સહસ્ત્ર-ચંદ્ર-દર્શન – અરુણા જાડેજા

[‘ઉદ્દેશ’ સામાયિક સપ્ટેમ્બર-2011માંથી સાભાર.]

વહાલી જસુ,
તારા કહ્યા પ્રમાણે વિગતવાર બધું જ લખું છું, ‘વર્ડ’માં જ મોકલું છું જેથી ફાઈલ ખૂલવામાં વાંધો નહીં. સાથે ઝીપ-ફાઈલમાં ફોટા પણ છે. લગ્ન વખતે ભગવાન પાસે જે એક વાર માગ્યું તે માગ્યું, પછી માગવાનો વારો નથી આવ્યો. ઈચ્છું અને થતું જાય. પેલા સુતિષ્ણ ઋષિની જેમ ‘ભગવાન મારા છે’ એવું અભિમાન મને મળી ગયું. ત્યારે ભગવાનને મેં કહેલું કે મને ‘ઘરેથી એમની’ સાથેનાં પાંચ વર્ષ આપીશને, તોય ઘણું. મારા વહાલાએ તો ભારે કરી. પાંચમા વર્ષે જ એમને ગોઝારો અકસ્માત નડ્યો. મેં કહ્યું : ‘આવું કરવાનું, ભગવાન ?’ પાંચ એટલે પાંચ જ આપવાનાં ! બે-પાંચ વધારે આપી દેત તો તારું શું લૂંટાઈ જાત ?’ પણ હું થાપ ખાઈ ગઈ. એણે તો બીજાં પચ્ચીસ આપી દીધાં. ત્યારે એક ઈચ્છા હતી. મહેચ્છા. પણ એ ફળવાને મારે ઘણાં ઘણાં વર્ષોની એટલે કે દાયકાઓની રાહ જોવાની હતી.
***

વરને એકલી મા જ થોડી વખાણે, જસુ ? હરિની જેમ પતિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે. ‘હબસીભાઈને સીદકાં વહાલાં’ એમ મારે : પંથવહુને બીજવર વહાલા રે. ત્રણ દાયકા પહેલાં એમને મેં મંજુના બાપુજી તરીકે જોયેલા, પછી એક પતિ તરીકે અને આજે એક વડીલ તરીકે એમને હું દૂર ઊભી રહી સાપેક્ષ ભાવે જોઉં છું તો એક વ્યક્તિ તરીકે એમનાથી હું સતત પ્રભાવિત થતી આવી છું. ત્યારથી માંડીને આજ સુધી તેઓ પૂરા ક્ષત્રિયવટાથી મારી ઢાલ બનીને ઊભા રહ્યા છે. દેન છે કોઈની…! મારા જેવી બાકી રહી ગયેલી એક કન્યાને બીજું શું જોઈતું હોય ? એક સુરક્ષાકવચ. સુખનું એક નામ સલામતી. મળી ગઈ. ઉપરાંત મળી જોઈતી ગમતી ઝોળી (ઘોડિયા)ની હૂંફ. શરૂઆતમાં મારા કલાપ્રેમને ભલે ઉત્તેજન ના મળ્યું પણ જતન તો થયું જ. મારો સાહિત્યપ્રેમ ભલે સંકોરાયો નહીં પણ જીવંત તો રહ્યો જ. મારા સંગીતપ્રેમમાં તો એ શરૂઆતથી જ સરખેસરખા ભાગીદાર રહ્યા. પોલીસખાતાની એમની નોકરી લગભગ ચાર દાયકાની. જેમાં એમનું પૂરેપૂરું સમર્પણ, શરણાગતિ. એમણે ભલે ભરપચ્ચીસીમાં કચ્છકાઠિયાવાડમાં મિયાંણાઓને રાડ પડાવી કે પછી ભરપચાસીમાં અમદાવાદ-વડોદરામાં કોમી હુલ્લડો વખતે જે તે સંવેદનશીલ વિસ્તારોને કુનેહ અને બાહોશીથી સંભાળી લીધા પણ જયશ્રી, નિવૃત્તિની અણી પર પણ એ – સુવર્ણમંદિરની ઘટના પછી – પંજાબની માગણીથી ગુજરાત પોલીસ તરફથી સળગતા વાતાવરણમાં ઝંપલાવવા માટે એકપગે થનગની રહ્યા. સીક-લીવ (માંદગીની રજા) પર ઊતરી જનારા એ નહીં. છેલ્લે કેટકેટલી રજાઓ સિલકમાં નીકળી, કેટલી નકામી ગઈ. એમ કાંઈ એ પોલીસખાતાના સંત-મા’ત્મા નહોતા. પણ તોય એમના કેટલાક સિદ્ધાંતો હતા. બાઈમાણસને પજવવું નહીં. મોત જ્યાં હોય એટલે કે અકસ્માત, આપઘાત કે ખૂન હોય ત્યાં આત્મા કહે એ જ કરવું, લાલચમાં પડવું નહીં. મિલકત વિરુદ્ધના ગુનામાં ગુનેગાર સાથે લેવડદેવડની વાત ના જોઈએ. તું શરીફાબહેનને તો વાંચે જ છે ને ! એમણે કહ્યું છે કે ‘પોલીસાનામ અહમ જુવાનસિંહ.’ એક માણસ તરીકે એ હંમેશાં દંભદેખાડાથી દૂર રહ્યા. સપનામાંય કોઈનું બૂરું ના ઈચ્છે. પણ અન્યાય સામે એમનો પુણ્યપ્રકોપ પ્રજ્વલી ઊઠે. ઊડતા તણખાભર્યો એ ચહેરો જોઈને પ્રલય સાંભરી આવે. તેમાં જ 76મા વર્ષે પણ હાથમાં કટાર લઈને, ખુલ્લા પગે, સદરો-પાયજામાના એ જ ઘરના પહેરવેશમાં, એકલવાયા પાડોશી પર થયેલા ખૂની હુમલામાં એ દોડી ગયેલા. જો કે એ તો તેંય ‘નેટ’ પર છાપામાં બધું વાંચેલું જ ને ?

