કાલેલકરના લલિત નિબંધો (ભાગ-2) – સં. ચિમનલાલ ત્રિવેદી

[ મનને આનંદ પમાડનારા અને રસતરબોળ કરી મૂકે તેવા શ્રી કાકાસાહેબ કાલેલકરના કેટલાક લલિત નિબંધો આપણે આ અગાઉ માણ્યા હતા. આજે એ જ પુસ્તક ‘કાલેલકરના લલિત નિબંધો’માંથી કેટલાક વધુ નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] લુચ્ચો વરસાદ

હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઊઠ્યો ત્યારે બારણાં બંધ હતાં. બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ ઉપરથી તો તે હસતો જ જણાતો હતો. હું દોડતો-દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો. ત્યાં જઈને જોઉં છું તો ભાઈસા’બ ધોધમાર રુએ છે !

પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો. પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે, એ જો સવારે વહેલો આવ્યો હોત તો એનું બહાનું કાઢીને નિશાળે તો ન જાત ! પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો જ હતો એટલે એ વહેલો શાનો જ આવે ? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ‘ચાલો રમવા.’ એ તે કેમ બને ? નિશાળે જતાં વાર થઈ તેથી મારની બીકે હું ધ્રૂજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રૂજતો હોઈશ.

વરસાદનો સ્વભાવ પણ કેટલો વિચિત્ર ! જ્યારે-જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે એ કદી સીધી રીતે રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈયે વાગતું નથી, પણ મને તો વાગે છે. અને વળી મારાં કપડાં પણ બગડે છે તે વધારાનું. મારું દુઃખ જોઈને મોઢેથી તે હસે છે અને આંખેથી રુએ છે ! રાત્રે પણ એ નિરાંતે નથી સૂતો. મેં એને કેટલીય વાર કહ્યું કે ઉનાળામાં આવજે. તડકો બહુ પડે ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. કોઈ દહાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતાં ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવવાનો. પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોકિયું કરે.

મોર સાથે પણ એ એવા જ ચાળા કરે છે. ભલે ને મોર એની તરફ જોઈ-જોઈને એને આખો દહાડો બોલાવ-બોલાવ કરે, પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવીને એટલા જોસથી એના પર હસતો-હસતો કૂદી પડે કે મોરનાં સુંદર આંખોવાળાં પીછાં ભીંજવી નાખે અને એની બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કૂકડો તો એનાથી ત્રાસી જ જાય છે. ગાય-બળદને પણ એ એમ જ હેરાન કરે છે. બકરાં તો એનાથી એટલાં ગભરાય છે કે વાત ના પૂછો. બસ, એક બતક અને ભેંસ એ બે એનાથી ખુશખુશ રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ. માટે હું તો હવે આજથી વરસાદ સાથે રમવાનો નથી.

[2] ઉષાદૂત

સવારે પાંચ વાગ્યે ઊઠું અને વિચાર કરું કે બીજું કોઈ કેમ જાગતું નથી, એટલામાં આંબાના ઝાડ પરથી એક પક્ષી બોલે છે ચી….કુ, ચી….કુ. કોયલ પણ આટલી વહેલી ઊઠતી નથી. આ ‘ચીકુ’ પક્ષીનું ગાયન ખાસું અડધા કલાક સુધી ચાલે છે. એક વાર બોલે ચી…કુ, ચી….કુ, પછી આઠ સેકંડ થોભે અને ફરી બોલે ચી..કુ, ચી…કુ. આ પ્રદેશમાં ચીકુનાં ઝાડ ખૂબ વાવેલાં છે. ઘોલવડનાં ચીકુ મુંબઈમાં ખૂબ વખણાય છે. એ ચીકુની ખબર જાણે જાહેર કરવાની હોય તેમ આ પક્ષી સવારથી ફેરી બોલે છે ચી….કુ, ચી….કુ. લાંબા વખત સુધી ચીકુનું ગાન કર્યા પછી એણે પોતાનો રાગ ફેરવ્યો. હવે બોલવા લાગ્યું ચિક..તુ; ચિક….તુ. આ ફેરફાર એણે કેમ કર્યો તેની ખબર ન પડી, પણ એ ગાયન ઝાઝું ચાલ્યું નહીં. ફરી એણે ચારપાંચ વાર ચી….કુનું જ રટણ ચલાવ્યું અને બધે પ્રકાશ થતો જોઈને દક્ષિણ તરફ એ ચાલ્યું ગયું.

ત્રણ દિવસ થયા એ ને એ જ પક્ષી એ જ વખતે અને એ જ ઝાડ પર બેસી ચીકુમાહાત્મય ગાય છે અને ઊડી જાય છે. આખો દિવસ એનો અવાજ સાંભળવાને કાન તત્પર રાખું છું, પણ ક્યાંયે સંભળાતો નથી. સંભવ છે કે એનું પ્રભાતગીત જુદું હોય અને મધ્યાહ્નગીત જુદું હોય.

[3] ક્રિયા કે કૃતિ ?

