વિચારબિંદુઓ (ભાગ-5) – મૃગેશ શાહ

[ આસપાસના જગતને જોતાં જે કંઈ સ્ફૂર્યું તે છેલ્લા કેટલાક સમયથી ‘ફેસબુક’ પર સાચવવાનું શરૂ કર્યું. આ પ્રક્રિયા અંતર્ગત કેટલાક વિચારબિંદુઓ અગાઉ પ્રકાશિત (ભાગ-1, 2, 3, 4) કર્યા હતા. એ અનુસંધાનમાં આજે થોડાક વધુ વિચારબિંદુઓને મમળાવીએ.]

[1] આપણને જે વસ્તુની, જે રીતે, જેટલી માત્રામાં અસર થતી હોય, એ જ વસ્તુની એટલી માત્રામાં એ રીતે અન્યને અસર ન પણ થાય. બસ, માત્ર આટલું જ વિચારીને આપણે અન્યને આપણા જેવા કરવાની ખોટી મહેનત મૂકી દેવી જોઈએ.

[2] નોકરી એ ‘એક્સપ્રેસ-વે’ છે. નિવૃત્ત થતા સુધી તમે આરામથી એક ધાર્યું જીવી શકો છો. ધંધામાં એવું નથી. ધંધો ઊબડખાબડ અને કાચો રસ્તો છે. તે ધીમે ધીમે છતાં પણ પહોંચાડે તો છે જ. એમાં વ્યક્તિ ઘડાય છે અને ઘણું અનુભવે છે. પરંતુ ત્રીજી વાત કલા-સાહિત્ય-સંગીત આદિ સાવ જુદા જ રસ્તાઓની છે. આ બધા જંગલના રસ્તા છે. અહીં બહુ અવરજવર નથી. પ્રકૃતિના ખોળે રખડવાનો અપાર આનંદ છે પરંતુ એ આનંદ ‘એક્સપ્રેસ-વે’ પર જનારાને નથી સમજાતો.

[3] દૂરથી કોઈ વ્યક્તિને જોઈને તે તંદુરસ્ત છે એમ ન કહી શકાય. એ માટે કેટલાંક તબીબી પરિક્ષણોના રિપોર્ટ જોવા પડે. એ જ રીતે સાવ ઉપર ઉપરથી જોઈને સમાજ વિકાસ કરી રહ્યો છે એમ ન કહી શકાય. એ માટે નૈતિક મૂલ્યો, પ્રેમ, સહકાર, પારિવારીક સ્નેહ વગેરેની સમાજમાં શું સ્થિતિ છે, તે અંગેનું મંતવ્ય વિચારવાન અને વિદ્વાન વ્યક્તિઓ પાસેથી મેળવવું પડે.

[4] મૂર્ખ માતાપિતા એ છે જે બાળકને ફક્ત બુદ્ધિશાળી બનાવવા પ્રયત્ન કરે છે. બુદ્ધિશાળી માતાપિતા એ છે જે બાળકના હૃદયની કેળવણી માટે પ્રયત્ન કરે છે.

[5] અભ્યાસ, નોકરી અને લગ્ન – આ ત્રણેય અત્યંત વેગપૂર્વક માણસને બિંબાઢાળ જિંદગી તરફ ખેંચી જનારા છે. આ ત્રણેયમાંથી પસાર થાય બાદ પણ જો વ્યક્તિ સર્જનાત્મક રહી શક્યો હોય તો એમ સમજવું કે તે ખરેખર જન્મજાત કલાનો ઉપાસક છે.

[6] આખી દુનિયામાં બે જ પ્રકારના લોકો વસે છે : એક કહે છે ‘સમય મળતો નથી….’ બીજા કહે છે કે ‘સમય જતો નથી…’. મજાની વાત એ છે કે આ બંને છે તો એક જ પ્રકારના લોકો પરંતુ ઉંમરના ભેદને કારણે તેઓ આ સ્થિતિ જુદી જુદી રીતે અનુભવે છે.