એક એમનો સ્વભાવ ભારે આકરો. જ્ઞાતિગત કે નોકરીગત. દુર્વાસા કે પરશુરામ જેવા ભલભલા ચમરક્રોધીઓને એક જ ખરલમાં ઘૂંટી ઘૂંટીને એક જ ઘૂંટડે ગટગટાવી જનારા એ. એટલે જ પછી તો મારું જોઈને મારાં સાસુ મારા સસરાનો ઉલ્લેખ પણ : ‘ઓલા તમારા ઈવડા ઈ મોટા દુરવાસા’ એવો જ કરતાં, ઊલટી ગંગા. ત્રિનેત્રધારી એટલે ભોળા શંભુ પણ. એમને પટાવવા બહુ સહેલા. જસુ, આપણને ભણવામાં મેઘાણી હતા. એમાં એકનું દૂધ બીજીને પાવાનું, બીજીનું ત્રીજીને એમ સાત સાત ભેંસોના દૂધની વાત આવતી, યાદ છે ? જો કે બીજા સંદર્ભે. પણ એમને દીર્ધાયુ બક્ષવા માટે સાત સાત જ નહીં જાત જાતનાં ઓસડિયાં હું શોધી લાવું. પણ મેં પોતે જ મારા પગ પર કુહાડી મારી લીધી. મારી જાતને સરાણની નહીં, ઓસડિયાની ધારે ધરી રાખી. એમાંય જો એકાદ દિવસ એકાદું ઓસડિયું ના અપાયું તો એમને જાણે કોલેસ્ટ્રોલ વધ્યું જ સમજો, ઘડીમાં જ હિમોગ્લોબિન ઓછું થઈ જવાનું !

