રણ-ચાર છોકરાઓ સાથે પેલો છોકરો બહાર ઊભેલો, મારી પાસે આવીને કહે :
‘ટીચર, સોરી.’
મેં કહ્યું : ‘કેમ ?’
તો કહે : ‘નીચેના કલાસમાં એક છોકરાની ચિઠ્ઠીઓ પકડાઈ. તેણે પેપરમાં પણ એની કોપી કરેલી. એ બહુ રડતો હતો. આજે હું તમારા લીધે બચી ગયો.’ એની ભાવવાહી મોટી આંખોમાં ઝળઝળિયાં હતાં. તેણે આગળ કહ્યું, ‘કાલે રાતે હું ચિઠ્ઠીઓ બનાવતો હતો ત્યારથી મારી મમ્મી બૂમો પાડીને મને લડતી હતી. મારી બનાવેલી ચિઠ્ઠીઓ લઈને ફાડી નાખતી હતી. હું ફરીથી નવી બનાવતો હતો. સવારે નીકળ્યો ત્યારે પણ મને બહુ લડી’તી.’
‘તારા પપ્પા કંઈ ન બોલ્યા ?’
‘ટીચર, મારે પપ્પા નથી. એટલે જ મારી મમ્મી કહેતી હતી કે જો પકડાઈશ તો ત્રણ વરસ ઘરે બેસીશ ને જિંદગી બગડી જશે.’
એને માથે હાથ મૂકીને મેં કહ્યું : ‘તું મને જશ ન આપ. તારાં મમ્મીની ચિંતાને લીધે અને ઈશ્વરે તને સમયસર સદબુદ્ધિ આપી એને લીધે તું બચી ગયો છે. હવે પછીના કોઈ પેપરમાં આવું ન કરીશ.’ એ જવા લાગ્યો.
મેં પૂછ્યું : ‘ચિઠ્ઠીઓ વિના તારું આજનું પેપર કેવું ગયું એ તો કહે. આવડ્યું બધું ?’
માથું હલાવીને મલકતાં કહે : ‘ટીચર, જેટલું આવડ્યું એટલું બધું સરસ લખ્યું છે. વારેવારે ચિઠ્ઠીઓ લખી તે બધું મોઢે થઈ ગયું હોય ને !’ હસતો હસતો એ જતો રહ્યો.

પછીના દિવસે બપોરે હું શાળાએ પહોંચી તો ત્યાં તો મારા નામનો શોરબકોર હતો. મને જોતાં જ બે-ત્રણ શિક્ષકો કહે – ‘આ આવી ગયાં.’ હું ઑફિસમાં સહી કરવા ગઈ તો સ્કવોડના મુખ્ય અધિકારી કહે – ‘બેન, સહી પછી કરજો. તમારી સામે ગંભીર ફરિયાદ આવી છે. તમે ગઈ કાલે તમારા વર્ગના એક છોકરાને બીજા છોકરાના પેપરમાંથી જવાબ લખાવતા હતા એવી ફરિયાદ એ વર્ગના એક છોકરાએ કરી છે. છોકરાની ફરિયાદ અમે નોંધી છે. તમે આજે સુપરવિઝન ન કરશો. તમારી પાસેથી બધું લેખિત લેવું પડશે.’ હું સમજી નહોતી શકી કે આ બધું શું થઈ રહ્યું છે. ગુસ્સાથી મને ચીસ પાડવાનું મન થયું. બે-ત્રણ મિનિટ હું સ્થિર બેસી રહી. પણ પછી તો ટેબલ પર હાથ પછાડીને, ઊભાં થઈને કહ્યું, ‘કોણે ફરિયાદ કરી છે ? બોલાવો એ છોકરાને હમણાં જ.’

બારણાં બહાર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું ટોળું હતું. બધાંને ખસેડી પટાવાળો એક છોકરાને લઈ આવ્યો. ‘મેં કોનામાંથી કોને લખાવ્યું એ તું કહીશ ?’ મારો અવાજ કઠોર બનતો જતો હતો. ત્યાં તો એણે જ કહ્યું : ‘સાહેબ, આ ટીચર નહોતાં. એ તો પ્રજ્ઞાબેન હતાં.’ દરેક સુપરવાઈઝરના ખભે તેના નામનો બિલ્લો લગાવવો ફરજિયાત હતો. એટલે કોઈ પણ વિદ્યાર્થી નામ વાંચી શકે. પેલા સાહેબ કહે :
‘તે આ પ્રજ્ઞાબેન જ છે ને ? એમણે જ ચોરી કરાવીને ?’ ત્યાં તો ગઈકાલનો પેલો ચિઠ્ઠીવાળો છોકરો બારણા બહાર ઊભેલો મેં જોયો. મેં એને બોલાવીને કહ્યું : ‘કાલે વર્ગમાં મેં ચોરી કરાવી હતી એમ આ કહે છે. તું કહે, તેં કંઈ જોયું’તું ?’
ત્યાં એ કહે : ‘આ તો 27 નંબરના રૂમમાં છે. તમે તો કાલે અમારા 30 નંબરના રૂમમાં હતાં !’
મેં સાહેબને કહ્યું : ‘આજે ત્રીજો દિવસ છે. મેં 29 અને 30 નંબરના રૂમોમાં સુપરવિઝન કર્યું છે. તો આ 27 નંબરવાળા છોકરાને હું ચોરી કરાવતી શી રીતે નજરે પડી ? તમે રજિસ્ટર કાઢો ને મારી સહી જુઓ.’ રજિસ્ટર ખોલીને જોતાં ખબર પડી કે આગલે દિવસે તે રૂમમાં હતાં તે પ્રજ્ઞાબેન શાહ હતાં અને શાળાનાં શિક્ષકો ઓછા પડવાથી તેમને બીજી સ્કૂલોમાંથી બોલાવેલાં !

હવે બોલવાનો વારો મારો હતો. પેલા સાહેબને મેં કહ્યું : ‘પહેલાં બધી ખાત્રી કરીને પછી વાત કરો. આમ સીધી આક્ષેપાત્મક વાત કરવાની હોય ? અને તમે તમારા કામની મર્યાદા સમજીને વાત કરો. પૂરી તપાસ કર્યા વિના કોઈને પણ આ રીતે અપમાનિત ન કરાય. આવા આક્ષેપ બદલ હવે હું ધારું તો શું કરી શકું, તેનો પણ તમને ખ્યાલ આવ્યો હશે.’
‘સોરી બેન,’ કહીને, ઊભા થઈને બધાંને વિખેરવાના બહાને બહાર ચાલ્યા ગયા. બિચ્ચારા ! શું કરવાની હોંશ હતી ને શું થઈ ગયું !’ આમ જુઓ તો ગઈકાલના ‘ચિઠ્ઠીવાળા છોકરા’ એ જ મને બચાવી. ખરું કે નહિ ?

[ ‘તથાગત’ સામાયિક. ‘તપનસ્મૃતિ’ જે-201, કનક કલા-2, શ્યામલ ચાર રસ્તા, મા આનંદમયી માર્ગ, સેટેલાઈટ. અમદાવાદ-380015. ફોન : +91 79 26931633. ઈ-મેઈલ : editortathagat@gmail.com સામાયિક લવાજમ ભારતમાં : રૂ. 80 વાર્ષિક, રૂ. 210 ત્રણ વર્ષનું, રૂ. 350 પાંચ વર્ષનું.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ડાયરીમાંથી…. – પ્રજ્ઞા મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.