[7] આજકાલ ફક્ત ટીવી સિરીયલની વચ્ચે જ જાહેરખબર આવે છે એવું નથી, ટીવી સિરીયલ પોતે જ એક જાહેરખબર છે – હજારો ચીજવસ્તુઓ અને ઉપકરણોની. આપણે સવારથી ઊઠીએ ત્યારથી માત્ર ને માત્ર ગ્રાહકો છીએ. આ બધા વચ્ચે ‘માણસ’ બનવાની તક આપણે જાતે શોધી લેવાની છે.

[8] વાચનનો રસ ન હોય તો તેનો કંઈક ઉપાય થઈ પણ શકે પરંતુ ભાષાનો જ જો સ્પર્શ ન હોય તો પછી કંઈ બચતું નથી. દુર્ભાગ્યે આપણે એવી ભાવી પેઢી ઊભી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે પોતાની માતૃભાષાથી દૂર ને દૂર થતી જાય છે. માત્ર એટલું જ નહિ, આમ કરવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ !

[9] યુનિવર્સિટીઓએ પોતાના દરેક અભ્યાસક્રમની સાથે એક ફરજિયાત નવો અભ્યાસક્રમ શરૂ કરવો જોઈએ. એનું નામ DOP (Diploma in Office Politics) રાખી શકાય. નોકરી મેળવતા સુધી ડિગ્રીની જરૂરિયાત રહે છે પરંતુ આ અભ્યાસક્રમની વિશેષતા એ છે કે તે નોકરી મળ્યા બાદ પણ કામ લાગે છે.

[10] જે લોકોને પુસ્તકોની વચ્ચે જીવવાનું સદભાગ્ય મળે છે તેઓ શહેરમાં રહેતા હોવા છતાં નિત્ય વનવાસી છે કારણ કે પુસ્તકો બને છે જ વૃક્ષોમાંથી જ ને !

[11] સામેની વ્યક્તિનું મન આપણે બરાબર જાણતા હોઈએ, ભાવ સમજતાં હોઈએ, એની દરેક ચાલ આપણને ખબર હોય અને તેની ચાલાકીને પણ સમજી શકતા હોઈએ… તે છતાં આપણે પોતાની પરનો કાબૂ જાળવી રાખીને અન્યનો સ્વીકાર કરવો એ ઘણી મોટી વાત છે. આમ કરવામાં માત્ર સહનશક્તિ નહીં, પરંતુ આત્મશક્તિની જરૂર પડે છે.

[12] આજે આપણે એવા સમાજમાં જીવીએ છીએ જેમાં કોઈને કોઈ માટે સમય નથી, આપણું વર્તુળ આપણા પરિવાર પૂરતું સીમિત છે. આપણી આસપાસના લોકોના જીવન તરફ આપણને જોવાની ફુરસદ નથી. કોઈની સાથે વાત કરવાનીયે નવરાશ નથી. આપણા પરીચિતોની સમસ્યાઓને જાણવા છતાં નજરઅંદાજ કરવાનું આપણને આવડી ગયું છે. આમ કરીને આપણે પોતે જ પોતાને એકલતાની ગર્તામાં ધકેલી રહ્યા છે તે આપણે સમજી શકતા નથી. પરંતુ શિક્ષિત લોકો આને સારા શબ્દોમાં ‘વિકાસ’ (!) કહે છે !!

[13] આપણા દુઃખો એ સામાન્ય પ્રકારના LCD સ્ક્રીન જેવા છે, થોડું જ બાજુ પર ખસીને જોઈએ તો એ દુઃખો જરાય દેખાશે નહીં !! બસ, થોડો એન્ગલ (અભિગમ) બદલતાં આવડવું જોઈએ… જીવનમાં સાહિત્ય આદિ કલાઓ અભિગમ બદલવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

[14] અલ્લાઉદ્દીનના જાદુઈ ચિરાગને આજના સમયમાં ‘ગૂગલ’ કહે છે. ગુગલના હોમપેજ પર રહેલું પેલું ખાલી બૉક્સ જાણે એમ કહેતું હોય છે : ‘ક્યા હુકુમ હૈ મેરે આકા !’ અને પછી એ ગણતરીની સેકન્ડોમાં એનું કામ પૂરું કરે છે. આ જીન જો થોડી ક્ષણો માટે પણ આરામ ફરમાવે તો કોણ જાણે કેટલાય અગત્યના કામો ઠપ્પ થઈ જાય !