ઠીક. પણ જસુ, એમણે નિવૃત્તિને જે રીતે લીધી છે એના પર હું શી વાતે ઓળઘોળ ! ત્યારે એમની પાસે ઘર-વાડી અને એક સરકારી અધિકારીને નિવૃત્ત થતાં મળે એટલી રકમ ઉપરાંત એવું ખાસ કાંઈ નહોતું. રિલાયન્સ જેવી કંપનીઓનાં સારાં કહેણ પણ આવેલાં. પણ એમણે નિરાંતે અને સંતોષપૂર્વક જીવવાનું પસંદ કરેલું. એની નેટ પ્રેક્ટિસ પણ આગલાં વર્ષથી શહેરમાં ડેપ્યુટી કમિશનરના પદે હતા ત્યારથી જ શરૂ કરી દીધેલી. એમની દિનચર્યા પણ આગવી. સવારે સાત-આઠ કિ.મી. જેટલું ચાલી આવે. સાઈઠ વર્ષે પણ એ જ ચાલ. રેવાલ. નાકની દાંડીએ થતી એકધારી મર્દાના ચાલ. એ ચાલ પર જ તો હું વારી ગયેલીને ! વહેલી સવારે અટીરા ફરવા આવનારાઓ પણ આ પાતળી પરમારની સ્ફુર્તિલી ચાલ પર ફૂલ વેરે. ચાલીને આવે એટલે ચા કેવી ને વાત કેવી ! જ્યાં ચા-કોફી જ નહીં તો બીજી વાત ક્યાંથી ? હું ચા પીઉં, એ છાપું વાંચે. ત્યારે તો આખી ને આખી લોન જાતે એકલા હાથે રી-પાલન્ટ કરી નાંખે. કચ્છી ખેડૂમાડૂ. ખેતીવાડીમાં તો ગામવાળા કરતાંય વધુ ગમ. જોકે આજે પણ ઝાડવા-છોડવાની માવજત પ્રેમે કરે જ. સ્નાનાદિકથી પરવારીને અરધોક કલાકની સેવાપૂજા. પછી જ પેટપૂજા, શિરામણ. ત્યાં સુધી કશું જ નહીં. ત્યારે તો બપોરે જમવાનું સાદું, માખણ નિતારેલી રોજની તાજી છાશ જ ખપે. વાળુમાં એ જ ચાંદા જેવડો રોટલો ને લિટર દૂધ, વધુ ફેટવાળું. શાક નહીં, મરચું નહીં, કશું નહીં સાથે. રોટલો સરખો ચોપડેલો ખપે, નહીં તો પૂછે કે મારો છે કે કૂતરાનો ? બારેમાસ આ જ મેનૂ. ભૂસું-ભજીયાં એ જાણે નહીં. એક ભાવે ગળ્યું. ઘીવાળી દેશી મીઠાઈ, ઘી બહુ વહાલું. ઘીમાં નહાય. પણ જસુ, જોવાની વાત કે સિત્તેરમા વરસે એમને એટેક આવ્યો તે દિ’ને આજનો દહાડો, ઘીના ચકતાંને અડ્યા નથી. ઘીવાળો રોટલો બંધ. મને અને અમારા દીકરાને પાસે બેસાડીને એ જ ખુમારીથી કહેલું કે બાયપાસ તો દૂરની વાત પણ એન્જ્યોગ્રાફી ને એન્જ્યોપ્લાસ્ટી પણ નહીં, ખેરાતમાં મળેલાં વર્ષો મને ના ખપે.

વર્ષમાં ઓછામાં ઓછું બે વાર તો અમારે વતન કચ્છમાં જવાનું જ. સિત્તેર થયા ત્યાં સુધી એ પોતે જ ગાડી લઈ લેતા. પણ પછી મેં જ એમને હાઈ-વે પર ના ચલાવવા દીધી. હા, એંશી સુધી અહીં શહેરમાં ચલાવતા, સત્સંગમાં જઈએ ત્યારે. સત્સંગની વાત કરું તો અમારા દીક્ષાગુરુ પ.પૂ. રાજર્ષિ મુનિશ્રીના ‘લાઈફ મિશન’ના કેન્દ્રમાં નિવૃત્તિ પછી નિયમિત દર શનિવારે જાય જ. રોજ સાંજે ઘરે પાંચથી સવા-છ યોગસાધનામાં અચૂક બેસે, એનાથી જ તબિયતમાં આપમેળે રીઅબિલિશન થતું ગયું. સત્સંગમાં એમની સાથે જવા માટે એમણે મને ક્યારેય દબાણ કર્યું નહીં. દસ વરસ પછી મને મારી મેળે જ ભાવ થયો ત્યારે હું પણ નિયમિત જવા લાગી. છેલ્લાં દસ વરસથી તો સામાજિક કે કૌટુંબિક પ્રસંગે પણ એ બહાર ના નીકળે. હું માંડવામાં હાજરી નોંધાવી આવું. એમની એક જ વાત : ‘આના ઓર ખાના દો બાત કરના મના.’ એકપક્ષી સંબંધ રાખવો હોય તો આનંદ નહીં તો કોઈ અફસોસ નહીં. પોલીસખાતાની સતત દોડધામવાળી નોકરીમાં જે ભાગ્યે ઘરે રહેતા એ હવે ભાગ્યે જ ઘરની બહાર નીકળે. એમાંય એમની નિવૃત્તિ પછીનાં પહેલાં અગિયાર વર્ષોમાં તો હું ઘરમાં જ હતી પણ પાછલાં અગિયારેક વર્ષોથી તો હું આખેઆખી અંધશાળામાં ઠલવાઈ ગયેલી. સવારે નિશાળ, બપોરે ઘરે કૉલેજના અંધ વિદ્યાર્થીઓ, રેકોર્ડિંગ તો ધમધોકાર. એ રેકોર્ડિંગમંડળીની બહેનોની અવરજવર, ફોનાફોની તો ખરાં જ. સહેજ ફુરસદે લખવા બેસી જાઉં. અમારો આવડો મોટો વડલો. એમનાં ચાર અને એમનાંય આઠ સંતાનો અને એમનાંય….. એમ બધું મળીને 34 જણનો પરિવાર, ચોથી પેઢી કૉલેજમાં. આ અમારો પોતાનો જ પરિવાર, દેરિયા-જેઠિયા કે વેવાઈવેલા નહીં. અઢાર અહીં, સોળ અમેરિકામાં. એમાંય હું ગળાડૂબ. પણ શું કહું તને, નિવૃત્તિનાં આ 23 વર્ષોમાં એમણે ક્યારેય કહ્યું નથી કે ‘મને ગમતું નથી’ કે ‘હું એકલો શું કરું ?’ હા, હું ઘરે હોઉં તો એમના મોંઢા પરની રોનક જ જુદી.