સમુદ્રકિનારે જાતજાતની છીપો અને શંખલાઓ પડ્યાં છે. એમનો આકાર, એમનો રંગ, એમના પરની ચિત્રવિચિત્ર ભાત, એમનું પ્રમાણ અને એમના પરનો શણગાર એ બધું એટલું તો ચેતોહારી હોય છે કે તાજમહાલ જેવી કલાકૃતિ જોતાં જેમ ચિત્ત એકાગ્ર થાય છે અને અસ્વસ્થ પણ થાય છે તેમ અહીં પણ થાય છે. સ્થાપત્યનો સર્વાંગસુંદર નમૂનો તૈયાર કર્યા પછી એનાં રક્ષણ અને પ્રદર્શન માટે આપણને કેટલી તૈયારી કરવી પડે છે ! એક કલાત્મક વસ્તુનું નિર્માણ કર્યું કે આપણને ધન્યધન્ય થઈ જાય છે. આપણું નામ અમર થઈ ગયું એમ આપણે માનીએ છીએ. અહીં કોઈ પણ મંદિરના ઉત્કૃષ્ટ શિખર કરતાં પણ વધારે રમણીય એવા શંખલાઓનો ભાવ પણ કુદરત પૂછતી નથી. તુચ્છ કીટકના શરીરની આસપાસ એ તૈયાર થાય છે, વધે છે અને સમુદ્ર પોતાની મોજાંરૂપી સાવરણીથી એવાં અસંખ્ય શિખરો રોજ વાળી નાખે છે. એનો ભૂકો થાય, રેતી તળે એ દટાઈ જાય, ચૂનાની ભઠ્ઠીમાં એ શેકાઈ અને પિલાઈ જાય અથવા અરસિક માણસને હાથે એનાં બટન બની જાય તોયે સમુદ્રને કે કુદરતને એની ફિકર નથી.

કુદરતમાં અકળ એવી અક્ક્લ છે, યોજના છે, સૌંદર્ય છે, પ્રમાણ છે, ઔચિત્ય છે. પણ એ બધી વસ્તુઓનું એને મહત્વ નથી. નિસર્ગની સર્ગશક્તિ અમર્યાદ છે, અનંત છે. એને ત્યાં શાની કિંમત હોય ? કિંમત એટલે સરખામણી. જે વસ્તુને અંત જ નથી એની સરખામણી એની સાથે જ થઈ શકે ને ? કલા પાછળ ગાંડા થયેલા આપણે કુદરતની મૂંગી બેફિકરીમાંથી કંઈક પાઠ શીખવો જોઈએ. મૃત્તિકાની નિતાન્ત મનોહર મૂર્તિઓ તૈયાર કરી પૂજા પછી એને પાણીમાં પધરાવનાર આપણા કલાધર પૂર્વજો એ પાઠ શીખ્યા હતા. મહત્વ ક્રિયાને છે, કૃતિને નથી. પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તકસંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે, કેડે લટકાવવામાં નથી.

[4] સખી માર્કંડી

શું દરેક નદી માતા જ હોય છે ? ના. માર્કંડી તો મારી નાનપણની સખી છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. બેળગુંદીના અમારા ખેતરમાં ઊમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. માર્કંડીને કાંઠે કેટલીયે વાર બેઠો છું અને પવનનાં મોજાંથી ડોલતાં ઘાસનાં પાનાં કલાકો સુધી જોયા કર્યાં છે. માર્કંડીને કાંઠે અસાધારણ અદ્દભુત એવું કશું નથી. ખાસ ફૂલો નથી, જાતજાતનાં રંગવાળાં પતંગિયાં નથી, રૂપાળા પથરાયે નથી. પોતાના કલકૂજિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાનામોટા પ્રપાત ક્યાંથી જ હોય ? ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ.

ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોયે એમાં માર્કંડીની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય ! મને તો એના પાણીમાં મારા પગ છોડીને બેસવાનું જ ગમે છે. પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. નાનપણમાં અમે કેટલીયે વાતો કરતાં. એકબીજાનો સહવાસ જ અમારા આનંદને માટે બસ થતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. ભાઈબહેન ઘણે વરસે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછે. પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી; એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમમિલન વખતે ક્યાંથી રહે ? માર્કંડીને કાંઠેકાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. સોળમે વર્ષે પોતાને લઈ જવા આવેલા યમરાજને શિવભક્તિને જોરે પાછા ઠેલનાર માર્કંડેય ઋષિનું આખ્યાન ગાતાં મને કેટલો આનંદ થતો !