[15] હે કૃષ્ણ, જો આપ દિવ્યદ્રષ્ટિ આપવા ઈચ્છતા હોવ તો એવી દિવ્યદ્રષ્ટિ આપજો કે જેથી અમને અમારા નજીકના લોકોમાં સારા ગુણો દેખાય, અમારી આસપાસ રહેલા લોકો પ્રત્યે અમને પ્રેમ જાગે, અમારી ચોતરફ રહેલા ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પ્રત્યે અમારું વિશેષ ધ્યાન રહે. હે પ્રભુ ! અમને અર્જુનની જેમ આપના વિશાળ રૂપમાં રસ નથી, અમારે માટે તો આપનું આ વ્યાપક રૂપ જ વધુ દર્શનીય છે.

[16] સ્કૂલ, કૉલેજ-યુનિવર્સિટીઓને પોતાના અભ્યાસક્રમો અપડેટ કરવામાં વર્ષો નીકળી જાય છે, તો એ વિદ્યાર્થીઓના જીવનને તો શું અપડેટ કરી શકે ?! આજનું શિક્ષણ ફક્ત ટોળાઓમાં રહેનાર લોકો માટે જરૂરી છે. જેને પોતાની કોઈ વિશિષ્ટ ઓળખ ઊભી કરવી છે તેને આ યુનિવર્સિટીઓ નાની પડે તેમ છે. એટલે જ, વાસ્તવિકતા એ છે કે દુનિયાની અનેક શાળા-કૉલેજોના નામ એવા વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવ્યાં હોય છે કે જેઓ કદી શાળા-કૉલેજમાં ગયા નથી પરંતુ આખું જગત ક્યારેય ન ભૂલી શકે એવી પોતાની ઓળખ ઊભી કરી છે.

[17] શરીરના કોઈ અંગને તકલીફ થાય તો આંખ તે જોઈ શકે છે પરંતુ આંખને કોઈ તકલીફ થાય તો તે પોતે પોતાને જોઈ શકતી નથી. એની માટે અરીસાની કે કોઈ અન્ય વ્યક્તિની મદદ લેવી પડે છે. એ રીતે આપણામાં રહેલી ખામીઓ આપણે જાતે જોઈ શકતા નથી. એની માટે બીજાની મદદ લેવી પડે છે. આ બીજાની મદદ લેવી એનું જ નામ વાંચન. ઉત્તમ વાંચન અરીસા જેવું કામ કરે છે.

[18] રોજિંદી ઘટમાળથી શારીરિક-માનસિક થાક અનુભવતા લોકોને અગાઉ ડૉક્ટરો હવા ફેર કરવાની સલાહ આપતાં. આજના સમયમાં ડૉક્ટરોએ એવું કહેવું પડે છે કે : ‘હવા ફેર કરવા ચોક્કસ જજો પરંતુ એવું સ્થળ પસંદ કરજો કે જ્યાં મોબાઈલનું નેટવર્ક ન આવતું હોય !’

[19] આપણા શરીરનું બંધારણ એવું છે કે તેને વારંવાર અન્યની સેવા લેવી પડે છે. પરંતુ ક્યારેક આ શરીરમાં રહીને અન્ય વ્યક્તિની જ્યારે સેવા કરવાનો મોકો મળે ત્યારે એ જ ખરેખર ભાગ્યનો સૂર્યોદય છે.

[20] આપણા જે તે કાર્યક્ષેત્રમાં જ્યારે આપણને આળસ આવે અને કામથી વિમુખ થવાનું મન થાય ત્યારે આપણે શાળાઓની મુલાકાત લેવી જોઈએ. ત્યાં ભણતાં ભૂલકાંઓ દ્વારા ઈશ્વર આપણને જાણે એ સંદેશ આપતો હોય છે કે “ભલે ! તમે ન કરો તો કંઈ નહીં. મારી પાસે એના લાખો વિકલ્પો છે, જે તૈયાર થઈ રહ્યા છે !”