પણ જયશ્રી, પછી બધું સાથે જ થયું. આમ તો અમારી દોહિત્રી પણ મારે તો દીકરી એવી મીકુ ભણીને અમેરિકા ગઈ. મા-બાપુ પણ સિધાવ્યાં. ’99 માં હું નવરી થઈ અને મેં અંધશાળામાં જવાનું શરૂ કર્યું, વીસ વીસ વર્ષો પછી હાથમાં પેન પકડી. અને તરત જ એમને આવ્યો એટેક ! એ હચમચી ઊઠ્યા. પણ એમણે ન તો મારી અંધશાળા છોડાવી કે ન તો પેન. પણ આ ઝાટકાને લીધે એમનામાં જન્મી અસુરક્ષિતતાની લાગણી. જો કે મને એમાં કશું અજુગતું ના લાગ્યું કારણ કે આપણી કેટલીય અપરિણીત બહેનપણીઓના બા-બાપુજીને કે પછી આસપાસની ભાઈ-બહેનોના સાસુ-સસરાને પણ – પેલું ઘરનું એક કરતું-કરાવતું બહાર નીકળે તો – પાછલી ઉંમરે આવી અસલામતી અનુભવતા મેં ખૂબ નજીકથી જોયાં છે. તેથી જ મેં એક નિર્ણય લીધો કે ઘરપરિવાર અને અંધશાળા- એ સિવાય કશુંય નહીં, ઘરબેઠાં લેખન. તો જ એમને થોડોઘણો પણ સમય હું ફાળવી શકું. એમ તો એમ તો ઘરમાં પણ અમે બન્ને પોતપોતાના ઓરડામાં. મને ‘એસી’ (એરકન્ડીશનર) વગર ના ચાલે, એમને એસી જરાય ચાલે નહીં. પણ એમનું કેવું ? બાળક જેવું, મા નજર સામે હોય એટલે થયું. એમ તો ઘરના અને બેન્ક કે પછી બહારના કામકાજે મારે બહાર નીકળવાનું તો થાય જ. એમને હું ના જવા દઉં. બહાર જો કોઈ એમનું માન જાળવે નહીં તો એ તો બાંયો જ ચઢાવે. અમારી નાની દીકરી મંજુ તો બહુ વઢે કે આટલા શાનાં બાપુજીને પંપાળો છો ? પણ જસુ, એમની આવડી મોટી જિંદગી એક્ઝીક્યુટીવ કારકિર્દીવાળી ! એ માણસ આમ વીલા મોંએ લાઈનમાં ઊભા રહે, એ વાત કેમ સાંખવી ? એટલે પછી હું જ જઈ આવું, કાગળિયાં-ફોર્મ બધું ભરીકરીને તૈયાર એ રાખે. તું તો જાણે જ છે ને કે એમને આવેલા અટેક પહેલાં હું અમારાં નાના દીકરી-જમાઈ સાથે કે મિત્રકુટુંબ સાથે રાતના શોમાં ‘ડ્રાઈવ-ઈન’માં જતી જ, કે પછી અમારા મોટા દીકરી-જમાઈ સાથે ‘ટાઈમ્સ’ની રાતભર ચાલતી સંગીતરાત્રીમાં પણ ગઈ છું, બહેનપણીઓ સાથે ‘સપ્તક’ના કાર્યક્રમોમાં પણ વહેલી સવાર સુધી ગઈ જ છું. એટલું જ નહીં, સાહિત્યકારોના સુવર્ણચંદ્રક સમારોહના કાર્યક્રમોમાં પણ એકલી એકલી જઈ આવી છું, એમને ઘરે મૂકીને. એમ તો એમના આ અટેક પછી પણ ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક ગઈ છું જ. પણ જ્યારે ઘરે પાછી આવું ત્યારે એ મને હીંચકે એકલા સોરવાતા લાગ્યા હોય અને મને થાય કે એવું તે શું રહી જતું’તું ?