મૃકંડુ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો : કાં તો વધુ જીવનાર મૂઢ કુરુપ બાળક, કાં તો સોળ વર્ષ જીવનાર કુલોદ્ધારક. હવે બેમાંથી કયો વર પસંદ કરવો ? ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું. સદગુણી બાળક ફક્ત સોળ જ વર્ષ ભલે જીવે, એ જ કુલોદ્ધારક થશે, એમ ગણી બંને જણાંએ એ જ માગી લીધો. માર્કંડેય જેમજેમ ઉંમરમાં ખીલતો જાય તેમતેમ માબાપનાં વદન મ્લાન થતાં જાય. આખરે સોળ વરસ પૂરાં થયાં. યુવાન માર્કંડેય પૂજામાં બેઠો છે. યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા. પણ શિવલિંગને ભેટી પડેલા યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલે ? હા-ના કરતાં આખરે પાશ ફેંક્યો; ત્યાં લિંગમાંથી ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું. મૃત્યુંજય મહાદેવનાં દર્શન થયા પછી માર્કંડેયને મૃત્યુની બીક ક્યાંથી રહે ? એની આયુધારા હજી વહે છે.

કૉલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈબીજ થતી. લણણીના દિવસો હોય, બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગાળવાના હોય, ત્યારે માર્કંડી મને શકરિયાં પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. રાત્રે એ ટાઢથી ધ્રૂજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને એ મૃગનક્ષત્ર બતાવતી. આજે પણ જ્યારે-જ્યારે અમારે ગામડે જાઉં છું, ત્યારે-ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી. જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે. એના સુકુમાર વદન પર પહેલાંનું રમતિયાળ લાવણ્ય નથી જોઈ શકતો, પણ એના સ્નેહની ગંભીરતા વધી છે.

[5] વર્ષાગાન

ગરમીની ઋતુ ભૂમિમાતાની તપશ્ચર્યા છે. જમીન ફાટે ત્યાં સુધી પૃથ્વી ગરમી વેઠવાની તપશ્ચર્યા કરે છે અને આકાશ પાસે જીવનદાનની પ્રાર્થના કરે છે. વૈદિક ઋષિઓએ આકાશને ‘પિતા’ અને પૃથ્વીને ‘માતા’ કહી છે. પૃથ્વીની તપશ્ચર્યા જોઈને આકાશપિતાનું મન પીગળે છે અને તે એને કૃતાર્થ કરે છે. પૃથ્વી બાલતૃણોથી સળવળી ઊઠે છે અને લક્ષાવધિ જીવસૃષ્ટિ ચારે તરફ નાચવા-કૂદવા મંડે છે. પહેલેથી સૃષ્ટિના આ આવિર્ભાવ સાથે મારું હૃદય એકરૂપ થતું આવ્યું છે. ઊધઈને પાંખો ફૂટે છે અને બીજે દિવસે સવાર થતાં પહેલાં બધી મરી જાય છે. જમીન પર વીખરાયેલી એમની પાંખો જોઈ મને કુરુક્ષેત્ર યાદ આવે છે. મખમલનાં જીવડાં જમીનમાંથી પેદા થઈ પોતાની લાલ રંગની બેવડી શોભા દેખાડીને લુપ્ત થઈ જાય છે તેની સાથે મને તેમની જીવનશ્રદ્ધા વિશે કૌતુક થાય છે. ફૂલોની વિવિધતાને લજાવનાર પતંગિયાંની પાંખો જોઈને હું પ્રકૃતિ પાસે કલાની દીક્ષા લઉં છું. પ્રેમાળ લતાઓ જમીન પર વિચરવા લાગી, ઝાડ પર ચડવા લાગી અને કૂવાને તળિયે જવા લાગી કે મારું મન પણ તેમના જેવું કોમળ અને પ્રેમાર્દ્ર બની જાય છે. એટલા માટે વરસાદમાં જેવી બાહ્યસૃષ્ટિમાં જીવનસમૃદ્ધિ દેખાય છે, તેવી હૃદયસમૃદ્ધિ મને પણ મળે છે. અને વરસાદ ઓછો થતાં આકાશ સ્વચ્છ થાય ત્યાં સુધી મને એક પ્રકારની જીવનસિદ્ધિનો પણ લાભ મળે છે.

આ જ કારણે મારે માટે વર્ષાઋતુ બધી ઋતુઓમાં ઉત્તમ ઋતુ છે. આ ચાર મહિનામાં આકાશના દેવો ભલે સૂઈ જતા હશે, મારું હૃદય તો સતર્ક થઈને જીવે છે, જાગે છે અને આ ચાર મહિનાઓ સાથે હું તન્મય થઈ જાઉં છું. मधुरेण समापयेत – ને ન્યાયે વસંતઋતુનું છેવટે વર્ણન કરવા માટે કાલિદાસે ‘ઋતુસંહાર’નો પ્રારંભ ગ્રીષ્મઋતુથી કર્યો. હું જો ‘ऋतुभ्यः’ ની દીક્ષા લઉં અને મારી જીવનનિષ્ઠા વ્યક્ત કરવા માંડું તો વર્ષાઋતુથી એક પ્રકારથી પ્રારંભ કરીને પછી બીજી રીતે વર્ષાઋતુથી જ સમાપ્તિ કરું.

[કુલ પાન : 224. (પાકું પૂઠું). કિંમત રૂ. 130. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “કાલેલકરના લલિત નિબંધો (ભાગ-2) – સં. ચિમનલાલ ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.