[21] પ્રકૃતિનો નિયમ એવો છે કે જે જેટલું આ જગતને વધારે ને વધારે સમજે છે એટલું તેને વધુ ને વધુ સહન કરવાનું આવે છે. આ રીતે સમજદાર વ્યક્તિની સહન શક્તિ બેવડાતી જાય છે અને કુદરત એને વધુ ને વધુ ઊંચાઈ પર લેતી જાય છે. મહાપુરુષોના જીવનમાં આવેલા અકલ્પનીય સંઘર્ષો એની સાબિતી છે.

[22] દીકરો અવતરે ત્યારે માતાપિતા એને ઘડપણનો આધાર માનીને હરખાય છે. એ જ રીતે દીકરી અવતરે ત્યારે માતા એને ઘરકામનો આધાર માની બેસે છે. પરંતુ આ બંને માન્યતાઓ થોડા જ વર્ષોમાં દૂર થઈ જાય છે, જ્યારે દીકરો ‘સ્વતંત્રતા’ના નામે ઘરથી દૂર થાય છે અને દીકરી ‘અભ્યાસ’ ના બહાને ઘરકામથી મોં ફેરવી લે છે. જે કુટુંબમાં આમ ન થતું હોય એ કુટુંબોના દરેક સદસ્યો ખરેખર પ્રણામ કરવાને યોગ્ય છે !

[23] જાહેરાત કરનારી કંપનીઓ જો ‘Conditions Apply’ લખવાનું ભૂલી જાય તો એમનું દરેક કાર્ય સમાજસેવાની સમકક્ષ થઈ જાય !

[24] આપણે જરૂરી કામ હોય ત્યારે આપણે કોઈનો સંપર્ક કરીએ એને ‘ઓળખાણ’ કહેવાય. પરંતુ આપણને કંઈ જ કામ ન હોય તે છતાં સંપર્ક રાખવાનું મન થાય એને ‘સંબંધ’ કહેવાય. વાસ્તવિક જગતમાં બને છે એવું કે અમુક ઓળખાણો, સંબંધ જેટલી નજીક હોય છે અને અમુક લોહીના સંબંધો હોવા છતાં ઓળખાણો જેટલાં દૂર હોય છે !

[25] સાઈકલનું પૈંડુ કે કોઈપણ ચક્ર જ્યારે અત્યંત વેગથી ફરે છે ત્યારે તે સ્થિર દેખાય છે. આપણને પણ રોજ સવારે એમ લાગે છે કે આ દુનિયા તો જે છે એ જ છે ને ? એમાં વળી નવું શું છે ! પરંતુ આ દેખાતું જગત એટલા વેગથી પરિવર્તન પામે છે કે તે આપણને સદા સ્થિર હોવાનો આભાસ કરાવે છે.

[26] જેને કોઈનો સંગાથ ન હોય તેવો એકલોઅટૂલો માણસ જો એકલતાથી પીડાઈને એકલો બોલબોલ કરતો હોય તો લોકો એમ કહેતાં કે ‘એ તો ભીંત સાથે વાતો કરે છે !’ એટલે કે દીવાલ સિવાય કોઈ એની સાથે વાત કરનાર બચ્યું નથી. આ જ બાબત ઈન્ટરનેટની દુનિયામાં પણ બનતી લાગે છે, કદાચ એટલે જ ફેસબુકમાં ‘Wall’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે !!

[27] વ્યક્તિત્વની ઓળખ માટે અગાઉ માણસના હાવભાવ, તેની ભાષા, તેનો પહેરવેશ અને રહેણીકરણીને ધ્યાનમાં લેવામાં આવતી. આજે હવે આ યાદીમાં થોડી અન્ય બાબતોનો ઉમેરો કરવો પડે તેમ છે; જેમ કે મોબાઈલનો રીંગટોન, કોલરટ્યૂન, મોબાઈલ વૉલપેપર, કમ્પ્યૂટરનું વૉલપેપર, ફેસબુકની વૉલ વગેરે. આજના સમયમાં વ્યક્તિત્વની ઓળખ માટે આ બધી બાબતોને નકારી શકાય તેમ નથી.