જયશ્રી, હવે મજેની વાત કે એકવાર એમની આ અસલામતીની લાગણી જતી રહી કે પછી કોઈએ નહીં એટલી એમણે મને વધાવી છે. આવ્યા ગયા બધાંની સામે મારા લેખનની વાતો હોંશે હોંશે કરતા રહે, મને પુરસ્કાર મળે એટલે તરત જ મારી ખાસ બહેનપણી એવી દીકરી મંજુને પહેલો ફોન કરશે, મારાં બહેનપણી દીદીને ફોન કરશે. શી વાતે ઉત્સાહ ! હવે એમની નિવૃત્તિની નવલાઈ. તું માનીશ, આ નિવૃત્તિમાં એ ફરીથી વિદ્યાર્થી બન્યા. સાઈઠમેં વર્ષે. અમારા મિત્ર ડૉ. વિપિનભાઈ નાયક પાસેથી શરૂઆતમાં એમણે ચોક્કસ માર્ગદર્શન મેળવ્યું પણ પછી તો પોતે એકલા એકલા મચી પડે. ‘મુંબઈ સમાચાર’ પણ બંધાવ્યું. ઝીણવટભર્યો અભ્યાસ. જોકે જસુ, એમનું નસીબ પણ જોર કરનારું. એક પોલીસવાળાએ પોતાની આગવી સૂઝબૂઝથી ‘શેર’માં રોકાણ કરવા માંડ્યું. ટ્રેડીંગ નહીં, આંધળું રોકાણ તો જરાય નહીં. બોલ, એમને ક્યારેય મંદી નડી નહીં. એ પોતે જ કહે છે કે પોલીસખાતાની આડત્રીસ વર્ષની નોકરીમાં ના કમાયો એટલું આ વીસ વર્ષોમાં કમાયો. પોતે કશું વાપરે નહીં, અમને બધાંને આપ આપ કરે. મનેય અંધશાળાના કે કોઈ સામાજિક કાર્યોમાં ક્યારેય ના નહીં. પણ એમનાં મોજાં ને ગંજીફરાક તું જુએને, તો આજેય કાણાંવાળાં. મારું કશું ઊપજે નહીં.
****

10-12-2009ના રોજ એમણે એંશી પૂરા કર્યાં. મારી લગ્ન વખતની બાકી રહેલી પેલી એક મહેચ્છા ફળવાને હવે ઝાઝી વાર નહોતી. બસ, એક વરસ. મેં નવું કેલેન્ડર જોયું, તિથિવાળું. મારે જે પ્રસંગ ઉજવવો હતો તે માટે મારે જોઈતી’તી આવતા વર્ષની માગશર સુદ પૂનમ. પૂનમ બે હતી. 21-12-’10ની પૂનમ ખગ્રાસ-ગ્રહણવાળી નીકળી એટલે પછી મેં 20-12-’10, સોમવારની બપોર પછીની શુદ્ધ પૂર્ણિમા એવી વ્રતની પૂનમ નક્કી કરી. લટકામાં દત્તાત્રેય જયંતી નીકળી, ચંદ્ર પણ અત્રિપુત્ર. વરસ પહેલાં મેં સગાંવહાલાં સહુનાં તેડાં શરૂ કર્યા : 20-12-’10, સોમવાર (પૂનમ અધ્યાહાર). રખેને કોઈ પૂનમ પરથી પગેરું શોધી કાઢે ! કારણ કે આ પ્રસંગ પૂર્ણિમાને દિવસે જ ઉજવાય. શેનાં તેડાં ? એ સરપ્રાઈઝ. બધાંએ એકાદબે વાર પૂછીને પૂછવાનું છોડી દીધું.

વરસ પછી.
હવે મંજુના બાપુજીએ તારીખ પ્રમાણે 10-12-’10ના અને તિથિ પ્રમાણે માગશર સુદ દશમ (15-12-’10)ના 81 વર્ષ પૂરાં કર્યાં અને ? અને મને જોઈતી’તી એ 20-12-’10ની માગશર સુદ પૂનમ આવી પહોંચી. મારા વધતા જતા ધબકારા, આગલી પૂર્ણિમાના એટલે કારતક સુદ પૂનમ-દેવદિવાળી – પર જો તું અહીં ભારતમાં જુએને તો વાદળાં, વરસાદ, વધતો જતો ઠાર. કેમ કેમ પાર પડશે ? કાર્યક્રમ તો મારે રાતે અને તેય અગાશીમાં જ કરવો પડે. અમારે ત્યાં ઘરડાંબુઢ્ઢાં જ કેટલાં બધાં ! સૌથી પહેલાં તો ‘ઘરેથી એ’ પોતે જ. એમના હાડમાં ટાઢ ગળીબળી ગઈ તો ! મારે તો સતત નામસ્મરણ ચાલુ. જયશ્રી, મારી આ મહેચ્છાની સાથે એક બીજી નાની ઈચ્છા પણ વર્ષોથી પાંગરી રહી હતી. મને આ પૂર્ણિમાનો ચંદ્ર એકલો નહોતો જોઈતો, મને એની સાથે જોઈતી’તી એની પટરાણી રોહિણી. સત્યાવીશ નક્ષત્રોમાં સૌથી સુંદર. ચંદ્રરોહિણી એ દૈવીયુગલ. તને યાદ કરાવું, આપણને કૉલેજમાં ભણવામાં ‘વિક્રમોવર્શિયમ’ હતું. એમાં કવિ કાલિદાસે પણ એને ‘દેવતામિથુનમ’ કહીને પૂજ્યું છે. મારા વહાલાએ ખરી કરી, તથાસ્તુ ! 2010ના આખાય વર્ષમાં આ પહેલી જ વાર પૂર્ણિમાના ચંદ્ર સાથે રોહિણીનો યોગ લાધ્યો હતો. મારે આંગણે આ દૈવીયુગલ ઊતરી આવ્યું. એને અપૂજ થોડું રખાય ? અમારે ત્યાં વિવાહોત્સુક અને સૌભાગ્યકાંક્ષિણી એવી ત્રણ કન્યાઓ છે. બે અમારી દોહિત્રી અને એક પૌત્રી. એટલે એ ત્રણેય પાસેથી મંત્રપઠન સાથે એ દૈવીયુગલની પૂજા કરાવી. ચાલ, માંડીને વાત કરું.

મને ખબર છે તું મનમાં કહેતી હોઈશ : હવે વાતને બહુ મલાવ મલાવ ના કર. હા પણ જસુ, મેં છે ને લિફટથી માંડીને ઠેઠ ઉપર જતાં સુધીમાં ઠેર ઠેર પ્રશ્નાર્થ ચિહ્નનાં પોસ્ટર્સ લગાવેલાં. બધાં નવાઈમાં ગરક, હું મરક મરક. આવતાંની વારમાં જ મોટેરાં બધાંના હાથમાં સૂંઠની ગોળી મૂકાઈ : ‘મારા બાપ, ખમૈયા કરજો.’ તાપણાં તો ખરાં જ. લોક બધું સવારથી ઊભરાવા માંડેલું અને સાંજે અગાશીમાં ઠલવાયેલું. જગતિયું જ કહેને. ઠંડીએ પણ મારી લાજ રાખી, છે ને ભગવાન મારો ! મંજુ મુખ્ય સંચાલક. એની સાથે ઘરનાં, ફલેટવાળા, મિત્રો એમ પાંચ-છ જણાં ‘કશું કહેવા’ જોડાતાં ગયા, મિનિટ-બબ્બે મિનિટ જ. એ બધાં એમના બાપુજીનો હરખ કરતાં ગયાં. જોકે હજી રહસ્યોદઘાટન થયું નહોતું તોય. એટલી ખબર પડવા દીધી હતી કે આ પ્રસંગ તમારા બાપુજી સાથે સંકળાયેલો છે. ‘ઘરેથી એમની’ ખાસ કડક સૂચના કોઈએ કશું જ લાવવું નહીં, ફૂલ સુદ્ધાં. પણ મારે છે ને જસુ, મંજુના બાપુજીને કશું આપવું હતું. બહારથી ખરીદીને લાવું તો ‘….. કયા લાગે મેરા !’ એમાંનું. એટલે ભેટમાં એમને અતિ વહાલું એવું ગીત ‘માડી તારું કંકુ ખર્યું ને….’ ખુદ વિભાબહેન અને રાસભાઈના કંઠે સંભળાવ્યું. ગુજરાતી સુગમ સંગીતનાં ઊભરતાં ગાયિકા શ્રુતિ મોદી પાસેથી એમને ગમતાં બીજાં ત્રણેક ગીતો ગવડાવ્યાં. પણ જસુ, બધું થઈને માંડ પાંચ જ ગીત હોં કે. અંગ્રેજીમાં કહે છે ને તેમ, શોર્ટ એન્ડ સ્વીટ !