[28] માણસ જે બોલે છે એ બધું ‘Uploading’ છે અને માણસ જે વિચારે છે એ બધું ‘Downloading’ છે. અહીં જે કંઈ બોલાય છે તે આ આકાશરૂપી સર્વરમાં ‘Save’ થાય છે. અવકાશ વગર શબ્દ ગતિ કરી શકતો નથી, એ તો સિદ્ધ બાબત છે. માણસ ક્યારેક એકાંતમાં બેઠો હોય ત્યારે કોઈક વિચાર એના મનમાં એકદમ ઝબકી જાય છે, એ એક અર્થમાં ‘Downloading’ છે. એથી, જે વિચાર આપણને આજે આવ્યો હોય તે અગાઉ કોઈ અન્ય જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પણ આવ્યો હોય તેમ બની શકે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ડાયરીમાંથી…. – પ્રજ્ઞા મહેતા
સહસ્ત્ર-ચંદ્ર-દર્શન – અરુણા જાડેજા Next »   

14 પ્રતિભાવો : વિચારબિંદુઓ (ભાગ-5) – મૃગેશ શાહ

 1. kaushal says:

  ખુબ જ સુંદર ને જીવન માં રોજબરોજ ની થતી ધટના પર છે.

  આભાર મ્રુગેશભાઈ

  લી.
  કૌશલ પારેખ

 2. kumar says:

  “નોકરી એ ‘એક્સપ્રેસ-વે’ છે. નિવૃત્ત થતા સુધી તમે આરામથી એક ધાર્યું જીવી શકો છો. ”
  માફ કરજો પણ હુ આની સાથે સંમત નથી.

  • vijay says:

   પરંતુ એ આનંદ ‘એક્સપ્રેસ-વે’ પર જનારાને નથી સમજાતો.
   >> તો ‘એક્સપ્રેસ-વે’નો આનંદ જંગલમા જનારાને પણ નથી સમજાતો.બધાને પોતપોતાની મજા હોય છે.

   વીજય

  • mahendra says:

   You are 100% right.I agree with YOU.

 3. આવા સુંદર વિચારબિંદુઓનો હોજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો chhe.આભાર.

 4. Kabeer says:

  Nokri Vadi vaat sivay badha ma sahmati che… khub saras vichar lekh.

 5. Nilesh says:

  I agree with nokri is a expressway..this is not about if people enjoy their work or not this is more about 9 to 5 everyday routine life.All our lives goes in so much routine that we do not take out time for things that we always want to do..Can you go hiking, trailing, camping for month if you working..We are so much occupied in nokri, politics, sports, etc etc..but we do not have time for ourselves..thats reality..

 6. JyoTs says:

  વાહ મ્રુગેશભૈ મજા આવિ ગઈ….આભાર્….

 7. bav shikva madi u very very nice aakhi jivan jiv va ni rit aavi gai.
  Thank u.

 8. ખૂબ જ સુંદર વિચારબિંદુઓ. હું નોકરી કરું છું અને મૃગેશભાઈ સાથે સહમત છું. જો કે એક્ષપ્રેસ વે કરતા વધુ સારી ઉપમા “ટ્રેનના પાસધારકો”ની લાગે છે. રોજ જવાની ટ્રેન, ટ્રેનનો ડબ્બો નિયમીત, પરિચીત લોકો, પરિચીત હાડમારીઓ અને કેટલીક અનિશ્ચીતતાઓ …

  મૃગેશભાઈ, વિચારબિંદુઓનુ એક સરસ પુસ્તક બની શકે એમ છે. ન બનાવવુ હોય તો pdf બનાવીને સાઈટ પર મૂકી દેવા વિનંતી.
  આભાર,
  નયન

 9. Rajni Gohil says:

  વિચારબિંદુઓ આજના જમાનાને અનુરૂપ અને સમજીને અમલમાં મુકવા જેવા છે. બિંદુઓ સરોવર બનાવી શકે અને તરસ પણ છિપાવી શકે. જો એમ ને એમ પડી રહે તો બાશ્પિભવન થઇ ઉડી જાય. અહીં પણ અવું જ છ>

 10. raj says:

  resp.mrugeshbhai
  very good
  raj

 11. shailesh says:

  સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.