બસ, હવે રહસ્ય ખોલવાનો વારો મારો. મંજુએ આ પ્રસંગ વિષે મારી સાથે પ્રશ્નોત્તરી શરૂ કરી. મારા જવાબો : આ પ્રસંગ એટલે ખગોળશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રને આવરી લેતો, ભારતીય સંસ્કૃતિના એક પ્રતીક સમો…. પહેલાંના વખતમાં જ્યારે માણસની આયુમર્યાદા ઘણી ટૂંકી હતી ત્યારે એનું મહત્વ ઘણું, જ્યારે આજે તો એંશી વર્ષ એટલે સાવ રમત વાત…. તોય જેને બ્લડપ્રેશર નહીં, ડાયાબિટિસ નહીં, સર્જરી નહીં, મોતિયો નહીં, કાન સરવા, ઘૂંટણ નરવા, હાથપગ જીવરા હોય એવી ખાટલા અને બાટલા વચ્ચે ભીંસાયા વગરની એકયાશીએ પહોંચેલી સાજીનરવી આયુરેખા અને એમાંથી નીખરતી મંજુના બાપુજીની ટટારગરવી વ્યક્તિરેખા – જે માટે જયશ્રી, પ્રભુકૃપા જ જોઈએ. એમ કહેને કે એનો પાડ માનવાનો જ આ પ્રસંગ…. હમણાં ગયા સપ્ટેમ્બરમાં જ લતા મંગેશકરનો આ પ્રસંગ ઉજવાઈ ગયેલો. મુંબઈનાં છાપાંઓએ એની નોંધ લીધેલી પણ આપણે ત્યાં નહોતી લેવાઈ કારણ કે આપણે ત્યાં આ પ્રસંગ ઉજવાતો જ નથી…. પણ એ કારણને લીધે મારું સરપ્રાઈઝ અકબંધ જળવાઈ રહ્યું ઠેઠ સુધી. બાકી એમાં મને કોઈ ક્રેડિટ નથી જતી કે આ બધાં પારખી ન શક્યાં તો એમને કોઈ ડેબિટ જતી નથી. ગુજરાતની નીચેના પ્રાંતોમાં એટલે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં બધાં રાજ્યોમાં એ ઉજવાય છે. એમાંય જેવી જેને ખબર અને જેવી જેની હોંશ. પાછું ગુજરાતમાં રહેતા અય્યર, આયંગર, મૂર્તિ કે મરાઠીઓએ અમદાવાદ-વડોદરામાં પણ આ પ્રસંગ ઉજવ્યાના દાખલા મારી જાણમાં છે…. પુરાણોમાં અને શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ હોય એની નવાઈ નહીં પણ ‘ગૂગલ.કોમ’ પર પણ એની સવિસ્તર માહિતી મળી આવે છે !

જયશ્રી, અમારાં બધાં છોકરાં ભેગાં થાય ને ત્યારે અભિનય દ્વારા શબ્દ પારખવાની પેલી રમત અચૂક રમે : ‘ડમ્બ શરાડ’. મેં એમને મારી રમત રમાડી : ‘ટંગ શરાડ’. હું સવાલ પૂછતી ગઈ, એના પરથી એમણે શબ્દ શોધી કાઢવાનો. ‘આજના પ્રસંગનું નામ છે ત્રણ શબ્દોનું. ત્રણેત્રણ જોડાક્ષરવાળા. પહેલો ને ત્રીજો સાડાત્રણ અક્ષરનો. વચલો શબ્દ અઢી અક્ષરનો જે અત્યારે આપણી વચ્ચે છે, એનો બીજો દોઢ અક્ષર છે ‘દ્ર’, એ કયો ?’…..
એકાદ જણે ઓળખી કાઢ્યો, ‘ચંદ્ર.’
હવે ત્રીજો શબ્દ. ‘ચંદ્રને જોવા’ માટે માનવાચક શબ્દ ક્યો ?’
કોકે કહ્યું : ‘દર્શન.’
બીજો-ત્રીજો શબ્દ મળી ગયો. હવે પહેલો શબ્દ, ‘વરસની બાર પ્રમાણે એક્યાશી વર્ષની પૂનમ કેટલી ?’
‘972.’
‘માબાપને દીકરીઓને ખાસ ક્યા મહિનામાં દાન આપવું ગમે ?’
આખરે જવાબ મળ્યો ખરો, ‘અધિક.’
‘તો એક્યાશી વર્ષના અધિક મહિના કેટલા ? સરેરાશ ત્રણે ભાગો. એટલી વધારાની પૂનમ….’
‘27.’
‘બન્નેનો સરવાળો કરો.’
‘999.’
‘એમાં આજની પૂનમ ઉમેરો.’
‘1000.’
‘એનો સાડા ત્રણ અક્ષરનો શબ્દ ક્યો ? આ થયો ત્રીજો….’
‘સહસ્ત્ર.’
‘સહસ્ત્ર-ચંદ્ર-દર્શન ! 81 વર્ષ પૂરાં થયા પછીની પહેલી પૂનમના દિવસે દરેક જણ પોતાના આયુષ્યની 1000મી/હજારમી પૂનમનાં દર્શન કરે છે. આ છે વૃદ્ધત્વને ગરિમા બક્ષતો એક મહાયોગ !’

પછી અમારા પૌત્ર નીલરાજે પાણી ભરેલી પિત્તળની મોટી તાસકમાં ‘ઘરેથી એમને’ ચંદ્રદેવતાના પ્રતિબિંબના દર્શન કરાવ્યાં. ફરીથી મંત્રપઠન. આરતી. નાની બાળાઓએ એમને ફૂલડે વધાવ્યા. વડીલો નીચે જમવા પધાર્યા અને અમારી વહુ-દીકરીઓએ ગરબો ઉપાડ્યો : ‘તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમ્યે જાય રે, પૂનમની રાત……’ ઉપરવાળાની બલિહારી તો જો, મેં એને ભીડમાં મૂકી દીધો તોય ! ‘માસાનામ માર્ગશીર્ષ’ – એમ માગશરનો શ્રેષ્ઠ મહિનો, સોળે કળાએ ખીલેલો ચંદ્ર, સંગાથે સૌંદર્યવતી રોહિણી, વગર માગ્યે બોનસમાં મળેલો ચંદ્રપૂજાનો વાર સોમવાર. મનમોકળું આકાશ. આ બધા યોગનો એક પર એક એમ પુટ થતો ગયો. આ પુટયોગ જે પેલા મહાયોગને પોંખવા આવી પૂગ્યો. આખીય સૃષ્ટિનું સૌંદર્ય જાણે અમારા સરગમ ફલેટની અગાશીમાં સમેટાઈ ગયું હતું. વાતાવરણમાં એક રોમેન્ટિકનેસ હતી પણ એ પ્રણયશૃંગારવાળી નહીં. ડિક્શનરીમાં બતાવેલો રોમેન્ટિકનો બીજો અર્થ અહીં બેઠ્ઠો લાગુ પડતો હતો – અદ્દભુત ઘટના ! જસુ, મોડી રાતે મારા હાથમાં ઉપરથી પાછો આવેલો આરતીનો થાળ હતો : ‘મારા કેસરભીના કંથ હો, સિધાવો જી…..’

[સહસ્ત્ર-ચંદ્ર-દર્શન એટલે 81 વર્ષ પૂરાં થતાં પહેલી પૂનમ. 81 વર્ષની 12 પ્રમાણે = 972 + 81 ભાગ્યા 3 (અધિક) = 27 + 81 પછીની પહેલી પૂનમ = 1 એટલે કુલ = 1000]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “સહસ્ત્ર-ચંદ્ર-દર્શન – અરુણા જાડેજા”

Copy Protected by Chetan's WP-Copyprotect.